Prayshchit - 36 books and stories free download online pdf in Gujarati

પ્રાયશ્ચિત - 36

પ્રાયશ્ચિત પ્રકરણ 36

જયેશ ઝવેરી અને સ્ટાફ સાથે મીટીંગ થયાને એક અઠવાડિયું પસાર થઈ ગયું. આ એક વીકમાં કેતનના ચેરીટેબલ મિશનની શરૂઆત થઇ ગઇ હતી. સહુથી પહેલાં ટિફિન સેવા શરૂ કરી હતી.

પ્રારંભિક ધોરણે ૧૦૦ પેકેટ બનાવીને જયેશ ઝવેરીની વાનમાં જ વિતરણ કરવામાં આવતાં હતાં. આ ઓર્ડર કાજલના કહેવા મુજબ ભારતીબેન શાહને જ આપવામાં આવ્યો હતો.

ભારતીબેન વર્ષોથી જામનગરમાં જુદા જુદા વિસ્તારમાં આવેલી નમકીનની દુકાનોમાં સપ્લાય કરતાં હતાં.ભારતીબેને આટલા મોટા સપ્લાયને પહોંચી વળવા માટે બીજી બે બહેનોને પોતાના ઘરે બોલાવી લીધી હતી. આટલાં બધાં થેપલાં બનાવવાં એ એક વ્યક્તિનું કામ ન હતું.

પેકિંગ કરવા માટે પ્લાસ્ટિકનાં જ ડિસ્પોઝેબલ તૈયાર બોક્સ ખરીદી લીધાં હતાં. બટેટાની સુકીભાજી ગરમ રહે એટલે રેપીંગ માટે એલ્યુમિનિયમ ફોઇલની પણ ખરીદી કરી લીધી હતી. અમૂલના મોટા સ્ટોરમાંથી ૧૦૦ ગ્રામ દહીંનાં પેકિંગ ખરીદવામાં આવતાં હતાં.

બટેટાની સુકી ભાજી બનાવવા માટે એક મારવાડી રસોઈયો નક્કી કરી દીધો હતો અને એ હોલમાં જ સુકી ભાજી બનાવતો હતો. હોલમાં રસોઈની મોટી કડાઈ, તવેથો અને ગેસ કનેક્શન પણ લઈ લીધું હતું. સુકી ભાજી બનાવવા માટે જરૂરી તમામ મસાલાનાં પેકેટો અને તેલના ત્રણ ડબ્બા પણ ખરીદી લીધા હતા.

ભારતીબેનના ઘરેથી દરરોજ ૫૦૦ થેપલાં પ્રશાંત વાનમાં લઈ આવતો હતો અને પછી ત્રણે વસ્તુઓનું પેકિંગ હોલમાં કરવામાં આવતું. પેકિંગ કરવા માટે ત્રણ છોકરાઓ રોજના ૨૦૦ રૂપિયાના દૈનિક પગારથી રોકવામાં આવ્યા હતા.

ગવર્મેન્ટ હોસ્પિટલ અને આયુર્વેદ મહાવિદ્યાલયમાં આ ટિફિન સવારે ૧૧ થી ૧૨ વચ્ચે વાનમાં પહોંચાડવામાં આવતાં. બંને હોસ્પિટલોમાં ' જમનાદાસ ચેરીટેબલ ટ્રસ્ટ ' તરફથી મફત ટિફિન સેવા માટે પોસ્ટરો પણ લગાડવામાં આવ્યાં હતાં જેથી વધુને વધુ લોકો એનો લાભ લઇ શકે.

પોસ્ટરોમાં જયેશનો મોબાઇલ નંબર આપેલો હતો. એક વીકમાં તો થેપલાં અને સૂકી ભાજી એટલાં તો પ્રખ્યાત થઈ ગયાં કે બીજાં ૪૦ ટિફિન વધી ગયાં.

