Milan books and stories free download online pdf in Gujarati

મિલન

ધોધમાર વરસાદનો પ્રવાહ જેમ ધસમસી રહ્યો હતો તેમ સુનિધિનું મન પણ ભૂતકાળમાં ધસમસી રહ્યું હતું.

એ સાંજે પણ આવો જ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો કાળું મેષ આભ પોતાનાં અંતરના બધાજ અશ્રુઓ જાણે એકસાથે વહાવી નાંખવાની જીદ લઈને બેઠું હતું. વાદળોનો ગડગડાટ તોફાની વાતાવરણને વધુ ભયંકર બનવમાં પોતાની સહાયતા હોંશે હોંશે પૂરી પાડી રહ્યું હતું. કોઈ પૂર્વ તૈયારી વગર જેમ આ તોફાની વરસાદ ધસમસી આવ્યો હતો તેમ જ આજે તેનાં મનનાં વિચારો તેના ઉપર હાવી થઈ તેને ભૂતકાળમાં ધકેલી દીધી હતી.

આ એવી જ એક તોફાની વરસાદી સાંજ હતી જ્યારે તે અને નીશીત આમ એકાએક વરસતા વરસાદમાં મળી ગયા હતા.

ત્યારે તે બાવીસ વર્ષની હતી અને નીશીત પચીસ વર્ષનો હતો. સુનિધિના પપ્પાનું હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું ઘરમાં બીજું કોઈ કમાવા વાળું ન હતું તેથી સુનિધિ કૉલેજમાં ભણતી ત્યારથી જ તેણે કમાવાનું શરૂ કરી દીધું હતું.

એક સાંજે તે પોતાનું એક્ટિવા લઇને જોબ ઉપરથી ઘરે પાછી ફરી રહી હતી અને અચાનક તોફાની વરસાદ તૂટી પડ્યો રસ્તામાં સખત પાણી ભરાઈ ગયાં સુનિધિનુ એક્ટિવા બંધ થઈ ગયું, તેણે ખૂબ પ્રયત્નો કર્યા પરંતુ તે આજે ચાલુ થવાનું નામ જ લેતું ન હતું.

એટલામાં ત્યાંથી નીશીત પોતાની ગાડી લઈને નીકળ્યો, તેણે આ દ્રશ્ય જોયું, અંધારું થવા આવ્યું હતું વરસાદે માજા મૂકી હતી, આખોય રસ્તો સૂમસામ હતો અને આ રૂપાળી છોકરીને આ હાલતમાં અહીં એકલી છોડીને જવાનો જીવ તેનો ચાલ્યો નહીં તેણે પોતાની ગાડી લઈને સુનિધિની નજીક ગયો અને તેને થોડી પૂછપરછ કરી.

પોતે પણ ગાડીમાંથી નીચે ઉતર્યો અને એક્ટિવા ચાલુ કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ એક્ટિવા ચાલુ ન જ થયું.

સુનિધિ અને નીશીત બંને વરસાદમાં પૂરેપૂરા ભીંજાઈ ચૂક્યા હતાં. નીશીતે સુનિધિને એક્ટિવા ત્યાં જ મૂકીને પોતાની ગાડીમાં બેસી જવા કહ્યું.સુનિધિને પણ ખબર હતી કે આજે મારે કોઈની મદદ લીધા વગર છૂટકો નથી તેથી તે પોતાનું એક્ટિવા સાઈડમાં મૂકીને નીશીતની ગાડીમાં બેસી ગઈ.

પછી તો અવાર-નવાર સુનિધિ અને નીશીત આમ રસ્તામાં મળી જતાં અને ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમની ગાંઠ બંધાઈ ગઈ.

સુનિધિએ પોતાના ઘરે નીશીતની સાથે લગ્નની વાત કરી અને આવા સારા ઘરેથી માંગુ આવ્યું હોય એટલે ના પાડવાનો તો કોઈ સવાલ જ નથી થતો.

સુનિધિ અને નીશીતના લગ્ન થયા બંનેનો ઘર-સંસાર ખૂબજ સુખરૂપ ચાલી રહ્યો હતો અને નીશીતની અચાનક તબિયત બગડતાં ડૉક્ટરી તપાસ કરાવતાં તેને કેન્સર ડીટેક્ટ થયું.

સુનિધિના તો જાણે હોશકોશ જ ઉડી ગયા હતા, ધીમે ધીમે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ નીશીત વધારે ને વધારે નબળો પડતો ગયો અને હવે તે લાસ્ટ સ્ટેજ ઉપર હતો, મૃત્યુ તેની નજરની સામે હતું.

નીશીત મૃત્યુ સાથે લડી રહ્યો હતો અને સુનિધિ જિંદગી સાથે....

આજે અચાનક તેને પોતાની નીશીત સાથેની પહેલી મુલાકાત યાદ આવી ગઈ અને ત્યાર પછીની જિંદગીએ જાણે હર પળ તેની પરીક્ષા લીધી હતી જે હજુ પણ પૂરી થઈ ન હતી.

બારણું અધખૂલ્લુ રાખીને સુનિધિ બાલ્કનીમાં આવીને બેઠી. પલંગ ઉપર નીશીત સૂતો હતો તેનાં નસકોરા તેને સંભાળાઈ રહ્યાં હતાં અને તે પડખું ફેરવે તો પણ તેને દેખાય તે રીતે તેણે પોતાની પ્રિય આરામ ખુરશી ગોઠવી હતી.

અને એટલામાં નીશીતે ધીમા અવાજે સુનિધિને બૂમ પાડી અને તે પોતાનું ડૂસકું ત્યાં ને ત્યાં જ દબાવી...જાણે કોઈ પરાણે તેને ખેંચીને લાવ્યું હોય તેમ પોતાના ભૂતકાળમાંથી વર્તમાન તરફ પાછી વળી....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
22 /6/2021