kaliyug ni stri - part 6 books and stories free download online pdf in Gujarati

કળિયુગની સ્ત્રી - ભાગ 6

કળિયુગની સ્ત્રી ભાગ-6

બદલો


નીના ગુપ્તાએ કેબીનમાંથી બેલ માર્યો. બેલનો અવાજ સાંભળી કોન્સ્ટેબલ મીથીલેસ શર્મા હાથમાં લીધેલું તમાકુ કચરાપેટીમાં નાંખી અને કેબીનમાં દાખલ થયો હતો. નીના ગુપ્તાએ આંખના ઇશારેથી એને ખુરશી પર બેસવા કહ્યું હતું.

"મારે ડ્રગ માફીયા J.K. જોડે મીટીંગ કરવી છે. તું J.K.ના કોઇ માણસને ઓળખે છે જેને તું આ મીટીંગ ગોઠવવા માટે કહી શકે અને હા, આ મીટીંગ કરવાનો હેતુ કોઇ પૂછપરછ કરવાનો નથી એ સંદેશો પણ J.K. સુધી પહોંચાડી શકે." નીના ગુપ્તાએ મીથીલેસ શર્માને પૂછ્યું હતું.

થોડીવાર માટે મીથીલેસ શર્મા નીના ગુપ્તા સામે જોઇ રહ્યો હતો. નીના ગુપ્તા જેવી ઇમાનદાર પોલીસ અધિકારી J.K. જેવા ડ્રગ માફીયાને કેમ મળવા માંગે છે એ વાત મીથીલેસ શર્માને સમજાઇ નહિ.

"મેડમ, હું સમજ્યો નહિ કે તમે શું કહેવા માંગો છો?" નીના ગુપ્તાએ કહેલી વાત એણે બરાબર સાંભળી છે કે નહિ એ ખાતરી કરવા એણે ફરીવાર પૂછ્યું હતું.

પેનને હાથમાં રમાડતા રમાડતા નીના ગુપ્તાએ એની એ જ વાત ફરી રીપીટ કરી હતી.

"મેડમ, હું એક માણસને જાણું છું કે જે J.K. સાથે તમારી મીટીંગ કરાવી શકે. તમે કહેતા હોય તો ફોન કરી એને વાત કરું." મીથીલેસ શર્માએ નીના ગુપ્તા સામે નજર મીલાવીને કહ્યું હતું.

મીથીલેસની વાતમાં નીનાએ હા પાડી એટલે એ દીનુને ફોન કરવા માટે નીના ગુપ્તાની કેબીનમાંથી બહાર નીકળ્યો હતો. દીનુને ફોન કરી પોલીસ અધિકારી નીના ગુપ્તા J.K.ને મળવા માંગે છે એ સંદેશો J.K. સુધી પહોંચાડવાનું કામ દીનુને સોંપી દીધું હતું કારણકે એને ખબર હતી કે આ કામ દીનુ જ કરી શકે એમ હતો.

મીથીલેસે ફોન ઉપર દીનુને નીના ગુપ્તાએ કહેલી વાત જણાવી હતી. નીના ગુપ્તાની J.K.ને મળવાની વાતથી દીનુને પણ આશ્ચર્ય થયું હતું.

દીનુ અદિતીની કેબીનમાં જઇ મીથીલેસ શર્માએ કહેલી વાત શબ્દસહ કહી સંભળાવી હતી.

"નીના ગુપ્તાને J.K.ને મળવું છે તો મળવા દો. આપણને એમાં ક્યાં કંઇ નુકસાન છે? તું રહીમને ફોન કરી મીથીલેસનો સંદેશો રહીમને આપી દે અને રહીમ જે જવાબ આપે એ જવાબ મીથીલેસને આપી અને મીડીયેટરની જવાબદારી પૂરી કરી દે." અદિતીએ આપેલા ઠંડા કલેજાના જવાબથી દીનુ વિચારમાં પડી ગયો હતો.

દીનુએ રહીમને ફોન કર્યો અને પોલીસ અધિકારી નીના ગુપ્તા J.K.ને મળવા માંગે છે એની માહિતી રહીમને આપી દીધી હતી. રહીમે અડધો કલાક પછી જવાબ આપું છું એમ કહી ફોન મુક્યો હતો.

