Nehdo - 11 books and stories free download online pdf in Gujarati

નેહડો ( The heart of Gir ) - 11

થોડો આરામ કરી ગોવાળિયા ઉઠી ગયા. ધીમે ધીમે તે રામુ આપા અને કનો બેઠાં હતાં એ બાજુ આવવાં લાગ્યાં. હાકલા કરી અને ઢેફા મારી ભેંસોને પાણીમાંથી બહાર કાઢી. ભેંસો એક વાર પાણીમાં બેસી જાય પછી તેને બહાર કાઢવી ખૂબ અઘરી. ભેંસોને ચરવામાં રાગે પાડી ફરી બધા ટેકરી પર બેસી ગયા. હવે ભેંસો શાંત થઈ પૂછડા ફેરવતી ચરવા લાગી. રાધી તેનાં બાપુજી નના ભાઈની બાજુમાં બેઠી હતી.ગેલો ચા કરવામાં વ્યસ્ત હતો.તે ચૂલામાં ટિટીયા સંકોરતો જતો હતો. કનાને કપાળે સવારે કરેલો ચાંદલો હજી દેખાતો હતો.રામુ આપાને ચા પીધા પછી ચુંગી પીવી પડે. તેથી તેણે તેની તૈયારી ચાલુ કરી દીધી હતી. તેણે પેરણનાં ખિસ્સામાંથી કુકડા છાપ ચુંગીની તમાકુનું પડીકું કાઢી તેનાં પર ચઢાવેલ રબ્બરની રીંગ ને ઉપર નીચે કરતા હતા. પછી તે પડીકુ નીચે મૂકી એક સળી લઇ ચુંગીમાં જામી ગયેલી જૂની તમાકુ ઉખાડવામાં મગ્ન હતા.

નનોભાઈ પોતાનો ચા પીવાનો વાટકો થેલામાંથી કાઢતો બોલ્યો, " અલ્યા કાઠીયાવાડી, અમારી ગર્યની નીહાળ્યમાં તને ફાવ્યું? અને હા... મારગમાં હાવજ, દીપડો મળે તો ઝાડવે નો સડી જાતો!"
એમ કહી બધા હસવા લાગ્યા. એટલી વારમાં ચા તૈયાર થઇ ગઇ.બધાએ પોતપોતાનાં વાટકા ગોઠવી દીધાં.ગેલાએ બધાં વાટકામાં એક સરખી ચા ગાળી. ચા નો સબડકો લેતાં રામુ આપા કનાની ભેર્યે આવ્યાં,
" ભલા માણા, અમારો ભાણેજરો એમ કોય થી ડરે એવો નહિ. નેહડે રઈ દૂધનો ખોરાગ વધારે પસે જોજ્યો ઈય તે હાવજ્યું હામો થાહે." બધાએ ચા પીતા પીતા ડોકું હલાવી હાનો સૂર પૂર્યો.

રાધી હજુ કંઈ બોલતી ન હતી. બેઠી બેઠી તે બધાની વાતો સાંભળી રહી હતી. કનો ઘડી ઘડી તેની સામે જોયા કરતો હતો. નનોભાઇ બોલ્યો, "કના તારે નીહાળ્યનાં પાઠ મારી રાધીને શિખડાવવાના અને રાધી તને ગર્યનાં પાઠ શિખડાવશે. બરોબર ને?". કનાએ માથું હલાવી હા પાડી. રાધી થોડી શરમાઈને નનાભાઈની નજીક ખસી. બટકબોલી રાધી આજે પહેલીવાર શરમાઈ હોય તેવું બન્યું.
ચાનો કહૂંબો કરી બધા ગોવાળિયા અલગ-અલગ દિશામાં ભેંસોનું ધ્યાન રાખવા વહેંચાઈ ગયા. અહીં રામુઆપા, કનો ને રાધી જ રહ્યાં. રામુઆપાએ ચૂંગીમાં તમાકુ ભરી. મંગાળામાંથી દેવતો લીધો. તેને પકડી ચુંગીમાં ચાપ્યો. કનાએ રામુઆપાને હાથમાં દેવતા પકડતાં જોઈ પૂછ્યું,

" આપા તમે દાઝતા નહિ?"

" ના રે ના વાલા. અમારી હથેળીનાં સામડા ખોટા પડી ગયા. ઈ હથેળી પાહેથી કામ જ એટલાં લીધાં સે ને કે હવે એને ગરમ,ટાઢું કાય નો લાગે." એમ કહી રામુ આપા ચૂંગીનો કશ ખેચવા લાગ્યાં. ચુંગીની તમાકું ગોળ અને તમાકુનાં પાંદડા ભેળવીને બનાવવામાં આવે છે. ચુંગીનાં ધુમાડાની અલગ પ્રકારની સુગંધ આવે છે.
ટેકરીની પાછળથી આવતાં ખળખળ અવાજ તરફ કનાનું ધ્યાન ગયું તેણે રાધીનું મૌન તોડવા માટે સીધો તેને પ્રશ્ન કર્યો રાધી આ શેનો અવાજ આવે છે?" અચાનક પૂછાયેલા પ્રશ્નનો જવાબ દેતા રાધી થોડી થોથરાઈ ને બોલી,

" ન્યા કણે હિરણ નદી આડે સેકડેમ બાંધ્યો સે ઈ ની ઉપરથી પાણી પડે ઈનો અવાજ આવે સે."

