Prayshchit - 50 books and stories free download online pdf in Gujarati

પ્રાયશ્ચિત - 50

પ્રાયશ્ચિત પ્રકરણ 50

બે દિવસ પછી જયેશ ઝવેરીનો ફોન કેતન ઉપર આવી ગયો.

"સાહેબ જગ્યા તો સુપર છે. લોકેશન પણ એકદમ રોડ ઉપર છે. ટોટલ ૬૦૦૦ વારનો પ્લોટ છે. એમાં ૪૮૦૦ ચોરસ વારમાં બાંધકામ થશે. બાકીનો ભાગ પાર્કિંગ માટે ખુલ્લો રહેશે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ૧૫૦૦૦ ચોરસ ફૂટમાં ઓફિસો થશે. બાકીની જગ્યા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ખુલ્લી રહેશે." જયેશ બોલ્યો.

"આપણને ૧૫૦૦૦ ચોરસ ફુટ જગ્યા મળી જશે. અને આપણે જે ડિઝાઇન આપીશું એ પ્રમાણે બાંધકામ કરી આપશે. જો આખો ફ્લોર લેવો હોય તો બિલ્ડર ૪ કરોડ માગે છે. ભાણજીભાઈ ની સ્કીમ છે. બેઠે ઉઠે સાડા ત્રણ થી પોણા ચાર કરોડમાં સોદો થઈ શકે. "

" તમે આગળ વધો. થોડું આઘુ પાછુ કરીને ડીલ ફાઇનલ કરી દો. એમને કહેજો ટોપ પ્રાઓરિટી ઉપર આખો ગ્રાઉન્ડ ફ્લોર સૌથી પહેલાં તૈયાર કરી દે. કારણ કે આ લોકો એક સાથે જ ચાર માળનું કામ ઉપાડતા હોય છે." કેતને કહ્યું.

" હા સાહેબ એ બધી જ વાત મેં એમની સાથે કરી દીધી છે. તો પણ તેમના કહેવા પ્રમાણે છ થી સાત મહિના તો લાગશે જ બી.યુ પરમિશન પણ લેવી પડશે. ફાયર સેફટી પણ હવે ફરજિયાત છે. " જયેશ બોલ્યો.

" ઠીક છે. છ-સાત મહિનામાં કંઇ ખાટું-મોળું થતું નથી તમે આગળ વધો. આપણું પહેલું ફોકસ હોસ્પિટલની સેવાઓ છે. બીજાં બધાં કાર્યો સાથે ને સાથે થતાં રહેશે. ગરીબ દર્દીઓની સેવા જેવું પુણ્ય બીજું એક પણ નથી. " કેતન બોલ્યો.

એકાદ કલાક પછી જયદેવનો ફોન પણ આવી ગયો.

" કેતનભાઇ જયેશભાઇને મેં જગ્યા બતાવી દીધી છે અને એમને ગમી પણ છે. એમણે તો બિલ્ડર સાથે પણ વાત કરી લીધી છે. " જયદેવ બોલ્યો.

" હા કલાક પહેલાં જ જયેશભાઈ નો ફોન આવી ગયો મેં એમને જગ્યા ફાઇનલ કરી દેવાનું કહી જ દીધું છે. તમે પણ હવે એ દિશામાં આગળ વધો. કારણ કે આયુર્વેદ હોસ્પિટલમાં કયાં કયાં સાધનો કે ઉપકરણોની જરૂર પડે એની મને કંઈ ખબર નથી. તમે એનું લિસ્ટ બનાવી દેજો. એ હોસ્પિટલ તમારે જ ચલાવવાની છે. હજુ તો આપણી પાસે સાત-આઠ મહિનાનો ટાઈમ છે. " કેતન બોલ્યો.

બે દિવસ પછી જયેશ ઝવેરી કેતનને મળવા આવ્યો.

" શેઠ સપ્ટેમ્બર મહિનો ચાલે છે. ૨૫ નવેમ્બરથી લગ્નનાં મુહૂર્તો ચાલુ થાય છે. લગભગ બે સવા બે મહિનાનો સમય જ આપણી પાસે છે. કન્યાઓના સમૂહ લગ્ન માટે જાહેરાત આપવાનો સમય થઈ ગયો છે. કારણ કે હોલ બુક થવાના પણ ચાલુ થઈ ગયા છે. " જયેશ બોલ્યો.

