kaliyug ni stri - part 10 books and stories free download online pdf in Gujarati

કળિયુગની સ્ત્રી - ભાગ 10

કળિયુગની સ્ત્રી

ભાગ-10

પ્રશ્નોનો ચક્રવ્યૂહ


મન્સુર સાંજના નિયત સમયે ઘરે પરત આવ્યો ન હતો એટલે રહીમને મન્સુરની ખૂબ ચિંતા થતી હતી. એટલે એણે J.K. પાસે જઇને મન્સુર હજી પરત આવ્યો નથી એવું કહ્યું હતું.

"મન્સુર સાંજનો ગયો છે પરંતુ હજી સુધી પાછો આવ્યો નથી. મને ચિંતા થાય છે. કંઇ થયું તો નહિ હોયને? ડ્રગ્સ સાથે પકડાયો તો નહિ હોયને? પોલીસ એને પકડીને પૂછપરછ તો કરતી નહિ હોયને?" રહીમે J.K.ને ચિંતાના સ્વરે પૂછ્યું હતું.

"મન્સુર સાંજનો પાછો આવ્યો નથી ને તું મને હજી અત્યારે કહે છે. પોલીસ સ્ટેશને ફોન કરી આપણો જે ખબરી છે એને તું પૂછી લે. કદાચ પોલીસે એને પકડ્યો તો નથીને?" J.K.એ રહીમને અજાણ્યા બનીને કહ્યું હતું.

રહીમે પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો ત્યારે ખબર પડી કે મન્સુર નામના કોઇ છોકરાની ધરપકડ કરવામાં આવી નથી.

"ના, પોલીસે તો એની ધરપકડ કરી નથી. મન્સુર મને કહ્યા વગર તો ક્યાંય જતો નથી પરંતુ કદાચ પાર્ટી કરવા માટે એના મિત્રો સાથે ચેન્નઇ જતો રહ્યો હોય એવું બની શકે છે. એવું એક બે વાર બન્યું પણ છે. કાલ સાંજ સુધીમાં પાછો આવી જવો જોઇએ." રહીમે ખૂબ વિચારી J.K.ને કહ્યું હતું.

અદિતી ઘરેથી ગાડી લઇ ફેક્ટરી તરફ જઇ રહી હતી. એવામાં એના મોબાઇલમાં દીનુનો કોલ આવ્યો હતો.

"હલો મેડમ, મારી તબિયત ઠીક નથી એટલે આજે હું ફેક્ટરીએ આવવાનો નથી. સાંજે સારું હશે તો આવી જઇશ." દીનુએ ફોનમાં અદિતીને કહ્યું હતું.

"હા, કંઇ વાંધો નહિ. તું આરામ કર." કહીને અદિતીએ મોબાઇલ મુકી દીધો હતો.

દીનુ રસોડામાં કોફી બનાવી અને હાથમાં કોફીનો મગ લઇ પોતાના બેડરૂમમાં દાખલ થયો હતો. દીનુ આખી રાત કાલે ઊંઘી શક્યો ન હતો. કેટલાંય પ્રશ્નો એના મનમાં સાપ બનીને ફરી રહ્યા હતાં. એના મનમાં પ્રશ્નોના મોટા ચક્રવ્યૂહ ઊભા થયા હતાં અને એટલે એણે એની બેડરૂમની દિવાલ ઉપર પોતાના મનમાં ઊભા થયેલા પ્રશ્નો અલગ અલગ કાગળ ઉપર લખી દિવાલ ઉપર ચોંટાડ્યા હતાં. બધાં પ્રશ્નોને એ વારાફરતી વાંચી રહ્યો હતો.

"કુણાલની મૃત્યુના પાંચ દિવસ પછી તરત અદિતી ફેક્ટરી અને અફીમની ખેતી આટલી સારી રીતે સંભાળવા કઇ રીતે લાગી?

ડ્રગ માફીયા રઝોસ્કી સુધી J.K. જેવો મહારથી પણ પહોંચી શક્યો નથી, તો આ ધંધામાં નવી આવેલી અદિતી કઇ રીતે પહોંચી ગઇ?

અદિતીનો વિશ્વાસ કરીને ઇવાના રઝોસ્કી રશિયાથી કુન્નુર પણ આવી ગઇ? ફક્ત અદિતીના જ ભરોસે?

J.K.નું ઓરીજીનલ નામ જબ્બાર ખાન છે, એ વાતની ખબર તો મને પણ ન હતી તો અદિતીને કઇ રીતે પડી?

