kalyug ni stri - part 7 books and stories free download online pdf in Gujarati

કળિયુગની સ્ત્રી - ભાગ 7

કળિયુગની સ્ત્રી ભાગ-7

શેરને માથે સવા શેર


સાંજના પાંચ વાગ્યાના સુમારે સંગ્રામની જીપ અદિતીની ફેક્ટરીમાં દાખલ થઇ હતી. સંગ્રામ છથી સાડા છ ફૂટ હાઇટ ધરાવતો ઊંચો કદાવર માણસ હતો. કસરતથી કસાયેલું શરીર એક સાથે દસ પંદર જણને ભોંય ભેગા કરવા માટે કાફી હતું. મોટી આંખો, વધારેલી મોટી દાઢી અને કપાળ પર કાળું તિલક કર્યું હતું.. પહેલી જ નજરે જોતાં કોઇ નાનો છોકરો પણ કહી શકે કે સંગ્રામ કોઇ ડાકુ જેવો માણસ છે.

સંગ્રામ જન્મથી જ અનાથ હતો. એને એટલે જ તો જુલ્મની દુનિયામાં એને પગ પેસારો કરવો પડ્યો હતો. પરંતુ સંગ્રામ કોઇ બીજી જ માટીનો બનેલો માણ હતો, કારણકે તે અમીરોને લૂંટી અને ગરીબોને આપનાર કંઇક કેટલાંય ગરીબો માટે દેવદૂત સમાન હતો.

જુલ્મની દુનિયામાં સંગ્રામ પોતાની બહાદુરી અને પોતાના મગજ ગુમાવવાના સ્વભાવના કારણે જાણીતો હતો. કોઇને ક્યારેય સામેથી નહિ મળવા જતો સંગ્રામ આજે અદિતીનો મેસેજ મળતા ફેક્ટરી આવવા તૈયાર થઇ ગયો હતો એનું કારણ એ પોતે જ જાણતો હતો.

સંગ્રામ અદિતીની કેબીન પાસે પહોંચ્યો ત્યારે દીનુએ દરવાજો ખોલી એને આવકાર આપ્યો હતો અને અદિતી જે સોફા પર બેઠી હતી બરાબર એની સામેના સોફા ચેર પર સંગ્રામને અદિતીએ બેસવા કહ્યું હતું. એના વ્યક્તિત્ત્વનો પ્રભાવ એટલો બધો હતો કે મોટી કેબીનમાં પણ એની ઉપસ્થિતિથી કેબીન જાણે આખી ભરાઇ ગઇ હોય એવું અદિતી અને દીનુ બંન્નેએ મહેસૂસ કર્યું હતું.

"તમે મને સામે ચાલીને કેમ બોલાવ્યો છે? એ પ્રશ્નનો જવાબ જાણવા માટે જ હું અહીં આવ્યો છું. બાકી મારા પચ્ચીસ વરસના જુલ્મના જીવનમાં હું કોઇને સામેથી મળવા ગયો હોઉં એવી આ પ્રથમ ઘટના છે. મને શોધનારને પણ મારો ડર હોય પરંતુ તમે મને શોધવાની પણ હિંમત કરી અને મળવાની પણ એટલે તમારા નીડરપણા માટે મને માન થયું." સંગ્રામે અદિતીની સામે જોઇ પોતાની દાઢી પર હાથ ફેરવતા કહ્યું હતું.

"તારી સામે બેઠેલી વાઘણ તારા જેવા ખુંખાર વાઘને ઝેરીલું બચકું ભરવા માંગે છે એવું મને લાગે છે. એટલે જ તને બોલાવ્યો હશે." દીનુ મનોમન બબડ્યો હતો.

દીનુના બબડવાનો અવાજ સાંભળી અદિતીએ દીનુ સામે આંખ લાલ કરી હતી. દીનુ ચૂપ થઇ સોફાના ટેકે બેસી ગયો હતો અને વાઘ-વાઘણનો ખેલ તમાશો જોવા તૈયાર થઇ ગયો હતો.