હોસ્પિટલમાં રિનોવેશનનું કામ પણ શરૂ થઈ ગયું હતું. વિવેક સુપરવાઇઝર તરીકે ત્યાં સતત હાજર રહેતો હતો. સરકારી હોસ્પિટલ તરફથી તમામ મેડિકલ ઇક્વિપમેન્ટ બનાવનારી અને સપ્લાય કરનારી કંપનીઓનાં નામ પણ મળી ગયાં હતાં એટલે રાજેશ દવેએ તમામ મશીનો માટે ઓર્ડર પણ પ્લેસ કરી દીધો હતો.

જામનગરમાં વૃદ્ધાશ્રમ બનાવવાનો વિચાર કેતનને આવ્યો હતો પરંતુ એકલા થી બધે પહોંચી નહીં વળાય એવું લાગતાં હાલ પૂરતો એ વિચાર માંડી વાળ્યો હતો.

ગરીબ કન્યાઓનાં સમૂહ લગ્ન કરાવવામાં એને પોતાને પણ રસ હતો પરંતુ લગ્નની સિઝન હજુ ડિસેમ્બરથી ચાલુ થવાની હતી એટલે એ પ્રોજેક્ટ પણ ત્રણ-ચાર મહિના માટે એણે બાજુ માં મૂક્યો.

જામનગરમાં બે થી ત્રણ ગૌશાળાઓ હતી. દરેક ગૌશાળામાં જઈને કેતને ટ્રસ્ટી અને સંચાલકને મળીને આખા વર્ષનો ઘાસચારાનો જે પણ ખર્ચ થતો હોય એ પોતાના ટ્રસ્ટમાંથી દાન પેટે આપવાની વાત કરી. અને જે રકમ એને કહેવામાં આવી એના ચેક પણ એણે તરત જ આપી દીધા.

દિવસો ઝડપથી પસાર થતા ગયા. ૨૬ ઑગસ્ટે બપોરે ૧૨ વાગ્યે સૌરાષ્ટ્ર મેલમાં કેતન નો સમગ્ર પરિવાર જામનગર સ્ટેશને પહોંચી ગયો.

કેતન પોતાની ગાડી લઈને સ્ટેશને ગયો અને મનસુખને પણ જયેશ ઝવેરીની વાન સ્ટેશને લઇ આવવાનું કહ્યું. કુલ ૬ પેસેન્જર્સ હતાં.

મમ્મી પપ્પા અને જાનકી કેતનની ગાડી માં બેઠાં જ્યારે સિદ્ધાર્થ રેવતી અને શિવાની મનસુખની વાનમાં બેઠાં.

રસ્તામાં કેતન મમ્મી પપ્પાને જુદા જુદા એરિયાનો પરિચય કરાવતો ગયો. ધાર્યા કરતાં જામનગર શહેર ઘણું ડેવલપ થયેલું જગદીશભાઈને લાગ્યું.

સિદ્ધાર્થ અને રેવતી પણ જામનગર શહેરને જોઈને ઘણાં ખુશ થયાં. અહીં પણ સુરતના જેવો જ ટ્રાફીક હતો !

કેતનનો બંગલો જોઈને આખો પરિવાર ખૂબ જ ખુશ થઈ ગયો. બંગલો ઘણો વિશાળ હતો અને તમામ સગવડો હતી. કોલોની પણ સરસ હતી. કેતને બધાંને દક્ષામાસી નો પરિચય કરાવ્યો.

" આ દક્ષામાસી રસોઈ એટલી બધી સરસ બનાવે છે કે આશિષ અંકલ પણ ખુશ થઈ ગયેલા અને જયશ્રી આંટીને અમુક આઈટમ શીખવવા માટે માસીને એમના ઘરે બોલાવેલાં. " કેતને કહ્યું.

આજે જમવા માટે પહેલાં તો બધાંને ડાઇનિંગ હોલમાં લઈ જવાનું કેતને વિચારેલું પરંતુ પરમ દિવસે દક્ષાબેન સાથે જે વાતચીત થઈ એ પછી રસોઈ ઘરે જ બનાવવાનું નક્કી કરેલું.

