DREAM GIRL - 45 books and stories free download online pdf in Gujarati

ડ્રીમ ગર્લ - 45

ડ્રીમ ગર્લ 45

" પ્રિયા, બે વ્યક્તિએ લગ્ન કરતા પહેલાં સો વખત વિચારવું જોઈએ. લગ્ન અને મૈત્રીમાં ખૂબ મોટો તફાવત છે.. કોને ઉપર સ્થાન આપવું એ અલગ વાત છે, પણ લગ્ન એ મૈત્રી જેટલું સરળ નથી. પતિ પત્નીના ગુણ સારા હોવા છતાં જો એ એકબીજાને અનુકૂળ ના હોય તો એ લગ્ન જાહેરમાં ભલે નિષ્ફળ ના જાય પણ અંદર ખાનગી રીતે એ નિષ્ફળ જ હોય છે. તારા ડેડ તારી મોમને ખૂબ પ્રેમ કરતા હતાં. પણ એ જાણતા ન હતા કે ડર શું હોય છે, માટે જ એ ક્યારેય તારી મોમના હદયની વ્યથા સમજી ના શક્યા, અને દિપેશની મનોવ્યથા પણ સમજી ના શક્યા. બાકી જો તારા પિતા ચાહત તો રોહનની વાત સ્વીકારી, તારી મોમના હદયને શાંતિથી ભરી શકતા હતા. સામે પક્ષે તારી મોમ પણ તારા ડેડને ખૂબ પ્રેમ કરતી હતી, પણ એનું હદય કુદરતી રીતે જ ગભરુ હતું, એ જીનેટિકલી હતું, કુદરતી હતું. એને તારી મોમ બદલી શકે એમ ન હતી. માટે જ બન્ને એકબીજાને પ્રેમ કરતા હોવા છતાં બન્ને વચ્ચે એક અંતર વધતું જતું હતું. "
" જિગર, જ્યારે તું મારા ડેડને બચાવવા કૂદી પડ્યો, ત્યારે તે નિલુના હદયનો વિચાર કર્યો હતો? "
જિગર એક પળ મૌન થઈ ગયો. જિગર સમક્ષ એ આખી ઘટના અને પોસ્ટ બોક્સમાંથી મળેલ કવર તરવરી ઉઠ્યું. પ્રિયાની વાત કંઇક અંશે સાચી હતી. પોતે ખેડેલ જોખમ સાથે નિલુ સહમત ના થાય. નિલુ પણ કદાચ ગભરુ જ હશે. અંધકારમાં જોતો એ બબડતો હતો.
" પ્રિયા, એ એક અકસ્માતનો ભાગ માત્ર હતો. તારા પિતાએ ખતરાને પોતાના વ્યવસાય તરીકે સ્વીકાર્યો હતો. એમને ખતરો ખેલવામાં આનન્દ આવતો હતો, જ્યારે મને ખતરાથી ખેલવાનો કોઈ શોખ નથી, મારે તો માત્ર શાંતિ જોઈએ, મારી નિલુની સાથે. પણ હું ડરપોક પણ નથી, હું લગ્ન કરી ઘર આંગણે જ ગેરેજ ખોલવાનો છું. હું મારી નિલુથી પળવાર પણ દૂર રહેવા માંગતો નથી. "
" કદાચ મારી મોમ નિલુ જેટલી નસીબદાર ન હતી. પણ જિગર, કોઈ પણ દેશ મારા ડેડ જેવા મર્દને આધારે ટકી રહે છે, અને જ્યારે દેશ સલામત હોય ત્યારે સાહિત્યકાર કે કલાકાર કે પ્રજા સલામત હોય છે. "
" પ્રિયા, આવા માણસે રાષ્ટ્રના હિતમાં લગ્ન જ ના કરવા જોઈએ. એક ગભરુ સ્ત્રીના માથે બે બાળકોની જવાબદારી છોડી દેવી એ યોગ્ય નથી. "
પ્રિયા પગથી માથા સુધી સળગી ઉઠી. એ એના ડેડને ખૂબ પ્રેમ કરતી હતી અને એ એના ડેડ વિરુદ્ધ કંઈ પણ સાંભળવા તૈયાર ન હતી. એ હસી, એના હાસ્યમાં કટાક્ષ હતો.
