Diwali books and stories free download online pdf in Gujarati

દિવાળી

લેખ:- દિવાળી
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની


હિંદુ ધર્મના તમામ તહેવારોમાં દિવાળીનો તહેવાર સૌથી મોટો ગણાય છે. પાંચ દિવસ સુધી ચાલતો આ તહેવાર છે. આ તહેવારો છે - વાક્બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ. એનો બીજો દિવસ ભાઈ બહેનનાં પ્રેમનું પ્રતિક છે - ભાઈ બીજ. આસો માસનો અંત અને કારતક માસની શરૂઆત એ આ તહેવારો છે.

કેટલાંક વિસ્તારોમાં દિવાળીનો તહેવાર આસો વદ એકાદશીથી લઈને કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમ સુધીનો ગણાય છે, તો કેટલાંક વિસ્તારોમાં ધનતેરસથી બેસતું વર્ષ આવે ત્યાં સુધી દિવાળી ગણાય છે. ગમે તે હોય પણ આખા દેશમાં આ તહેવાર સાર્વજનિક તહેવાર તરીકે ધામધૂમથી ઉજવાય છે.

દરેક ધર્મ અને પ્રાંત પ્રમાણે દિવાળીની ઉજવણી સાથે જુદી જુદી ઘટનાઓ જોડાયેલી છે. આજે આપણે દિવાળીની સાથે સાથે એની ઉજવણી કઈ જગ્યાએ શા માટે કરવામાં આવે છે તે પણ જોઈશું.

દિવાળીના તહેવારની સાથે હિંદુઓની ઘણી મહત્વની ઘટનાઓ સંકળાયેલી છે.


રામનું અયોધ્યા આગમન :

વનવાસ અને યુદ્ધમાં રાવણના મૃત્યુ પછી 14 વર્ષે અયોધ્યાના રાજા રામ પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા તેની ખુશીમાં પણ દિવાળી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અંધકારભર્યા માર્ગમા પ્રકાશ પાથરવા માટે અયોધ્યાના લોકોએ ઘીના દીવા કર્યા હતા. દક્ષિણ ભારતમાંથી રામે પોતાના ઉત્તર ભારતમાં તેમના રાજ્ય તરફ મુસાફરી કરી હોવાથી તેઓ પહેલા દક્ષિણમાંથી પસાર થયા હતા.આ કારણથી દક્ષિણ ભારતમાં આ તહેવાર એક દિવસ વહેલો ઉજવાય છે.


નરકાસુરનો વધ :

દિવાળીના એક દિવસ પહેલા ઉજવાતો નરક ચતુર્દશીનો દિવસ અત્યાચારી રાક્ષસ નરકાસુરનો વધ કૃષ્ણના પત્ની સત્યભામાએ કર્યો હતો. આ ઘટના કૃષ્ણના અવતાર સમયે દ્વાપર યુગમાં બની હતી. અન્ય એક કથા મુજબ, રાક્ષસને કૃષ્ણએ માર્યો હતો. કૃષ્ણએ પત્ની સત્યભામાને ઈન્દ્રને હરાવવા નર્શને મારવા ઉશ્કેર્યા હતા. ગોવર્ધન પૂજા દિવાળીના એક દિવસ બાદ ઉજવાય છે. આ દિવસે કૃષ્ણએ વરસાદ અને વીજળીના દેવતા ઈન્દ્રને હરાવ્યા હતા.

ભારત અને નેપાળના ઘણા વિસ્તારોમાં હિન્દુ માન્યતા અનુસાર 14 વર્ષનાં વનવાસ બાદ રામના આગમન અને રાવણ પરના તેમના વિજયની ઉજવણીનું આ પર્વ છે. સમય જતાં આ શબ્દ ભારતમાં દિવાળી અને નેપાળમાં દિપાવલીમાં ફેરવાઈ ગયો, પરંતુ આજે પણ ભારતની દક્ષિણ અને પૂર્વની ભાષાઓમાં હજુ પણ આ શબ્દ તેના મૂળસ્વરૂપે જળવાયો છે.


