kaliyug ni stri - part 9 books and stories free download online pdf in Gujarati

કળિયુગની સ્ત્રી - ભાગ 9

કળિયુગની સ્ત્રી

ભાગ-9

અસલી નકલી


ખુરશીમાં બંધાયેલો મન્સુર આછા પ્રકાશની રોશનીમાં સામે બેઠેલી વ્યક્તિને ઓળખવાની કોશિષ કરી રહ્યો હતો. બે મિનિટ પછી તરત મન્સુરને યાદ આવતા એ બોલી ઉઠ્યો હતો.

"તમે દિવ્યાની મધર છોને?" મન્સુરે પૂછ્યું હતું.

"વાહ મન્સુર, તારી યાદશક્તિ તો બહુ સારી છે. હવે જો તારે મારે શકંજામાંથી છૂટવું હોય અને ડ્રગના કેસમાં દસ વરસની સજા ભોગવવી ના હોય તો મારા બધાં સવાલનો સાચો જવાબ મને આપજે. એક પણ જવાબ ખોટો આપ્યો છે તો તારા વિરૂદ્ધ એવો કેસ તૈયાર કરીશ કે તને જામીન પણ નહિ મળે." નીના ગુપ્તાએ મન્સુર સામે જોઇ કહ્યું હતું.

મન્સુર જોર જોરથી રડવા લાગ્યો હતો. 'મને છોડી દો... મને છોડી દો...' ની બૂમો પાડવા લાગ્યો હતો.

મન્સુરની બૂમો સાંભળી નીના ગુપ્તાએ એના પગ ઉપર જોરથી એક લાકડી ફટકારી હતી. લાકડીના મારથી એના મોઢામાંથી ચીસ નીકળી ગઇ હતી.

"હવે તું માર ખાઇને મારા સવાલોના જવાબ આપીશ કે માર ખાધા વગર શાંતિથી ચૂપચાપ મારા સવાલોના જવાબ આપીશ?" નીના ગુપ્તાએ રીવોલ્વર કાઢી ટેબલ ઉપર મુકતા કહ્યું હતું.

રીવોલ્વર બહાર નીકળેલી જોઇ મન્સુર ડરી ગયો હતો.

"તમે જે પૂછશો એના બધાં જ સાચા જવાબ આપીશ, પણ મારું એન્કાઉન્ટર કરી ના નાંખતા, પ્લીઝ." મન્સુર રડતાં રડતાં બોલ્યો હતો.

"હવે મારા દરેક સવાલ ધ્યાનથી સાંભળજે. હું સવાલ રીપીટ નહિ કરું. મારો પહેલો સવાલ, તે મારી દીકરી દિવ્યાને તારી પ્રેમજાળમાં કેમ ફસાવી? અને ફસાવ્યા બાદ એને છોડી કેમ દીધી?" નીના ગુપ્તાએ મન્સુરને પૂછ્યું હતું.

"મેડમ, મને એવી ખબર પડી કે દિવ્યા પોલીસ અધિકારીની દીકરી છે અને દિવ્યા ખૂબ હવામાં અને અભિમાનમાં રહેતી હતી. એને એના રૂપનું અભિમાન એના મોઢા પર છલકાતું હતું. એ અભિમાનને તોડવા મેં એને મારી પ્રેમજાળમાં ફસાવી હતી. પછી દિવ્યા મારા પ્રેમમાં ખૂબ ડૂબી ગઇ હતી. મને લાગ્યું કે દિવ્યાના આવા વર્તનના કારણે તમે મારા દુશ્મન બની જશો અને એટલે જ હું કોલેજ અધૂરી છોડી કુન્નુર ભાગી આવ્યો હતો. દિવ્યા મને રોજ ફોન કરતી હતી અને મેસેજો પણ કરતી હતી પણ મેં એના ફોનનો કે મેસેજનો કોઇ જવાબ આપ્યો ન હતો. મારા એક મિત્રના માધ્યમથી મને ખબર પડી કે એને માનસિક રોગ થઇ ગયો છે અને એને હોસ્પિટલમાં દાખલ કરી છે. મને ખૂબ દુઃખ થયું અને મેં એની સાથે જે કર્યું એનો મને પસ્તાવો પણ થઇ રહ્યો છે." મન્સુરે રડતાં રડતાં કહ્યું હતું.