"સંગ્રામ, મેં તને શોધવાની હિંમત એટલે કરી કે હું આજે તને જે ઓફર આપવાની છું એ ઓફર સાંભળી મારી કરેલી હિંમત માટે તને વધુ માન થશે. હવે સાંભળ, તે અને જબ્બાર ખાને જુલ્મની દુનિયામાં સાથે પગ મુક્યો હતો પરંતુ આજે એ મોટો ડ્રગ માફીયા થઇ ગયો અને તું હજી ત્યાં ને ત્યાં જ છે. જબ્બાર ખાનને તે આ ધંધાની એ.બી.સી.ડી. શીખવાડી અને એણે તને વર્ષો પહેલા દગો આપી જેલ કરાવી હતી. હું આજે તને જે ઓફર આપી રહી છું એનાથી તારી શક્તિ પણ રાતોરાત એના જેટલી જ થઇ જશે." અદિતીએ આત્મવિશ્વાસથી સંગ્રામને કહ્યું હતું.

અદિતીની વાત સાંભળી સંગ્રામ ખડખડાટ હસવા માંડ્યો હતો અને દીનુ વિચારમાં પડી ગયો હતો.

"આ ડ્રગ માફીયા જબ્બાર ખાન કોણ છે? મેં તો આ નામ ક્યારેય સાંભળ્યું નથી." દીનુએ આશ્ચર્યચકિત થઇ અદિતીને પ્રશ્ન પૂછ્યો હતો.

દીનુનો સવાલ સાંભળી અદિતી અને સંગ્રામ બંન્નેએ એની સામે જોયું હતું. બંન્નેના ચહેરા પર વિસ્મયનો ભાવ હતો.

"વર્ષો સુધી તે જેની ગુલામી કરી છે એ જબ્બાર ખાન ઉર્ફે J.K.ને તું નથી ઓળખતો?" અદિતીએ કરડાઇથી દીનુને પૂછ્યું હતું.

અદિતીની વાત સાંભળી દીનુ ચમક્યો હતો.

"મેડમ, તમારી ભૂલ થાય છે. મેં દસ વરસ J.K.ના ત્યાં કામ કર્યું છે. J.K.નું નામ જબ્બાર ખાન નહિ પણ જુગલ કિશોર પંડિત છે. એના પાસપોર્ટમાં, આધારકાર્ડમાં બધે આ જ નામ ચાલે છે. તમારી કોઇ ભૂલ થતી લાગે છે." દીનુએ અદિતીને કહ્યું હતું.

"પોલીસ ફાઇલમાં J.K.નું નામ જબ્બાર ખાન લખેલું છે અને જુગલ કિશોર પંડિત નામનો ઉલ્લેખ પોલીસની કોઇ ફાઇલમાં નથી." અદિતીએ દીનુ સામે જોઇ કહ્યું હતું.

અદિતી અને દીનુની ચર્ચા સાંભળી સંગ્રામ બોલ્યો હતો.

"મને અને J.K.ને જ્યારે પહેલીવાર પકડવામાં આવ્યા ત્યારે J.K.એ એનું મૂળ નામ જબ્બાર ખાન જ લખાવ્યું હતું. પરંતુ જેલમાંથી બહાર નીકળ્યા બાદ એણે એનું નામઠામ બંન્ને બદલી નાંખ્યા લાગે છે અને એની સાથે ધંધો કરનાર દરેક જણ એને J.K.ના નામથી જ ઓળખે છે એટલે એનું સાચું નામ કોઇને ખબર નથી પરંતુ તમે પોલીસ સ્ટેશનમાંથી J.K.એ દબાઇને રાખેલી એની ફાઇલ તમે કઇ રીતે મેળવી લીધી?" સંગ્રામે અદિતીને પૂછ્યું હતું.

"આજના આ કળિયુગમાં પૈસા આપો એટલે બધાં જ કામ શક્ય બને છે અને આ દેશમાં પોલીસની પાસેથી કામ કઢાવવું સૌથી સરળ અને સૌથી સારું છે. પૈસા આપો તો આ દેશમાં બીજું કાંઇ કામ થતું હોય કે ના થતું હોય પણ પોલીસ ખાતામાં તો કામ ચોક્કસ થાય છે." અદિતીએ મોઢા ઉપર સ્માઇલ આપી કહ્યું હતું.

"હવે હું મૂળ વાત ઉપર આવી જઉં. જે કામ માટે મેં તને અહીં બોલાવ્યો છે." અદિતીએ રહસ્ય ખોલતી હોય એ રીતે સંગ્રામ સામે જોયું હતું.

દીનુ અને સંગ્રામ બંન્નેનું ધ્યાન અદિતીના મોઢા ઉપર સ્થિર થઇ ગયું હતું.