વિવિધ ધર્મોમાં દિવાળી:-

ભારતમાં માત્ર હિંદુઓ જ નહીં અન્ય ધર્મોનાં લોકો પણ દિવાળી મનાવે છે અને તેમનો દરેકનો એની પાછળ એક અલગ જ ઈતિહાસ છે. આજે જણાવીશ એ બાબતો.


જૈન ધર્મમાં દિવાળી:-

ઈ. સ. પૂર્વે 527માં દિવાળીના દિવસે જ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા હતા. તેનાં પ્રતિક રૂપે તેઓ દિવાળી દેરાસરમાં જઈને મનાવે છે.


શીખ ધર્મમાં દિવાળી:-

છઠ્ઠા શીખ ગુરુ હર ગોબિંદજી(ઈ. સ. 1595 થી ઈ. સ. 1644માં થઈ ગયા)ને બાદશાહ જહાંગીરે અન્ય 56 હિંદુ રાજાઓની સાથે ગ્વાલિયરના કિલ્લામાં બંદી બનાવ્યા હતા. તેમને જ્યારે મુક્ત કરવામાં આવ્યા ત્યારે દિવાળી જ હતી. કેદમાંથી મુક્ત થયા અને તેઓ પંજાબ પાછા ફર્યા ત્યારથી તેમની યાદમાં શીખ ધર્મમાં અમૃતસર શહેરને ઝગમગાવવામાં આવે છે અને દિવાળીનો તહેવાર મનાવવામાં આવે છે.

અન્ય કેદીઓને મુક્ત કર્યા બાદ તેઓ પવિત્ર શહેર અમૃતસરમાં આવેલ દરબાર સાહિબ એટલે કે વિશ્વવિખ્યાત સુવર્ણ મંદિરમાં ગયા હતા અને ત્યાં લોકોએ મીણબત્તીઓ અને દીવડાઓ પ્રગટાવીને ગુરુને ઉમળકાભેર આવકાર આપ્યો હતો. આ કારણથી શીખો દિવાળીને બંદી છોડ દિવસ એટલે કે "કેદમાં પુરાયેલા લોકોની આઝાદીનો દિવસ" પણ કહે છે.


બૌદ્ધ ધર્મમાં દિવાળી:-

હિંદુઓની બહુમતી ધરાવતા દેશ નેપાળમાં બૌદ્ધ ધર્મ પાળવામાં આવે છે. ત્યાંના બૌદ્ધધર્મીઓમાંથી નેવાર બૌદ્ધધર્મીઓ દિવાળીનો તહેવાર ઉજવે છે. ભારત અને નેપાળમાં હવે દિવાળીને રાષ્ટ્રીય તહેવાર ગણવામાં આવે છે. ધર્મ-સંપ્રદાયના ભેદભાવ વગર નેપાળ અને ભારતના મોટાભાગના લોકો આ તહેવારને ઉજવે છે.


હિંદુ પંચાંગની વિવિધતા:-

હિંદુ પંચાંગની અમંતા એટલે કે નવા ચંદ્રનો અંત આવૃત્તિનો રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. દક્ષિણ ભારત, ગુજરાત અને મહારાષ્ટ્રમાં પ્રચલિત આ પંચાંગ મુજબ આસો માસનાં છેલ્લા ચાર દિવસ અને કારતક મહિનાના શરૂઆતના બે દિવસો, આમ કુલ છ દિવસ સુધી તહેવાર ઉજવવામાં આવે છે.

જ્યારે ઉત્તર ભારતમાં પ્રચલિત પૂર્ણિમાંતા એટલે કે "પૂર્ણ ચંદ્રનો અંત" આવૃત્તિ મુજબ તે આસો મહિનાની મધ્યમાં આવે છે. ગ્રેગેરિયન કેલેન્ડર મુજબ તે સામાન્ય રીતે ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં આવે છે.

