DREAM GIRL - 41 books and stories free download online pdf in Gujarati

ડ્રીમ ગર્લ - 41

ડ્રીમ ગર્લ 41

ડોર બેલનો અવાજ આવ્યો. જિગરે ઘડિયાળમાં જોયું. " કોણ હશે? "
જિગરે દરવાજો ખોલ્યો. નિલુ અને વિશિતા હતા.
વિશિતા: " જિગર, મારી દેરાણીને પાછી મુકવા આવી છું. "
જિગર: " ઓહ, બહુ આભાર. આખા દિવસ માટે. "
વિશિતા જિગરનો કટાક્ષ સમજતી હતી. એ હસીને બોલી.
" આવા આભાર માનવાનો હું તને વારંવાર મોકા આપીશ, એક ગ્લાસ પાણી મળશે. "
નિલુ: " હા ભાભી, હું લાવી આપું છું. "
નિલુ એક અધિકારથી ઘરમાં ગઈ. આ અધિકાર જ જીવનનું બળ આપે છે. અને આ અધિકાર મળે છે પ્રેમ થી. માતા, પિતા, પુત્ર, પુત્રી, ભાઈ, બહેન, પતિ, પત્ની, મિત્ર, ગુરુ, શિષ્ય, પડોશી, સમાજ... આ બધી જ જગ્યા એ જ્યાં પ્રેમ છે ત્યાં અધિકાર છે, અપાર અધિકાર છે. જેવો પ્રેમ ખતમ એટલે અધિકાર ખતમ. અને કોર્ટનો સહારો લઈને મેળવેલો અધિકાર અને લડી ને મેળવેલો પૈસો ફક્ત જરૂરિઆતો પૂરી કરે છે. જીવનનો આનન્દ આપતો નથી.
પણ નિલુને પ્રેમ મળ્યો હતો, ભરપૂર પ્રેમ મળ્યો હતો. અતિવૃષ્ટિથી લબથબ થયેલી પૃથ્વી ઉપર થયેલી હરિયાળીથી લહેરાતી વનરાજીની જેમ નિલુ લહેરાતી હતી. પણ અતિવૃષ્ટિની જેમ ક્યારેક વરસાદનો અભાવ દુકાળ પણ લાવે છે. જીવનનું આ કડવું સત્ય છે, જ્યાં માનવ લાચાર છે. અને જિગર અને નિલુ એ આવનાર દુકાળથી અજાણ હતા. આ ભવિષ્યને નહિ જાણી શકવાની અશક્તિ જ ખરેખર વ્યક્તિને સુખી રાખે છે. કેમકે ભવિષ્યના દુઃખોથી અજાણ એ વર્તમાનમાં સુખી રહી શકે છે.
નિલુ પાણીનો ગ્લાસ લઈને આવી, વિશિતાએ પાણી પીધું અને ગ્લાસ પાછો આપ્યો. નિલુ પાણીનો ગ્લાસ મૂકીને પાછી આવી. જિગર દરવાજામાં આડો પગ રાખી ઉભો હતો. નિલુ રોકાઈ ગઈ. વિશિતાએ રજા માંગી.
" બાય જિગર, હું જાઉં છું. એન્ડ થેન્ક્સ નિલુ ફોર એ બેસ્ટ કંપની ટુડે. "
" ભાભી, આ જુઓ. રસ્તો રોકીને ઉભો છે. "
જિગરને ગુસ્સો આવતો હતો. એણે પ્રેમ કર્યો છે કોઈ જબરજસ્તી નહિ. એણે પગ હટાવી લીધો.
" મારા પર વિશ્વાસ હોય તો રોકાજે, નહિ તો ચાલી જજે. "
જિગર અંદર જઇને સોફા પર બેઠો.
" નિલુ, મને મારા દિયર પર વિશ્વાસ છે. બાય. "
વિશિતા ચાલી ગઈ. નિલુએ દરવાજો બંધ કર્યો અને અંદર આવીને જિગરની સામે બેઠી.
" નારાજ છે મારાથી? "
" તું મારાથી આમ દૂર દૂર કેમ રહે છે? "
" જિગર, આટલો મોહ સારો નહિ, મને કંઈ થઈ ગયું તો ? "
" નિલુ, તો હું મરી જઈશ. "
" ના જિગર, મને વચન આપ તું ક્યારેય આડુંઅવળું પગલું નહિ ભરે. "
જિગર ઉભો થયો અને નિલુના પગ પાસે બેઠો. નિલુનો કોમળ હાથ પોતાના હાથમાં લઇને બોલ્યો.
" પહેલાં તું વચન આપ કે તું મારાથી દૂર નહિ રહે. "
" ઓ.કે.. હું તારાથી દુર નહિ થાઉં. મારા જીવનનું કેન્દ્ બિંદુ તું જ રહીશ. પણ ઈશ્વરીય શક્તિની ઉપર તો હું પણ નથી. "
જિગરે નિલુના પગ પર માથું મુક્યું. નિલુ જિગરના વાળમાં હાથ ફેરવતી રહી.
" નિલુ, હું આટલું જ માગું છું. વધુ નહિ. "
" મને વિશ્વાસ છે જિગર તારા ઉપર. "
પૂર્ણ પ્રેમની ઉંચાઈ પર બન્ને હતા. પણ કદાચ આવી પૂર્ણતાને જ કોઈની નજર લાગતી હશે.