"મારી ઇચ્છા એવી છે કે મારો આ ધંધો એટલેકે અફીમની ખેતીનું ઉત્પાદન અને અફીમ પ્રોસેસ કરવાની આ ફેક્ટરી બંન્ને કારોભાર તું સંભાળી લે અને એના બદલે હું તને પ્રોફીટમાં વીસ ટકા ભાગ આપીશ અને આનાથી તને ફાયદો એ થશે કે J.K.એ તને આ ધંધામાં પાછળ પાડી દીધો હતો એના બદલે તું જ J.K.ને માલ સપ્લાય કરતો થઇ જઇશ અને J.K.થી પણ વધારે પાવરફુલ આવનારા બે વરસમાં થઇ જઇશ અને મારી પાસે માહિતી છે એ પ્રમાણે J.K. ત્રણ મહિનાથી વધારે કુન્નુરમાં રહેવાનો નથી. માટે કુન્નુરમાંથી તું એકલો દુનિયાભરમાં આ ધંધાને ફેલાવી શકીશ અને મારી આ ઓફર તું સ્વીકારી લે તો હું તારા ઉપર ચાલતા બધાં જ કોર્ટ કેસ ધીરેધીરે કરીને તારી તરફેણમાં બંધ કરાવી દઇશ. મારી શરત મંજૂર હોય તો હા માં જવાબ આપ." અદિતીએ સંગ્રામ સામે હુકમનો એક્કો બનવાની તક ખોલી નાંખી હતી.

"આ ઓફર સાંભળીને ગાંડો પણ હા પાડી દે પછી તો આ સંગ્રામને ના પાડવાની જગ્યા જ ના રહી." દીનુ ફરીથી મનોમન બબડ્યો હતો.

સંગ્રામ પાંચ મિનિટ સુધી છત તરફ તાકી રહ્યો હતો. ખૂબ વિચાર કર્યા બાદ સંગ્રામે અદિતીની ઓફર સ્વીકારવાની ના પાડી દીધી હતી.

"સંગ્રામ આ ઓફર સ્વીકારવામાં તારો ફાયદો જ ફાયદો છે. તું ના પાડે છે એ સાંભળીને મને નવાઇ લાગી રહી છે. ઓફર માટે તું ના કેમ પાડે છે એ સમજાતું નથી." દીનુએ સંગ્રામને કહ્યું હતું.

"આ ઓફર લેવાની હું ના પાડું છું એની પાછળનું એક અને મુખ્ય કારણ એ છે કે કાલ ઉઠીને કંઇપણ થાય તો પોલીસની ગોળી અથવા તો ડ્રગ માફીયાની ગોળી મારે ખાવાની આવે અને અદિતી મેડમ સમુદ્રમાંથી કોરા બહાર નીકળી જાય. કોરોડો રૂપિયાનો ચાલતો ધંધો કોઇ પહેલી જ મુલાકાતમાં તમને ભાગીદાર બનાવી ચલાવવા માટે આપી દે અને એ પણ આ ડ્રગ્સનો ધીગતો ધંધો, એટલે એ વાત હું સમજી ના શકું એટલો મૂર્ખો નથી. સંગ્રામ પોલીસની ગોળીથી ડરતો નથી પણ અદિતીના કાવાદાવામાં ફસાઇ જવું એવો મૂરખ પણ નથી." સંગ્રામે અદિતી સામે જોઇ કહ્યું હતું.

દીનુને સંગ્રામની બુદ્ધિ માટે માન થયું હતું. બે વરસમાં અદિતીને કોઇએ પહેલીવાર જડબેસલાક જવાબ આપ્યો હતો. શેરને માથે સવા શેર હોય છે એ આજે સાબિત થઇ ગયું. દીનુ આવું મનમાં વિચારી રહ્યો હતો.