બેઠકખંડમાંથી રહીમ J.K.ના બેડરૂમમાં લગભગ દોડતો દોડતો પહોંચ્યો હતો. બેડરૂમનો દરવાજો ખખડાવી રહીમ બેડરૂમમાં દાખલ થયો હતો. J.K. પથારીમાં આડો પડી કાલે સાંજે થનાર ઇવાના રઝોસ્કી સાથેની મુલાકાતમાં શું વાત કરવી એ વિશે વિચાર કરી રહ્યો હતો.

રહીમને દોડતો દોડતો પોતાના રૂમમાં આવેલો જોઇ J.K. પથારીમાંથી ઊભો થઇ ગયો હતો.

"કેમ આટલો ગભરાયેલો બનીને હાંફતો હાંફતો આવ્યો છે? શું થયું?" J.K.એ અકળાઇને રહીમને પૂછ્યું હતું.

"પોલીસ અધિકારી નીના ગુપ્તા તમને મળવા માંગે છે." રહીમે કહ્યું હતું.

"મને મળવા માંગે છે? કેમ?" J.K.એ રહીમને પૂછ્યું હતું.

"મારા ઉપર દીનુનો ફોન આવ્યો હતો. કોન્સ્ટેબલ મીથીલેસે એને નીના ગુપ્તા તમને મળવા માંગે છે એ સંદેશો આપવાનું કહ્યું હતું અને મીટીંગ કોઇ પૂછપરછ માટેની નથી એટલે ચિંતા કરવાની જરૂર નથી એવું પણ કહ્યું હતું. મને તો દાળમાં કંઇક કાળું લાગે છે." રહીમ J.K. સામે જોઇને બોલ્યો હતો.

J.K. થોડીવાર માટે વિચારમાં પડી ગયો હતો.

"પોલીસવાળા પૂછપરછ સિવાય મળવા મળવા માંગે એટલે વ્યવહારની વાત કરવી હશે. હોટલ રીવેરા ઇનના એક રૂમમાં મીટીંગ ફીક્સ કરી દે. કાલે બપોરે એક વાગે હું નીના ગુપ્તાને મળવા માટે પહોંચી જઇશ અને તું દીનુ દ્વારા નીના ગુપ્તા સુધી આ સંદેશો પહોંચાડી દે." J.K.એ રહીમને હુકમ આપ્યો હતો.

હોટલ રીવેરા ઇનમાં J.K. અને નીના ગુપ્તાનું મળવાનું નક્કી થઇ ગયું હતું. બીજા દિવસે સાડાબારે J.K. પોતાની ગાડીમાં બેસી હોટલ રીવેરા ઇન તરફ જવા નીકળી ગયો હતો. રહીમને એણે હોટલની બહાર નજર રાખવાનું કહ્યું હતું.

J.K.એ પોતાના પગમાં પહેરેલા મોજામાં નાની પિસ્તોલ મુકી હતી, જેથી અણીના સમયે તેનો ઉપયોગ કરી શકાય.

હોટલ રીવેરા ઇનના દરવાજા પાસે ઉતરી અને એ રૂમ નંબર 400 તરફ જવા લીફ્ટમાં દાખલ થયો હતો. એ જ વખતે લીફ્ટમાં એને જીન્સ અને ટી-શર્ટ પહેરેલ એક સ્ત્રી દેખાઇ હતી. J.K.ની સાથે-સાથે એ પણ હોટલના ચોથા નંબરના ફ્લોર ઉપર બહાર આવી હતી. J.K.એ જઇ 400 નંબરનો રૂમ ખોલ્યો અને દાખલ થયો. બરાબર એ સ્ત્રી પણ એની પાછળ ને પાછળ રૂમમાં દાખલ થઇ ગઇ હતી.

"તમે જ પોલીસ અધિકારી નીના ગુપ્તા લાગો છો, પણ હું જ J.K. છું એવી તમને કઇ રીતે ખબર પડી?" J.K.એ સ્ત્રી સામે જોઇને પૂછ્યું હતું.

"મારી આંખોમાં એક્સરે મશીન છે. ફાઇલમાં એકવાર જેનો ફોટો હું જોઇ લઉં એ હું ક્યારેય ભૂલતી નથી." નીના ગુપ્તાએ સોફામાં બેસતા કહ્યું હતું.

J.K. પણ નીના ગુપ્તા સામે મુકેલી ચેર પર બેસી ગયો હતો.

"આપ મને મળવા માંગતા હતાં? શું કામ હતું?" J.K. સીધો મુદ્દાની વાત પર આવી ગયો હતો.

