kaliyug ni stri - part 11 books and stories free download online pdf in Gujarati

કળિયુગની સ્ત્રી - ભાગ 11

કળિયુગની સ્ત્રી

ભાગ-11

ભેદી માણસ


"મેડમ, ઇવાના રઝોસ્કીના પહેલા માલની ડીલીવરી રહીમ આવીને લઇ ગયો છે. એટલે એમનું પહેલું કન્સાઇનમેન્ટ આપણા ત્યાંથી રવાના થઇ ગયું." દીનુએ અદિતી સામેની ખુરશીમાં બેસતા દીનુએ કહ્યું હતું.

દીનુ જ્યારે આ ખબર આપવા માટે અદિતીની કેબીનમાં પ્રવેશ્યો હતો ત્યારે સંગ્રામ અને અદિતી અફીમની ખેતીના ઉત્પાદન વિશે વાત કરી રહ્યા હતાં.

"સંગ્રામ, થોડી મિનિટ માટે તું બહાર જા. મારે મેડમ સાથે થોડી ધંધા રીલેટેડ વાત કરવાની છે." દીનુએ સંગ્રામ સામે જોઇને કહ્યું હતું.

સંગ્રામ ખુરશીમાંથી ઊભો થવા જતો હતો પણ અદિતીએ એને ઇશારો કરીને અહીં જ બેસવા કહ્યું હતું.

"દીનુ, સંગ્રામ હવે આપણા બીઝનેસમાં ભાગીદાર છે. તારે જે કહેવું હોય એની સામે જ કહે." અદિતીએ દીનુ સામે જોઇ કહ્યું હતું.

દીનુએ પહેલા સંગ્રામ સામે જોયું અને પછી અદિતી સામે જોયું અને પોતાના ખિસ્સામાંથી એક લખેલો કાગળ કાઢ્યો. આ એ જ કાગળ હતો જે દીનુની ગેરહાજરીમાં એના ઘરની દિવાલમાં કોઇ ચોંટાડીને ગયું હતું. અદિતીએ એ કાગળ વાંચ્યો. કાગળ વાંચ્યા બાદ એ કાગળ એણે સંગ્રામને આપ્યો હતો.

"તું મારો પીછો કેમ કરતો હતો? પહેલા મને એ જણાવ." અદિતીએ અચરજ પામતા દીનુને પૂછ્યું હતું.

"મારા મનમાં કેટલાંક સવાલો છે. તમે કેટલાંય કામ એવા કર્યા છે કે જેની માહિતી મેં તમને નહોતી આપી. તો મારા સિવાય તમને આ બધી માહિતી કોણ પહોંચાડે છે? એ જાણવાની મને ખૂબ તાલાવેલી હતી. પરંતુ અત્યારે એ વાત નથી પણ વાત એ છે કે કોઇ વ્યક્તિ તમારો પીછો કરી રહ્યો હોય એવું મને લાગે છે અને તમારી જાન જોખમમાં ના આવે એટલા માટે જ મેં તમને તમારો પીછો કરનાર વ્યક્તિનો મને લખેલો કાગળ મેં તમને બતાવ્યો છે. મને લાગે છે કે પોલીસ પણ કદાચ પીછો કરતી હોય." દીનુએ અદિતી સામે જોઇને કહ્યું હતું.

"મને લાગે છે કે આ પીછો કરનાર માણસ J.K.નો હશે. એ અદિતીની હિલચાલ ઉપર નજર રાખવા માંગતો હશે એટલે કોઇને આ કામ સોંપ્યુ હશે. પરંતુ અહીં સવાલ એ પણ ઊભો થાય છે કે જે અદિતીનો પીછો કરતો હોય એ પોલીસ હોય કે J.K.નો માણસ પણ સામે ચાલીને તારા ઘરમાં જઇને આ કાગળ શું કરવા લગાડે? એ આપણને શું કરવા જણાવે કે એ અદિતીનો પીછો કરી રહ્યો છે." સંગ્રામે દીનુ અને અદિતી બંન્ને સામે જોઇ કહ્યું હતું.

