kaliyug ni stri - part 15 - last part books and stories free download online pdf in Gujarati

કળિયુગની સ્ત્રી - ભાગ 15 - છેલ્લો ભાગ

કળિયુગની સ્ત્રી ભાગ-15

ચક્રવ્યૂહનો ખુલાસો


રાતના દસ વાગે સંગ્રામ અને દીનુ બંન્ને દીનુની કારમાં અદિતીના બંગલામાં પ્રવેશ્યા હતાં. ગાડી પાર્કીંગમાં મુકી બંન્ને ચાલતા-ચાલતા બંગલાના મુખ્ય દરવાજા પાસે આવ્યા હતાં. બંગલામાં ચારે તરફ નીરવ શાંતિ છવાયેલી હતી. એ શાંતિમાં કોઇ રહસ્ય છુપાયેલું હોય એવું બંન્નેને લાગી રહ્યું હતું.

બંન્ને મુખ્ય દરવાજા પાસે પહોંચ્યા ત્યારે રામદીને એ લોકો બેલ મારે એ પહેલા જ દરવાજો ખોલી દીધો હતો. સીસીટીવી કેમેરામાં રામદીને બંન્નેને મુખ્ય દરવાજા તરફ આવતા જોઇ લીધા હતાં. રામદીને બંન્નેને સોફા પર બેસવાનું કહ્યું હતું અને બંન્ને માટે રસોડામાંથી કોફી લઇને આવ્યો હતો.

દીનુએ રામદીન સામે પોતાની આંખો અને ભ્રમર ઊંચી કરી ઇશારાથી શું બાબત છે? એ પૂછવાનો પ્રયત્ન કર્યો પરંતુ રામદીને ખભા ઉલાળીને પોતે કશું નથી જાણતો એવો જવાબ ઇશારાથી આપ્યો હતો. એટલામાં અદિતી નીચે આવી હતી અને સોફા ઉપર બેઠી હતી. દીનુ અને સંગ્રામ સામે જોઇ અદિતીએ પોતાની વાત કહેવાની શરૂ કરી.

"હું જાણું છું કે છેલ્લા બે વર્ષમાં મારી કામ કરવાની પદ્ધતિ દીનુને ખૂબ જ શંકાસ્પદ લાગી છે. હું અફીમના ધંધાની એબીસીડી પણ જાણતી ન હતી પણ જે રીતે મેં ધંધો સંભાળ્યો એ રીતે કોઇને પણ નવાઇ લાગે અને શંકા જાય એમ હતું. હું અફીમનો ધંધો બંધ કરવા માટે તૈયાર ન હતી. એની પાછળનું કારણ પૈસાનો લોભ ન હતો પરંતુ મારા પરિવારને સલામત રાખવાની હતી કારણકે હું જાણતી હતી કે અફીમના ધંધામાંથી બહાર નીકળવું હવે લગભગ અશક્ય છે. પરંતુ જો બરાબર પ્લાનીંગ સાથે કામ કરવામાં આવે તો ધંધામાંથી બહાર પણ નીકળી જવાય અને જીવનું જોખમ પણ રહે નહિ. એ માટે મેં સૌથી પહેલા પાંચ મહત્ત્વના મુદ્દા પર કામ શરૂ કર્યું હતું.

નંબર-1, J.K. અને કુણાલ વચ્ચે ઊભી થયેલી દુશ્મનીનો અંત લાવવો.

નંબર-2, J.K.ને કુન્નુરમાંથી ઇન્ડિયા બહાર ભગાડવો.

નંબર-3, સૂર્યવીરસિંહ જેવા બેઇમાન પોલીસ અધિકારીની બદલી કરાવવી.

નંબર-4, સંગ્રામને ફેક્ટરી સંભાળી લેવા અને એની બધી જવાબદારી સંગ્રામને સોંપવા રાજી કરવો.

નંબર-5, અફીમના ધંધામાં મને સંપૂર્ણ માહિતી આપી ધંધો ચલાવવામાં હું સફળ રહું અને જે વ્યક્તિ મને સલાહ આપે એ પ્રમાણે હું દીનુ અને રામદીન જેવા આપણા ધંધામાં રહેલા બધાં જ માણસો પાસે બરાબર કામ કરાવી શકું." આટલું બોલી અદિતીએ રામદીન સામે જોયું હતું.

રામદીને આવીને અદિતીને પાણી આપ્યું હતું.