"સંગ્રામ, તારી વાત સાચી છે. હું તારા ખભા ઉપર બંદૂક મુકી ફોડવા માંગુ છું, જેથી કરીને મારા ગળામાં કાનૂનો કે ડ્રગ માફીયાનો ફંદો આવે નહિ. પરંતુ મને વિશ્વાસ છે કે અત્યારે તું ના પાડી રહ્યો છે પણ મારી હવેની વાત સાંભળી તારી પાસે ના પાડવાની જગ્યા રહેશે નહિ. હવે સાંભળ મારી બીજી વાત, તારી પત્ની ચાંદનીનું ખૂન થયે આઠ વરસ થયા, બરાબરને? પણ હજી સુધી તું ખૂનીનો પત્તો લગાડી શક્યો નથી, બરાબર? મારી આ ઓફર તું સ્વીકારી લઇશ તો બરાબર એક વરસ પછી હું તારી પત્નીના ખૂનીનું નામ તને આપી દઇશ. હવે બોલ મારી ઓફર મંજૂર છે કે નહિ?" અદિતીએ સોફા પરથી ઊભા થઇ પોતાની ચેર ઉપર બેસતા સંગ્રામને પૂછ્યું હતું.

"ભાઇ, તારે પણ કોઇ પત્ની હતી? અને તારી પત્નીનું પણ કોઇ ખૂન પણ કરી શકે છે?" દીનુથી બોલાઇ જવાયું હતું.

દીનુની વાત સાંભળી સંગ્રામે ખુન્નસથી દીનુ સામે જોયું હતું.

"ભાઇ, હું તો તને ખાલી હૈયાધારણ આપવા માટે પૂછતો હતો." દીનુએ પોતાની ભૂલ સુધારવાનો પ્રયત્ન કર્યો હતો.

"આ વાઘણ એના પંજામાં કેટલા એક્કા લઇને બેઠી છે એ કળવું ખૂબ જ અઘરું છે." દીનુ મનોમન બબડતા બબડતા બોલ્યો હતો.

ચાંદનીનું નામ સાંભળી ક્રૂર દેખાતો સંગ્રામનો ચહેરો નરમ પડ્યો હતો અને એની આંખોના ખૂણા પણ ભીના થઇ ગયા હતાં. છેલ્લાં આઠ વરસથી પોતાની વ્હાલી પત્નીના ખૂનીનો પત્તો લગાડવા માટે સંગ્રામ ખૂબ જ મહેનત કરી રહ્યો હતો. જેલમાં ગયો ત્યાંથી પણ તે એના સાગરિતો દ્વારા ચાંદનીના ખૂનીનો પત્તો લગાડવાનો પ્રયત્ન કરતો હતો પણ એ હજી સુધી ચાંદનીના ખૂનીને શોધી શક્યો ન હતો.

"જે કામ હું આઠ વરસથી નથી કરી શક્યો એ કામ તમે કઇ રીતે કરી લીધું?" સંગ્રામે અદિતી સામે જોઇ પૂછ્યું હતું.

"કોઇ આઠસો વરસથી જે કામ ન કરી શકે એ કામ પણ અદિતી મેડમ ચુટકીમાં કરી શકે છે. ભગવાને એમને એટલું ફળદ્રુપ ભેજું આપ્યું છે કે દરેક પ્રશ્નનો તોડ એમની પાસે હોય છે જ. એ રોજ મને નવા ને નવા આંચકા આપતા જાય છે. મને લાગે છે કે એક દિવસ હું આવા આંચકાથી જ ગુજરી જઇશ. માટે મેડમની હોંશિયારી માટે જેટલું કહું એટલું ઓછું છે." દીનુ અદિતીના વખાણ મર્મ સાથે કરી રહ્યો હતો.

અદિતી એની સામે સ્થિર આંખો રાખીને જોઇ રહી હતી. દીનુને સમજાયું કે ફરીથી એનાથી કંઇ બફાઇ ગયું છે. માટે ચૂપ થઇ સોફાના ટેકે અડીને બેસી ગયો હતો.

"મને તમારી ઓફર મંજૂર છે પરંતુ એક વરસ પછી તમારે મારી પત્ની ચાંદનીના ખૂનીનું નામ પુરાવા સાથે આપવું પડશે, નહિતર આ દુનિયામાં તમારો સૌથી મોટો દુશ્મન સંગ્રામ હશે એટલું તમે યાદ રાખજો." સંગ્રામે અદિતીના ટેબલ પાસે જઇ કહ્યું હતું.

"મને મંજૂર છે. હવે આ લે મેં તારા નામ ઉપર કરેલા પાવર ઓફ ઓથોરીટીના કાગળિયા વાંચી લે. મેં આમાં લખાવ્યું છે કે આજથી તું અમારી અફીમની ખેતી અને આ ફેક્ટરીનો બધો જ કારોભાર તું ભાડા ઉપર લઇ રહ્યો છે અને તું જ સંભાળીશ તેમજ આ ધંધાની સંપૂર્ણ જવાબદારી તારા શિરે રહેશે." અદિતીએ ફાઇલ ટેબલ પર મુકી અને પેન સંગ્રામને આપતા કહ્યું હતું.