સંગ્રામની વાત સાંભળી દીનુ વિચારમાં પડી ગયો હતો. એને સંગ્રામની વાત બરાબર લાગી હતી. એ ચૂપચાપ સંગ્રામના સવાલનો જવાબ પોતાના મનમાં વિચારી રહ્યો હતો.

"અત્યારે આપણી પાસે આ વાત વિચારવાનો સમય નથી. બીજા બે દિવસ પછી ઇવાના રઝોસ્કીનું બીજું કન્સાઇનમેન્ટ આપણે મોકલવાનું છે અને J.K. અથવા બીજું કોઇપણ હશે એ મારી હિલચાલ પર નજર રાખી રહ્યું છે. માટે એ મારા પર હુમલો કરશે એવી શક્યતા જરાય લાગતી નથી." આદિતીએ આખા મામલાને સમેટી લેતા કહ્યું હતું.

અદિતીએ મામલાની ગંભીરતાની નોંધ લીધી નહિ એ વાતથી દીનુને ખૂબ નવાઇ લાગી હતી. અદિતી એનો પીછો કરનાર વિશે જાણતી હશે એવો દીનુના મનમાં વહેમ ગયો હતો પણ દીનુ કશું જ બોલ્યા વગર ઊભો થઇ ગયો હતો.

દીનુ અને સંગ્રામ બંન્ને ઊભા થઇ ફેક્ટરીમાં જઇ ઇવાના રઝોસ્કીને મોકલવાના બીજા કન્સાઇનમેન્ટની તૈયારી કરવા લાગ્યા હતાં.

અદિતીએ પોતાના ફોનથી કોઇને ગુસ્સામાં ફોન જોડ્યો હતો.

મન્સુર ચીસાચીસ પાડી થાકી ગયો હતો અને ખુરશી પર જ સુઇ ગયો હતો. નીના ગુપ્તા જ્યારે ગોડાઉનમાં પ્રવેશી ત્યારે મન્સુર ખૂબ ગહેરી ઊંઘમાં હતો. નીનાએ પોતાના પગ જોરથી ટેબલ ઉપર મુક્યા એટલે મન્સુરની ઊંઘ ઉડી ગઇ હતી. નીના ગુપ્તાને પોતાની સામે બેઠેલી જોઇ મન્સુર રડવા લાગ્યો હતો.

"હું તમે કહેશો એ બધું કરવા તૈયાર છું પણ આ બંધનમાંથી મને મુક્ત કરો અને મને જવા દો. હું તમારી જોડે દગો નહિ કરું. પ્લીઝ મારી વાતને માનો." મન્સુરે રડતાં રડતાં કહ્યું હતું.

"તો હું એમ માનીને ચાલુંને કે તું સરકારી ગવાહ બનવા તૈયાર છે? પણ એક વાત યાદ રાખજે સરકારી ગવાહ બન્યા પછી ક્યારેય પણ તારે જે J.K.ને હું ગીરફ્તાર કરીશ એ J.K. ડુપ્લીકેટ છે એવું તારે ભૂલથી પણ બોલવાનું નહિ, નહિતર તારું ખૂન જેલમાં જ જેલના કેટલાંક કેદીઓ જે મારા માણસો છે એ મારા હુકમથી કરી નાંખશે, કારણકે જેલમાંથી બહાર નીકળવા એ લોકો હું કહું એમ કરવા તૈયાર હોય છે." નીના ગુપ્તાએ મન્સુરને કહ્યું હતું.

"મારે જેલમાં રહેવું પડશે? હું જેલમાં જવા નથી માંગતો. સરકારી ગવાહ બન્યા પછી પણ જેલમાં જવું પડે?" મન્સુરે વધારે મોટેથી રડતાં રડતાં કહ્યું હતું.