"પોતાના જ પતિને મારી કુંટુંબની સલામતીની વાત કરે છે. આ સ્ત્રી પણ જબરી છે." દીનુ મનોમન બબડ્યો હતો.

સંગ્રામ અને દીનુ એ જાણવા ઉત્સુક હતાં કે એ બંન્નેને અત્યારે અહીંયા કેમ બોલાવવામાં આવ્યા છે? અદિતીએ પોતાની વાત આગળ કહેવાની શરૂ કરી હતી.

"સંગ્રામ આ ધંધાનો ખૂબ જૂનો ખેલાડી છે. માટે સંગ્રામ ફેક્ટરીની બધી જ જવાબદારી સંભાળવાની હા પાડે એ માટે એની પત્નીના ખૂની વિશેની તપાસ કરાવવાની મેં શરૂ કરી, કારણકે મને ખબર હતી કે સંગ્રામ આ વાત ઉપર જ ફેક્ટરીમાં કામ કરવા રાજી થશે અને મારી ધારણા સાચી પણ પડી. સંગ્રામની પત્નીના ખૂનીની બધી માહિતી મારી પાસે આવી ગઇ છે પણ એના પુરાવા મારી પાસે આવશે એટલે હું સંગ્રામ તને ખૂનીનું નામ અને પુરાવા આપી દઇશ. હવે આજે મેં તમને અહીં મીટીંગ માટે એટલે બોલાવ્યા છે કે મારે તમને એ જણાવવાનું છે કે હું એક મહિના પછી દુબઇ મારા સંતાનો સાથે જતી રહેવાની છું અને આ ધંધો સંગ્રામ અને દીનુ તમારે બંન્નેને સંભાળવાનો છે. હવે આપણે કોઇનાથી ડરવાની જરૂર નથી કારણકે એક બાજુ આપણો માલ રઝોસ્કી J.K.ના માધ્યમથી ખરીદે છે અને જે ઓરીજીનલ J.K. અને મારા પતિ કુણાલ વચ્ચે દુશ્મની હતી એ J.K. આ દુનિયામાં રહ્યો નથી. સાથે સાથે દીનુના પણ કેટલાંક સવાલોના જવાબ આજે મારે આપવા છે કારણકે હું નથી ઇચ્છતી કે આપણી વચ્ચે કોઇ મતભેદ ઊભા રહે. કુણાલના ગયા પછી મેં આ ધંધો કઇ રીતે સંભાળ્યો એની ચોખવટ તો મેં તમને કરી કે કોઇ એક્સપર્ટની સલાહથી હું આ કામ કરી રહી છું. રઝોસ્કી સુધી પહોંચાડનાર પણ મને એ જ વ્યક્તિ છે. એ વ્યક્તિએ જ ઇવાના રઝોસ્કીને કુન્નુર આવવા માટે મનાવી હતી અને એ જ માણસે મને J.K.નું ઓરીજીનલ નામ જબ્બાર ખાન છે એવી માહિતી આપી હતી. બસો એકર જમીન જે આપણે લીઝ ઉપર લીધી છે એ પણ મેં એ જ માણસની સૂચના પ્રમાણે મેં લીધી હતી અને સંગ્રામ તારા વિશેની માહિતી પણ એ જ વ્યક્તિ કાઢીને લાવ્યો હતો. J.K. જેવા ડ્રગ માફીયા જોડે હું આત્મવિશ્વાસથી મીટીંગ કરી શકી એનું કારણ પણ એ જ વ્યક્તિ હતો. મને લાગે છે કે દીનુના બધાં સવાલોના જવાબ મળી ગયા હશે." અદિતીએ દીનુ સામે જોઇ કહ્યું હતું.

"તમે તો મારા ઘરની દિવાલ ઉપર લખેલા બધાં જ સવાલોના જવાબ એક પછી એક ક્રમમાં આપી દીધા. આવું કઇ રીતે શક્ય બને?" દીનુએ અદિતીને પૂછ્યું હતું.

અદિતીએ પોતાના મોબાઇલમાંથી દીનુને એક વોટ્સએપ મેસેજ કર્યો અને દીનુને એ મેસેજ ખોલી ફોટો જોવાનું કહ્યું હતું. દીનુએ પોતાનો વોટ્સએપ ખોલ્યો અને અદિતીએ મોકલેલ મેસેજમાં દીનુને પોતાના ઘરની દિવાલનો ફોટો દેખાયો. જેમાં એને પોતાના મનમાં ઊભા થયેલા પ્રશ્નો અલગ અલગ ચબરખીમાં લખ્યા હતાં. દીનુ આ જોઇ આભો બની ગયો હતો.