"હવે તું એક કામ કર, આ લે તારો મોબાઇલ. તારા મોબાઇલથી દિવ્યાને ફોન કર અને કહે કે તું એને હજી પ્રેમ કરે છે અને થોડું કામ પતાવી એને મળવા ચેન્નઇ આવીશ." નીના ગુપ્તાએ મન્સુરનો એક હાથ છોડી એના હાથમાં એનો મોબાઇલ પકડાવતા કહ્યું હતું.

મન્સુરે દિવ્યાના ફોન ઉપર રીંગ કરી હતી. મન્સુરની રીંગ જોઇ દિવ્યાએ ફોન ઉપાડી લીધો હતો.

"હલો દિવ્યા, હું મન્સુર બોલું છું. તું કેમ છે?" મન્સુરે રડતાં રડતાં પૂછ્યું હતું.

"તું મને કેમ છોડીને જતો રહ્યો? હું તારા વગર ગાંડી થઇ ગઇ છું અને માનસિક રોગની પેશન્ટ બની ગઇ છું." દિવ્યા રડતાં રડતાં બોલી હતી.

"હું તારી પાસે પાછો આવી જઇશ. હું તને સાચા હૃદયથી પ્રેમ કરું છું. મારું કામ પતાવી થોડા દિવસમાં તને મળવા માટે આવું છું. તું જલ્દી સાજી થઇ જા અને મને માફ કરી દે." મન્સુરની આંખમાં પશ્ચાતાપના આંસુ વહી રહ્યા હતાં.

"હવે તારે એક કામ કરવાનું છે. તારે રોજ દિવ્યા જોડે ફોનથી વાત કરવાની છે જેથી કરી એ ઝડપથી સાજી થઇ જાય. બોલ મંજૂર?" નીના ગુપ્તાએ મન્સુરને કહ્યું હતું.

"તમે નહીં કહો તો પણ હું રોજ એની જોડે વાત કરીશ અને એને હોસ્પિટલમાં મળવા માટે જઇશ. મારા અને એના સંબંધો પહેલાની જેમ નોર્મલ કરી નાંખીશ." મન્સુર રડતાં રડતાં કહી રહ્યો હતો.

"હવેની વાત એ થોડી અટપટી છે પરંતુ એ અટપટી વાતનો ઉકેલ તું મને આપી દઇશ તો હું તને અહીંથી જવા દઇશ." નીના ગુપ્તાએ કહ્યું હતું.

"તમે કહો એ કરવા તૈયાર છું પણ તમે મને મારી ના નાંખતા. તમારું વર્તન જોઇ મને એવું લાગે છે કે તમે મને મારી નાંખશો." મન્સુરે કહ્યું હતું.

"મારા કહ્યા પ્રમાણે કરીશ તો તને હું ચોક્કસ જેલમાં પણ નહીં નાંખું અને મારીશ પણ નહિ અને તારી જિંદગી મારા માટે ખૂબ કિંમતી છે કારણકે દિવ્યાને એના માનસિક રોગમાંથી બહાર લાવવા માટે મારે તારી જરૂર પણ છે. માટે હું તને કોઇપણ જાતનું નુકસાન પહોંચાડીશ નહિ." નીના ગુપ્તાએ મન્સુરને કહ્યું હતું.

"બોલો બીજું શું કામ છે.?" મન્સુરે પૂછ્યું હતું.

"J.K.એ પોતાના હીરા કઇ બેંકમાં મુક્યા છે? અને J.K.એ એનું નામ જબ્બાર ખાનના બદલે જુગલ કિશોર પંડિત એવું કેમ કર્યું?" નીના ગુપ્તાનો સવાલ સાંભળી મન્સુર ચમકી ગયો હતો.

"મેડમ, આ સવાલ તમે મને ના પૂછો. મારી અને મારા ફાધરની જિંદગી બંન્ને જોખમમાં આવી જશે. એવું હોય તો તમે મને જેલમાં પૂરી દો પણ આ સવાલનો જવાબ હું તમને નહીં આપી શકું. આ સવાલનો જવાબ હું તમને આપીશ તો મારા અને મારા ફાધરનું મોત નક્કી જ છે." મન્સુરે પોતાની જાતને સંભાળતા કહ્યું હતું.

નીના ગુપ્તાએ પોતાની રીવોલ્વર હાથમાં લીધી હતી અને મન્સુર સામે રીવોલ્વર તાકી હતી.