"બની શકે કે જજ સાહેબ તને સરકારી ગવાહ બન્યો હોવાના કારણે છોડી મુકે અથવા વધારેમાં વધારે ત્રણ થી છ મહિના તો જેલમાં રહેવું પડે. પણ છ મહિનાથી વધારે જેલનમાં રહેવાનું નહિ થાય એની જવાબદારી હું લઉં છું અને જેલમાંથી છુટ્યા બાદ હું તને આપણી વચ્ચે નક્કી કર્યા મુજબ પાંચ હીરા આપી દઇશ જેથી તું બીજા દેશમાં તારા ફાધર સાથે જઇ સેટલ થઇ શકીશ. આ મારી ફાઇનલ ડીલ છે. તને મંજૂર હોય તો હા કહે." નીના ગુપ્તાએ મન્સુર સામે જોઇ કહ્યું હતું.

મન્સુર હવે ખૂબ અકળાઇ ગયો હતો. એની બધી હિંમત તૂટી ગઇ હતી. હવે એ આ ચંગુલમાંથી કોઇપણ સંજોગોમાં છુટવા માંગતો હતો. માટે નીના ગુપ્તાની દરેક વાત સાથે એ સંમત થઇ રહ્યો હતો.

"સારું, કાલે હું તને ઓફીસીયલી ગીરફ્તાર કરી પોલીસ સ્ટેશને લઇ જઇશ. પોલીસ સ્ટેશનમાં હું તને જે પ્રમાણે સમજાવું એ પ્રમાણે તારે કાલે સરકારી ગવાહ તરીકેનું બયાન લખાવવાનું રહેશે." નીના ગુપ્તાએ મન્સુર સામે જોઇ કહ્યું હતું.

મન્સુર દરેક વાતમાં હાએ હા કરી રહ્યો હતો. મન્સુરના જવાબથી નીના ગુપ્તાને થોડી રાહત થઇ હતી અને ગોડાઉનની બહાર નીકળી એણે એના માણસોને મન્સુરનું બરાબર ધ્યાન રાખવાનું કહ્યું હતું, કારણકે નીના ગુપ્તાને લાગતું હતું કે મન્સુરને તક મળશે તો એ ભાગવાની કોશિષ જરૂર કરશે. ગોડાઉનમાંથી બહાર નીકળી અને પોતાની ગાડીમાં બેસી નીના ગુપ્તાએ મન્સુરના મોબાઇલમાંથી મોરીશીયસ J.K.ને ફોન કર્યો હતો.

"હલો મી. J.K., હું નીના ગુપ્તા બોલું છું." નીના ગુપ્તાએ કહ્યું હતું.

મન્સુરના ફોન ઉપરથી નીના ગુપ્તાનો ફોન આવેલો જોઇ J.K.ને નવાઇ લાગી હતી. ઓરીજીનલ J.K. તો નીના ગુપ્તાને ક્યારેય મળ્યો જ ન હતો પણ છતાં નીના ગુપ્તાને મળ્યો છે એવો ડોળ રાખી નીના ગુપ્તા જોડે વાત કરી રહ્યો હતો.

"નીના ગુપ્તાજી કેમ છો? બે કરોડ તો મેં તમને આપી દીધા. હવે મન્સુરના ફોનથી મને શું કરવા ફોન કરો છો? મન્સુર ક્યાં છે?" J.K.એ નીના ગુપ્તાને પૂછ્યું હતું.

"જુઓ મી. J.K., મારી પાસે તમારા ફાયદા માટેનો એક પ્લાન છે. તમારા અસલી નકલી J.K.નો ભેદ મને ખબર પડી ગઇ છે. મારી કુન્નુરમાં પોસ્ટીંગ એટલા માટે થઇ હતી કે હું તમને પકડી શકું. હવે હું ડુપ્લીકેટ J.K.ને પકડીશ અને ઓરીજીનલ J.K. એટલેકે તમે કાયમ માટે મુક્ત થઇ જશો અને જુગલ કિશોર પંડિતના નામથી આખી જિંદગી જીવી શકશો. આ કામ માટે તમારે મને રૂપિયા પાંચ કરોડ આપવાના રહેશે. બોલો મંજૂર છે?" નીના ગુપ્તાએ J.K.ને કહ્યું હતું.

નીના ગુપ્તાની વાત સાંભળી J.K.ને ઝટકો લાગ્યો હતો. વર્ષોથી સાચવી રાખેલો અસલી નકલીનો આ ખેલ નીના ગુપ્તા જાણી ગઇ છે એ વાચ જાણી J.K.ના મગજમાં ભયનું લખલખું પસાર થઇ ગયું હતું. થોડીવાર વિચાર્યા બાદ J.K.એ નીના ગુપ્તાને કહ્યું હતું.

"મને તમારી શરત મંજૂર છે, પણ ડુપ્લીકેટ J.K.ને તમારે એરેસ્ટ કરી પોલીસ સ્ટેશન નહિ લઇ જવાનો પણ રસ્તામાં જ એનું ....." J.K.એ વાત અધૂરી છોડી દીધી હતી.

"તમે તમારા માણસને આ દુનિયામાંથી મુક્તિ અપાવવા માંગતા હોય તો મને કંઇ વાંધો નથી પણ એના માટે રૂપિયા પાંચ કરોડના બદલે રૂપિયા દસ કરોડ થશે." નીના ગુપ્તાએ નફ્ફટાઇથી કહ્યું હતું.

"તમે તો રૂપિયા એવી રીતે માંગો છો જાણે એક-બે રૂપિયા માંગતા હોય. તમને નથી લાગતું કે તમે વધારે પડતી લાલચ રાખો છો." J.K.એ નીના ગુપ્તાને ગુસ્સાથી કહ્યું હતું.

"તમારી પાસે જે રૂપિયા છે એ રૂપિયા તમારી મહેનતના તો છે નહિ. ડ્રગ્સના ધંધાથી કમાયેલા છે તો એ રૂપિયા મારી પાસે આવે એટલે એને શુદ્ધ કરવા માટે થોડું દાન ધરમ પણ કરવું પડે, તો જ એ રૂપિયા મને ફળે. માટે ચાર્જ તમને થોડો વધારે લાગે છે પણ શું કરીએ આજના કળિયુગમાં ખર્ચા પણ બહુ વધી ગયા છે." નીના ગુપ્તાએ કહ્યું હતું.

"મને મંજૂર છે પણ રહીમને અને મન્સુરને કશું થવું જોઇએ નહિ. હું રહીમને કામથી બે દિવસમાં મોરેશીયસ બોલાવી લઉં છું. પછી તમે ડુપ્લીકેટ J.K.ની ધરપકડ કરજો." ઓરીજીનલ J.K.એ નીના ગુપ્તાને ફોનમાં કહ્યું હતું.

"હા તમે રહીમને બે દિવસ માટે મોરેશીયસ બોલાવી લો ત્યારબાદ હું J.K.ની ધરપકડ કરી અને એનો આ દુનિયામાંથી વિદાય સમારંભ ગોઠવી દઇશ અને હા દસ કરોડ રૂપિયા આજે તમને મન્સુરના મોબાઇલથી મારો દુબઇનો ઇન્ટરનેશનલ બેંક એકાઉન્ટ નંબર મોકલું છું એમાં દસ કરોડ જમા કરાવી દેજો, કારણકે રૂપિયા એડવાન્સ લીધા વગર હું કામ નથી કરતી." નીના ગુપ્તાએ ફોન મુકતા કહ્યું હતું.

"સારું છે આ સ્ત્રી ડ્રગના ધંધામાં નથી નહિ તો ડ્રગ્સનો ભાવ પણ દસ ગણો વધારી દે એવી છે." J.K. ગુસ્સામાં બબડ્યો હતો.

