Prayshchit - 49 books and stories free download online pdf in Gujarati

પ્રાયશ્ચિત - 49

પ્રાયશ્ચિત પ્રકરણ - 49

તે દિવસે કેતન અસલમને મળીને જામનગર જવા રવાના થઈ ગયો એ પછી અસલમે ફઝલુને તરત જ ફોન કરેલો.

" ફઝલુ સુન.. તુ આજ હી નિકલ જા. વો સુવરકા બચ્ચા અબ એક દિન ભી જિંદા રહેના નહીં ચાહિયે. ઉસને મેરે ભાઈ જૈસે દોસ્ત કો ઉડાનેકી સાજિશ કી હૈ. વો કલકા સૂરજ દેખ પાના નહી ચાહીયે "

" જી ભાઈજાન.. થોડી દેરમેં નિકલ જાતા હું... ઇન્શાલ્લાહ આજ હી કામ હો જાયેગા." ફઝલુ બોલ્યો.

"ભાઈ" નો આદેશ મળે એટલે ફઝલુ એક્શનમાં આવી જતો. એ ખૂનખાર વાઘ બની જતો. ફઝલુ અને રહીમ અસલમ ના બે જાંબાઝ શાર્પ શૂટર હતા. ખાસ યુપી મોકલીને આ બંને જણને તાલીમ અપાવી હતી.

અસલમના મામુજાન પણ એક બુટલેગર હતા અને યુપીની શસ્ત્રો બનાવતી એક ફેક્ટરી સાથે પણ એમના સંપર્કો હતા. મામુજાનને કોઈ સંતાન ન હતું. મામુજાન બીમાર પડ્યા એટલે અસલમને બોલાવી લીધો. અસલમે છેલ્લા દિવસોમાં એમની બહુ જ સંભાળ લીધી. મામુજાને આખો કારોબાર અસલમને સમજાવી દીધો અને ઓળખાણો પણ કરાવી દીધી. મામુજાન બે થી ત્રણ કરોડના આસામી હતા.

મામુજાનના ગયા પછી બુદ્ધિશાળી અસલમે રાજકોટમાં આખું એમ્પાયર ઉભું કર્યું. એણે પોતાનું સામ્રાજ્ય સ્થાપવા કેટલાક ચુનંદા અને માથાભારે માણસોની જરૂર હતી. ઇંગ્લિશ દારૂ ખરીદવાથી શરૂ કરીને વેચવા સુધીનું આખું નેટવર્ક ધ્યાનપૂર્વક ચલાવવું પડતું. એમાં ખેપાની માણસોની અને શાતિર ટ્રક ડ્રાઈવરોની જરૂર પડતી.

ફઝલુ પહેલાં એક ગેરેજમાં કાર મિકેનિક હતો. સારામાં સારો ડ્રાઈવર પણ હતો. અસલમની આંખ બાજ પક્ષી જેવી હતી. ફઝલુને ત્યાંથી એણે ઉઠાવ્યો હતો. ઇમરાન પણ પહેલાં બાઉન્સર હતો. વફાદારી એના લોહીમાં હતી. આવા માણસોની બરાબર પરીક્ષા કરીને પછી જ એ ભરતી કરતો. અસલમ છુટ્ટા હાથે પૈસા વેરતો. પોતાના માણસોને એ ખાસ સાચવતો

પોલીસના આલા અધિકારીઓને પણ અસલમ ખાસ સાચવતો અને પાર્ટીઓ આપતો. વાક્ચાતુર્ય તો અસલમના લોહીમાં હતું. છેક ગાંધીનગર સુધી એનું સેટિંગ હતું.

ભાઇજાનનો હુકમ હતો એટલે ફઝલુએ થોડીવાર શાંતિથી બેસી આખો પ્લાન મગજમાં વિચાર્યો. એણે રાકેશ વાઘેલાને ફોન જોડ્યો.

" રાકેશ કા નંબર હૈ યે ? "

" જી ભાઈ.. અસ્સલામ માલેકુમ. મેં રાકેશ હી બોલ રહા હું. "

" ઠીક હૈ. મેરી બાત સુન. તુને મુજે કલ મેસેજ કિયા હૈ કી વો સુબહ ૬ બજે જોગિંગ કે લિયે ગાર્ડનમેં જાતા હૈ. તો યહી સબસે અચ્છા મૌકા હૈ. મૈં સોચતા હું કલ સુબહ મેં હી ઉસકા કામ તમામ કર દુ." ફઝલુ બોલ્યો.

