Nehdo - 3 books and stories free download online pdf in Gujarati

નેહડો (The heart of Gir) - 3

ગેલો અથરો થઈ આવ્યો. ડાંગ થાંભલીનાં ટેકે મૂકી. કાયમી ખભે રાખતો તે ભૂરા કલરની લૂંગી. જે તડકામાં માથે બાંધવામાં કામ આવતી,ઘડીક ઝાડને છાંયડે આરામ કરવો હોય તો પાથરવા માટે, બેઠા હોય ત્યારે ભેટ મારીને આરામખુરશી કરવા માટે, ને પરસેવો પૂછવો હોય ત્યારે રૂમાલ તરીકે કામમાં આવતી.તેનાં વડે પરસેવો અને ધૂળ મળી મોઢાં પર ચોંટી ગયેલ કાળાશ લૂછી,જોડા કાઢી મહેમાન સામે આંખો ખોડી ઓસરી ચડ્યો.

બે મહેમાન ખાટલે બેઠાં હતાં. બંનેનું મોઢું જોઈ કંઈક અજુગતું બન્યાનો અણસાર ગેલા ને આવી ગયો. તેનાં બત્થડ શરીરમાં નબળાઈની એક ઝણઝણાટી પસાર થઈ ગઈ.ગેલાએ પોતાની જાતને સંભાળી લીધી, આવેલ મહેમાનને રામ...રામ...મળ્યો.આવનાર આશલીનાં કાકાજીનાં છોકરાઓ હતાં. તેણે ગેલા ને ટૂંકમાં જણાવ્યું,
" તમે જલ્દી તૈયાર થઈ જાવ, આશલીભાભી પ્રાઈમસ ફાટવાથી દાઝી ગયા છે. તેને દવાખાને દાખલ કર્યા છે. તમારે હાલ જ અમારી સાથે આજાવડ આવવું જોહે.".

તે દિવસે પછી જે ઘટના બની એ ગેલાની આંખ આગળ ફિલ્મની પટ્ટીની જેમ પસાર થવા લાગી.ગેલો કનાનાં માથે હાથ ફેરવતો ગયો ને એ ગોઝારા દિવસેને યાદ કરતો ગયો. તે દિવસે ગેલાએ આશલીનાં વરને નો કહેવાના વેણ કીધા પણ હવે શું થાય? આશલીની જિંદગી રાખ થઈ, ધુવાડો થઈ ઊડી ગઈ હતી.ત્યારે ને ત્યારે ગેલો તેનાં ભાણેજ કનાને લઈ ગીરની ગોદમાં હાલ્યો આવ્યો.

કનાનાં કૂણાં કાળજામાં લાગેલો આ ઘા કેમે કરી રૂજાતો નથી. ગેલો તેની પત્ની રાજી,કનાનાં નાના રામુ ડોહા,ને નાની જીણીમા કનાને તેની મા નો વિયોગ ભૂલવવા ખૂબ લાડ લડાવે છે. પણ પેલી કહેવત છે ને,
" ઘોડે ચડતો બાપ મરજો, પણ દરણા દળતી મા ન મરજો."
કનાનું ઉદાસ મોંઢું જોઈ આખો પરિવાર અડધો અડધો થઈ જાય છે.પરંતુ કુદરત જ રૂઠી ત્યાં ફરિયાદ કોને કરવી?અરેરે...આ આશલીને આ ભોળિયા કનાની પણ દયા નહિ આવી હોય. એમ વિચારી રામુ ડોહા નિ:હાકો નાંખતા.કનો આખો દિવસ સૂનમૂન બેઠો રહે. થાકે ત્યારે નેહડાનાં આંગણામાં આંટા મારે. ઘડીક ભેંસોના વાડામાં જઈ નાના પાડરુંનાં ડેબે હાથ ફેરવે, ટાઈમે જમી લે,રાત્રે નાના ભેગો ખાટલામાં સૂતો સૂતો આભમાં ક્યાંક તારલાંમાં તેની મા સંતાણી હશે? એવી નજરે આકાશ તરફ તાક્યા કરતો. ને ગરમ આંસુડે ઓશીકું ભીંજાવી સૂઈ જતો.