બસો એકર જમીન લીઝ ઉપર લીધી એની જાણ પણ મને જમીનનો સોદો કર્યા પછી ખબર પડી, તો આ સોદો કરવામાં અદિતીને મદદ કોણે કરી?

સંગ્રામ જેવા ખુંખાર માણસ ઉપર J.K. પણ વિશ્વાસ ના કરે તો અદિતીએ એને બોલાવી એને મારી પાસે શોધાવડાવી ધંધાનો કર્તાહર્તા બનાવી દીધો એવું એણે કયા કારણે કર્યું?

સંગ્રામની પત્નીનું ખૂન થયું છે અને એ ખૂન કોણે કર્યું છે એની માહિતી અદિતી પાસે ક્યાંથી આવી?

જે રીતે અદિતી બોલે છે એ રીતે એ ચોક્કસ એને ખબર છે કે ચાંદનીનો ખૂની કોણ છે?

J.K. જેવા ડ્રગ માફીયા જોડે જે આત્મવિશ્વાસથી અને પહેલીવાર મીટીંગ કરી હતી એ આત્મવિશ્વાસ એનામાં આવ્યો કઇ રીતે?" દીનુએ આ બધાં પ્રશ્નો લખી દિવાલ પર અલગ અલગ જગ્યાએ એ ચબરખીઓ ચોંટાડી દીધી હતી.

"નક્કી કોઇ અદિતીને મદદ કરી રહ્યું છે અને અદિતીને માહિતી પૂરી પાડી રહ્યું છે. એમાં તો કોઇ શંકા નથી. પણ એવું તો કોણ હોઇ શકે?" દીનુ મનોમન વિચારી રહ્યો હતો.

"છેલ્લા બે વરસમાં અદિતીની આસપાસ મારા સિવાય તો મેં કોઇને જોયા નથી. રામદીન મારો માણસ છે એટલે ઘરે કોઇ મળવા આવ્યું હોય તો રામદીને મને ચોક્કસ કહ્યું હોય. અદિતી ફેક્ટરીથી ઘરે અને ઘરેથી ફેક્ટરી જ્યાં પણ ગઇ છે ત્યાં મારી જોડે જ ગઇ છે. તો આ અદિતીને માહિતી આપનાર છે કોણ?" દીનુના મગજમાં આ સવાલો ઘેરાઇ ગયા હતાં પણ દીનુને આ સવાલોના જવાબ મળતા ન હતાં.

"આજે સાંજે અદિતી ફેક્ટરીમાંથી નીકળે અને એના બંગલે પહોંચે ત્યાં સુધી એનો પીછો કરવો પડશે. જેથી એને કોઇ જાસૂસ રાખ્યો હોય તો મને ખબર પડે." દીનુએ આવું વિચારી અદિતીનો પીછો કરવાનું નક્કી કર્યું હતું.

મન્સુરને પકડ્યાના બીજા દિવસે નીના ગુપ્તા મન્સુરને મળવા એને જે ગોડાઉનમાં બંધક બનાવીને રાખ્યો હતો એ ગોડાઉનમાં આવી હતી.

"જો મન્સુર, તારી ઉંમર હજી ઘણી નાની છે. અત્યારે તને હું એક પોલીસ અધિકારી તરીકે નહિ પણ એક સમજદાર મિત્ર તરીકે સમજાવું છું કે તું સરકારી ગવાહ બની જા અને J.K.ની વિરૂદ્ધ તું ગવાહી આપ. તારા પિતા રહીમનું નામ તારે ગવાહીમાં આપવાનું નથી જેથી એ સલામત રહી શકે અને એમના ઉપર કોઇ આરોપ આવે નહિ. તારી ગવાહીથી હું આ ડુપ્લીકેટ J.K.ને જેલમાં પૂરી J.K.ને પકડવાનું મારું કામ પૂરું કરી નાંખું. તું સરકારી ગવાહ બની જઇશ એટલે તને સજા થશે નહિ એની ખાતરી હું તને આપું છું, કારણકે તું પહેલીવાર જ પકડાયો હોવાના કારણે અને સરકારી ગવાહ બનવાના કારણે કોર્ટ પણ તારી સમક્ષ રહેમ નજર રાખશે. બોલ તને મંજૂર છે?" નીના ગુપ્તાએ કહ્યું હતું.