" યે તો બહોત અચ્છા પ્લાન હૈ ભાઈ " રાકેશ એકદમ ખુશ થઈને બોલ્યો.

" મૈં આજ રાતકો ગ્યારા બજે નિકલતા હું. કરીબન બારા બજે તક પહોંચ જાઉંગા. એસ્સારકા જો પેટ્રોલ પંપ હૈ વહાં પહોંચ કે મૈ ફોન કરુંગા. તુમ બારા બજે તક વહાં આ જાના. ફિર ઉસકા ઘર મુજે દેખા દેના. એક બઢિયા બોટલ ભી સાથમેં રખના" ફઝલુ બોલ્યો.

" મૈં રેડી રહુંગા ભાઈ. ખુદા હાફિઝ. " રાકેશ બોલ્યો પણ ત્યાં સુધીમાં ફોન કટ થઈ ગયો હતો.

ફઝલુએ રાત્રે બાર વાગ્યા આસપાસ જામનગરથી લગભગ દશેક કિલોમીટર પહેલા ધુંવાવ પાસે એક સુમસામ જગ્યાએ ગાડીને સાઈડમાં પાર્ક કરી દીધી. બોટલ કાઢીને થોડી વ્હીસ્કી પી લીધી. પછી એણે રાકેશને ફોન લગાવ્યો.

" અરે રાકેશ સુન. મેરી ગાડી કો પંકચર હો ગયા લગતા હૈ. જામનગર સે કરીબન દસ કિલોમીટર દૂર ધુંવાવ કે આસપાસ હું. તું અપની ગાડી લે કે ફટાફટ આજા. હમ સાથ મિલકે ટાયર બદલ દેતે હૈ. " ફઝલુ બોલ્યો.

" જી ભાઈ બસ પંદરા મિનિટમેં પહોંચતા હું. " રાકેશ બોલ્યો અને એણે ગાડી ભગાવી.

ધુંવાવ પાસે એણે સાઈડમાં પાર્ક કરેલી ગાડી જોઈ અને ફઝલુને પણ ઊભેલો જોયો. એણે પોતાની ગાડીને સાઈડમાં ઉભી રાખી.

ફઝલુ એની જ રાહ જોઈને ગાડીની બહાર ઉભો રહ્યો હતો. જેવી એણે ગાડી ઉભી રાખી કે તરત જ એ ચિત્તાની જેમ દોડયો અને રોડ ક્રોસ કરી રાકેશની ગાડી પાસે પહોંચી ગયો. રાકેશ હજુ દરવાજો ખોલીને બહાર નીકળવા જાય એ પહેલાં તો ફઝલુ એ બે ગોળી એની છાતીમાં પધરાવી દીધી.

બરાબર એ જ વખતે એક ગાડી જામનગર તરફ સડસડાટ પસાર થઈ ગઈ. એના ડ્રાઇવરે બે ગાડીઓ સામસામે ઉભેલી જોઈ અને દૂરથી ફઝલુને પણ જોયો. પણ એને એમ લાગ્યું કે બે ડ્રાઇવરો એકબીજા સાથે વાત કરી રહ્યા છે.

ફઝલુ શાંતિથી રોડ ક્રોસ કરી પોતાની ગાડીમાં આવી ગયો અને ગાડી જામનગર તરફ દોડાવી. આગળથી યુ ટર્ન લઈને એ ફરી પાછો રાજકોટ તરફ ફુલ સ્પીડે ગાડીને હંકારી ગયો.