" એ તારા વિચારો છે જિગર. પણ હું સ્ત્રી તરીકે આવા મર્દને જ પસંદ કરીશ. "
" બેશક. આમ પણ છોકરીઓ એમના પિતાથી જ વધારે ઈમ્પ્રેસ હોય છે. પણ તારા વિચારો કે તારી પસંદગી, તારી માતાએ ઉઠાવેલ વ્યથાને ઓછી નહિ કરી શકે. "
" ખેર, એ વાત છોડ. આગળ શું થયું? "
" તારા પિતાને બીજા પસંદગીના ત્રણ સભ્યો આપવામાં આવ્યા હતા. અને એ ત્રણેની સાથે ઇન્ટેલિજન્સ ઓફીસમાં જ તારા ડેડે મીટીંગ કરી. તારા ડેડ એ ઓપરેશનના ચીફ હતા. તારા ડેડે એક સ્ટ્રેટેજી તૈયાર કરી હતી. તદ્દન નવા સિમ કાર્ડ, જેની જાણ કોઈને ન હતી એ ચારેને આપવામાં આવ્યા. આ નમ્બરનો ઉપયોગ માત્ર ચારે જણે આ ઓપરેશન માટે અંદર અંદર વાત કરવા માટે જ હતો. મીટીંગ પછી ચારે જણ છુટા પડ્યા. ચારે જણ અલગ અલગ રસ્તે બોમ્બે જવાના હતા. તારા ડેડ એમની બેગ લેવા તારા ઘરે ગયા, ઘરેથી નાનકડી બેગ લઈ એ ગીચ પબ્લીક વાળા મોલમાં ગયા. એ એક આઈ.બી.ઓફિસર હતા. એમનું ધ્યાન ચારે તરફ હતું. કોઈક તો એમનો જરૂર પીછો કરતો હશે. એ મોલના ટોયલેટમાં ઘુસ્યા. થોડી વાર પછી અલગ કપડાંમાં કોઈ પ્રોફેસર જેવો વ્યક્તિ બહાર આવ્યો. વ્હાઇટ પેન્ટ પર આછો બદામી કુરતો હતો. આંખો પર નમ્બરના ચશ્મા હતા. માથા પર સફેદી મિશ્રિત કાળા કલરની ઓરિજિનલ લાગે એવી વિગ હતી. ખભા પર એક બગલથેલો હતો. હાથમાં એક પેન હતી. બેગમાંથી આ તમામ વસ્તુ કાઢી, બેગને ટોયલેટના મોટા ડસ્ટબીનમાં નાખી દીધી હતી. ત્યાંથી તે ગેલેક્ષિ થિયેટરમાં ગયા. કોઈ નવી ફિલ્મ લાગી હતી. ભીડ ખૂબ જ હતી. કેટલાક કપલો એકબીજામાં પરોવાયેલા હતા. અભિજિતને આ લોકો પર હસવું આવતું હતું. ફક્ત 20 મિનિટની ફિલ્મ જોઈ એ બહાર નીકળી ગયા. બહાર નીકળ્યા ત્યારે એમને ધ્યાનમાં આવી ગયું કે કોઈ કાળા શર્ટ વાળો વ્યક્તિ એમનો પીછો કરે છે.
દિલ્હી રેલવે સ્ટેશન પર એ પહોંચ્યા. ભારતમાં કેટલાય આવા એજન્ટ હોય છે, એ તમામ પર કોઈ નજર રાખતું નથી. પણ તારા પિતા એક અલગ વ્યક્તિ હતા. એ હંમેશા સાવચેત રહેવામાં માનતા હતા. તારા ડેડની બોમ્બેની ટીકીટ રિઝર્વ હતી. એ પોતાની સીટ પર બેઠા. બગલથેલો સાઈડમાં મૂકી એ બોગીમાં આંટા ફેરા કરતા રહ્યા. ત્રીજા સ્ટેશને ગાડી ઉભી રહી અને તારા ડેડ ટોયલેટમાં ગુસ્યા. બે મિનિટ પછી ગાડી ધીમેથી સ્ટાર્ટ થઈ. તારા ડેડ ટોઇલેટમાંથી બહાર આવ્યા. બહાર કોઈ ન હતું. પ્લેટફોર્મ પર લાઈટ હતી, પણ પ્લેટફોર્મની બીજી બાજુ અંધારું થઈ ગયું હતું. તારા ડેડ પ્લેટફોર્મની બીજી બાજુ ધીમેથી ગાડીમાંથી ઉતરી ગયા. ગાડી એમને મૂકીને આગળ વધી ગઈ. એ ચારે તરફ શાંતિથી જોઈ રહ્યા. આજુ બાજુ કોઈ ન હતું. સ્ટેશન તરફ જવાની જગ્યા એ, એ રેલવે લાઈન પર આગળ વધ્યા. આગળ રેલવે લાઈનની પરેલલ એક રોડ આવતો હતો. ત્યાં જઈ એમને કુરતો અને સફેદ પેન્ટ કાઢી નાખ્યા. એમણે અંદર જીન્સનું પેન્ટ અને ટીશર્ટ પહેરેલા હતા. રોડ ઉપર આવી એ પાછા સ્ટેશન પર આવ્યા અને એક ટેકસી રાજસ્થાનના જયપુર માટે બુક કરાવી. "
પ્રિયાને આ બધું કોઈ ફિલ્મ જેવું લાગતું હતું. પણ જિગરે જે અમુક વાતો કહી એ ઉપર થી એવું લાગતું હતું કે એ સાચું જ કહે છે. અને પ્રિયાને એ પણ લાગતું હતું કે આ વાત કોઈ એવા રહસ્ય તરફ જઈ રહી છે જે એ નથી જાણતી.
" પ્રિયા, જ્યારે તારા ડેડે ટેક્ષિ બુક કરાવી ત્યારે તારો ભાઈ સિમલા જવા રવાના થયો હતો. એણે પણ દિલ્હીથી ટ્રેન પકડી. ટ્રેન સ્ટાર્ટ થઈ એ પહેલાં એ.સી. કોચના એ ટુ સ્લીપર કુપેમાં એક યુવતી પ્રવેશી. અત્તરની ખુશ્બુથી આખો કુપે મહેકી ઉઠ્યો. તારા ભાઈ એ કોલેજમાં અનેક યુવતીઓ જોઈ હતી. પણ આ યુવતીમાં કંઈક અલગ હતું. એકદમ દૂધ જેવી ઉજળી સ્કીનમાં લોહીની રતાશ હતી. ઉંચી, પાતળી પણ સ્હેજ ભરાવદાર અંગો વાળી એ યુવતીમાં નજાકત હતી. લાંબા કાળા વાળ એણે રબર બેન્ડથી બાંધી રાખ્યા હતા. લાંબી આંગળીની મુલાયમતા એની મોહકતામાં વધારો કરતી હતી. એ આંગળી પર હીરાની વીંટી ઝગારા મારતી હતી. દિપેશને પહેલી વખત એવું થયું કે એ એની જોડે વાત કરે. એ યુવતીએ પોતાનો સામાન સેટ કર્યો અને એક ચાદર કાઢી સીટ પર પાથરી, કદાચ એ સ્વચ્છતાની ખૂબ આગ્રહી હશે એવું લાગ્યું. ટ્રેન ધીમેથી સ્ટાર્ટ થઈ. એ યુવતી એ એનો મોબાઈલ કાઢ્યો અને પંકજ ઉદાસની ગઝલો ચાલુ કરી, મોબાઈલ બાજુમાં મુક્યો અને એ દિપેશની સામેની સીટ પર ગોઠવાઈ. એણે વાળમાં ભરાવેલ રબર બેન્ડ કાઢી નાંખ્યું , એના લાંબા નાગ જેવા વાળ એના ખોળામાં પથરાયા. અત્યાર સુધી એ યુવતીએ દિપેશની હાજરીની નોંધ સુધ્ધાં લીધી ન હતી. પણ અચાનક એને દિપેશની હાજરીની ખબર પડી હોય એમ બોલી.
" ઓહ, આઈ એમ સોરી. તમને અવાજથી તકલીફ થતી હોય તો હું ગઝલ બંધ કરી દઉં ? "
એનો અવાજ એકદમ મધુર હતો. એમાં સ્ત્રીની નમણાશની સાથે એક અજબ ચુંબકીય તત્વ હતું. અને એ ચુંબકીય તત્વમાં દિપેશ ખેંચાતો જતો હતો....


(ક્રમશ:)

27 માર્ચ 2021