"એનો મતલબ એવો થયો કે તમારો કોઇ માણસ મારી ગેરહાજરીમાં મારા ઘરની દિવાલનો ફોટો પણ પાડતો આવ્યો અને દિવાલ ઉપર તમારો પીછો નહિ કરવો એવો કાગળ પણ ચોંટાડતો આવ્યો, બરાબરને?" દીનુએ અદિતી સામે જોઇને પૂછ્યું હતું.

"હા દીનુ, એકદમ બરાબર. પરંતુ એ માણસને તો તે મારી સાથે જોયો જ છે. તું રીક્ષા ચલાવીને મારી પાછળ આવ્યો હતો અને એ વ્યક્તિને મારી ગાડીમાં બેસતા અને ગાડીમાંથી બહાર નીકળતા જોયો હતો." અદિતીએ હસતા હસતા દીનુને કહ્યું હતું.

"તમને કઇ રીતે ખબર પડી કે હું તમારો પીછો કરી રહ્યો છું?" દીનુએ આશ્ચર્યચકિત થઇ અદિતીને પૂછ્યું હતું.

"ફેક્ટરીથી મારો કોઇ રીક્ષામાં પીછો કરી રહ્યો હતો એવું મને ખબર પડી ગઇ હતી પરંતુ મેં મારો પ્લાન બદલ્યો ન હતો અને હું મારા નિયત પ્લાન પ્રમાણે એ વ્યક્તિને મળવા મારી જગ્યા પર પહોંચી ગઇ હતી. મને મળવા આવનાર વ્યક્તિને પહેલેથી જ સૂચના આપી દીધી હતી કે એ ગાડીમાં બેસતી વખતે અને ઉતરતી વખતે એનું મોઢું ન દેખાય અને માત્ર પીઠ જ દેખાય એનું ધ્યાન રાખે અને એણે એ પ્રમાણે જ કર્યું જેથી કરીને એ વ્યક્તિને તું ઓળખી ના શકે." અદિતીએ કહ્યું હતું.

અદિતીની હોંશિયારીની વાત સાંભળી દીનુનું મગજ હવે બંધ થવા લાગ્યું હતું.

"મેડમ, એ વ્યક્તિ કોણ છે? એ જાસૂસ છે કે આપણા ધંધાનો કોઇ માહિતગાર છે? એ તો મને જણાવો. એની હોંશિયારી માટે મને ખૂબ માન થયું છે. મારે એને મળવું છે." દીનુએ અદિતી સામે જોઇ કહ્યું હતું.

અદિતી કોઇ વાતનો જવાબ આપે એ પહેલા સંગ્રામ બોલ્યો હતો.

"મેડમ, એક વાત કહું તમને ખોટું ના લાગે તો?" સંગ્રામે અદિતી સામે જોઇ કહ્યું હતું.

અદિતીએ હામાં માથું હલાવ્યું હતું.

"મેડમ, તમારી હોંશિયારીનો ઉપયોગ તેમજ જે માણસ તમને મદદ કરે છે એની બુદ્ધિનો ઉપયોગ પણ તમે પહેલા કર્યો હોત તો આજે કુણાલ સાહેબ જીવતા હોત. તમારી પાસે આજે બધું જ છે. નામ છે, દોલત છે, તમારો હવે કોઇ દુશ્મન રહ્યો નથી અને તમે તો કાયમ કહો છો કે આ વાઘની સવારી છે. જો ઉતરી જઇએ તો વાઘ ખાઇ જાય. તમારી પાસે બધું હોવા છતાં આ અફીમનો ઝેરીલો ધંધો તમારા પતિને ખાઇ ગયો." સંગ્રામે અદિતી સામે જોઇ પોતાની કડક જીભથી અદિતીને કડવું સત્ય કહ્યું હતું.

"અફીમનો ધંધો હોય કે પછી વાઘની સવારી કે પછી J.K. જેવો ખુંખાર દુશ્મન હોય કે સૂર્યવીરસિંહ જેવો ભ્રષ્ટાચાર પોલીસ અધિકારી પણ જ્યારે કળિયુગની સ્ત્રીનું દિમાગ દોડવા માંડે ત્યારે એ કળિયુગમાં પણ સતયુગ જેવા ચમત્કાર કરી નાંખે છે." અદિતીએ ખડખડાટ હસતા કહ્યું હતું.