"J.K., હું ચેન્નઇ હતી ત્યારથી તારા વિરૂદ્ધમાં એક ફાઇલ બનાવી રહી હતી. મારી પાસે એવા પુરાવા છે કે જે કોર્ટમાં રજૂ કરવામાં આવે તો ફાંસીની પણ સજા થઇ શકે એમ છે, પણ હું એ બધાં જ પુરાવા જે તારી વિરૂદ્ધના છે એ ગુમ કરી દઇશ જો તું મારી બે શરત માને તો." નીના ગુપ્તાએ J.K. સામે જોઇ સરળતાથી કહ્યું હતું.

"મારી વિરૂદ્ધ તમે પુરાવા ભેગા કર્યા છે એવું હું કઇ રીતે માની લઉં? અને તમારી બે શરત કઇ છે?" J.K.એ નીના ગુપ્તા સામે જોઇ પૂછ્યું હતું.

નીના ગુપ્તાએ પોતાનો મોબાઇલ ખોલ્યો અને J.K.ના હાથમાં આપ્યો હતો.

J.K. મોબાઇલમાં એક પછી એક પોતાના વિરૂદ્ધ એકત્રિત કરેલા પુરાવાના ફોટા જોવા લાગ્યો હતો. ચાર પાંચ ફોટા જોઇને જ J.K.એ ફોન નીના ગુપ્તાને પાછો આપ્યો હતો.

"મને લાગે છે કે તમને તમારી વિરૂદ્ધના પુરાવા જોઇ સંતોષ થઇ ગયો હશે. હવે મારી બે શરત સાંભળી લો. પહેલી શરત, પરમ દિવસે રૂપિયા બે કરોડ રોકડા મને આપવા પડશે અને બીજી શરત, રહીમના દીકરા મન્સુર ખાનને પાંચ દિવસ માટે મારી પોલીસ કસ્ટડીમાં તમારે મને સોંપવો પડશે." નીના ગુપ્તાએ J.K. સામે પોતાની શરત મુકતા કહ્યું હતું.

"બે કરોડ રૂપિયા તો હું તમને કાલે સવારે જ પહોંચાડી દઉં, પણ મન્સુર ખાનને પકડીને તમારે શું કામ છે? એનાથી તમને શું ફાયદો થશે? આ વાત મને સમજાઇ નહિ." J.K. પોતાની દાઢી પર હાથ ફેરવતા કહ્યું હતું.

"મન્સુર ખાન મારી દીકરી દિવ્યા સાથે ચેન્નઇમાં કોલેજમાં ભણતો હતો. મન્સુરે એને પ્રેમજાળમાં ફસાવી એને શારીરિક અને માનસિક રીતે ખતમ કરી અને પછી છોડી દીધી હતી. મારી દીકરી મન્સુરના પ્રેમમાં એટલી ગાંડી થઇ ગઇ હતી કે મારે એને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે. આમ તો મને મન્સુરને મારી નાંખવાની જ ઇચ્છા હતી પરંતુ વીસ વરસના છોકરાનું મારે ખૂન કરવું નથી. માટે ચાર પાંચ દિવસ પોલીસ કસ્ટડીમાં રાખી થોડા ડંડા મારી એને છોડી મુકીશ. આ રીતે મારો બદલો હું પૂરો કરી લઇશ. મારી આ શરત મંજૂર હોય તો હા પાડે નહિતર ના પાડો." નીના ગુપ્તાએ J.K. સામે જોઇ બેફીકરાઇથી કહ્યું હતું.

J.K. ઊભો થઇ રૂમમાં આંટા મારવા લાગ્યો હતો.

"ચલો તમે નિર્ણય ઝડપથી લઇ શકો એ માટે હું તમને પ્રોત્સાહન મળે એવી વાત કરું. તમે મોરેશીયસથી કુન્નુર માત્ર ડ્રગ્સનો ધંધો કરવા નહિ પરંતુ સો કરોડના હીરા લેવા આવ્યા છો." નીના ગુપ્તાએ J.K. સામે જોઇ કહ્યું હતું.

સો કરોડના હીરાની વાત સાંભળી J.K. ખુરશીમાં બેસી પડ્યો હતો.

"સો કરોડના હીરાની વાત તમને કઇ રીતે ખબર પડી?" J.K.એ આંખો પહોળી કરી નીના ગુપ્તાને પૂછ્યું હતું.

