Kok ni ma mari jashe books and stories free download online pdf in Gujarati

કો'કની મા મરી જાશે

કોરોના કાળ પછીનાં સમયમાં લોકો ને સરકાર બંને ખૂબ સાવચેતી વર્તી રહ્યા છે. કોરોના પોઝિટિવ કેસ ઓછાં થતાં થતાં ઝીરો પર આવી ગયાં. રસિકરણની ઝુંબેશ ખૂબ જોરદાર ચાલી એટલે કોરોના સામે ઘણી સુરક્ષા વધી.લોકો પહેલાં તો રસીથી દૂર ભાગી રહ્યાં હતાં. તેનું કારણ ખોટી અફવાઓ અને અંધશ્રદ્ધા હતી.મોડે મોડે પણ લગભગ લોકોએ રસી મુકાવી દીધી. ખૂબ સારી વાત છે.

આવાં સમયમાં સરકારે મોટાં ધોરણનાં બાળકોને શાળાએ બોલાવવાનો આદેશ કર્યો. શાળાઓ ધીમે ધીમે સાવધાની વર્તી ચાલુ થવા લાગી.ત્યાર પછી પ્રાથમિક શાળામાં પણ ૬ થી ૮ ધોરણનાં બાળકોને ૫૦ ટકા પ્રમાણે બોલાવવા લાગ્યાં. તે સમયે ધોરણ ૧ થી ૫ ને શાળામાં બોલાવવાની મનાઈ હતી. હજી હવે દિવાળી સત્ર પછી આ બાળકોને ૫૦ ટકા પ્રમાણે બોલાવવાનો આદેશ થયો છે.એટલે એ સમયે આ બાળકોનું શિક્ષણ ના બગડે એટલાં માટે તેઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતું. પરંતુ ગામડામાં મોબાઈલ નેટવર્ક ની તકલીફ અને ગરીબ વાલીઓ પાસે સ્માર્ટ ફોન નહિ હોવાને લીધે, શેરી શિક્ષણનો વિકલ્પ વિચાર્યો.જે ખૂબ સફળ થયો.

શેરી શિક્ષણ એટલે શેરીને મહોલ્લા પ્રમાણે શિક્ષક અલગ અલગ જગ્યાએ જઈ થોડા થોડાં બાળકોને બોલાવી શિક્ષણ આપે. એટલે સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાઈ શકે અને બાળકોનાં શિક્ષણનો દીવડો પણ જલતો રહે.આ પ્રયોગ ખૂબ સફળ રહ્યો. ગામડામાં લગભગ દરેક શેરીએ એકાદું મંદિર કે મઢ આવેલો હોય. ત્યાં બાળકોને બોલાવતાં હતાં. અમારાં ગામમાં અલગ અલગ શેરી પ્રમાણે ડાભીનાં મઢે, બાવજી બાપુનાં મંદિરે, રામજી મંદિરે, રામાપીરના મંદિરે,બજરંગદાસ બાપા ની મઢીએ આવાં સ્થળે બાળકોનું શેરી શિક્ષણ ચાલતું હતું.

લગભગ દોઢેક વર્ષથી શિક્ષણથી વંચિત હોવાથી ઘરે રહીને બાળકોને વાલીઓ બંને ખૂબ કંટાળી ગયા હતાં. ને શિક્ષકો પણ સૂની શાળાથી થાકી ગયાં હતાં. એટલે બધાને ભણવાની ને ભણાવવાની ભૂખ ઊઘડી હતી. બાળકો પણ હોંશે હોંશે શેરી શિક્ષણમાં આવતાં હતાં.

હું જે વાત કરવા જઈ રહ્યો છું એ આમ તો ખૂબ નાનકડી જ ઘટનાં છે. પણ બાળકોનાં જીવન ઘડતરની ખૂબ મોટી વાત છે. બાળકો તેનાં જીવનનું મોટાં ભાગનું ભાથું તેનાં પ્રાથમિક શિક્ષણમાંથી જ બાંધે છે. તેનાં આ સમયમાં બાળક સહજીવન,સુટેવો, ચોખ્ખાઈ,વાચન,ગણન,લેખન,તર્ક,અવલોકન, કળા,સંગીત,તંદુરસ્તી આવું તો કેટકેટલું શીખે છે.

અમે શિક્ષકો દરેક બાળકનો બારીક અભ્યાસ કરતાં હોઈએ છીએ. દરેકમાં કંઇક તો ખૂબી ને ખામી હોય જ છે. કોઈક ભણવામાં હોશિયાર હોય તો કોઈક બીજી પ્રવૃત્તિ જેવી કે રમત ગમત,કારીગરી તેમાં પાવરધા હોય.પણ તેનું સતત નિરીક્ષણ કરતું રહેવું જોઈએ. તો જ દરેક બાળકની ખૂબી ને ખામી ઓળખી શકાય.