રસ્તામાંથી એણે ભાઈજાનને મેસેજ કરી દીધો. "ભાઈજાન કામ હો ગયા હૈ"
*****************************
કેતનની ટિફિન સેવા બંને હોસ્પિટલમાં ખૂબ જ લોકપ્રિય બની ગઈ હતી. ૧૦૦ ટિફિન બોક્સ થી ચાલુ કરેલી સેવા ૨૦૦ સુધી પહોંચી ગઈ હતી. ભાવનાબેનને હવે બે ના બદલે ત્રણ બહેનો મદદમાં બોલાવવી પડી હતી. સવારે સાત વાગ્યાથી જ લોટ બાંધવાનું ચાલુ થઈ જતું હતું. અને છેક બપોર સુધી થેપલાં બનાવવાનું કામ ચાલતું.

કેતનને ટિફિન સેવા જોવાનું મન થયું એટલે એ બીજા દિવસે બપોરે ૧૨ વાગ્યે સરકારી હોસ્પિટલ પહોંચી ગયો.

જયેશભાઈની વાન લઈને પ્રશાંત આવી ગયેલો હતો. સાથે કોઈ બીજો છોકરો પણ હતો. વાન ઉપર કપડાનું 'મફત ટિફિન સેવા' લખેલું બોર્ડ લટકાવેલું હતું.

ટિફિન લેવા માટે ઘણા બધા લોકો લાઈનમાં ઊભા હતા. ખાલી થયેલાં ડિસ્પોઝેબલ બોક્સ નાખી દેવા માટે પ્લાસ્ટિકના એક મોટા પીપની પણ વ્યવસ્થા કરી દીધી હતી. જેથી ખાલી બોક્સ લોકો ગમે ત્યાં ના નાખે. સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવાનું હતું. પાણીની વ્યવસ્થા હોસ્પિટલમાં હતી એટલે એની કોઈ ચિંતા ન હતી.

કેતનને સંતોષ થયો. એ હોસ્પિટલમાંથી બહાર નીકળી ગયો. રસ્તામાં કેતનને એક વિચાર આવ્યો. એણે ગાડીમાંથી જ વેદિકાને ફોન કર્યો.

" વેદિકા તું ક્યાં છે અત્યારે ? " કેતને પૂછ્યું.

" સર હું આયુર્વેદ કોલેજના કમ્પાઉન્ડમાં જ છું અત્યારે તો. આજે મારા ક્લાસ હતા. " વેદિકા બોલી.

" તુ અત્યારે મને મળી શકે ? "

" હા સર... પૂછવાનું થોડું હોય ? બધું કામ પડતું મૂકીને મળવા આવું. " વેદિકા બોલી.

" બની શકે તો જયદેવને પણ સાથે રાખ. ક્યાં મળીશું ? "

" સર કોલેજમાં જ કેન્ટીન છે અને જયદેવ પણ અહીંયા જ છે. આઈ મીન મારી સાથે નથી પણ કોલેજમાં જ છે. હું એને ફોન કરી દઉં છું. " વેદિકા બોલી.

"હું સરકારી હોસ્પિટલમાંથી હમણાં જ બહાર નીકળ્યો એટલે તમારી આસપાસ જ છું. દસ જ મિનિટમાં આવું છું. " કેતન બોલ્યો. એણે ગાડી આયુર્વેદ કોલેજ તરફ લઈ લીધી. ત્યાં પહોંચીને એણે કેન્ટીન શોધી કાઢી.

કેન્ટીનની બહાર જ જયદેવ અને વેદિકા એની રાહ જોઈ રહ્યાં હતાં.

" આવો સાહેબ આપણે અંદર બેસીએ" કહીને વેદિકા કેન્ટીનમાં એક બાજુ કોર્નર તરફ આગળ વધી જેથી શાંતિથી વાત થઈ શકે.

ત્રણેય જણા કોર્નરના ટેબલ ઉપર બેઠા.

" હવે બોલો સાહેબ તમારી શું સેવા કરી શકું ? " વેદિકા બોલી.

" હા..હું હવે મૂળ વાત ઉપર જ આવું છું. પપ્પાએ તને વાત કરી જ હશે કે વિકાસ ગૃહ રોડ ઉપર મેં હોસ્પિટલ ખરીદી લીધી છે અને અત્યારે રિનોવેશનનું કામ ચાલે છે કોર્પોરેટ ટાઈપની હોસ્પિટલ બનાવી રહ્યો છું. ત્રણેક મહિનામાં તે ફરી ધમધમતી થઇ જશે. " કેતન બોલ્યો.