"તમે મને આશાનીથી છોડવાના નથી એ હું સમજી ગયો છું. પણ હું સરકારી ગવાહ બની જઇશ તો ઓરીજીનલ J.K. મને આજે નહિ તો કાલે ખત્મ કરાવી નાંખશે. મારા ફાધરની જાન પણ જોખમમાં આવી જશે અને સો કરોડના હીરા તમે ઘરભેગા કરી નાંખશો. એટલે મેડમ પોલીસ અધિકારી, તમને હીરાની મજા અને મન્સુરને મોતની સજા આ તો નાઇન્સાફી કહેવાય નહિ?" પહેલી વખત મન્સુરે નીના ગુપ્તાની આંખમાં આંખ નાંખીને કહ્યું હતું.

નીના ગુપ્તાએ એને ઊભા થઇ એક થપ્પડ મારી દીધી હતી. નીના ગુપ્તાના ભારે હાથથી મન્સુરના હોઠમાંથી લોહી નીકળી રહ્યું હતું અને તમાચાથી એનો ગાલ લાલ થઇ ગયો હતો.

"મારા એક તમાચાથી તારા હોઠમાં લોહી નીકળવા લાગ્યું છે. પોલીસનો ડંડો શરીર પર પડશે તો ગમે ત્યાંથી લોહી નીકળશે અને મને વધારે મજબૂર કરીશ તો સરકારી ગવાહ બનાવવાની વાત બાજુમાં ગઇ આ બંદૂકની ગોળીઓથી તને ઉપર પહોંચાડી દઇશ." નીના ગુપ્તાએ સખત શબ્દોમાં મન્સુરને કહ્યું હતું.

"મને મારી નાંખશો તો તમારી ગાંડી દીકરીને સાજી કઇ રીતે કરશો? તમારી દીકરીને સાજી કરવા માટે પણ તમારે મને જીવાડવો પડશે. માટે બંદૂકની ગોળી તમે મને નહિ મારી શકો." મન્સુરે આત્મવિશ્વાસથી નીના ગુપ્તાને ઊંચા અવાજમાં કહ્યું હતું.

મન્સુરની વાત સાંભળી નીના ગુપ્તા ખડખડાટ હસવા લાગી હતી. ઊભી થઇ હસતાં હસતાં રૂમમાં ચક્કર લગાવી રહી હતી. ફરીવાર એ ખુરશી પર આવીને બેઠી હતી.

"તું જેમ મારી દીકરી સાથે રમત કરતો હતો એવી રીતે એ પણ તારી સાથે પ્રેમનું નાટક કરતી હતી. એ તારી જોડે હરવા ફરવા માટે આવતી હતી અને તને પ્રેમ કરે છે એવું એ દેખાડતી હતી. પરંતુ એને તારા માટે અડધો ટકો પણ પ્રેમ નથી. એ ગાંડી થઇ ગઇ છે એવી ખોટી વાત મેં જ તારા મિત્ર દ્વારા તને કહેવડાવી હતી." નીના ગુપ્તાએ રહસ્ય ખોલતા કહ્યું હતું.

નીના ગુપ્તાએ પોતાની દીકરી દિવ્યાને ફોન જોડ્યો હતો અને ફોન સ્પીકર ઉપર રાખ્યો હતો.

"હલો બેટા દિવ્યા, કેમ છે? ક્યાં છે?" નીના ગુપ્તાએ પૂછ્યું હતું.

"મમ્મી, મજામાં છું. મારી ફ્રેન્ડ સાથે કોફી પીવા આવી છું. પેલો બબુચક બોલ્યો કંઇ? જે તું એની પાસેથી બોલાવવા ઇચ્છતી હતી." દિવ્યાએ હસતાં હસતાં પૂછ્યું હતું.

"હા બેટા, એ બધું જ પોપટની જેમ બોલી ગયો અને હા, એ સ્પીકર પર તારી વાત સાંભળી રહ્યો છે. તારે એને કશું કહેવું છે?" નીના ગુપ્તાએ પૂછ્યું હતું.

"હલો મી. રોમીયો, કેમ છે? તું તો ખૂબ ખુશ થઇ એ વખતે મનમાં નાચતો હતો કે તે મને ફસાવી દીધી, નઇ? પણ હું તારા જેવા સો રોડછાપ રોમીયોને ચેન્નઇના સો ચક્કર લગાડી ચેન્નઇની બહાર ફેંકી આવું એવી છું, જેમ તને કુન્નુર ફેંકી આવી એવી રીતે અને જો આ મારી મમ્મી કહે એ કરી લેજે નહિતર પછી જે થાય એ તારી જવાબદારી રહેશે." દિવ્યાએ મન્સુરને ધમકાવતા કહ્યું હતું.