" ડિસેમ્બરમાં તો મારા લગ્ન છે જયેશભાઈ. જાનકી સાથે જ હું લગ્ન કરી રહ્યો છું એ તો તમને ખબર છે જ. એટલે સમૂહ લગ્નનો પ્રોગ્રામ આપણે ૧૪ મી જાન્યુઆરી પછી જ રાખવો પડશે. " કેતન બોલ્યો.

" અરે શેઠ..આ તો તમે ખુશીના સમાચાર આપ્યા. મને ખરેખર આનંદ થયો. બસ પછી તમારે અહીંયા એકલા રહેવું નહીં પડે. " જયેશ ખુશ થઈને બોલ્યો.

" હા જયેશભાઈ. હવે તમે એક કામ કરો. ૧૫ ઓક્ટોબર પછીના કોઈપણ રવિવારે અહીંનાં તમામ વર્તમાનપત્રોમાં છેલ્લા પાને જાન્યુઆરીમાં થનારાં સમૂહ લગ્નની જાહેરાત મૂકી દો. ડિસેમ્બરની ૧૦ તારીખ આસપાસ એ જાહેરાતને ફરી રીપીટ કરજો. " કેતને કહ્યું.

" જાહેરાતમાં કરકસર ના કરશો. ૧૦ સેન્ટીમીટર × ૪ કોલમની જાહેરાત મૂકી દો. જાહેરાત એજન્સીવાળાને મળજો એટલે વ્યવસ્થિત જાહેરાત બનાવશે. " કેતન બોલ્યો.

" જી... શેઠ. "

"કોઇપણ નાતજાતના ભેદભાવ આપણે રાખવા નથી. હા અલગ અલગ જ્ઞાતિ માટે આપણે અલગ મંડપ ઉભા કરીશું એ જુદી વાત છે. એક કન્યાની સાથે વધુમાં વધુ ૨૫ મહેમાનોની સંખ્યા મર્યાદિત કરજો. કન્યાઓની સંખ્યા ગમે એટલી થાય આપણને ચિંતા નથી." કેતને કહ્યું.

" જી... શેઠ "

" હું કપિલભાઈ શાસ્ત્રી સાથે વાત કરીને ૧૪મી જાન્યુઆરી પછીનાં એક-બે મુહૂર્ત ફાઇનલ કરી દઉં છું. વધારે સંખ્યા થશે તો બે અલગ અલગ મુહૂર્તમાં સમૂહ લગ્ન ગોઠવીશું. તમે જાહેરાતમાં સ્પષ્ટ લખજો કે આ સમૂહ લગ્ન માટે કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવી નથી. જે પણ પરિવારોએ પોતાની કન્યા માટે સમૂહ લગ્નમાં ભાગ લેવો હોય તેમણે ૧૫ દિવસમાં નામ નોંધાવી દેવા. " કેતને જયેશને વિગતવાર સમજાવ્યું.

" જી...શેઠ. જાહેરાત બનાવીને હું તમને એ ડ્રાફ્ટ બતાવી જઈશ. હજુ તો આપણી પાસે ઘણો સમય છે. " જયેશ બોલ્યો.

" તમે આ કામ સારું યાદ કરાવ્યું. આ એક પ્રકારનું કન્યાદાન જ છે. " કેતન બોલ્યો.

" અને હવે તમે આપણા બંગલાનું કામ જરા ઝડપી કરવાનું કહો. બે મહિનામાં પજેશન આપી દે તો ફર્નિચરનું કામ પણ ફટાફટ આપણે ચાલુ કરી દઈએ. લગ્ન થઈ જાય પછી નવચંડી કરાવીને ત્યાં રહેવા જઈશું. " કેતન બોલ્યો.

" બે મહિનામાં સો ટકા મળી જશે શેઠ. કાલે જ હું ત્યાં ગયો હતો. " જયેશ બોલ્યો.

" તો તો સારું. અને તમારા ધ્યાનમાં ખરેખર કોઈ સારો ફર્નિચર બનાવવા વાળો મિસ્ત્રી હોય તો બંગલાનું કામ આપણે એમને સોંપી દઈએ. કારણ કે માવજીભાઈ એકસાથે બધે નહીં પહોંચી વળે. હોસ્પિટલમાં પણ ત્રણ માળનું ફર્નિચર બનાવવાનું છે. " કેતને કહ્યું.