" માસી પરમ દિવસે બપોરે મારું આખું ફેમિલી સુરતથી આવે છે એટલે તમારે ૭ જણાંની રસોઈ કરવી પડશે. હું વિચારું છું કે બધાંને હોટલમાં જમાડી દઉં. "

" ના સાહેબ હોટેલમાં જવાની કોઈ જરૂર નથી. ૧૦ માણસ હોય તોયે હું એકલી પહોંચી વળું એમ છું. નાના મોટા કામ માટે મારે મનસુખભાઈની થોડી મદદ જોઈશે. અને થોડાંક વાસણ મંગાવવાં પડશે. એક બે મોટી તપેલી અને કડાઈ લાવવાં પડશે. "

" જો તમે જ રસોઈ કરતાં હો તો મને કોઈ ચિંતા જ નથી. સાંજે મનસુખભાઈ આવે ત્યારે તમારે જે પણ ચીજવસ્તુની જરૂર હોય એ બધું લિસ્ટ લખીને તમે આપી દેજો. જરૂરી અનાજ તેલ ઘી કરિયાણું અને શાકભાજી પણ મંગાવી લેજો." કેતને કહ્યું.

" રસોઈમાં શું બનાવું સાહેબ ? " માસી બોલ્યાં.

" તમને જે યોગ્ય લાગે તે. મને આમાં ખરેખર કંઈ ખબર ના પડે." કેતને કહ્યું.

" તે દિવસે પેલા પોલીસવાળા સાહેબ આવ્યા હતા અને દૂધપાક પુરી ગોટા વગેરે બનાવ્યા હતા ઈ જ બધું બનાવી દઉં તો ? " માસી બોલ્યાં.

" હા એ જ બનાવી દો માસી. દૂધપાક માટે મનસુખભાઈને દૂધનું કહી દેજો. પરમ દિવસે સવારે અથવા કાલે રાત્રે લાવીને તમને આપી દે. " કેતને કહ્યું.

" ૮ થેલી દૂધ મંગાવવું પડશે સાહેબ "

" હા એ જે હોય તે. મનસુખભાઈ લાવી દેશે. "

અને બીજા દિવસે એટલે કે ગઈકાલે જરૂરી તમામ વાસણો અને કરિયાણું વગેરે મનસુખ માલવિયા લઈ આવ્યો હતો. આજે સવારે દૂધની ૮ થેલીઓ પણ આવી ગઈ હતી.

૧૨:૩૦ વાગે કેતનનો પરિવાર જ્યારે ઘરે આવ્યો ત્યારે તમામ રસોઈ લગભગ તૈયાર હતી. થોડીક પૂરીઓ તળવાની બાકી હતી અને મેથીના ગોટા બાકી હતા. જો કે ગોટાનું ખીરું તૈયાર કરી દીધું હતું.

રેવતી અને જાનકીએ ઘરે આવીને હાથ-પગ ધોઈ દક્ષામાસીને રસોઈમાં મદદ કરવાની ચાલુ કરી દીધી હતી. દક્ષામાસી એ ના પાડી છતાં પણ બંનેએ પૂરીઓ તળવામાં અને ગોટા બનાવવામાં મદદ કરી અને અડધી કલાકમાં તમામ રસોઈ તૈયાર થઈ ગઈ.

બપોરે એક વાગે બધાં ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગયાં. નવા ઘરમાં આખો પરિવાર સાથે જમવાનો આનંદ લઇ રહ્યો હતો. શરૂઆતમાં જાનકીએ પીરસવાની વાત કરી પરંતુ દક્ષાબેન અને મનસુખભાઈએ એને ના પાડી.

" તમે પણ જમવા બેસી જાઓ બેન. અમે બધાંને પીરસી દઈશું. " મનસુખ બોલ્યો.

હંમેશની જેમ દક્ષાબેનની રસોઈ ખૂબ જ ટેસ્ટી બની હતી. દૂધને ખૂબ જ ઉકાળીને બનાવેલો કેસરિયો દૂધપાક બધાએ વખાણ્યો. જગદીશભાઈને મેથીના ગોટા બહુ જ સ્વાદિષ્ટ લાગ્યા.

