NARI-SHAKTI - 13 books and stories free download online pdf in Gujarati

નારી શક્તિ - પ્રકરણ-13, (સૂર્યા સાવિત્રી,ભાગ-1)

નારી શક્તિ પ્રકરણ-13
(સૂર્યા સાવિત્રી, રચિત , "વિવાહ સૂક્ત"
-ભાગ 1)
[ હેલ્લો! વાચક મિત્રો, નમસ્કાર , નારી શક્તિ પ્રકરણ-13 માં હું સૂર્યા સાવિત્રી ની કથા લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું .સૂર્યા સાવિત્રી હિંદુ સંસ્કૃતિ માટે વિવાહ, એક પવિત્ર સંસ્કાર છે ,બંધન છે ,વિવાહ ને પવિત્ર સંસ્કાર ના રૂપમાં પ્રસ્તુત કરવા વાળી ઋગ્વેદમાં સૌ પ્રથમ સૂર્યા સાવિત્રી છે. તેની કથા હું અહી પ્રસ્તુત કરું છું આપને જરૂર પસંદ આવશે તેવી અપેક્ષા સહ આપના ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર !માતૃભારતી ને પણ ખૂબ ખૂબ ધન્યવાદ , આભાર!]
પ્રસ્તાવના:-
સૂર્યા સાવિત્રી સૂર્યની પુત્રી છે સ્ત્રી પુરુષ સંબંધને એક પવિત્ર સંસ્કાર ના રૂપમાં પ્રસ્તુત કરવા વાળી સૂર્યા વૈદિક સંસ્કૃતિના નિર્માણમાં અગ્રગણ્ય છે.
સ્ત્રી-પુરુષના પરસ્પર આકર્ષણ કે જેને 'કામ' કહે છે તે આ સૃષ્ટિનું મૂળ છે આ નૈસર્ગિક આકર્ષણને લોકહિતમાં મર્યાદિત અને ધર્મ અનુકૂળ પવિત્ર સ્વરૂપ પ્રદાન કરવા માટે વિશ્વની બધી જ સભ્ય જાતિઓએ વિવાહ સંસ્થાનો સ્વીકાર કર્યો છે. ભારત દેશમાં પ્રચલિત 'વિવાહ-સંસ્કાર'નું પ્રાચીનતમ વિવરણ આપણને ઋગ્વેદના 'વિવાહ-સૂક્ત' માં મળે છે. જેની ઋષિ સૂર્યપુત્રી સાવિત્રી છે.ઋગ્વેદના દસમા દસમા મંડળમાં સંકલિત 85 મુ સૂક્ત 'વિવાહ સૂક્ત' ના નામથી પ્રસિદ્ધ છે. જેમાં કુલ 47 મંત્ર છે. સૂર્યપુત્રી સૂર્યા આ સંપૂર્ણ સૂક્તની ઋષિ છે સૂર્યાનો સોમની સાથે વિવાહ તેનો મુખ્ય વિષય છે અને અહીં તે આત્મવૃતાંત ના રૂપમાં વર્ણવવામાં આવ્યો છે. 'વિવાહ-સૂક્ત' એ ભારતીય સમાજ વ્યવસ્થાની આધારશિલા છે અને લગ્ન સંસ્થા નો ઉદ્ભવ સ્રોત છે. જે અહીં સૂર્યા સાવિત્રીના સોમ સાથેના વિવાહ દ્વારા રૂપક અલંકાર માં વર્ણવાયું છે.