" હા સાહેબ પપ્પાએ હજુ મને ગઈકાલે રાત્રે જ વાત કરી. ખૂબ ખૂબ અભિનંદન. " વેદિકા બોલી.

" થેન્ક્સ. હવે મારી વાત સાંભળો. આ એક મેડિકલ હોસ્પિટલ છે. અને તમે બંને તો જાણો જ છો કે જામનગર આયુર્વેદનું હબ છે. આયુર્વેદ તરફ મને પહેલેથી જ લગાવ છે. મારી હોસ્પિટલની સારવારની સાથે સાથે જેમને જરૂર છે તેમને આયુર્વેદ સારવાર પણ મળે એવી મારી ઈચ્છા છે. ઘણા દર્દીઓ આયુર્વેદ સારવારનો વધુ આગ્રહ રાખતા હોય છે. મારી નવી હોસ્પિટલ નાની પડે છે અને એમાં આયુર્વેદ વિભાગ નો સમાવેશ થાય તેમ નથી. " કેતને બોલવાનું ચાલુ રાખ્યું.

" તમે બંને જણાં હવે માસ્ટર કરીને બહાર આવશો. જો તમે લોકો આ જવાબદારી લેવા માગતાં હો તો એક નાનકડું આયુર્વેદ ચિકિત્સાલય ઊભું કરવાની પણ મારી ઈચ્છા છે. તમામ પ્રકારની આયુર્વેદ સારવાર મળે એવું હું ઇચ્છુ છું. સારામાં સારી દવાઓ મળે. પંચકર્મ પણ થાય અને જેમને જરૂર છે તેમને થોડા દિવસ માટે હોસ્પિટલમાં એડમિટ પણ કરી શકાય. આયુર્વેદના નિષ્ણાત વૈદ્યો ઓપીડીમાં પોતાની સેવા આપે. તમામ દવાઓ અને તમામ સારવાર સંપૂર્ણપણે ફ્રી રહેશે. " કેતને પોતાના વિચારો દર્શાવ્યા.

" કેતનભાઇ તમારો મને બહુ પરિચય તો નથી છતાં એટલું ચોક્કસ કહું કે તમારા જેવા વ્યક્તિઓ આ દુનિયામાં બહુ જ ઓછા હોય છે. તમે સેવાના ભેખધારી છો. આટલા ઉચ્ચ અને આદર્શ વિચારો તમારા છે એ જાણીને આનંદ થયો. તમે અમને આ તક આપી રહ્યા છો એનો અમને ગર્વ છે. નાનપણથી મારામાં પણ સેવાના જ વિચારો છે. તમારા થકી મારું સપનું પણ પૂરું થશે. " જયદેવ બોલ્યો.

" હું જયેશભાઇ ને કહી દઉં છું કે કે કોઈ સારું લોકેશન શોધી કાઢે અથવા કોઈ નવું તૈયાર થતું કોમ્પલેક્સ ખરીદી લે. એમાં હોસ્પિટલ લાયક જોઈતા ફેરફારો આપણે કરી શકીશું. " કેતન બોલ્યો.

" મારા ધ્યાનમાં આવી એક જગ્યા છે સાહેબ. એરપોર્ટ રોડ ઉપર એક નવું કોમ્પલેક્ષ બની રહ્યું છે. હજુ તો પાયાનું ચણતર ચાલે છે. આખો ગ્રાઉન્ડ ફ્લોર આપણે ખરીદી લઇએ. ૪ માળનું મોટું કોમ્પ્લેક્સ બની રહ્યું છે. " જયદેવ બોલ્યો.

" હા તો તમે બિલ્ડરને મળી લો. બધું સમજી લો. ભલેને હોસ્પિટલ બનતાં છ-બાર મહિના લાગી જાય. જરૂર પડે તો જયેશભાઈને વાટાઘાટો માટે બોલાવી લેજો. " કેતન બોલ્યો.

" જી કેતનભાઇ. બધો રિપોર્ટ હું તમને આપું છું બે દિવસમાં. અમારા માટે આટલું બધું વિચારવા બદલ ખુબ ખુબ આભાર સાહેબ " જયદેવ કેતનની વાતો થી ખૂબ જ અભિભૂત થઈ ગયો હતો.