અદિતીએ હસતા હસતા ત્રણ-ચાર વખત તાળીઓ પાડી હતી. અદિતીનું હાસ્ય અને તાળીઓ વચ્ચે ઉપરના માળેથી કોઇ નીચે ઉતરીને આવી રહ્યું હતું. ઉપરના માળના પગથિયાં પાસે અંધારું હતું. ત્યાં ઊભા રહી એ વ્યક્તિએ લાઇટ ચાલુ કરી. સંગ્રામ અને દીનુ એ વ્યક્તિને જોઇને આભા થઇ ગયા હતાં.

"કુણાલ સાહેબ?" સંગ્રામ બોલ્યો હતો.

"ભૂ.....ત?" દીનુ બોલ્યો હતો.

દીનુની વાત સાંભળી કુણાલ હસવા લાગ્યો હતો અને એ આવીને અદિતીના બાજુના સોફા પર બેસી ગયો હતો. કુણાલને જીવતો જોઇ દીનુ અને સંગ્રામ બંન્ને સોફામાં ફસડાઇ પડ્યા હતાં.

"તમે જીવતા છો? કઇ રીતે શક્ય બને? મેં તો તમને મારા હાથેથી ગોળીઓ મારી હતી અને પોલીસવાળા તમને હોસ્પિટલ લઇ ગયા હતાં." દીનુએ પોતાના સવાલોનો મારો ચલાવ્યો હતો.

"અદિતીએ તને જે રીવોલ્વર આપી હતી એમાં નકલી ગોળીઓ હતી. મને જેવી ગોળી વાગી ત્યારે નકલી પોલીસની વર્ધીમાં રહેલા લોકો મને તરત હોસ્પિટલમાં લઇ ગયા હતાં. હોસ્પિટલ જે મારા દાનથી જ ચાલી રહી છે એ હોસ્પિટલના ડોક્ટરોએ મારા બદલે મારા જેવો જ લાગતો બીજો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને પોસ્ટમોર્ટમ થઇ એ વ્યક્તિનું બોડી કોફીનમાં મારા બદલે મુકવામાં આવ્યું હતું અને એ જ કોફીન આ બંગલામાં લાવવામાં આવ્યું હતું. પણ એ દિવસે થયેલી એક અચરજ વાળી વાત તું યાદ કરીશ તો તને આ વાતનો તાળો મળી જશે." કુણાલે દીનુને કહ્યું હતું.

"હા.... મને બરાબર યાદ છે. અદિતી મેડમે કોફીન ખોલીને કોઇને પણ મોઢું જોવાની ના પાડી હતી એટલે કોફીન બંધ જ રાખવામાં આવ્યું હતું અને એ જ રીતે કોફીન કબ્રસ્તાનમાં લઇ જવામાં આવ્યું હતું એટલે તમારું મોઢું જોવા મળ્યું ન હતું." દીનુને એ દિવસ થયેલા અચરજનો જવાબ આજે મળ્યો હતો.

"નીના ગુપ્તાને ચેન્નઇ પોલીસ કમિશ્નરની કચેરીમાં મારી ઓળખાણનો ઉપયોગ કરી એની બદલી અહીંયા કરાવી હતી કારણકે નીના ગુપ્તા સાથે મારો જૂનો પરિચય હતો એટલે જ્યારે જ્યારે J.K. અને નીના ગુપ્તાની મીટીંગ થતી હતી ત્યારે અદિતીને આશ્ચર્ય થતું ન હતું કારણકે નીના ગુપ્તા પહેલેથી જ આપણી જોડે છે એવું મેં અદિતીને સમજાવી દીધું હતું. નીના ગુપ્તા મારા પ્રમાણે ચાલવા માટે એટલે તૈયાર થઇ કે એને એમાંથી મોટો ફાયદો પણ થવાનો હતો અને J.K.ને માર્યા પછી એનું પ્રમોશન થઇ જશે એવું એને ખબર હતી માટે મારા કહેવાથી કુન્નુર આવીને J.K.ને પકડવા માટે તૈયાર થઇ ગઇ હતી પણ મને એવી ખબર ન હતી કે રહીમ અને ડુપ્લીકેટ J.K. પણ ઓરીજીનલ J.K.ને મારવા માટે તૈયાર બેઠાં છે. રહીમ અને ડુપ્લીકેટ J.K.એ મારું કામ ઘણું આસાન અને સરળ કરી આપ્યું હતું અને મારા મરવાનું નાટક કરવાનો આઇડિયા અદિતીનો જ હતો અને આ આખો કાચો પ્લાન અદિતીએ બનાવ્યો હતો. મેં આ પ્લાનને બરાબર આકાર આપવાનું કામ કર્યું હતું." કુણાલે દીનુ અને સંગ્રામ સામે જોઇને કહ્યું હતું.

