Prem aek khel books and stories free download online pdf in Gujarati

પ્રેમ એક ખેલ

સોનેરી ચમકતાં વાળ, ભૂરી આંખો રૂપેરી વાન અને તોફાની ચાલ સ્વભાવે તીખું તમતમતું મરચું અને ગુસ્સો તો તેના નાક ઉપર જ હોય...રચના ઠાકર....

રચનાની એન્ટ્રી પડે એટલે આખાય ક્લાસની નજર તેની ઉપર જ હોય જાણે આખો ક્લાસ સ્તબ્ધ થઈ ગયો હોય તેમ તેને એકીટસે જોયા કરે. અને આખીયે કોલેજમાં પણ તે ફેમસ, કોલેજના દરેક છોકરાની તમન્ના તેની સાથે વાત કરવાની હોય તેટલી તે રૂપાળી પણ ખરી અને રૂઆબદાર પણ ખરી...!!

આર્યન, વત્સલ, ઋષિ, રાજ, મોહિની અને પંક્તિ આ આખું ગૃપ આજે ચાની કીટલી ઉપર બેસીને એ જ વાત કરી રહ્યું હતું.

આર્યન અને વત્સલ વચ્ચે ચા પીતાં પીતાં શરત લાગી કે રચનાને બંનેમાંથી પહેલા કોણ પટાવી શકે છે ?

આર્યન: રચનાને તો સૌથી પહેલાં હું જ પટાવીશ તું જોઈ લેજે ને ?

વત્સલ: પહેલાં કૉલેજની અંદર ક્લાસરૂમમાં બેસીને લેક્ચર ભરવાનું તો ચાલું કર પછી છોકરી પટાવાની વાતો કરજે.

આર્યન: કાલથી આપણું તો લેક્ચર ભરવાનું ચાલુ.

વત્સલ: ખાલી લેક્ચર ભરવાથી કે અપટુડેટ દેખાવાથી કોઈ છોકરી પટાવાતી નથી તેના માટે હોંશિયારી પણ એટલી જ જોઈએ

આર્યન: ક્લાસમાં હવે પહેલો નંબર પણ આપણો જ આવશે. પછી બોલ.

વત્સલ: પણ તો પણ યાર એ તને લાઈન આપશે તો તું તેને પટાવી શકીશને ?

આર્યન: (કોલર ઉંચો કરીને) આપશે જ ને આપણને જ લાઈન આપશે ને બીજા કોને આપશે ?

વત્સલ: મને બીજા કોને ?

આર્યન: જોઈ લઈએ આપણે ચલ લાગી શર્ત ?

વત્સલ: હા લાગી બોલ કેટલાં સમયમાં પકાવવાની ?

આર્યન: એક મહિનામાં
વત્સલ: ઓકે
અને ચાની કીટલી ઉપર બેસીને આખાય ગૃપની હાજરીમાં બંને ભાઈબંધ વચ્ચે શર્ત લાગી.

બીજે જ દિવસથી આ આખુંય ગૃપ ક્લાસમાં સતત હાજર દેખાવા લાગ્યું એટલે કોલેજના બધાજ વિધાર્થીઓને અને શિક્ષકોને નવાઈ લાગવા લાગી.

આર્યન અને વત્સલ બંનેની વચ્ચે તો ક્લાસમાં ભણવાની પણ હરિફાઈ રહેતી એટલે શિક્ષકોને તો ભણાવવાની ઓર મજા આવતી.

એમ કરતાં કરતાં થોડા દિવસ પછી કોલેજમાં એક ફંક્સનનુ આયોજન કરવામાં આવ્યું.

રચનાએ ડાન્સમાં ભાગ લીધો હતો તેની સાથે સાથે આર્યન અને વત્સલે પણ ડાન્સમાં ભાગ લીધો.

બંને સતત રચનાની નજીક રહેવાની કોશિશ કરવા લાગ્યા.

આમ કરતાં કરતાં રચના અને આર્યન બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા અને આર્યને એક દિવસ રચનાને પ્રપોઝ કરી જ દીધું, રચનાએ આર્યનના પ્રેમનો સહર્ષ સ્વીકાર પણ કર્યો અને બંને એકબીજા સાથે ખૂબજ ખુશ રહેવા લાગ્યા.

સમય પસાર થયે જતો હતો આમ કરતાં કરતાં કોલેજના ત્રણ વર્ષ પૂરા થવામાં એક અઠવાડિયું જ બાકી હતું અને આર્યને રચનાને પોતાની ફેવરિટ જગ્યા જ્યાં હંમેશા બધા સાથે જ બેસતાં " ચાની કીટલી " પર ત્યાં બધાની સામે રચનાને પોતાની સાથે લગ્ન કરવા માટે પૂછ્યું.

રચના પણ ખૂબજ હોંશિયાર છોકરી હતી તેનો જવાબ સાંભળીને આખા ગૃપના બધાજ સભ્યો દંગ રહી ગયા.

રચના: આર્યન આપણો સંબંધ ફક્ત કોલેજ પૂરતો જ હતો હવે તું તારા રસ્તે અને હું મારા રસ્તે

આર્યન: પણ, રચના તું તો મને સાચા દિલથી પ્રેમ કરતી હતી ને ?

રચના: એવું તને કોણે કહ્યું ? અને શર્ત ફક્ત તમે છોકરાઓ જ લગાવી શકો અમે છોકરીઓ ન લાગાવી શકીએ ? કોઈની લાગણીઓ સાથે રમતાં તમને છોકરાઓને જ આવડે છે એમ તમે સમજો છો ?

અને આર્યન અને વત્સલની આંખો ખુલી ગઈ અને તેમને બંનેને પોતે કરેલી ભયંકર ભૂલ સમજાઈ ગઈ પણ હવે સમય વીતી ચૂક્યો હતો અને રચના તેમને બધાને " બાય બાય " કહીને પોતાના નવા જીવનની શરૂઆત કરવા માટે નીકળી ગઈ હતી.

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
24/6/2021