આજે વહેલી સવારમાં જ કનાને આમ ઉદાસ વદને માતાજી આગળ બેઠેલો જોઈ, ગેલો ખૂબ દુખી થયો.આજે ગેલાએ માતાજી આગળ બે હાથ જોડી મનમાં ને મનમાં માતાજી આગળ માંગણી કરી,

" હે માવડી, મારા ભાણેજની જિંદગીમાં અંજવાળુ આલ્ય. મા તું ધાર્ય તે કરી હકે.દયા કર્ય મા"

ગેલાએ કનાનાં ઉદાસ મોઢાં પર પોતાનો હાથ મૂકી કહ્યું,
" કના,તારે મારી હંગાથે ભેહુંમાં આંઢવું હે? જંગલમાં તને હુંવાણ આવહે."

કનાનાં ઉદાસ ચહેરા પર જેમ ધરતીનાં અંધકારને ચીરતું સૂરજનું પહેલું કિરણ આવે તેમ ખુશીનું કિરણ દેખાયું.

" અલી, હાંભળે સો? ભાતમાં ભાણુભાનો એક રોટલો વધું નાખજે.આજ એને મારી હંગાથ માલમાં લેતો જાવ."

ભેસોનું ખાડું જંગલની કેડીએ હાલ્યું જાતુ હતું. કોઈ કોઈ ભેંસ કેડીનાં કાંઠે ઘાસ ચરતી પાછળ રહી જતી, ગેલો તેને હાંકલો દઈ હંકારે જતો હતો. રોજની આ કેડી પરથી થતી અવર જવરને લીધે માટીમાં ભેંસોના પોદળાને મુતર ભળી અલગ પ્રકારની વાસ આવતી હતી.સાંજ પડ્યે ગેલાના શરીર પર અને કપડામાં પણ આ વાસ આવવાં લાગતી.ભેંસોના ખાડા સાથે બે દેશી ગાયો પણ હતી.આ બધાંની પાછળ પાછળ કનો પણ ખભે નાનકડી લાકડી લઈ હાલ્યો આવતો હતો.

રસ્તામાં આવતાં વિવિધ ઝાડવાઓ,નાની મોટી ટેકરીઓ જોઈ કનાનાં ઉદાસ ચહેરાં પર આજે થોડી ખુશી દેખાઈ રહી હતી.ઘડીક પૂરતું તેનાં બાળમાનસ પરથી મા ને ખોયાનું દુઃખ ઓછું થયું હોય તેમ લાગતું હતું.વચ્ચે આવતાં હિરણ નદીના નાનકડાં ફાટા રૂપી ઝરણામાંથી ભેંસો પગ પલાળતી, તો કોઈ કોઈ પાણીનાં ઘૂંટડા ભરતી જતી હતી.તેની પાછળ પાછળ ઠંડા હીમ જેવાં પાણીમાં કનાને પગ પલાળતા ચાલવાની ખૂબ મજા આવી.

આ વોકળાનો ઊંચો કાંઠો ચડી ટેકરીના ઢોળાવ પર કનાને ગોઠણ પોગે એવડું ઘાસ હતું.રાતની ભૂખ્યું ભેંસો ચબડ... ચબડ..કરતી મોઢાં ભરીને ચરવા લાગી.ભેંસો ઢોળાવ ઉપર ફેલાઈ ગઈ. તેને બણબણતી માંખીઓને પૂછડું ઉલાળી ઉડાડતી હતી.તેની વચ્ચે બંને દેશી ગાય પણ ચરતી હતી.

દસ બાર બગલા જાણે ભેંસોની રાહે જ હોય તેમ આવી ગયાં, અને ચરતી ભેંસોની પાછળ પાછળ પોચા પગલે ચાલવા લાગ્યાં.જેવું જીવડું ઉડે ત્યાં ચપળતાથી જીવડું પકડી લેતાં.આ બધું જોવાની કનાને ખૂબ મજા આવી.ધીમે ધીમે કનો બગલાની પાછળ જતો હતો.તેવામાં એક કરમદિનાં ઢુવામાંથી ભૂરરર...અવાજ આવ્યો. કનો મામા...મામા...બૂમ પાડી ગેલાની ગોદમાં ભરાય ગયો....

( જાળામાંથી શું નીકળ્યું હશે? શું તે કોઈ હિંસક પ્રાણી હશે? શું તે કનાને કંઈ નુકશાન કરશે? એ બધું જાણવા માટે વાંચો " નેહડો (The heart of Gir)" નો હવે પછીનો ભાગ. વાંચી તમારાં અભિપ્રાય,રેટિંગ અને સ્ટાર આપવાં વિનંતી.)

લેખક: અશોકસિંહ એ. ટાંક
wts up no. 9428810621