" શેઠ જામનગરમાં ત્રણ ફર્નિચરવાળાનું કામ વખણાય છે. આ તો તમે પ્રતાપભાઈની વાત કરી એટલે પછી હું વચ્ચે કંઈ બોલ્યો નહીં. મકાનનું કામ આપણે ચોક્કસ રોયલ ફર્નિચરવાળા મારવાડી મિસ્ત્રીને સોંપી શકીએ. એનું કામ બહુ સારું છે." જયેશ બોલ્યો.

" ઠીક છે. તમે એક કામ કરો. આપણા હોસ્પિટલ વાળા જે આર્કિટેક કમ ઇન્ટિરિયર ડિઝાઇનર છે એમને જ બંગલાની ઇન્ટિરિયર ડિઝાઇન બનાવવાનું કહો. એ જે ડિઝાઇન બનાવી આપે એ પ્રમાણે ફર્નિચર બનાવવનું તમારા મિસ્ત્રીને કહો. " કેતન બોલ્યો.

" એ બહુ સારો આઈડિયા આપ્યો શેઠ. હું બે દિવસમાં જ એમને બતાવી દઉં છું." જયેશ બોલ્યો.

" શેઠ બીજું પણ એક સજેશન હતું. આપણી મફત ટિફિન સેવાનો બહુ જ પ્રચાર થઇ ગયો છે એટલે ઘણા લોકો એનો ગેરલાભ લે છે. હોસ્પિટલની આજુબાજુની જે ગરીબ વસ્તી છે એ લોકોને પણ મફત ટિફિનની ખબર પડી છે. કેટલીક ઝૂંપડપટ્ટીઓ વાળા પણ લાઈનમાં ઊભા રહેતા થઈ ગયા છે. એક જ ઘરમાંથી બે છોકરાને ઉભા રાખે છે. હવે તો ટિફિન લેવા પડાપડી થાય છે. "જયેશ બોલ્યો.

" હમ્... તમે શું વિચારો છો ? " કેતને પૂછ્યું.

" આપણે ટોકન તરીકે ૧૦ રૂપિયાનો ચાર્જ કરી શકીએ. એક ટિફિન આપણને ૩૫ રૂપિયામાં પડે છે. ભલે પછી તે રકમ આપણે ટ્રસ્ટમાં જ જમા કરાવી દઈએ. ૧૦ રૂપિયા નક્કી કરવાથી ખોટા માણસો આવતા બંધ થઈ જશે. કારણકે આવું ને આવું ચાલે તો ૫૦૦ ટિફિન પણ ઓછાં પડે. "

" તમે બહુ સરસ વાત કરી છે. હું બે દિવસ પહેલાં જ હોસ્પિટલમાં ચક્કર મારવા ગયો હતો ત્યારે બહુ લાંબી લાઈન જોઈ હતી અને તમે કહો છો એમ નાના છોકરાઓ પણ લાઇનમાં ઉભા હતા. એક બીજી સૂચના પણ આપી દો કે ટિફિન મોટા માણસોને જ આપવું. બહારથી આવેલા લઘરવઘર માણસોને ટિફિન આપવાની જરૂર નથી. જો કે દસ રૂપિયા રાખવાથી એવા માણસો બંધ થઈ જ જશે. " કેતને સંમતિ આપી દીધી.

" ચાલો હવે હું રજા લઉ. તમે શાસ્ત્રીજી સાથે વાત કરીને બે મુહૂર્ત નક્કી કરી દેજો એટલે પાર્ટી પ્લોટ બુક કરવાની ખબર પડે. જો કે સમૂહ લગ્નમાં કેટલી કન્યાઓ નામ નોંધાવે છે એના પર બધો આધાર છે. જો સંખ્યા વધી જશે તો મોટા મેદાનમાં જ આવા લગ્ન યોજી શકાશે. પાર્ટી પ્લોટ ઘણો નાનો પડે. " જયેશ બોલ્યો.