"ચેન્નઇના જે ડાયમંડ વેપારી પાસેથી તમે જે હીરા ખરીદ્યા હતાં એ હીરા લેવા માટે તમે રહીમને મોકલ્યો હતો. રહીમ એના દીકરા મન્સુર સાથે ડાયમંડના વેપારીના શો-રૂમ ઉપર ગયો હતો. મન્સુરને ગાડીમાં બેસાડીને જ રહીમ શો-રૂમમાં એકલો જ ગયો હતો અને થોડીવારમાં એ પાછો આવ્યો હતો. હું મન્સુરને પકડવા માટે ત્રણ દિવસથી એનો પીછો કરતી હતી. એટલે મન્સુરનો પીછો કરતાં કરતાં જ્યારે રહીમની ગાડી ડાયમંડના વેપારીના શો-રૂમ પાસે ઊભી રહી ત્યારે હું સમજી ગઇ હતી કે નક્કી ડ્રગ્સના પૈસા ડાયમંડમાં કન્વર્ટ થઇ રહ્યા છે. રહીમના શો-રૂમમાંથી નીકળ્યા બાદ હું શો-રૂમમાં ગઇ હતી અને ડાયમંડના વેપારીના કપાળ ઉપર મેં મારી બંદૂક મુકી એટલે એ પોપટની જેમ સાચું બોલી ગયો હતો. તારા જેવો હોંશિયાર માણસ આવી ભૂલ કરી શકે, J.K.? એ વાત જાણીને મને પણ નવાઇ લાગી હતી." નીના ગુપ્તાએ ડાયમંડનું પગેરું કઇ રીતે મળ્યું એની શબ્દસહ ઘટના J.K.ને સંભળાવી હતી.

ડાયમંડની વાત સાંભળી J.K. લાચાર થઇ ગયો હતો અને મન્સુરને પાંચ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં આપવાની અને બે કરોડ રૂપિયા રોકડ આપવાની હા પાડી હતી.

પરમદિવસે મન્સુર ડ્રગ્સનો માલ લઇને કયા રસ્તેથી જવાનો છે એની પૂરી વિગત એને નીના ગુપ્તાને આપી દીધી હતી.

"મારા વિરૂદ્ધના સબૂત તમે નષ્ટ કરી દેજો. તમે કહેતા હોય તો રૂપિયા કાલે સવારે જ હું મોકલી આપું." J.K.ના અવાજમાં હવે ઉતાવળ અને અધિરાઇ દેખાતી હતી.

"મારે પૈસાની જરાય ઉતાવળ નથી. મારે તો મન્સુર ખાનની જ ઉતાવળ છે. " આટલું કહી નીના ગુપ્તા રૂમની બહાર નીકળી ગઇ હતી.

J.K. ખુરશીમાં ફસડાઇ પડ્યો હતો. J.K.ને ડ્રગ્સના ધંધામાં પચ્ચીસ વરસ થયા હતાં પરંતુ આટલો મોટો ઝટકો એને ક્યારેય લાગ્યો ન હતો. J.K. અડધો કલાક સુધી ચેર પર બેસી રહ્યો હતો પછી એ સ્વસ્થ થઇ એ રૂમની બહાર નીકળ્યો હતો.

"કાલની મીટીંગમાં કોઇપણ જાતની બેદરકારી થવી જોઇએ નહિ. ખાસ કરીને મીટીંગમાં હું, J.K. અને ઇવાના રઝોસ્કી રૂમમાં ઉપસ્થિત રહીશું. તારે અને રહીમે રૂમની બહાર ઊભા રહીને જતા આવતા લોકો પર નજર રાખવાની રહેશે, કારણકે મને શક છે કે અચાનક પોલીસ આવી ચડે તો મામલો બગડી જાય અને રઝોસ્કી આપણો દુશ્મન બની જાય માટે તને કંઇપણ સંદિગ્ધ લાગે તો તું મને રીંગ કરજે. તું મારી વાત બરાબર સમજી ગયોને દીનુ?" અદિતીએ દીનુ સામે જોઇ પૂછ્યું હતું.

"હું બધું બરાબર સમજી ગયો છું અને સંગ્રામને મળીને આજે સાંજે પાંચ વાગે ફોક્ટરી પર આવવા માટે રાજી કરી દીધો છે. સંગ્રામ એ શરતે આવવા રાજી થયો છે કે એને કામ પસંદ પડશે તો જ એ કરશે." દીનુએ અદિતી સામે જોઇ કહ્યું હતું.

"એની પાસે જે કામ હું કરાવવા માંગુ છું એ કામ એને એવું પસંદ પડશે કે ના પાડવાની એની પાસે જગ્યા જ નહિ રહે." અદિતીએ રૂમમાં આંટા મારતા મારતા કહ્યું હતું.


ક્રમશઃ ......