"જો મન્સુર, હું એક-બે-ત્રણ ગોળી મારતા પહેલાં એવું બોલતી નથી. એકસઠ જણનું એન્કાઉન્ટર કર્યા પછી મને એકપણ વખત પસ્તાવો થયો નથી, કારણકે બધાં જ સમાજના ક્રીમીનલ હતાં અને તું પણ ક્રીમીનલ છે. મારી દિવ્યાને સાજી કરવા માટે તારી જિંદગી ખૂબ કિંમતી છે નહિતર મેં તને ગોળી ક્યારની મારી દીધી હોત અને વિચાર્યું પણ ના હોત. હજી હું તને એક મિનિટ આપું છું. મારા સવાલનો જવાબ આપીશ કે નહિ? હા કે નામાં જવાબ આપ." નીના ગુપ્તાએ રીવોલ્વર ટેબલ પર પાછી મુકતા કહ્યું હતું.

મન્સુરે થોડી સેકંડો રીવોલ્વર તરફ જોયું અને થોડી સેકંડો નીના ગુપ્તા તરફ જોયું હતું. નીના ગુપ્તાના ચહેરામાં એને કોઇ ભયંકર રાક્ષસી દેખાઇ રહી હતી. મોતને આટલું નજીક જોઇને મન્સુર ડરી ગયો હતો.

"હું તમારા સવાલનો જવાબ આપવા તૈયાર છું, પણ મને પ્રોમીસ આપો કે મેં તમને આ વાત કહી છે એ વાતની ખબર કોઇને ના પડે." મન્સુરે માંડ ભેગી કરેલી હિંમત રીવોલ્વરના ડરથી પાછી તૂટી ગઇ હતી.

"અત્યારે કુન્નુરમાં જે J.K. છે એ ડુપ્લીકેટ છે. એનું નામ જુગલ કિશોર પંડિત છે. ઓરીજીનલ J.K. એટલે જબ્બાર ખાન સાથે એનો ચહેરો સાંઇઠ ટકા મળતો આવતો હતો અને બાકીનો ચાલીસ ટકા ચહેરો પ્લાસ્ટીક સર્જરીની મદદથી જબ્બાર ખાન લાગે એવો બનાવવામાં આવ્યો છે. ઓરીજીનલ J.K. કુન્નુરથી ભાગ્યો એ પછી કુન્નુર પાછો આવ્યો નથી. એણે એના બદલે જુગલ કિશોર પંડિતનો નકલી પાસપોર્ટ બનાવી કુન્નુર મોકલ્યો છે. જેથી કાલે પોલીસ પકડે તો ઓરીજીનલ J.K.ને નહિ પરંતુ નકલી J.K. જુગલ કિશોર પંડિતને જ પકડે. J.K.ની પાછળ એના દુશ્મનો કોઇ ચાલ ચાલે તો પણ જુગલ કિશોર પંડિતને જ ઓરીજીનલ J.K. સમજી એને મારી નાંખે અને ઓરીજીનલ J.K. બચીને રહે માટે J.K.એ આ ડુપ્લીકેટ J.K.ને મોકલવાનો પ્લાન બનાવ્યો હતો. આ વાત મારા પિતા સિવાય કોઇ જાણતું નથી. મને પણ આ વાત ત્યારે ખબર પડી કે એક દિવસ મારા ફાધર પોતાના મોબાઇલથી મોરેશીયસ ઓરીજીનલ J.K. સાથે વાત કરતા હતાં ત્યારે મને આ રહસ્ય વિશે ખબર પડી." મન્સુર રડતાં રડતાં બોલી રહ્યો હતો.

મન્સુરની વાત સાંભળી નીના ગુપ્તા અવાક થઇ ગઇ હતી. એ ખુરશીમાંથી ઊભી થઇ આંટા મારવા લાગી હતી. હવે શું કરવું એ એને સમજાતું ન હતું, કારણકે કુન્નુર એને પોસ્ટીંગ એ શરતે મળી હતી કે એ J.K.ને પુરાવા સાથે પકડી અને જેલમાં નાંખો. હવે J.K. જ્યારે ઓરીજીનલ છે જ નહિ પરંતુ ડુપ્લીકેટ છે ત્યારે એને જેલમાં નાંખીને શું ફાયદો થશે? નીના ગુપ્તા ચાલતા ચાલતા આ બધું વિચારી રહી હતી.