નેપાળમાં નેપાળી પંચાંગ મુજબ તેની ઉજવણી કરાય છે. આ તહેવાર નેપાળી વર્ષના છેલ્લા ત્રણ દિવસો અને પ્રથમ બે દિવસ દર્શાવે છે.


દિવાળીનો અર્થ:-

દિપાવલી નો અર્થ થાય છે દીવડાઓની હારમાળા. સંસ્કૃતમાં દિપ એટલે કે દીવડો અને આવલી એટલે કે હારમાળા. ઘણી આધુનિક ભાષાઓમાં અને ખાસ કરીને ઉત્તર ભારતમાં તેને દિવાળીના ટૂંકા નામથી ઓળખવામાં આવે છે.

માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ દિવાળી ઉજવવામાં આવે છે. ભારતનાં કેટલાંક પ્રદેશો અને વિદેશમાં ઉજવાતી દિવાળી જોઈએ.

યુનાઈટેડ કિંગડમ, નેધરલેંડ, ન્યૂઝીલેન્ડ, સુરીનામ, કેનેડા, ગુયાના, કેન્યા, મોરિશિયસ, ફિજી, જાપાન, ઈન્ડોનેશિયા, મલેશિયા, મ્યાનમાર, નેપાળ, સિંગાપોર, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, ટાન્ઝાનિયા, ટ્રિનિદાદ એન્ડ ટોબેગો, જમૈકા, થાઈલેન્ડ, યુનાઈટેડ આરબ અમિરાત, ઓસ્ટ્રેલિયા જેવા દેશો, આફ્રિકાના ઘણા વિસ્તારોમાં, અને યુનાઈટેડ સ્ટેટ્સ સહિત અનેક દેશોમાં ઉજવણી થાય છે.

કેટલાક દેશોમાં મુખ્યત્વે ભારતીય મૂળના વ્યક્તિઓ દ્વારા તેની ઉજવણી થતી હોવા છતાં અન્ય લોકોમાં પણ તે સામાન્ય સ્થાનિક સંસ્કૃતિનો ભાગ બની ગયું છે.


ટ્રિનિદાદ એન્ડ ટોબેગો:-

ટ્રિનિદાદ એન્ડ ટોબેગોમાં તમામ ટાપુઓના સમુદાયો એકત્ર થાય છે અને આ તહેવાર ઉજવે છે. ત્યાંનાં લોકો પૂર્વ ભારતીય સંસ્કૃતિમાં માને છે. મંચ પર કાર્યક્રમો આપે છે, લોક નાટ્યમાં લઘુનાટિકા અને નાટકો, હિન્દુ ધર્મના કોઈ પાસા પર પ્રદર્શન, હિંદુ ધર્મના વિવિધ વિભાગો અને સામાજિક સંગઠનો દ્વારા ઝાંખીઓ યોજાય છે અને રાત્રે દેવી લક્ષ્મીની પૂજા થાય છે, દીવા પ્રગટાવવામાં આવે છે અને ભારતીય સંસ્કૃતિની વિવિધ પાઠશાળાઓ કલા રજૂ કરે છે. ભારતીય તથા બિન-ભારતીય શાકાહારી વાનગીઓનું ખાણી-પીણી બજાર ભરાય છે. આ દિવસોમાં તેઓ દારૂ તથા માંસાહારનો ત્યાગ કરે છે. ઉત્સવમાં દીવાળીના ફટાકડાઓની ભવ્ય આતશબાજી થાય છે.