" હા હું સમજી શકું છું. શાસ્ત્રીજી સાથે મારે વાત થાય એટલે તરત જ તમને મુહૂર્તની તારીખો આપી દઈશ. તમે હાલ પૂરતા બે મોટા હોલ કે પાર્ટી પ્લોટ બુક કરાવી દેજો. પછી જોયું જશે. " કેતન બોલ્યો અને જયેશે રજા લીધી.

જયેશ ગયા પછી કેતને તરત જ શાસ્ત્રીજીને ફોન લગાવ્યો.

" શાસ્ત્રીજી હું કેતન બોલું. "

" જી બોલો કેતનભાઇ. શુ સેવા કરી શકું ? " કપિલભાઈ બોલ્યા.

" શાસ્ત્રીજી આપણે ૧૪ મી જાન્યુઆરી પછી કન્યાઓનાં સમૂહ લગ્નનું આયોજન કરેલું છે એના માટે એકાદ બે સારા મુહૂર્ત મને જોઈ આપો એટલે પાર્ટી પ્લોટ બુક કરતાં ફાવે. અને આ લગ્નો તમારે જ કરાવવાનાં છે. " કેતન બોલ્યો.

" સમૂહ લગ્નની વાત તમારી ખરેખર પ્રશંસનીય છે કેતનભાઇ. બહુ સુંદર રીતે એક જ મંડપમાં કન્યાઓનાં સમુહમાં લગ્ન કરાવી દઈશું. લગ્નની તારીખો તો મને મોઢે જ છે. જાન્યુઆરીમાં પાંચ મુહૂર્ત છે. ૧૮ ૨૨ ૨૪ ૨૬ અને ૩૦ તારીખો ઉત્તમ છે. તમને જે અનુકૂળ લાગે એ પ્રમાણે આગળ વધજો અને મને અગાઉથી જણાવી દેજો. "

" કન્યાઓની સંખ્યા પણ મને જણાવજો કારણકે મારે પણ દરેક વર-કન્યા સાથે એક એક આસિસ્ટન્ટ પંડિતની ગોઠવણ કરવી પડશે. "શાસ્ત્રીજી બોલ્યા.

" હા જરૂર હું તમને અપડેટ આપતો રહીશ. " કહીને કેતને ફોન કટ કર્યો.

કેતને તરત જ જયેશ ઝવેરીને ફોન કરીને તારીખો લખાવી દીધી.

જયેશ ઝવેરીનું કામ ચોક્કસ હતું. બીજા દિવસે જ આર્કિટેક્ટ કમ ઇન્ટિરિયર ડિઝાઇનર દોશીસાહેબનો એણે સંપર્ક કર્યો અને સાંજે ચાર વાગ્યે એરપોર્ટ રોડ ઉપર કેતનના બંગલે એમને લઈ ગયો.

દોશીસાહેબ કેતનનો બંગલો જોઈ ને ખુશ થઇ ગયા. ૨૫૦ ચોરસવાર ના પ્લોટમાં દરેક બંગલા બનેલા હતા. દરેક બંગલા બે માળના હતા. બંગલામાં અત્યારે પ્લમ્બિંગ કામ ચાલતું હતું. દરેક રૂમમાં ટાઇલ્સ લાગી ગઈ હતી. ઉપરના માળે ટાઇલ્સનું કામ ચાલતું હતું.

એમણે બંગલાની અંદર જઈને દરેક રૂમનું માપ લઈને પોતાની ડાયરીમાં નોંધી લીધું. કયું કયું ફર્નિચર બનાવવું અને ક્યાં ક્યાં ગોઠવવું એ બધું એમણે નોંધી લીધું. બંને બેડરૂમ પણ ઘણા વિશાળ હતા. એમાં વોર્ડરોબ બનાવવાની નોંધ પણ એમણે કરી લીધી. છતના ભાગે પ્લાસ્ટર ઓફ પેરિસ કરાવવાનું પણ તેમણે વિચારી લીધું. બંગલાને શોભે એવું કલર કામ પણ કરાવવાની એમણે નોંધ કરી. મોડ્યુલર કિચનની અત્યારે ફેશન હતી એટલે એ પણ માપ એમણે લઈ લીધું ડાઇનિંગ સ્પેસ પણ વિશાળ હતું. ડાઇનિંગ ટેબલ માટે પણ એમણે સાઈઝ વિચારી લીધી આઠ ખુરશીઓ મૂકી શકાય એટલી ટેબલની સાઈઝ જરૂરી હતી.