"રામદીન તો મારો ખાસ માણસ છે, તો તમે જો અહીંયા જ હોવ તો રામદીનને ખબર કઇ રીતે ના પડી?" દીનુએ રામદીન સામે જોઇને પૂછ્યું હતું.

"રામદીન તારો નહિ, મારો માણસ છે. મેં જ એને તારી પાસે મોકલ્યો હતો અને તે એને તારો ખાસ માણસ બનાવી અદિતીની હિલચાલ પર નજર રખાવવા માટે અહીંયા રખાવ્યો હતો." કુણાલે દીનુ સામે હસતાં હસતાં કહ્યું હતું.

કુણાલે ઊભા થઇને દીનુને, સંગ્રામને અને રામદીનને એક-એક બોક્સ આપ્યા હતાં. ત્રણે જણે પોતપોતાના બોક્સ ખોલ્યા હતાં. દરેકના બોક્સમાં દસ-દસ હીરા હતાં.

"મેં તમને ત્રણેયને દસ-દસ હીરા આપ્યા છે. આ એક-એક હીરો એક કરોડ રૂપિયાનો છે. આ હીરા તમને અદિતીનો સાથ આપવા બદલ અદિતીના કહેવાથી હું તમને આપી રહ્યો છું." સંગ્રામે ત્રણેય સામે જોઇ કહ્યું હતું.

"મારી પત્નીના ખૂનીનું નામ અને પુરાવો મને વરસ પછી મળી જશે તો ખરોને?" સંગ્રામે કુણાલ સામે જોઇને પૂછ્યું હતું.

"હા ચોક્કસ મળી જશે. અદિતીએ તને વચન આપ્યું છે એ વચન હું નિભાવીશ." કુણાલે સંગ્રામ સામે જોઇ કહ્યું હતું.

"હવે આપણા બધાંના જીવનમાં આનંદ અને શાંતિ આવશે. કાશ આ અફીમનો ધંધો આપણે બંધ કરી શકતા હોત તો આપણો આનંદ બેવડાઇ જાત. ખબર નહિ કેમ મારા નસીબમાં આ કળિયુગમાં આવું કામ કરવાનું લખાયું છે. મને લાગે છે કે કદાચ કળિયુગમાં મારા ગયા જનમના પાપની આ જ સજા હશે." અદિતીએ નિસાસો નાંખતા કહ્યું હતું.

"અદિતી, તારી ઇચ્છા હોય કે ના હોય, તને ગમ્યું હોય કે ના ગમ્યું હોય પણ આપણા કુટુંબની રક્ષા માટે કુદરતે તને સાચા અર્થમાં કળિયુગની સ્ત્રી બનાવી છે." કુણાલે હસીને અદિતી સામે જોઇ કહ્યું હતું.

રામદીન ચારેય જણ માટે કોફી લઇને આવ્યો હતો. બે વર્ષમાં પહેલીવાર ચારે જણા શાંતિથી કોફીનો સ્વાદ માણી રહ્યા હતાં અને પોતપોતાના ભવિષ્યની યોજનાઓને મનમાં આકાર આપી રહ્યા હતાં.

( સંપૂર્ણ.......)

(વાચક મિત્રો, કળિયુગની સ્ત્રી આ ધારાવાહિક આપને કેવી લાગી એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. કળિયુગની સ્ત્રી સીઝન-1 અહીં પૂરી થાય છે. આ વાર્તા આપને ગમી હોય તો આપના પ્રતિભાવથી મને જરૂર જણાવશો જેથી આ વાર્તાની સીઝન-2 હું લખી આપના સુધી પહોંચાડી શકું.... લી. ૐ ગુરુ )