DREAM GIRL - 39 books and stories free download online pdf in Gujarati

ડ્રીમ ગર્લ - 39

ડ્રીમ ગર્લ 39

જિગર જીપ લઈને નીકળ્યો ત્યારે દસ વાગ્યા હતા. જિગરને અનુમાન તો હતું જ કે તેનો પીછો થશે. અને એનું અનુમાન સાચું પડ્યું. એક સફેદ પેન્ટશર્ટ વાળો વ્યક્તિ એનો પીછો કરતો હતો. જિગર તદ્દન સહજતા થી, પેલો પીછો કરી શકે એમ જીપ ચલાવતો હતો. જિગર ચાહતો હતો કે પેલાને ખબર પડવી જોઈએ કે એ ક્યાં જાય છે. એ.સી.પી. હેમંતના ઘરે, વિશિતાના આમંત્રણથી...
જિગર જ્યારે હેમંતના ઘરે પહોંચ્યો ત્યારે હેમંત ઘરે ન હતો. વિશિતાએ જિગરનું ઉમળકાથી સ્વાગત કર્યું.
" જિગર, કોફી લઈશ કે ચ્હા ? "
" ભાભી કંઈ નહીં, હમણાં જ પીધી છે ? "
" આપણે બન્ને કોફી લઈએ. "
મહારાજને કોફી બનાવવાનું કહી વિશિતા જિગર સાથે એણે પસંદ કરેલા ફોટોની ચર્ચા કરવા બેઠી. એને જે જે ફેરફાર ગમ્યા હતા તે એણે જિગરને બતાવ્યા. જિગર એક કાગળમાં એ બધું ડ્રો કરતો ગયો. બહાર પેલો માણસ જિગર વિશે વિચારતો હતો કે આ કઈ ટાઈપનો છોકરો છે.
એ જ સમયે અમી એનું પર્સ લઈ નિલુના ઘરેથી પોતાના ઘરે જવા નીકળી હતી. એની પાસે જિગરની કોઈ કિંમતી વસ્તુ હતી. અમીએ રિક્ષા ઉભી રખાવી.

** ** ** ** ** ** ** ** ** **

" જિગર સાતમા દિવસે મારે એક લગ્નમાં જવાનું છે. અને મારી ઇચ્છા છે કે હું એ સમયે મારી ગાડી લઈને જાઉં. "
" એટલો સમય તો ઓછો પડશે. "
" જિગર, પ્લિઝ. ગમે તે કર.. પણ આજે જ કામ ચાલુ કરી દે, પણ મને સાતમા દિવસે ગાડી તૈયાર જોઈએ. "
જિગરે ગણતરી કરી. એ સમયે અભિજિતની વિધિ આવતી હતી. અને પોતે ત્યાં જવું જરૂરી હતું. થોડું લુહારી કામ અને કલર કામમાં વાર થાય એમ હતી. બાકી નું કામ તો એ બે દિવસમાં જ પૂરું કરી દે એમ હતો.
" તો આજે જ ગાડી મોકલી દો, હું કામ ચાલુ કરી દઉં. "

** ** ** ** ** ** ** ** ** ** **

બપોરે બે વાગે અમી એકટીવા લઈને નીકળી. એ ચાલાક હતી. એને ખબર હતી કે એનો પીછો થઈ શકે છે. એ બેન્કની બાજુમાં આવેલ મોલના પાર્કિંગમાં એકટીવા પાર્ક કરી મોલમાં ગઈ. કોઈ એનો પીછો કરતું ન હતું. એ મોલમાં થોડું ફરી અને ધીમેથી બહાર આવી અને બેન્કના લોકર સેક્શનમાં ગઈ.