નીના ગુપ્તા પાછી ખુરશી પર જઇ બેસી ગઇ હતી.

"તારી વાત સાંભળીને તો હું પોતે વિચારમાં પડી ગઇ છું. હવે તું ડાયમંડનો કિસ્સો પણ મને કહી દે એટલે તને હું અહીંયાથી છોડી મૂકું." નીના ગુપ્તાએ મન્સુર સામે જોઇ કહ્યું હતું.

"કુન્નુરના બજારમાં આવેલી સ્ટેટ બેંકના લોકરમાં J.K.ના સો કરોડના હીરા છે. જુગલ કિશોર પંડિતને ઇન્ડિયા આ હીરા લેવા માટે મોકલ્યો હતો. એ હીરા લઇ અને પાછો કદાચ મોરેશીયસ જતો રહેશે એવું મને લાગે છે અને એ બેંકના લોકરમાં મારી અને J.K.ની સહી ચાલે છે." છેલ્લી લીટી બોલીને બફાઇ ગયું છે એવું ભાન થતાં મન્સુર એક સેકન્ડ માટે ઊભો રહ્યો હતો.

"ના...ના... લોકરમાં મારી નહિ પરંતુ મારા પિતા રહીમ અને J.K.ની સહી ચાલે છે." મન્સુરે વાતને બદલી નાંખવાનો પ્રયત્ન કર્યો હતો.

"વાતને બદલવાની કોશિષ ના કર. J.K.એ લોકરમાં તારી સહી એટલા માટે રાખી છે કે જરૂર પડે તો ઇમરજન્સીમાં તું સહી કરે અને લોકરમાંથી ડાયમંડ કાઢી અને મોરેશીયસ લઇ જઇ શકે. હવે તારે મારી સાથે બેંકમાં આવવાનું છે. બેંકના લોકરમાંથી હીરા કાઢવા સહી કરી અને હીરા મને આપી દેવાના છે. આ વાત મારી અને તારી વચ્ચે જ રહેશે અને ઓરીજીનલ J.K.ને ડાયમંડ ચોરાયા છે એવી ખબર પડશે એ પહેલા ડુપ્લીકેટ J.K.ને પોલીસે ગીરફ્તાર કરી લીધો હશે. તારે તો ઓરીજીનલ J.K.ને એટલું જ કહેવાનું રહેશે કે J.K. સાહેબના કહેવાથી તે હીરા લોકરમાંથી કાઢી એમને આપી દીધા હતાં. એટલે બધો જ શક ડુપ્લીકેટ J.K. ઉપર જશે અને હું તને એમાંથી પાંચ હીરા આપી દઇશ. જેથી તું તારા પિતાનું અને તારું ભવિષ્ય સુરક્ષિત કરી શકે. બોલ મંજૂર છે?" નીના ગુપ્તાએ મન્સુર સામે જોઇ કહ્યું હતું.

"મને મંજૂર છે. તમે મને ગોળી મારીને મારી નાંખો એના કરતા પાંચ કરોડના હીરા લઇ હું મારી જિંદગી નવેસરથી શરૂ કરી શકું અને ડ્રગના ખોટા ધંધામાંથી બહાર પણ નીકળી જઉં." મન્સુરે આંખમાં આંસુ સાથે કહ્યું હતું.

"અને હા, દિવ્યા જ્યાં સુધી નોર્મલ ના થાય ત્યાં સુધી તારે એની જોડે પ્રેમનું નાટક ચાલુ રાખવાનું છે. એ શરત તને યાદ છેને? જો એમાં ભૂલ કરીશ હું તને પાતાળમાંથી પણ શોધી કાઢીશ અને તને મારી નાંખીશ આ યાદ રાખજે." નીના ગુપ્તાએ મન્સુરને માથાના વાળ પકડી કહ્યું હતું.

"તમે જે કહેશો એ મને મંજૂર છે." મન્સુરની સંપૂર્ણ હિંમત જવાબ આપી ચૂકી હતી અને મન્સુર નીના ગુપ્તા સામે સરન્ડર થઇ ગયો હતો.

નીના ગુપ્તાએ એની સાથે લાવેલા ચાર ગુંડાઓ જે પોલીસ વર્ધીમાં હતાં એમને ઇશારો કર્યો અને અંદર બોલાવ્યા હતાં. વાતની ગુપ્તતા જાળવવા માટે નીના ગુપ્તાએ એમને બહાર જ ઊભા રાખ્યા હતાં.