સંગ્રામ એ ફાઇલ લઇ દરેક કાગળ ઉપર સહી કરવા લાગ્યો હતો.

અદિતીએ એને એકવાર ફાઇલમાં લખેલું વાંચી જવા કહ્યું હતું.

"આ દુનિયામાં મારી પત્ની ચાંદનીથી વધારે પ્રેમ મેં કોઇને કર્યો નથી. ચાંદનીના ખૂનીનો પત્તો તમે મને આપવાનો છો. માટે તમે મારા કાંડા કાપીને પણ લઇ લેશો તો એની મને પરવા નથી." સંગ્રામે પત્ની માટેના પોતાના પ્રેમને એક મિનિટમાં સાબિત કરી બતાવ્યો હતો.

"હું કાલે સવારે નવ વાગે આવી જઇશ અને ફેક્ટરીનું અને ખેતીનું બધું જ કામકાજ સમજી લઇશ." આટલું બોલી સંગ્રામ કેબીનમાંથી બહાર નીકળી ગયો હતો.

દીનુના મનમાં પ્રશ્નોની વણઝાર ઊભી થઇ હતી.

"સંગ્રામને બધો વહીવટ આપવાથી પોલીસના હાથ આપણા સુધી કદાચ નહિ પહોંચે પરંતુ એક વરસ પછી એની પત્ની ચાંદનીનો પત્તો તમે ના આપ્યો તો આપણા બંન્નેનો પત્તો આ દુનિયામાં નહિ મળે." દીનુએ અદિતી સામે જોઇ કહ્યું હતું.

"એ બધી ચિંતા તું મારા પર છોડી દે અને ઇવાના રઝોસ્કી સાથેની કાલની મુલાકાતની વ્યવસ્થા હોટલ કુન્નુર પેલેસમાં બરાબર ગોઠવી દેજે. કાલે એક થી ત્રણની વચ્ચે ઇવાના સીધી હોટલના રૂમ ઉપર આવી જશે. માટે આપણે ત્યાં સાડાબારે પહોંચી જવું પડશે. નીના ગુપ્તાએ જે રીતે પોતાની હરકત ચાલુ કરી છે એટલે નીના ગુપ્તા ઉપર નજર રાખવી પણ ખૂબ જ જરૂરી છે. કાલની મીટીંગમાં એ કંઇ કરી ના શકે માટે આપણા માણસોનો ચુસ્ત બંદોબસ્ત તું હોટલની આસપાસ ગોઠવી દેજે અને મીથીલેસ શર્માને ફોન કરી કહી દેજે કે નીના ગુપ્તા પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળે તો તરત જ તને ફોન કરીને ખબર આપે જેથી આપણે વધુ સાવધ રહી શકીએ." અદિતીએ દીનુને સૂચના આપતા કહ્યું હતું.

"J.K. અને નીના ગુપ્તા વચ્ચે શું વાતચીત થઇ એ જાણવાની ઉત્સુકતા તમને દેખાતી નથી એ વાતથી મને અચરજ થાય છે." દીનુએ મનમાં ધરબી રાખેલો સવાલ અદિતીને પૂછ્યો હતો.

"J.K. અને નીના ગુપ્તા વચ્ચેની વાતચીતથી આપણને કોઇ ફાયદો કે નુકસાન નથી અને કશું નુકસાન થશે તો હવે સંગ્રામનું થશે. સંગ્રામે સહી કરેલા કાગળિયા પર કાલે નોટરીના સહી સિક્કા કરાવી લેજે." અદિતીએ બેફીકરાઇથી દીનુને જવાબ આપ્યો હતો.

અદિતી શું રમત રમી રહી છે અને ચક્રવ્યૂહ કઇ રીતે ગોઠવી રહી છે એની સમજ દીનુના મગજમાં હજીયે પડતી ન હતી.

"લાગે છે આ સ્ત્રી મને ગાંડો કરીને જ છોડશે. સંગ્રામ જેવા સંગ્રામના માથે પણ શેરને માથે સવા શેર બનીને ત્રાટકી છે." અદિતીના ગયા પછી દીનુ મોટેથી બોલ્યો હતો.


(ક્રમશઃ..........)