દિવ્યાની વાત સાંભળી મન્સુરની આંખમાં અને શરીરમાં લોહી ગરમ થઇને દોડવા લાગ્યું હતું. એને ખૂબ ક્રોધ આવી રહ્યો હતો, પણ એના હાથપગ બંધાયેલા હોવાના કારણે એ કશું કરી શકે એમ ન હતો. માટે મન્સુર જોરજોરથી ચીસો પાડવા લાગ્યો હતો. નીના ગુપ્તાએ ઊભા થઇ ફરીવાર એના ગાલ પર તમાચો માર્યો હતો. નીના ગુપ્તાના તમાચાથી મન્સુર ચૂપ થઇ ગયો હતો.

"હવે મારી વાત ધ્યાનથી સાંભળ. આવા ઝટકા તો તને આપવા માટે મારી પાસે ઘણાં છે અને ચીસો પાડવા માટે તારી પાસે આખો દિવસ પડ્યો છે. માટે કાલે સવારે હું તને મળવા આવું ત્યારે નક્કી કરી રાખજે કે તારે શું કરવું છે? સરકારી ગવાહ બનવું છે કે પછી બંદૂકની ગોળી ખાવી છે?" આટલું બોલી નીના ગુપ્તા ગોડાઉનની બહાર નીકળી ગઇ હતી.

મન્સુર દિવ્યા સાથે થયેલી ભૂતકાળની મુલાકાતો યાદ કરવા લાગ્યો હતો. એની જોડે દિવ્યા ખેલ કરી રહી છે એની સમજણ એને એ વખતે કેમ ના પડી? એ પ્રશ્નનો જવાબ એના મનને પૂછી રહ્યો હતો.

"જેવી મા છે એવી જ દીકરી છે. બબુલના ઝાડમાં કેરી ક્યાંથી ઉગે?" મન્સુર જોરથી બોલ્યો હતો.

દીનુ સાંજે ફેક્ટરીથી થોડા દૂર ઊભા રહી મોઢું બરાબર ઢાંકી માથે લાલ કલરની કેપ પહેરી ભાડેથી લાવેલા એક બાઇક ઉપર બેઠો હતો. અદિતી ગાડી લઇ ફેક્ટરીમાંથી બહાર નીકળી એટલે દીનુએ એનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. ગાડીના મીરરમાંથી અદિતી કોઇ એનો પીછો કરી રહ્યું છે એવી ખબર ના પડે એની સતત કાળજી એ લઇ રહ્યો હતો.

અદિતીએ ગાડી ચાની કીટલી પાસે ઊભી રાખી હતી અને નીચે ઉતરી કીટલીવાળા પાસેથી વેફરના બે પેકેટ લીધા હતાં. અદિતી આવું ઘણીવાર કરતી હતી એ દીનુ જાણતો હતો.

અદિતી ફરીવાર ગાડીમાં બેસી અને ગાડી એણે એના ઘર તરફ લઇ લીધી હતી. ગાડી બંગલાના ગેટમાં પ્રવેશી હતી. દીનુએ એની ગાડી બંગલામાં પ્રવેશતી જોઇ એટલે એણે જોરથી બાઇક ઉપર મુક્કો માર્યો હતો.

દીનુએ એવું વિચાર્યું હતું કે ફેક્ટરીથી અદિતી ઘરે જતાં ચોક્કસ કોઇને રસ્તામાં મળતી હશે પરંતુ અદિતીએ એવું કંઇ કર્યું નહોતું.

દીનુ ગુસ્સામાં ને ગુસ્સામાં પોતાના ઘરે પાછો આવ્યો હતો અને એના બેડરૂમમાં પ્રવેશ્યો હતો. બેડરૂમની દિવાલ પર એણે નજર નાંખી અને એ નવાઇ પામી ગયો હતો.

દિવાલ ઉપર કોઇએ કોમ્પ્યુટરમાં ટાઇપ કરેલો કાગળ લગાવ્યો હતો. જેમાં લખ્યું હતું.

"અદિતીનો પીછો કરવાનું બંધ કરી દે અને તારું જે કામ છે તે તું કર. મને શોધવાની કોશિષ બંધ કરી દે. કારણકે પડછાયા કદી પકડાતા નથી. લિ. તારો શુભચિંતક." દીનુએ કાગળ દિવાલમાંથી ખેંચી પોતાના હાથમાં લઇ વાંચ્યો હતો અને ગુસ્સામાં એ કાગળ જમીન પર ફેંક્યો હતો.

ક્રમશઃ......

(વાચક મિત્રો...,
કળિયુગની સ્ત્રી આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂરથી જણાવશો. જેથી આ વાર્તાને વધારે સારી રીતે હું વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું..... લિ. ૐગુરુ......)