મન્સુરને સ્કોર્પીઓ જીપમાં બેસાડી નીના ગુપ્તા એને સ્ટેટ બેંકમાં લઇ ગઇ હતી. સ્ટેટ બેંકના લોકરમાં જઇ સો કરોડના હીરા લોકરમાંથી કાઢી નીના ગુપ્તા મન્સુરને સુમસાન જગ્યાએ હાથ અને પગ બાંધીને લઇ ગઇ હતી. ચાર ડુપ્લીકેટ પોલાસવાળાઓને એણે એની ગાડીની પાછળ પાછળ આવવાનો ઇશારો કર્યો હતો. નીના ગુપ્તા સ્કોર્પીઓ એક સુમસાન જગ્યા પાસે લાવી હતી અને મન્સુરને સ્કોર્પીઓમાં જ બેસાડી રાખ્યો હતો.

"મારી અને તારી વચ્ચે થયેલી આ વાત ભૂલથી પણ તે તારા ફાધર અથવા તો J.K.ને કહી છે તો હું તને ગોળી મારી દઇશ. તું સમજ્યો?" નીના ગુપ્તાએ છેલ્લીવાર મન્સુરને કહ્યું હતું.

વેરાન જગ્યાએ નીના ગુપ્તા એના હાથ અને પગ બાંધીને લાવી હતી.

"હું પ્રોમીસ આપું છું કે આ વાત હું ક્યારેય કોઇને નહિ કહું અને આ ડાયમંડ લઇ ઇન્ડિયા બહાર ભાગી જઇશ. મારા ફાધર મને U.K. મોકલવા માંગે છે, તો હું આ દેશ છોડી U.K. જતો રહીશ અને દિવ્યા જોડે રોજ વાત કરીશ." મન્સુરે રડતાં રડતાં કહ્યું હતું.

"હવે હું J.K.ને ફોન લગાવું છું. તું એને કહી દે કે મેં તને છોડી મુક્યો છે." નીના ગુપ્તાએ મન્સુરને સમજાવતા કહ્યું હતું.

નીના ગુપ્તાએ J.K.ને ફોન લગાડ્યો હતો.

"હલો J.K., મેં મન્સુરને છોડી દીધો છે અને મારી બે કરોડની રકમ તૈયાર છે?" નીના ગુપ્તાએ J.K.ને કહ્યું હતું.

"હા, તમારી રકમ તૈયાર છે. તમે કહેશો એ જગ્યા પર તમને મળી જશે. પણ મને મન્સુર જોડે વાત કરાવો." J.K.એ ફોનમાં કહ્યું હતું.

નીના ગુપ્તાએ ફોન મન્સુરના કાને લગાડ્યો હતો.

"હા J.K. સાહેબ, મેડમે મને છોડી દીધો છે." નીના ગુપ્તાએ એના કાન પાસેથી ફોન લઇ લીધો હતો અને ફોન કટ કરી દીધો હતો.

ત્યારબાદ નીના ગુપ્તાએ પોતાના મોબાઇલમાંથી એક ફોન કર્યો હતો અને ફોન કર્યાના દસ મિનિટ પછી બીજી એક સ્કોર્પીઓ ગાડી આવી ગઇ હતી.

"હજી થોડા દિવસ તું મારો મહેમાન છે અને મહેમાનગતિમાં હું કોઇ કસર રાખીશ નહિ. તું થોડા દિવસ મારો મહેમાન રહે પછી હું તને છોડી મુકીશ." નીના ગુપ્તા બોલી હતી.

સ્કોર્પીઓમાં આવેલા ચાર જણને નીનાએ મન્સુરને ગોડાઉન પર લઇ જઇ બંધક રાખવાનું કીધું હતું.

"તમે તો કહેતા હતાને કે તમે મને છોડી મુકશો." મન્સુરે ચીસ પાડીને કહ્યું હતું.

"મન્સુર આ કળિયુગ છે. આ કળિયુગમાં જો બધું જ કહેલું પાળવામાં આવતું હોત તો આને કળિયુગ નહિ સતયુગ કહેવાત. તને મારી મહેમાનગતિમાં કોઇ તકલીફ પડશે નહિ." નીનાએ ઇશારો કરી મન્સુરને લઇ જવા કહ્યું હતું.

( ક્રમશઃ........)