બ્રહ્મવાદિની સૂર્યા પ્રારંભિક પાંચ મંત્રોમાં તે મૂળભૂત તત્વોનું નિરૂપણ કરે છે જે આ સૃષ્ટિનો આધાર હોવાનું કારણ અને ગૃહસ્થ જીવનની પણ આધારશિલા છે, જેના વિના ગૃહસ્થ ધર્મ સુદ્રઢ અને સ્થાયી બની શકતો નથી. મંત્ર નો ભાવ આ પ્રમાણે છે-
સૂર્યા કહે છે કે સત્યએ ભૂમિ ને ધારણ કરેલ છે, અને સૂર્ય તેમજ આકાશને પણ ધારણ કરેલ છે, સત્યથી આદિત્ય એટલે કે અદિતિના પુત્ર દેવો ની સત્તા છે, જે સંપૂર્ણ દેવલોકમાં વ્યાપ્ત છે.( મંત્ર -1)
બીજા મંત્રમાં સૂર્યા પોતાના ભાવિ પતિ સોમના ગુણોનું વર્ણન કરતા કહે છે કે સોમથી ઈન્દ્ર વગેરે દેવો બળવાન થયા છે સોમથી જ પૃથ્વી મહાન થાય છે. (અહીં સોમ એટલે ઔષધિ વનસ્પતિ પણ છે અને ચંદ્ર પણ છે )
આ નક્ષત્રો ની વચ્ચે સોમને રાખવામાં આવેલ છે (મંત્ર 2)
જ્યારે સોમ રૂપી ઔષધિ ને પીસવામાં આવે છે ત્યારે લોકો સમજે છે કે એમણે સોમ પાન કરી લીધું પરંતુ જે સોમને બ્રહ્મવેત્તા જાણે છે, બ્રહ્મવેત્તા માને છે, એનો કોઈ સામાન્ય મનુષ્ય સોમ પાન નથી કરી શકતો (મંત્ર 3)
વળી આગળ સૂર્યા વર્ણન કરે છે કે ,
હે સોમ ! તમે ગુપ્ત વિધિવિધાનો થી રક્ષિત છો, સોમ નું પાલન કરવાવાળા થી પણ રક્ષિત છો ,તમે પીસવાવાળા પથ્થરનો શબ્દ પણ સાંભળો છો, આ પૃથ્વીનો કોઈપણ સામાન્ય મનુષ્ય તમારૂ ભક્ષણ નહીં કરી શકે.( મંત્ર 4 ) એટલે કે સોમરસ નું પાન માત્ર દેવો જ કરી શકે છે ,અહીંયા દેવ ની વાત છે અને સોમરસ ની વાત છે.સૂર્ય અને સોમના રૂપક દ્વારા 'વિવાહ સંસ્કાર 'નું સુંદર ઉદાહરણ રજૂ થયું છે.
હે સોમદેવ! દેવતા તમારૂં પાન કરે છે, પરંતુ તમે ફરીથી રસ અને કલાઓ થી પૂર્ણ થાવો છો,( રસ ઔષધિ માટે, અને કલાઓ ચંદ્ર માટે વપરાયેલ છે) વાયુ એટલે કે પ્રાણ શક્તિ તમારી એ પ્રમાણે રક્ષા કરે છે જે રીતે ક્રમ મા આવતા મહિનાઓ અને વર્ષની રક્ષા થાય છે.( મંત્ર 5 ) અહીં માસ, વર્ષ અને નક્ષત્રની રાશિ ની વાત પણ છે (કારણ કે ચંદ્ર ની વાત આવે છે એટલા માટે )
આ મંત્ર માં ઋષિ નો અભિપ્રાય એવો છે કે વનસ્પતિ રૂપ સોમ અને ચંદ્ર રૂપ સોમ નિરંતર ઉપયોગ કરવા છતાં પણ પુનઃ વૃદ્ધિને પૂર્ણત્વને પ્રાપ્ત કરે છે, તે બ્રહ્મરૂપી સોમ પણ બધી અવસ્થાઓ માં પૂર્ણ જ છે. આ પૂર્ણતા જ તેનો આદર્શ છે જે વર-વધુ ને પોતાના ગ્રહસ્થ જીવનમાં અપનાવવાનો હોય છે. જેથી કરીને હૃદયમાં આનંદ નો ઘડો સર્વદા સંપૂર્ણ ભરાયેલો રહે. સર્વદા તે રસ ઊછળે અને આનંદ આપે.અભાવ, દરિદ્રતા ,નિરાશાની છાયા પણ મન ઉપર ન પડે. આ આનંદ છે એ વધે ઘટે નહીં ગૃહસ્થ જીવનનો આનંદ છે એ ક્યારેય ખાલી ન થાય, પરંતુ પૂર્ણતાને પ્રાપ્ત કરે એવો અહીં ભાવાર્થ છે. (અહીં સોમ માટે ત્રણ શબ્દોને પ્રયોજવામાં આવ્યા છે, સોમ એટલે ઔષધિ, સોમ એટલે ચંદ્ર અને સોમ એટલે બ્રહ્મ)
વિવાહની આ દૃઢ આધારશીલા નું નિરૂપણ કર્યા પછી સૂર્યા પિતૃગૃહે થી વધૂની વિદાયનું અવિસ્મરણીય વર્ણન કરે છે , જે વેદ મંત્રોના ઉચ્ચારણ થી પરમ પાવન અને મંગલમય બન્યું છે.