** ** ** ** ** ** ** ** ** ** **

આવતીકાલે અભિજિતની વિધિ હતી. પ્રિયાનું મન વ્યગ્ર હતું. શું જિગર નહિ આવે? પોતાના પિતા એને માય સન કહીને બોલાવતા હતા. મરતા બાપની આંખો જ્યારે જિગરને શોધતી હતી, એ પળ પ્રિયાને યાદ આવી.

** ** ** ** ** ** ** ** ** ** **

આવતીકાલે અભિજિતની વિધિ હતી. જિગરે ઘરને તાળું માર્યું. એક બેગમાં પોતાનો સામાન લઈ એ વિશિતાની ગાડી લઈ હેમંતના ઘર તરફ રવાના થયો. વિશિતાની ગાડી તૈયાર થઈ ગઈ હતી.
વિશિતા ઘરે નહતી. એની માસીના ઘરે ગઈ હતી. હેમંત ઘરે હતો. વિશિતાની ગાડી જોઈ હેમંત ખુશ થઈ ગયો.
" વાઉ જિગર, મસ્ત. વિશિતાને ગાડી ખૂબ ગમશે. આવ. શું લઈશ? "
" અત્યારે કંઈ જ નહી, કાલે અભિજિતની વિધિ છે. પ્રિયા મારી રાહ જોતી હશે. મારે જવું પડશે. "
હેમંત સિરિયસ થઈ ગયો.
" જિગર, ટેઈક કેર. જરૂર પડે તો અડધી રાત્રે ફોન કરી દેજે. એન્ડ.... નિલા અને અમીને કહેજે એકલા ક્યાંય ના જાય. "
" ઓ.કે.. થેન્ક્સ.. "
" પણ તું જઈશ કેવી રીતે ? "
" અહીંથી ઓટોમાં ઘરે જઈશ. ત્યાંથી જીપ લઈને રાજસ્થાન જઈશ. "
" ઓટોમાં? હું છું ને. હું તને મૂકી જઉ છું. "
હેમંત એની ગાડીમાં જિગરને લઈને જિગરના ઘરે આવ્યો. જિગરની જીપ બહાર જ હતી. જિગરે એની બેગ જીપમાં મૂકી અને જીપ સ્ટાર્ટ કરી. નિલુ એની અગાશીમાંથી જિગરને બાય કરતી હતી.
હેમંત વિચારમગ્ન હતો. આ છોકરામાં એવું શું હતું જે દરેકના મનને જીતી લેતું હતું? વિશિતા, ક્યારેય કોઈના પર આંધળો વિશ્વાસ ના મૂકે. અરે પોતાને વિશિતાના દિલને જિતતા કેટલો સમય લાગ્યો હતો. અને આ જિગર?
એ પ્રેમ હતો. અભિજિત જેવા એક અજાણ્યા વ્યક્તિ માટે જાનની બાજી લગાવ્યાનો પ્રેમ હતો....

** ** ** ** ** ** ** ** ** **
નિહાર માખીજા માટે જિગર એક કોયડો બની ગયો હતો. હેમંત પોલીસ ખાતાનું એક મોટું નામ હતું. અને આ છોકરો એની નિકટ હતો. એટલે માખીજા કોઈ ઉતાવળ કરવા માંગતો નહતો. જિગરે ગુજરાત રાજસ્થાન બોર્ડર ક્રોસ કરી અને માખીજાએ એના માણસોને ઓર્ડર આપ્યો, ઓપરેશન વન સ્ટાર્ટ.....

(ક્રમશ:)

20 માર્ચ 2021