Love u forever books and stories free download online pdf in Gujarati

લવ યુ ફોર‌‌‌ એવર

સુરસિંહ નામનો એક પ્રભાવશાળી અને હોંશિયાર રાજા હતો જેટલો પ્રભાવશાળી તે હતો તેટલો જ ગુસ્સાવાળો પણ ખરો.

પોતાના રાજ્યમાં તેનું ભારે માન અને રાજદરબારમાં પણ તેની એક બૂમ પડે એટલે પ્રધાનમંડળ સતર્ક થઈ જાય.

દરરોજ સવારે તેને મસાજ કરી આપવા માટે તેમજ દાઢી કરી આપવા માટે રાજુ નામનો એક વાળંદ સમયસર હાજર થઈ જાય.

રાજાને તે દરરોજ માથામાં માલિશ કરી આપવી, દાઢી કરી આપી સુંદર રીતે તૈયાર કરી આપીને પછી જ પોતાના ઘરે જતો, તેના આ કામના વળતર રૂપે રજા તેને દરરોજ એક સોનામહોર પણ આપતાં.

રાજુ પરમાત્માને ખૂબ માને અને રાજાને ત્યાં જતાં પહેલાં દરરોજ યોગ દ્વારા પરમાત્માને યાદ કરી, સ્નાન કરી શુદ્ધ રીતે તૈયાર થઈને જ રાજદરબારમાં સમયસર હાજર થઈ જતો.

એક દિવસ તે વહેલી સવારે યોગ કરવા માટે બેઠો પછી પરમાત્મામાં લીન થઈ ગયો અને તેને રાજદરબારમાં જવાનું ખૂબજ મોડું થઈ ગયું.

તે જ્યારે પોતાની ધ્યાનમુદ્રામાથી બહાર આવ્યો ત્યારે તો રાજાને ત્યાં જવાનો સમય વીતી ચૂક્યો હતો.હવે જો ન જાય તો પણ રાજા દંડ આપે અને મોડો જાય તો પણ ગુસ્સાથી તપેલો રાજા કંઈપણ હુકમ કરી દેશે તેવો તેને ખૂબજ ડર લાગવા લાગ્યો.

પરંતુ ગયા વગર પણ છૂટકો ન હતો તેથી તે ગભરાતો ગભરાતો રાજ દરબારમાં પ્રવેશ્યો અને બીતા બીતા રાજા પાસે ગયો.

જઈને જોયું તો રાજાનો ચહેરો તો ખૂબજ ચમકતો હતો અને રાજા તો આનંદ વિભોર દેખાતો હતો.

રાજુ કંઈપણ બોલ્યા વગર રાજા પાસે જઈને ઉભો રહ્યો એટલે રાજા તરત જ બોલી પડ્યા કે, "રાજુ તું હજી અહીંયા જ ઉભો છે ગયો નથી ? મારે તને ઈનામ આપવાનું પણ બાકી છે આજે હું તને એક નહીં બે સોનામહોર આપીશ કારણ કે આજે તે મારા માથામાં જે રીતે માલિશ કરીને મને તો ખૂબ નીંદર જ આવી ગઈ અને કદીપણ શાંતિ ન મળી હોય તેવી અદભૂત શાંતિનો અનુભવ થયો.

આજે હું તારાથી ખૂબજ ખુશ થયો છું અને રાજાએ તેને બે સોનામહોર આપીને વિદાય કર્યો.

પહેલા તો રાજુ રાજાની વાત સાંભળીને વિચારમાં જ પડી ગયો પછી તેને ખબર પડી કે પોતે જ્યારે ધ્યાન અવસ્થામાં હતો ત્યારે અહીં રાજા પાસે આવીને પોતાનું કામ ખુદ પરમાત્મા જ કરી ગયા છે.