આગળ ખૂબ જ સુંદર વર્ણન કરતાં સૂર્યા કહે છે કે,
જ્યારે સૂર્યા પિતૃગૃહેથી વિદાય લઈને પતિગૃહ જાય છે ત્યારે રૈભી નામ નો મંત્ર એની સખી બને છે અને નારાશંસી ઋચાઓ એના પરિજનો બન્યા છે, સુંદર વસ્ત્રો સામગાન થી પવિત્ર અને મંગલમય બન્યા છે. (મંત્ર 6)
જ્યારે સૂર્યા પતિગૃહે ગઈ ત્યારે ઉત્તમ વિચારો (વાળુ મન ) તેની ચાદર હતી, આંખો તેનું આંજણ હતું અને આકાશ અને પૃથ્વી તેના (કોશ) ખજાનો હતા. (મંત્ર 7)
ખૂબ જ અદભુત વર્ણન રૂપક અલંકાર વાળું મંત્ર આઠ માં જોવા મળે છે જે નીચે પ્રમાણે છે.
જ્યારે સૂર્યા પતિગૃહે જાય છે ત્યારે આ સ્તોત્ર જ સૂર્યા નાં રથચક્રનો દંડ બન્યો હતો.કુરિર નામ નાં છંદથી રથ નો પાછળ નો ભાગ સુશોભિત હતો અને અશ્વિની દેવતા વરપક્ષ તરફથી વધૂ ને લઈને તેને પતિગૃહે લઈ જવા માટે આવ્યા હતા, આ રથના આગળના ભાગે પથપ્રદર્શક ના રૂપમાં અગ્નિદેવતા ચાલી રહ્યા હતા.( મંત્ર 8)
અહીં ઋષિ તરીકે સૂર્યાની વિદ્વતા તેમજ કવિત્વ શક્તિ ના દર્શન થાય છે, સૂર્યાની વર્ણન શક્તિ પણ અદભૂત છે.
સોમ દેવતા વધૂની કામના કરવાવાળા હતા, બંને અશ્વિની દેવો વરપક્ષ તરફથી સૂર્યા નો સ્વીકાર કરવા વાળા હતા ત્યારે તેના પ્રત્યે પૂજ્યભાવ રાખવાવાળી સૂર્યા નો સવિતા દેવતાએ એટલે કે સૂર્ય દેવતા એ પોતાના મનથી પૂર્ણ ઇચ્છાથી સોમને પ્રદાન કરી ( મંત્ર 9)
એટલે કે સૂર્યદેવતા એ પોતાની પુત્રી સૂર્યા સાવિત્રીનું સોમ દેવતાને કન્યાદાન કર્યું.
ત્યારબાદ સૂર્યા પતિ ગૃહે ગમનની ઉત્કંઠા નું પોતાના જ શબ્દોમાં વર્ણન કરતાં કહે છે કે,
જ્યારે સૂર્યા તેના પતિને ઘરે ગઈ ત્યારે મન જ તેનો રથ હતું સ્વર્ગ લોક અથવા આકાશ તેની છત હતી, અને દેદીપ્યમાન સૂર્ય તેમજ ઉજવળ ચંદ્ર તેના રથના વાહકો હતા( મંત્ર-10)
આ અદભુત, અનુપમ, અત્યંત સુંદર કલ્પના દ્વારા અને રૂપકો દ્વારા સૂર્યા એ જે વર્ણન કર્યું છે તે દર્શાવે છે કે ભારતીય સંસ્કૃતિમાં, વૈદિક સંસ્કૃતિમાં વિવાહ સંસ્કાર કેટલું મહત્વ ધરાવે છે તે સૂર્યાએ પોતાના 'વિવાહસૂક્તમા દર્શાવ્યું છે.સાથે સાથે સૂર્યાની વિદ્વતા પૂર્ણ દાર્શનિક કવિત્વ શક્તિ પણ દ્રષ્ટિગોચર થાય છે
આગળના મંત્ર માં સૂર્યા સ્વયં પોતાની જાતને સંબોધન કરીને કહે છે કે,
હે સૂર્યે !
ઋક્ અને સામ મંત્રો થી પ્રેરિત તારા એ બંને કાન પરસ્પર સામંજસ્ય રાખતા આ એક બીજાના સહયોગી બની ને ચાલી રહ્યા છે, તારા બંને કાન આકાશ માં ચાલતા રથ નો માર્ગ આ ચરાચર જગત છે.( મંત્ર 11)
તમારા રથના બંને ચક્રો પવિત્ર છે વ્યાન નામનો પ્રાણ આનો અક્ષ છે પતિ ગૃહે જતી સૂર્યાને મનોમય રથ પર આરોહણ કરવામાં આવી છે.(મંત્ર-12)
કેટલું અદભૂત રૂપકાત્મક વર્ણન!!! આવું વર્ણન માત્ર ને માત્ર વેદો માં જ મળે છે વિશ્વમાં ક્યાંય નહીં.