આજે અદિતી નિયત સમયે ફેક્ટરીમાંથી બહાર નીકળી હતી. દૂર એક રીક્ષામાં દીનુ રીક્ષા ડ્રાઇવર બની નકલી દાઢી અને મૂછ લગાડી સાલ ઓઢીને અદિતીનો પીછો કરવા લાગ્યો હતો.

દીનુને આજે અદિતી કોને મળે છે એના કરતા અદિતીનો પીછો કોણ કરી રહ્યો છે એ જાણવાની ઉત્સુકતા વધારે હતી. એટલે અદિતીની પાછળ જતાં વાહનો તરફ એ બરાબર ધ્યાનથી જોઇ રહ્યો હતો. પરંતુ અદિતીએ મુખ્ય રસ્તો છોડીને પોતાની ગાડી એક સાંકડા રસ્તા પર નાંખી હતી. હવે અદિતીની પાછળ એકલો દીનુ જ પોતાની રીક્ષા લઇને જઇ રહ્યો હતો.

આજે અદિતી પોતાના નિયત રસ્તાને છોડી બીજા એક રસ્તા ઉપર વળી હતી એ વાત દીનુ માટે ખૂબ જ આશ્ચર્યજનક હતી. એને મનમાં થઇ ગયું કે ચોક્કસ અદિતી આજે એ માણસને મળશે જે એને બધી માહિતી આપી રહ્યો છે. અદિતીએ એક સુમસાન જગ્યાએ પોતાની ગાડી ઊભી રાખી હતી. દીનુએ રીક્ષા અદિતીની ગાડીથી ખૂબ દૂર રાખી હતી એટલે એ દૂરથી અદિતી શું કરે છે અને કોને મળે છે એ જોવાની કોશિષ કરી રહ્યો હતો. એટલામાં જ એક ટાલીયો માણસ કાળું જેકેટ પહેરેલો આવ્યો અને અદિતીની ગાડીમાં બેસી ગયો હતો. ટાલીયા માણસની પીઠ દીનુને દૂરથી દેખાઇ હતી પણ ચહેરો દેખાયો ન હતો.

લગભગ એક કલાક સુધી એ ટાલીયો માણસ ગાડીમાંથી બહાર આવ્યો ન હતો અને અંધારું થઇ ગયું હતું અને દીનુ રીક્ષાની લાઇટ ચાલુ કરી શકે એવું હતું નહિ કારણકે એનાથી દીનુને પોતે પકડાઇ જશે એવો ભય હતો પણ સાથે લાવેલી બેટરી એણે ચાલુ રાખી હતી જેથી ગાડીમાંથી ઉતરતા એ ટાલીયા માણસનું મોઢું જોઇ શકે. લગભગ દોઢ કલાક પછી એ ટાલીયો માણસ ગાડીમાંથી ઉતર્યો હતો. દીનુ ગાડીમાંથી ઉતરેલા ટાલીયા માણસનો ચહેરો બેટરીના પ્રકાશમાં જોઇ શકે એ પહેલા તો એ ગાડીમાંથી નીકળી અને ઢાળ ઉતરીને નીચે જતો રહ્યો હતો.

છેક હાથમાં આવેલો કોળિયો પડી જતાં દીનુ ખૂબ જ નિરાશ થયો હતો અને એણે પોતાના બંન્ને હાથ જોરથી પોતાના પગ પર પછાડ્યા હતાં.

દીનુને આ ટાલીયો માણસ એના આકાર ઉપરથી ખૂબ ભેદી લાગ્યો હતો. દીનુએ મનમાં વિચાર્યું હતું કે આ સ્ત્રીને હું જેટલી ખતરનાક સમજતો હતો એના કરતા પણ વધુ ખતરનાક છે.

( ક્રમશઃ......)

(વાચક મિત્રો, કળિયુગની સ્ત્રી આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને વધારે સારી રીતે હું વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું....લિ. ૐગુરુ....)