"જયેશભાઈ આમ તો મિસ્ત્રીઓ સાથે અમારું કાયમી સેટિંગ હોય છે પણ તમારા પોતાના મિસ્ત્રી છે એટલે મારી ઓફિસે એને લઇ આવજો અથવા મોકલજો. મારે એમને લઈને એક વાર અહીં જાતે આવું પડશે અને મારી ડિઝાઇન એમને સમજાવી પડશે જેથી એમને ફર્નિચર બનાવવાની ખબર પડે. " દોશીસાહેબ બોલ્યા.

જરૂર સાહેબ બે-ત્રણ દિવસમાં જ એ મારવાડી મિસ્ત્રીને તમારી ઓફિસમાં લઈ આવીશ.

એ જ રાત્રે કેતન ઉપર એની મમ્મી જયાબેનનો સુરતથી ફોન આવી ગયો.

" કેતન... વેવાઈએ લગનનું મૂરત જોવડાવી દીધું છે. તમારા બંનેના જન્માક્ષર પ્રમાણે બીજી ડિસેમ્બર લગન માટે ફાઇનલ કરી છે. હમણાં કલાક પહેલાં જ મુંબઈથી વેવાઈનો ફોન હતો."

" ઠીક છે મમ્મી... તમે લોકોએ જે પણ નક્કી કર્યું હોય તે. " કેતન બોલ્યો.

" હા... પણ મારે તને જણાવવું જોઈએ ને ? હવે બધી તૈયારીઓ કરવી પડશે. આમ તો છોકરાવાળા ને ખાસ કંઈ કરવાનું રહેતું જ નથી. એકાદ દિવસ જાનકીને અહીં બોલાવીને આપણા જ્વેલર્સ પાસેથી એને મનપસંદ જે પણ દાગીના તૈયાર લેવા હોય કે ઓર્ડર આપીને બનાવવા હોય એ પ્રમાણે કરાવી દઈશું. એ આવશે ત્યારે એનાં કપડાંની ખરીદી પણ કરી દઈશું. તારા ઉપર આજે જાનકીનો ફોન પણ કદાચ આવી જશે" મમ્મી બોલ્યાં.

" હજી તો તૈયારી માટે આપણી પાસે અઢી મહિનાનો સમય છે મમ્મી. મુહુર્ત જોવરાવી દીધું એ સારું કર્યું જેથી એ લોકો હોલ બુક કરાવી શકે. બાકી બીજી કોઈ ચિંતા નથી. " કેતન બોલ્યો.

"હોસ્પિટલનું કામ થોડું ખેંચાઈ રહ્યું છે. મારી ગણતરી હતી કે ત્રણ મહિનામાં હોસ્પિટલ રિનોવેટ થઈ જશે અને દશેરાના દિવસે આપણે ઉદ્ઘાટન કરી શકીશું પરંતુ દિવાળી આવી જશે એવું લાગે છે. કારણ કે ત્રણે માળ ફર્નિચરનું કામ પણ લગભગ એક મહિનો ચાલશે.".

" એની બહુ ચિંતા નહીં કરવાની બેટા. પેલી કહેવત છે ને કે ઘર ઉકેલી જુઓ અને માંડવો માંડી જુઓ. જૂનું ઘર ખોલીને નવું બનાવવામાં અને લગન પ્રસંગ ઉકેલવામાં સમયનો પણ કોઈ અંદાજ ના હોય અને પૈસાનો પણ. " જયાબેને જૂની કહેવતનો દાખલો આપ્યો.

મમ્મી સાથે વાતો ચાલતી હતી ત્યાં જ કેતનના મોબાઈલ ઉપર જાનકીનો ઇનકમિંગ કોલ પૉપ અપ થતો દેખાયો.

"મમ્મી જાનકીનો ફોન આવતો લાગે છે. પછી વાત કરીએ. " કેતન બોલ્યો.

" હા.. આજે એ તારી સાથે વાત કરવા અધીરી થઈ હશે. એના માટે તો આજે હરખનો દિવસ છે. ચાલ મુકું. " કહીને જયાબેનને ફોન કટ કર્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)