Bharati ane aot books and stories free download online pdf in Gujarati

ભરતી અને ઓટ

આજે ફરીથી સ્નેહાએ દરિયાકિનારે આવીને બેસવાની જીદ કરી હતી અને મિહિર તેને લઈને પણ આવ્યો હતો. તે જાણતો હતો કે દરિયા સાથે સ્નેહાની ઘણીબધી યાદો જકડાયેલી છે. પરંતુ હવે તે સ્નેહાને ભૂતકાળનો પીછો છોડાવીને પોતાની બનાવવા માંગતો હતો અને સ્નેહાને ખુશ જોવા માંગતો હતો.

પોતાની સામે હસતી ખેલતી સ્નેહાને આટલી બધી ગમગીન અને ઉદાસ જોઈને મિહિર અકળાઈ જતો હતો. તેને એ નહતું સમજાતું કે સ્નેહાને વર્તમાન તરફ પાછી વાળવા માટે મારે શું કરવું જોઈએ.

દરિયાનાં મોજા જેમ જેમ કિનારે અથડાઈને અથડાઈને પાછા વળી જતાં હતાં તેમ તેમ સ્નેહાના મનનાં વિચારો પણ તેનાં માનસપટને અથડાઈને પાછા વળી જતાં હતાં અને વળી પાછી નિરાશા તેને ઘેરી વળતી હતી.

સ્નેહાની જિંદગી પણ ભરતી અને ઓટ જેવી જ હતી.

તેને દરિયાકિનારે આવીને બેસવું ખૂબજ ગમતું હતું. અવાર-નવાર તે જુહૂ બીચ ઉપર આવીને કલાકો સુધી શાંતિથી બેસતી અને દરિયાની મજા માણતી હતી.

રુષિ સાથે તેની પહેલી મુલાકાત પણ અહીં દરિયાકિનારે જ થઈ હતી.

રુષિ પણ અવાર નવાર અહીં દરિયાકિનારે આવતો અને સ્નેહાને જોતો એક દિવસ તેણે સામેથી જ સ્નેહાને પૂછી લીધું કે તમે એકલા જ અહીં શા માટે આવો છો ? ખાલી જ.

અને સ્નેહાએ જરા અચકાઈને જ જવાબ આપ્યો કે, બસ,દરિયા કિનારે બેસવું મને ખૂબ ગમે છે માટે જ આવું છું.

પછી થોડા દિવસ તો બંને એકબીજાને જોતાં પણ કંઈ વાતચીત કરતા નહીં પરંતુ એક દિવસ સ્નેહા દરિયાનાં મોજાંની મજા માણવા માટે ખુલ્લા પગે દરિયાની અંદર ગઈ અને દરિયાનો કોઈ ઝેરી જીવ તેને પગમાં કરડી ગયો તેને પગમાંથી લોહી નીકળવા લાગ્યું શું કરવું કંઈ સમજણ પડી નહીં તે પોતાના પગમાંથી જે લોહી નીકળતું હતું તે લુછતી લુછતી દરિયાની બહાર આવી રહી હતી આ દ્રશ્ય રુષિએ જોયું અને તેણે સામેથી સ્નેહાને ડૉક્ટર પાસે લઈ જવા માટે કહ્યું.

સ્નેહાને હવે તે જગ્યાએ લાહ્ય બળવાની શરૂઆત થઈ ગઈ હતી તેથી તેને રુષિ સાથે ડૉક્ટર પાસે જવું યોગ્ય લાગ્યું.બંને ડૉક્ટર પાસે ગયા. બે ચાર દિવસમાં સ્નેહાને એકદમ સારું થઈ ગયું. તેણે રુષિને પોતાને મદદ કરવા માટે થેંક્યુ કહ્યું અને આમ બંને વચ્ચે મિત્રતા થઈ.

પછીતો દરરોજ દરિયાકિનારે મળવાનું થતું અને બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું અને ઘરેથી રજા મળતાં બંનેના લગ્ન‌‌‌ થયા.

લગ્નના એકાદ વર્ષમાં જ સ્નેહાને સારા દિવસો જતાં હતાં સ્નેહા અને રુષિ બંને પોતાના પ્રેમની પહેલી નિશાની આવી રહી છે તેનાથી ખૂબજ ખુશ હતાં પરંતુ અચાનક રુષિ પોતાની નોકરી ઉપરથી પાછો ફરી રહ્યો હતો અને એક ટ્રક સાથે તેનું બાઈક અથડાતાં તેનું ત્યાં ને ત્યાં જ મૃત્યુ થયું.

સ્નેહા માટે તો આ સમાચાર પહાડથી પણ વધારે મોટા હતા. હવે તે પોતાના આવનાર બાળકની રાહ જોઈ રહી હતી અને અચાનક સીડીઓ ઉપરથી તે પડી ગઈ અને તેનું બાળક જન્મ લેતાં પહેલાં જ મૃત્યુ પામ્યું. એક જીવનનો આધાર બચ્યો હતો તે પણ તેની પાસેથી છીનવાઇ ગયો હતો હવે શું કરવું તે કંઈ જ તેને સમજાતું ન હતું.

સ્નેહાના ઘરની સામે મિહિર નામનો છોકરો રહેતો હતો તેને પહેલેથીજ સ્નેહા ખૂબ ગમતી હતી. સ્નેહાની ખૂબજ નામરજી હોવા છતાં સ્નેહાના તેમજ રુષિના મમ્મી-પપ્પાએ મિહિર સાથે સ્નેહાના લગ્ન કરાવી દીધા.

પરંતુ હજી પણ સ્નેહાનું મન મિહિરને પોતાના પતિ તરીકે માનવા તૈયાર ન હતું.

દરરોજ તે દરિયાકિનારે આવતી
અને શૂન્ય બની દરિયાનાં મોજાંને નીરખી રહેતી.

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
13 /7/2021