આવાં એક દિવસે અમે બે ત્રણ શિક્ષકો માતાજીનાં મઢે શિક્ષણ કાર્ય કરી રહ્યાં હતાં. અમારી સાથે થોડાં અલગ ઓટલાં પર બીજા ધોરણનાં બાળકો પણ તેનાં શિક્ષક પાસે ભણતાં હતાં. બાળકોને ભણવા માટે આવવાની જેટલી ઉતાવળ હોય તેટલી ઘરે જવાની પણ ઉતાવળ હોય. રજા પડી. અમે પગથિયે ઊભા હતાં. પહેલાં બીજા ધોરણનાં બાળકોને રજા આપી. લાઈનમાં જવાનું સમજાવ્યા હોવા છતાં અથરા થઈ દોડતા જવા લાગ્યાં. મંદિરનાં ઓટલા નીચે બધાએ પોતાનાં ચપ્પલ કાઢ્યાં હતાં. આ દોડાદોડીમાં કોઈકના ઠેબે ચપ્પલ આવીને આડા અવળાં થઈ ગયાં હતાં.

બીજા ધોરણનાં છોકરાઓ એટલે છ- સાત વર્ષનાં ભૂલકાઓ.તેની દરેક હરકતો.તેની ભોળી ભોળી,કાલીઘેલી વાતો સાંભળવી મને બહું ગમે. તે તેનાં ઘરે ગાયને વાછરડી આવી હોય કે શેરીમાં કુતરી વિહાણી હોય તે બધી વાતો ખૂબ રસથી આપણી સાથે શેર કરે. ઘરે ભાગ મળ્યો હોય કે માર પડ્યો હોય તે વાત પણ કરે. સારો ભાગ મળ્યો હોય તો હરખાતો હોય ને ઘરે ક્યારેક માર મળ્યો હોય તો વાત કહેતાં કહેતાં આંખમાં ઝળઝળીયાં આવી જાય.

આવી રીતે રજા પડતાં બાળકો દોડાદોડ જઈ રહ્યાં હતાં. મારું ધ્યાન તેનાં તરફ હતું. બે છોકરાઓ વિખરાયેલા ચપ્પલ તરફ જોઈ રહ્યાં હતાં. હું તેને બંનેને જોઈ રહ્યો હતો. તેમાં એક તેનાં ભાઈ બંધને સંબોધીને કહી રહ્યો હતો,

" આલ્લે આપડે શું? જો આજે કો"ક ની મા મરી જશે!."

બીજાએ ઊંધા પડેલાં ચપ્પલ તરફ નજર કરી હકારમા માથું હલાવ્યું. ગામડાંમાં અમે નાના હતાં ત્યારથી એવું કહેવાય છે કે જો તમારું એક ચપ્પલ ઊંધું પડી જાય તો મા મરી જાય. તેની પાછળ કદાચ ચપ્પલ સરખા ગોઠવવાનું શિક્ષણ આપવાની ઈમોશનલ રીત હશે. પણ આ વાત પ્રચલિત છે.ને હજી આપણે કોઈનું ઊંધું ચપ્પલ જોઈ જવી તો તરત સીધું કરી નાંખતા હોઈએ છીએ.

એમ કહી તે બંને ઘરે જવાની ઉતાવળમાં દરવાજા તરફ દોડવા લાગ્યાં. મે બંનેને સાદ દઈ ઊભા રાખ્યાં ને પાછાં બોલાવ્યાં. હું મંદિરનાં પગથિયે બેઠો ને બંનેને વાહામાં હાથ ફેરવતો કહેવા લાગ્યો,

" આ ચપ્પલ ઊંધા પડ્યાં એટલે તમે કિધુને કે કો 'કની મા મરી જશે?"

બંનેએ મુંડા હલાવી થોડાં ડર સાથે હા પાડી.

મે આગળ કહ્યું, " બિચારા કો'કની મા મરી જાશે તો તેને ખવરાવશે કોણ? તે બિચારાં કોના ખોળામાં બેસશે? ને કોની ભેગાં સુશે?"

બંને ઢીલાં થઈ મારી સામે તાકી રહ્યાં.

મેં આગળ વાત કરી, " કો'કને પણ તમારાં જેટલી મમ્મી વહાલી હોય ને?"

બંનેએ ઢીલાં પડી હા પાડી.

" કો'કની મા મરી જશે તો તે રડશે તો છાના કોણ રાખશે?" હું આટલું બોલ્યો ત્યાં તો બંનેની આંખોમાં આંસુ ડોકાવા લાગ્યા.

" તો તમને કો'કની મા મરી જશે એ ગમશે?"

બંનેએ દફતર પગથિયે મૂકી બધાં જ ઊંધા પડી ગયેલાં ચપ્પલ સીધા કરી નાખ્યાં. પછી દફતર લઈ દરવાજા તરફ ભાગ્યાં.બહાર જતાં જતાં બંને મારી સામે જોઈ માસૂમ સ્માઈલ આપી જતાં રહ્યાં.

મને પણ ખૂબ રાજીપો થયો.જિંદગીની કિતાબનો એક પાઠ આજે શીખવી દીધો .

લેખક: અશોકસિંહ એ. ટાંક
તા. ૨૩/૧૧/૨૧
મો. નં.૯૪૨૮૮૧૦૬૨૧
(સત્ય ઘટના પર આધારિત)