નેપાળ:-

નેપાળમાં દિવાળીને "તિહાર" અથવા "સ્વાન્તિ" તરીકે ઓળખાય છે. પ્રથમ દિવસને કાગ તિહાર કહેવાય છે. આ દિવસે કાગડાઓને દૈવી દૂત ગણીને ભોગ ધરાવવામાં આવે છે. બીજા દિવસને કૂકૂર તિહાર કહેવાય છે. આ દિવસે વફાદારી માટે કૂતરાઓની પૂજા કરાય છે. ત્રીજા દિવસે લક્ષ્મી પૂજા થાય છે અને ગાયનું પૂજન કરાય છે. નેપાળ સંવત મુજબ આ છેલ્લો દિવસ હોવાથી ઘણા વેપારીઓ આ દિવસે તેમના હિસાબો ચોખ્ખા કરીને બંધ કરે છે અને લક્ષ્મીમાતાની પૂજા કરે છે. ચોથો દિવસ નવા વર્ષ તરીકે ઉજવાય છે. આ દિવસે સાંસ્કૃતિક સરઘસો અને અન્ય ઉજવણીઓનું આયોજન થાય છે. નેવારો આને "મ્હા પૂજા" તરીકે ઉજવે છે અને આ દિવસે આગામી વર્ષ માટે શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવાની વિશેષ વિધિમાં શરીરની પૂજા કરે છે. "ભાઈ ટિકા" તરીકે ઓળખાતા પાંચમા અને છેલ્લા દિવસે ભાઈઓ અને બહેનો મળે છે તથા ભેટની આપ-લે કરે છે.


મલેશિયા:-

મલેશિયામાં દિવાળીને "હરી દીપાવલી" તરીકે ઓળખવામાં આવે છે. હિંદુ સૂર્ય પંચાંગના સાતમા મહિના દરમિયાન તેની ઉજવણી થાય છે. સમગ્ર મલેશિયામાં સરકાર દ્વારા જાહેર રજા હોય છે. ભારતીય ઉપખંડમાં પળાતી પરંપરાને તે ઘણી રીતે મળતી આવે છે. 'ખુલ્લા આવાસ' યોજાય છે, જ્યાં હિંદુ મલેશિયનો વિવિધ જાતિ અને ધર્મના સભ્યોને આવકારે છે અને સમૂહભોજન લે છે. 'ખુલ્લા આવાસ'ને ત્યાંની ભાષામાં 'રુમાહ તેર્બુકા' કહેવાય છે.


સિંગાપોર:-

સિંગાપોરમાં આ તહેવાર "દીપાવલી" કહેવાય છે અને તેમાં સરકારી આજ્ઞાપત્ર મુજબની જાહેર રજા હોય છે. ત્યાં રહેતો ભારતીય સમુદાય આ તહેવાર ઉજવે છે. લિટલ ઈન્ડિયા જિલ્લામાં થતી રોશની તેની લાક્ષણિકતા છે. સિંગાપોરનું હિન્દુ એન્ડોમેન્ટ બોર્ડ ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરે છે.


શ્રીલંકા:-

શ્રીલંકામાં આ તહેવાર "દીપાવલી" પણ કહેવાય છે અને તમિલ સમુદાયના લોકો તેની ઉજવણી કરે છે. આ દિવસે નવા વસ્ત્રો પહેરવાની અને ભેટોની આપ-લે કરવાની પરંપરા છે.


બ્રિટન:-

બ્રિટનમાં હિંદુઓ અને શીખો ભારે ઉત્સાહથી દિવાળી ઉજવે છે અને મોટાભાગે તેમની ઉજવણી ભારત જેવી જ હોય છે. લોકો સફાઈ કરીને તેમના ઘરને દીવા અને મીણબત્તીથી શણગારે છે. દીવા એ આ શુભદિવસના પ્રતિક રૂપે લોકપ્રિય બનેલી મીણબત્તી છે. લોકો એકબીજાને લાડુ અને બરફી જેવી મિઠાઈ આપે છે. બ્રિટનમાં દિવાળી જાણીતો તહેવાર બની રહ્યો છે. એની ઉજવણીમાં બિન-ભારતીયો પણ જોડાય છે. ભારતની બહાર થતી કેટલીક સૌથી મોટી ઉજવણીઓમાં લેસેસ્ટર યજમાનની ભૂમિકા ભજવે છે.