" કેતન નસીબદાર તો છે હોં ! જામનગર આવતાંવેંત એને રસોઈમાં આટલાં બધાં કુશળ દક્ષાબેન મળી ગયાં." જયાબેન બોલ્યાં.

" એનો યશ આ મનસુખભાઈને જાય છે મમ્મી. હીરાની પરખ ઝવેરી જ કરી શકે. એમણે જ દક્ષામાસી ની પસંદગી કરી છે. અને મારા માટે તો આ મનસુખભાઈ શુકનિયાળ જ રહ્યા છે. જામનગરમાં પગ મૂક્યો અને સૌથી પહેલાં દર્શન મનસુખભાઈનાં થયાં. " કેતન બોલ્યો.

" અરે શેઠ... મને શું કામ છાપરે ચડાવો છો ? તમે પોતે જ એવા દિલાવર છો કે ગમે ત્યાં જાઓ તો પણ સફળતા તમારી પાછળ પાછળ આવે. તમારી વીરતાનાં ગાણાં તો અમારી આખી પટેલ કોલોની ગાય છે. " મનસુખ માલવિયા પોતાની પ્રશંસાથી પોરસાઈને બોલ્યો.

" વીરતાનાં ગાણાં ? એવું તે શું કર્યું કેતને અહીંયાં ? " સિદ્ધાર્થને નવાઈ લાગી એટલે પૂછ્યું.

" કંઈ નથી કર્યું ભાઈ. આ તો અમારા મનસુખભાઈને ખાલી ખાલી મારાં વખાણ કરવાની ટેવ પડી ગઈ છે. " કેતન બોલ્યો.

" તું ભલે ના કહે. હું તને ઓળખું છું કેતન. કંઇક તો પરાક્રમ કર્યું જ હશે. નહીં તો મનસુખભાઈ આટલા વખાણ ના કરે. કોલેજમાં ભણતો હતો ત્યારે છોકરીઓની મશ્કરી કરતા કોલેજના જ એક નબીરાને તેં લોહીલુહાણ કરી નાખ્યો હતો અને પોલીસ કેસ થયો હતો એ મને હજુ પણ યાદ છે. કેસ સેટલ કરવા પપ્પાને લાખ રૂપિયાનો તોડ કરવો પડ્યો હતો ! " સિદ્ધાર્થે કહ્યું.

" હા.. મોટાભાઈની વાત સાચી છે. મને પણ એ પ્રસંગ યાદ છે. એ પછી જ મને કેતનમાં વધારે રસ પડ્યો. " જાનકી શરમાઈને બોલી.

આ બધી વાતો સાંભળીને મનસુખ માલવિયાના દિલમાં કેતન શેઠ માટે માન વધી ગયું.

" તમે મને વાત કરો મનસુખભાઈ. ભલે કેતન ના પાડતો. " સિદ્ધાર્થ બોલ્યો.

મનસુખે કેતનની સામે જોયું. ગમે તેમ તોયે એ એના શેઠ હતા. મનસુખને મૂંઝાયેલો જોઈને કેતને જ વાત શરૂ કરી .

" કંઈ નહીં ભાઈ. અમારી પડોશમાં એક છોકરીએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેની સાથે એની સગાઇ થઇ હતી એ છોકરો છ છ મહિને દહેજ માગતો હતો. એના પપ્પા અત્યાર સુધીમાં બે લાખ રૂપિયા આપી ચૂક્યા હતા. પોલીસનો સાથ લઈને મેં બે લાખ રૂપિયા પાછા અપાવ્યા અને એ છોકરા પાસે પણ લખાવી દીધું કે એ ભવિષ્યમાં દહેજ માટે કદી હેરાન નહીં કરે. " કેતન બોલ્યો.

" આનું નામ પારકી છઠ્ઠીનો જાગતલ ! " જગદીશભાઈ બોલ્યા.