કનો કહે,"હાલ્યને મને નિયા જોવા લઈ જાને?"

રાધી ઉભી થઈ આગળ ચાલવા લાગી. તેની પાછળ કેડીએ કનો ચાલવા લાગ્યો. બંને ટેકરી ઉતરી ગયાં. ચુંગી પીતાં રામુઆપાને ચિંતા થઈ.ટેકરીના ઉતરતા ઢાળ પર એક મોટો પથ્થર હતો. તેના પર તે બેસી ગયા હિરણ નદી ત્યાંથી ચોખ્ખી દેખાતી હતી. એટલે બંને છોકરાઓ એકલા ગયા ને રખેને જનાવર આવી ગયું હોય તો દોડીને જવા થાય તેમ વિચારી રામુ આપા ફરી ચુંગીનો કસ લેતાં ગોટે ગોટા કાઢવા લાગ્યાં.

કનો અને રાધી છેક ચેકડેમને કાંઠે આવી ગયા. ત્યાં કાંઠે ચેકડેમનાં ઊંચા ઓટલે બંને પગ લબડાવતા બેસી ગયા. રાધીની ચુંદડી પવનને કારણે ઊડી રહી હતી. રાધીએ ચુંદડી બરાબર સંકોરીને પકડી રાખી. બંને ચેક ડેમ પરથી ધસમસતા જતા હિરણના પાણીને તાકી રહ્યા હતા. ચેક ડેમ પરથી નીચે પછડાતા પાણીને લીધે કાંઠે ફીણ ચડેલા હતાં. પાણીનાં અફળાવાથી ઉડતી જણના બિંદુ બંને પર ઉડી રહ્યા હતા. ઉડતી પાણીની જણમાં સૂર્ય પ્રકાશનાં કિરણને લીધે મેઘ ધનુષ્યના રંગો રચાતા હતા. ચારે બાજુ ભીની ભીની મહેક આવી રહી હતી. નદી કાંઠાની ભેખડ ઘસવાથી તેની સાથે ઊભેલું દેશી બાવળનું ઝાડ પણ આડુ થઈ નદી પર જુકી ગયેલું હતું. તેની ડાળ પર કલકલિયો પાણી તરફ તાકીને બેઠો હતો. સૂર્યનાં તડકામાં તેનો લીલો ને કાંઠલો ચમકીલો વાદળી કલર એકદમ ચમકી રહ્યો હતો. અચાનક તેણે પાણીમાં ડાઇવ લગાવી. કનો રાડ પાડી ગયો,

"લે જો રાધી ઓલ્યુ પંખીડું પાણીમાં પડી ગ્યું. ને ડૂબી ગયું!" રાધી જોરથી હસી પડી ને કનાનાં ખંભે ટપલી મારી કહેવા લાગી, એટલામાં કલકલિયો તેની લાંબી ચાંચમાં માછલી પકડી તેની મૂળ જગ્યા પર આવી બેસી ગયો. ને માછલી આરોગવા લાગ્યો.

"અરે કાઠીયાવાડી તે કંઈ જોયું જ નહી લાગતું. ઈ ડૂબી નોતો ગ્યો. એણે માસલી પકડવા પાણીમાં ડાય મારી હતી."

"તે એને તરતા આવડતું હસે?"

" ના ઈ પાણીમાં ડૂબકી મારી માસલી પકડી તરત બાર આવી જાય. જો ને તું, ઇ કેવો પાછો આવી ગયો!"

એટલી વારમાં કલકલીયાએ ફરી ડાઇવ મારી માછલી પકડી ડાળે આવી ગયો. કનાને આ જોવાની ખૂબ મજા આવી. તેનું ધ્યાન કલકલિયા ઉપર જ હતું.રાધી તેને તાકી રહી હતી.

" તે હે કના તું ભણવા હું કામ જા છો? આપડે માલધારીને ભણીને હું કરવાનું? આપડે તો માલ સારવાનો હોય ઈમાં ભણવાની હું જરૂર? આ જો મારા બાપા ને તારા મામા ભણયા નથ તો ય બધુ હાલે જ સે ને!"

કનાએ હવે રાધી તરફ જોયું,"મારે તો ભણવાનું જ સે ભણી ગણીને મોટો સાબ થાવાનું સે. ઈમ મારા મામા કેતા'તા."

"તું મોટો સાબ બનીને આયા થી વયો જાશ?" રાધી એ ભોળા ભાવે કહ્યું.

" હા મારે કાયમ માલઢોર નથી સારવાના હું હાશકુલમાં આવી જાવ પસી બારય ભણવા વયો જાશ."

આ સાંભળી રાધીનો ચહેરો ઉતરી ગયો. તે કશું બોલી નહીં. બાજુમાં ઉગેલ ઘાસના તરણા તોડી નદીમાં નાખવા લાગી. અચાનક રાધીને કંઈક યાદ આવ્યું. તેનાં ઉતરી ગયેલા ચહેરા પર ઉજાસ દેખાયો. તેની આંખો ચમકી ઉઠી. આનંદમાં આવી તેણે કનાનો ખંભો ઝાલી લીધો.
ક્રમશઃ...
(રાધી કેમ અચાનક આનંદમાં આવી ગઈ હશે? તે જાણવા માટે વાંચો હવે પછીનો એપિસોડ)

લેખક: અશોકસિંહ એ ટાંક
wts up no.9428810621