ન્યૂઝીલેન્ડ:-

ન્યૂઝિલેન્ડમાં દક્ષિણ એશિયન સમાજના ઘણા જૂથો જાહેરમાં દિવાળીની ઉજવણી કરે છે. મુખ્ય જાહેર તહેવારો ઓકલેન્ડ અને વેલિંગ્ટનમાં થાય છે. ન્યૂઝિલેન્ડની સંસદમાં ઈ. સ. 2003થી અધિકૃત સત્કાર સમારંભ યોજાઈ રહ્યો છે.


ઓસ્ટ્રેલિયા:-

ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના લોકો અને સ્થાનિક ઓસ્ટ્રેલિયનો મેલબોર્નમાં દિવાળીની જાહેરમાં ઉજવણી કરે છે. 21મી જુલાઈ 2002ના રોજ મેલબોર્નમાં ભારતીય તહેવારો ઉજવવા સ્વતંત્ર સંગઠનોના સમૂહ અને વ્યક્તિઓને એકઠા કરીને એક સંસ્થા “ધી ઓસ્ટ્રેલિયન ઈન્ડિયન ઈનોવેશન્સ ઈનકોર્પોરેટેડ”(AIII)ની સ્થાપના કરવામાં આવી હતી. ભારતના સાંસ્કૃતિક અરીસાનું ચિત્ર સમજવા માટે AIII સુવિધા આપે છે અને મેલબોર્નમાં રહેતા ભારતીયો ભારતીય કળા, સંસ્કૃતિ, પદ્ધતિ, પરંપરા અને વાનગીઓનું પ્રદર્શન કરી શકે તે માટે સેમિનાર, ઉજવણીઓ, મેળા અને કાર્યક્રમોનું આયોજન કરે છે. પ્રથમ પ્રારંભિક દિવાળી ઉત્સવ-2002 રવિવાર 13 ઓક્ટોબર 2002ના રોજ સેન્ડાઉન રેસકોર્સ ખાતે યોજાયો હતો.


ફટાકડા:-

દુનિયાનાં ગમે તે ખૂણે દિવાળી ઉજવાય, એનું મુખ્ય આકર્ષણ તો ફટાકડા જ છે! નાનાં મોટાં સૌ કોઈ ફટાકડાથી આકર્ષાય છે. તેમાંય આતશબાજીની મજા તો કંઈ ઓર જ છે! ફોડનાર જેટલો આનંદ અનુભવે છે એનાથી અનેકગણો વધુ આનંદ આતશબાજી જોનારને આવે છે. ચકરડી, કોઠી, ફૂલઝડી, તારામંડળ, રોકેટ અને બીજાં ભાતભાતના ફટાકડાઓ બાળકોનું મન મોહી લે છે.

પરંતુ પર્યાવરણને હાલમાં જે નુકસાન થઈ રહ્યું છે એ જોતાં એવું લાગે છે કે ફટાકડાનો વપરાશ થોડો ઓછો થવો જોઈએ. મોડી રાત સુધી ફટાકડા ફોડવાથી પક્ષીઓને પણ ઘણું નુકસાન થાય છે. વધુ અવાજથી તેમની દિનચર્યા ખોરવાઈ જાય છે. ક્યારેક ફટાકડા ફોડતી વખતે ધ્યાન ન રાખવામાં આવે તો ગંભીર અકસ્માત થઈ શકે છે. બાળકો જ્યારે ફટાકડા ફોડતાં હોય છે ત્યારે એમની સાથે એક વડીલ વ્યક્તિ સાથે રહે એ ઉચિત છે.

આમ, દિવાળી કે દીપાવલી એ ખુશી, ઉમંગ, ઉત્સાહ અને સમર્પણનો તહેવાર તો છે જ, પણ જો સાથે સાથે થોડું ધ્યાન રાખીએ તો એની સારી રીતે મજા પણ માણી શકીએ.


સ્નેહલ જાની