પિતા સૂર્યદેવતા એ સૂર્યાનો વિવાહ કરવા માટે જે કંઈ આપ્યું હતું તે દહેજ પહેલેથી જ મોકલી આપવામાં આવ્યો હતો માઘ નક્ષત્રમાં ગાયો મોકલવામાં આવતી અને ફાલ્ગુની નક્ષત્રમાં કન્યાને પતિગૃહે વિદાય આપવામાં આવતી હતી (મંત્ર 13)
અહીં બધા જ મંત્રો પોતાના આત્મવૃતાંત થી વર્ણવ્યા છે એટલે કે વિવાહ સૂક્ત સૂર્યા નું આત્મનિવેદન છે. અહીં કન્યા ને આપેલો કરિયાવર પણ શુભ મુહૂર્તમાં માઘ નક્ષત્રમાં પતિગૃહે મોકલવામાં આવે છે અને કન્યા વિદાય પણ શુભ મુહૂર્તમાં એટલે કે ફાલ્ગુની નક્ષત્રમાં થાય છે.
આગળ અશ્વિનીકુમારો ને સંબોધન કરતા સૂર્યા કહે છે કે,
હે અશ્વિનીકુમારો ! જ્યારે તમે બંને ત્રણ ચક્ર વાળો રથ લઈને સૂર્યાની વિવાહની વાત કરવા માટે આવ્યા હતા એ સમયે સમસ્ત દેવો એ તમારા કાર્યનું અનુમોદન કર્યું હતું પૂષા એટલે કે સૂર્ય ને તમે આ પ્રકારે સન્માનપૂર્વક પસંદ કર્યા હતા જેમ પુત્ર પિતાને પસંદ કરે ( મંત્ર 14) સૂર્યા ફરીથી અશ્વિનીકુમારો ને સંબોધન કરીને આગળના મંત્રમાં કહે છે કે ,
હે શુભ સ્વામી ! એટલે કે શુભ કરવાવાળા જ્યારે તમે સૂર્યા નો વધૂ ના રૂપમાં સ્વીકાર કરવા માટે સવિતા દેવ પાસે આવ્યા હતા ત્યારે તમારા રથનું એક ચક્ર ક્યાં હતું ? દાન - પ્રદાન એટલે કે વિવાહ ની વાતચીત કરવા માટે તમે લોકો ક્યાં ઊતર્યા હતા ? ( મંત્ર 15 )
આગળ સૂર્યા સ્વયંને સંબોધીને કહે છે કે,
હે સૂર્યે ! તમારા રથના બે ચક્ર જે સમય અનુસાર ચાલે છે અને સૂર્ય- ચંદ્રના રૂપમાં પ્રખ્યાત છે એમને બ્રાહ્મણો જાણે છે જે સંવત્સરાત્મક ચક્ર છે તેને વિદ્વાન લોકો જ જાણે છે.( મંત્ર 16 )
અહીં સૂર્ય ચંદ્ર ને અશ્વિનીકુમારો ના રથના બે ચક્રો ના રૂપમાં વર્ણવાયા છે જેને બ્રાહ્મણો જાણે છે અને ત્રીજું ચક્ર સંવત્સરાત્મક છે જે સમયાનુંક્રમ પ્રમાણે ચાલે છે તેને વિદ્વાનો જાણે છે એમ વર્ણન કરવામાં આવ્યું છે મને લાગે છે કે વેદમાં આ સૌથી શ્રેષ્ઠ અને અજોડ વર્ણન છે. ખૂબ જ ઉચ્ચ કોટિની ગૃહસ્થાશ્રમની ભાવના અહીં રજુ થાય છે. આ સમયનું ચક્ર સમજાવવા માટે ઋષિનો અભિપ્રાય છે કે, સૂર્ય અને ચંદ્ર જે દિવસ અને રાતના કર્તા છે તેઓ તો પ્રત્યક્ષ દૃશ્યમાન છે, પરંતુ જે અનંત અખંડ કાળ છે એની ગતિને તો માત્ર જ્ઞાની લોકો જ જાણે છે ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરવા માટે અને કર્યા પછી પતિ-પત્નીએ આ કાળની ગતિ ને ધ્યાનમાં રાખીને જીવનમાં ઉચ્ચતમ લક્ષ્યની પ્રાપ્તિ માટે લાગી જવું જોઈએ.[ હવે સૂર્યા ની પતિગૃહે વિદાય નો પ્રસંગ આપણે આવતાં એપિસોડ માં જોઇશું, પ્રતિક્ષા કરવા માટે ધન્યવાદ!! © & By Dr.Bhatt Damyanti ]