અને તેની નજર આકાશભણી પહોંચી ગઈ અને તે બોલી પડ્યો કે, " પ્રભુ, તું મારી જગ્યાએ પહોંચીને મારું કામ કરી આવ્યો, તારી કૃપા અપરંપાર છે."

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
25/6/2021


લવ યુ ફોર‌‌‌ એવર

મારા આખાયે જીવનમાં જાણે અંધકાર છવાઈ ગયો હતો હું ખૂબ જ ગમગીન અને ઉદાસ બની ગયો હતો મેં ક્યારેય કલ્પના કરી ન હતી કે મારા પપ્પાના મૃત્યુથી હું આટલો બધો નિરાશ થઈ જઈશ અને ડિસ્ટર્બ થઈ જઈશ.

પપ્પાની મૃત્યુ શૈયા ઉપર ફુલ ચઢાવતાં ચઢાવતાં હું ભાંગી પડ્યો હતો હવે જાણે મારું કોઈ જ નથી રહ્યું અને હું સાવ એકલો પડી ગયો છું તેવું હું સતત મહેસુસ કરી રહ્યો હતો.

હું સમજણો થયો ત્યારથી મેં પપ્પાને સખત મહેનત કરતાં જ જોયા છે.

અમારી પાસે એટલા પૈસા ન હતાં કે અમે કાપડની દુકાન કરી શકીએ તેથી મારા પપ્પાએ કાપડનું પોટલું બાંધીને ગામેગામ સાયકલ ઉપર ફેરી કરવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે સાયકલ ઉપરથી પપ્પા સ્કુટર ઉપર આવ્યા અને આમ કરતાં કરતાં પપ્પાએ સારા એવા પૈસા ભેગા કરી લીધા હતા અને પછી પપ્પાએ તેમાંથી એક નાની દુકાન ખરીદી અને તેમાં જ કાપડનો ધંધો શરૂ કર્યો.

પપ્પાની દુકાને તેમના એક વેપારી મિત્ર અવાર નવાર માલ આપવા માટે આવતા હતા તે પૈસેટકે થોડા સુખી હતાં તેમણે પપ્પાની ધંધામાં આવડત, મહેનત અને હોંશિયારી જોઈને પપ્પાને ઓફર આપી કે, પૈસા હું રોકીશ પણ મહેનત તારે કરવાની અને આપણે બંને સાથે મળીને એક કાપડ બનાવવાની ફેક્ટરી શરૂ કરીએ.

પપ્પાની મહેનત કરવાની પૂરેપૂરી તૈયારી હતી. બંનેએ ભેગા મળીને એક જબરદસ્ત કાપડની ફેક્ટરી શરૂ કરી. જેમાં પોલીકોટ નામનું કાપડ બનાવવામાં આવતું હતું અને આ ફેક્ટરી નું નામ પણ પોલીકોટ રાખવામાં આવ્યું.

પપ્પાની આવડત અને મહેનતથી આ ફેક્ટરીમાં જે ઉત્પાદન થતું તેનું ધૂમ વેચાણ થવા લાગ્યું અને આમ કરતાં કરતાં આ ફેક્ટરીમાં રોકાણ કરતાં ડબલ નફો થવા લાગ્યો અને ફેક્ટરીને ચાર ચાંદ લાગી ગયા.

અને પછી તો પપ્પાની બનાવેલી બ્રાન્ડ એટલી બધી ચાલી કે આખા દેશમાં તે ફેમસ થઈ ગઈ અને અમે કરોડાધીપતિ બની ગયા.

પપ્પાની મહેનત અને લગનને કારણે અમારી ગણત્રી આજે દેશના ટોચના બિઝનેસમેન માં થાય છે.

પપ્પા પાસેથી મને મારા આ જીવન દરમિયાન ઘણુંબધું શીખવા મળ્યું છે. હું મારા પપ્પાનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે.

થેન્ક યુ પાપા, આઈ લવ યુ સો મચ...‌‌.

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
20/6/2021