" હવે તમે શું લેશો સાહેબ ? અમારી કેન્ટીનમાં બધા જ ગરમ નાસ્તા મળે છે. " વેદિકા બોલી.

" ના વેદિકા થેન્ક્સ. દક્ષામાસી ની થાળી મારી રાહ જોઈ રહી છે. હું હવે નીકળું છું. મારી ટિફિન સેવા કેવી ચાલી રહી છે એ જોવા આવ્યો હતો. " કેતન બોલ્યો.

" ટિફિન સેવા ? " વેદિકા આશ્ચર્યથી બોલી.

"અહીંની આયુર્વેદિક હોસ્પિટલમાં અને સરકારી મેડિકલ હોસ્પિટલમાં ટિફીન સેવા ચાલુ કરી છે. હોસ્પિટલમાં દાખલ થયેલાં દર્દીઓના સગાવ્હાલાને બપોરે ૧૨ વાગ્યે થેપલાં બટેટાની સુકીભાજી અને દહીં આપણે ફ્રી આપીએ છીએ. " કેતન બોલ્યો.

" હા... હા... થોડા દિવસથી રોજ બપોરે એક વાન આવે છે અને મફત ટિફિન બોક્સ વિતરણ કરે છે. એ સેવા તમે ચાલુ કરી છે ? " વેદિકા બોલી.

" હા વેદિકા. જો કે પેલી સરકારી મેડિકલ હોસ્પિટલમાં સૌથી વધારે ટિફિન જાય છે. આયુર્વેદ હોસ્પિટલમાં પેશન્ટોનાં સગાં વ્હાલાં બહુ ઓછાં હોય છે." કેતન બોલ્યો.

" હા ત્યાં દાખલ થયેલા દર્દીઓ વધારે હોય છે અને ઓપરેશન ના કેસ પણ ઘણાં હોય છે. " જયદેવ બોલ્યો.

" તમે તો જામનગરમાં આવીને બહુ ઝડપથી દોડી રહ્યા છો સાહેબ. " વેદિકા બોલી.

" ઈશ્વરની ઈચ્છાથી જ આ બધું થાય છે. ઈશ્વરે મને નિમિત્ત બનાવ્યો એનો મને આનંદ છે. જયદેવે હમણાં કહ્યું એ પ્રમાણે હું સેવાનો ભેખધારી છું. " કેતન બોલ્યો અને ઉભો થયો.

ત્રણેય જણાં સાથે જ બહાર નીકળ્યાં. બહારથી છૂટા પડીને કેતન ઘરે ગયો કારણ કે જમવાનો સમય થઈ ગયો હતો અને દક્ષાબેન એની રાહ જોતાં હતાં.

કેતને આખું જામનગર જોઈ લીધું હતું. તમામ રસ્તાથી પરિચિત હતો એટલે ઘણીવાર એ પોતે જ ડ્રાઇવિંગ કરી લેતો.

ઘરે આવીને એણે જમી લીધું. જમ્યા પછી એણે જયેશભાઇ ને ફોન કર્યો.

" જયેશભાઈ એક આયુર્વેદ ચિકિત્સાલય બનાવવાનું પણ વિચાર્યું છે અને એના માટે જયદેવ સોલંકી સાથે મારે વાતચીત થઈ છે. એના ધ્યાનમાં એક જગ્યા છે. એક નવું જ કોમ્પલેક્ષ એરપોર્ટ રોડ ઉપર બની રહ્યું છે. "

" તમને જયદેવનો નંબર આપું છું. તમે એની સાથે વાત કરીને એ કોમ્પલેક્ષ પણ જોઈ લો. બિલ્ડર સાથે પણ વાત કરી લો. આખો ગ્રાઉન્ડ ફ્લોર જો આપણને મળી જાય તો એક નાની આયુર્વેદ હોસ્પિટલ જેવું બની જાય. ટોટલ કેટલી જગ્યા આપણને મળે એમ છે એનો રિપોર્ટ મને આપી દેજો. " કેતન બોલ્યો અને એણે જયદેવનો નંબર જયેશ ઝવેરી ને લખાવી દીધો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)





Share

NEW REALESED