જ્યારે અમી પાછી બહાર આવી ત્યારે એના મન પરનો ભાર ઓછો થયો.
બરાબર એ જ સમયે વિશિતાની ગાડી જિગરના ઘર તરફ જતા રસ્તા તરફ વળી અને સફેદ પેન્ટ શર્ટ વાળા વ્યક્તિના ભવાં ઉંચા થયા. આ પણ ?
એણે માખીજાને ફોન કર્યો. માખીજા એ મોચીને ફોન કર્યો. મોચી એલર્ટ થઈ ગયો. વિશિતાની ગાડી જિગરના ઘર આગળ આવીને ઉભી રહી.
જિગરે એની જીપ ઘરની બહાર રોડ પર જ રાખી હતી. વિશિતાએ જિગરને કોલ કર્યો અને જિગરે બહાર આવી મેઈન ગેટ અને ગેરેજનો દરવાજો ખોલ્યો. વિશિતા એ ગેરેજમાં ગાડી મૂકી અને બન્ને બહાર આવ્યા. જિગરે ગેરેજનો દરવાજો બંધ કર્યો.
" ભાભી આવો ઘર બતાવું, અને કોફી વિથ સેન્ડવીચ. "
" એ તો હું આવવાની જ છું, મારે એક કામ છે. "
બન્ને જિગરના ઘરમાં ગયા. મોચીએ માખીજાને ફોન લગાવ્યો. આ જિગર અને એ.સી.પી.ની પત્ની. ના, કંઇક ગડબડ જરૂર છે. આ જિગરનો બચ્ચો શું કરે છે, એ સમજમાં આવતું નથી.
" ભાભી, બેસો. હું કોફી અને સેન્ડવીચ લાવું. "
" હું એ લઈશ. પણ તારા હાથનું નહિ. "
" ભાભી, હું સમજ્યો નહિ ? "
" હેમંતે મને ઘણી વાત કરી છે. હું મારી દેરાણીને જોવા આવી છું. હેમંત કહેતો હતો કે એ અહીં બાજુમાં જ રહે છે. "
" ઓહ, નિલુની વાત કરો છો? પણ હજુ ક્યાં લગ્ન થયા છે. "
" નિલામાંથી નિલુ એમને એમ થતી નથી. તું બોલાવે છે કે હું એના ઘરે જાઉં. "
" ઓ.કે... હું કોલ કરું છું. "
જિગરે નિલુને કોલ કર્યો.
" હેલો નિલુ. તું ફ્રી છે ? "
" હા. "
" તો ઘરે આવ ને. "
" ના , હોં. "
" પણ કેમ? "
" મને ખબર છે તું એકલો છે. તારી બદમાશી મને ખબર છે. "
" અરે એવું નથી. "
" એવું જ છે, તું સાવ નફ્ફટ થઈ ગયો છે. "
" અરે, લે વિશિતા જોડે વાત કર. "
જિગરે વિશિતાને ફોન આપ્યો.
" હેલો, આઈ એમ વિશિતા, તારી ભાવિ જેઠાણી કમ દોસ્ત. આવ. મારે મારી દેરાણીને જોવી છે. "
એક કર્ણમધુર સ્વર સાંભળી નિલુ મંત્રમુગ્ધ થઈ ગઈ. દેરાણી... અને પોતે... ઓહ. પોતે એકદમ ક્યાંથી ક્યાં પહોંચી ગઈ હતી. નિલુને શબ્દો મળતા ન હતા. મહાપરાણે એ બોલી.
" ઓ.કે.. હું આવું છું. "

** ** ** ** ** ** ** ** ** ** **

નિલુ જિગરના ઘરે આવી. જિગરે બારણું બંધ કર્યું. નિલુ એ વિશિતાને જોઈ. ઓહ, માય ગોડ.... સુંદરતા, ઉચ્ચ શિક્ષણ અને પાવરફુલ સતા માણસને એક અનેરો ઓપ આપે છે. જે વિશિતામાં હતો. નિલુ કંઇક અંશે લઘુતાગ્રંથિ અનુભવવા લાગી. પણ જિગરના શબ્દો એ એના એ ભાવ પર અમૃતલેપનું કામ કર્યું.
" ભાભી, આ નિલુ. મારી ડ્રીમ ગર્લ..... મારી સ્વપ્નસુંદરી.... "
વિશિતા ઉભી થઇ. એની બોડી લેન્ગવેજમાં એક સતાની છાપ હતી, ગર્વ હતો, આત્મવિશ્વાસ હતો. એ નિલુની સામે આવીને ઉભી રહી. નિલુના બન્ને ખભા પકડી એને પગથી માથા સુધી નિરખી રહી. નિલુ શરમથી પાણી પાણી થતી હતી. વિશિતાએ નિલુનો ચહેરો બે હાથમાં લીધો અને એને કપાળે ચુંબન કર્યું.
" ભગવાન તમારી જોડી સલામત રાખે. "
નિલુ રસોડામાં જઇ કોફી અને સેન્ડવીચ બનાવી લાવી.
જિગર : " ભાભી, આ તમારી દેરાણી મને ખુબ હેરાન કરે છે. "
નિલુ : " મેં શું હેરાન કર્યા ? "
જિગર : " રાતની ઉંઘ ખરાબ કરવી એ હેરાનગતિ નહિ તો શું છે. "
નિલુ : " બસ, બહુ ડાહ્યા. બદમાશી બંધ કરો. "
જિગર : " બસ થોડો સમય. એક કામ પતી જાય એટલે હું જાન લઈને આવીને ઉભો થઇ જઈશ. પછી ક્યાં જઈશ? ભાભી આવશો ને તમે ? "
વિશિતા : " ચોક્કસ, તું કહે તો કાલે જ પહોંચી જઈએ. હું એક દિવસમાં તૈયારી કરી દઈશ. "
નિલુ : " શું ભાભી તમે પણ આમની નફટાઈમાં સાથ આપો છો. "
પણ કોને ખબર હતી કે ભાવિના ગર્ભમાં શું છુપાયું હતું....

(ક્રમશ:)

16 માર્ચ 2021