" અને મારા એક પડોશી દામજીભાઈએ એની દીકરીના લગન માટે એક માથાભારે માણસ પાસેથી બે લાખ રૂપિયા દસ ટકે વ્યાજે લીધેલા. બે વર્ષમાં દામજીભાઈ લગભગ સાડા ત્રણ લાખ રૂપિયા તો આપી ચૂક્યા હતા. છતાં બે ત્રણ હપતા નહીં ભરવાથી એ માથાભારે માણસે બાકીના વ્યાજ અને મૂડી માટે એમના ઘરે ગુંડાઓ મોકલ્યા હતા જે બેન દીકરિયું સામે ગાળાગાળી કરતા હતા. " મનસુખે બોલવાનું ચાલુ રાખ્યું.

" કેતન શેઠે પેલા માથાભારે ભૂપતસિંહને ફોન ઉપર કાયદા બતાવીને એવી ધમકી આપી કે પેલાની બોલતી જ બંધ થઈ ગઈ. ઈ તો ઠીક પણ આપણા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સાહેબને વાત કરીને મૂડી અને વ્યાજ બધું માફ કરાવી દીધું. " મનસુખ માલવિયાએ વાત પૂરી કરી.

બધા કેતનની સામે જોઈ રહ્યા. એ હજુ એવો ને એવો જ છે. સુરતમાં પણ પારકા ઝઘડા પોતાના માથે લઈ લેતો. કોઈને અન્યાય થતો હોય તો એ દોડીને જતો. ડર તો એના સ્વભાવમાં જ ન હતો. જાનકીને આ બધું સાંભળીને કેતન માટે માન થયું. જો કે જલ્પાના કેસની તો જાનકીને ખબર જ હતી. આ નવી વાત આજે જાણી.

જમવાનું પતી ગયું એટલે મમ્મી પપ્પાને બેડરૂમમાં એસીમાં આરામ કરવાનું કહ્યું અને બાકીના સભ્યો ડ્રોઇંગરૂમમાં સોફામાં ગોઠવાયા.

થોડીવારમાં ચંપાબેન પણ આવી ગયાં અને એમણે રસોઈનાં તેમ જ જમવાનાં તમામ વાસણો ધોઈ નાખ્યાં. ડાઇનિંગ ટેબલ પણ એકદમ સ્વચ્છ કરી દીધું.

" અરે મનસુખભાઈ સાંજે ત્રણ-ચાર ગાદલાંની ઓશીકાની અને ચાદરની વ્યવસ્થા કરવી પડશે. એ તો આપણને યાદ જ ના આવ્યું. "

" અરે શેઠ આ બધી ચિંતા તમે કરો મા. બધું જ ભાડેથી અહીં મળે છે. હું વાનમાં નાખીને સાંજે લેતો આવીશ. " મનસુખ બોલ્યો.

" કેતન તને અહીંયાં માણસો બધા બહુ સારા મળ્યા છે. જાનકીને પણ અહીં મજા આવશે. " સિદ્ધાર્થ બોલ્યો.

" ભાઈનાં લગ્ન થઈ જાય પછી હું પણ અહીંયાં જ રહેવા આવવાની છું. મને તો આ ઘર બહુ જ ગમી ગયું. " અત્યાર સુધી ચુપ રહેલી શિવાની બોલી.

" ખરેખર આવશો શિવાનીબેન ? તો તો મને બહુ જ ગમશે. " જાનકી ખુશ થઈને બોલી.

" અરે ભાભી... પણ તમે કેમ મને આજે શિવાનીબેન કહીને બોલાવી ? આપણી વચ્ચે તો વર્ષોથી તું તારી નો સંબંધ છે !"

" કારણ કે તમે મને જાનકીના બદલે આજે ભાભી કહ્યું. " જાનકીએ વળતો જવાબ આપ્યો.

" લગનનો નિર્ણય લેવાઈ જાય એટલે સંબંધોનાં સમીકરણો બદલાઈ જતાં હોય છે શિવાનીબેન. " રેવતી બોલી અને બધાં હસી પડયાં.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)