Nehdo - 9 books and stories free download online pdf in Gujarati

નેહડો ( The heart of Gir ) - 9

ગેલાએ ઝડપથી જાગીને જોયું, તો સવાર પડી ગઈ હતી. કાયમ માટે ચાર વાગ્યે જાગતા રાજી ને ગેલો આજે રાતના ઉજાગરાને લીધે છ વાગ્યે જાગ્યા. રાજીએ બહાર જોયું તો રામુ આપા ને જીણીમા ભેંસો નીચેથી પોદળા ઢસડતા હતાં. રાજી પરણીને આવ્યા પછી આટલું મોડું જાગવાનું ક્યારેય નહીં બનેલું. અને એ પણ એકસાથે ઓરડામાંથી બહાર નીકળવું બંનેને ખુબ શરમ લાગી. ગેલો ધીમે રહી ઓરડાનું પતરાનું કમાડ ઉઘાડી બહાર નીકળ્યો,

"આપા મને જગાડ્યો નય? રાત્યે કનાને હુવરાવવામાં ને ઈની ચંત્યામાં હુવામાં મોડું થઈ જ્યું."આમ વાતો કરતો કરતો ગેલો ધીમે રહી કામમાં જોડાઈ ગયો.રાજી મોંઢું ધોઈ સીધી રસોડા ભેગી થઈ ગઈ.

કનો સવારે જાગીને હળવો દેખાતો હતો. કાલનો ડર એના મોઢા પર નહોતો દેખાતો. જાગતા વેંત તે તેના નાના રામુ આપા પાસે ભેસોનાં વાડામાં ગયો. ત્યાં તેની વાલી અને કપાળે સફેદ ટિલા વાળી પાડીને રમાડવા લાગ્યો. રામુ આપા અને જીણી મા એ ભેગા મળી આખી રાત કરેલા પોદળા ઉકરડે ફગાવી દીધા. વાસીદુ બોરીને વંડો સાફ કરી નાખ્યો. હવે દૂજણીયું ભેસુ ને વાડામાંથી ફળિયામાં દોવા માટે લઈ જવાની હતી. વાડાનું સિંડું ખોલી દૂજણીયું ભેંસોને બહાર લાવ્યા. આંગણામાં આવવા માટે દિવાલ નહોતી પરંતુ બે ફૂટ ઊંચાઈનાં બેલાખડાં લાકડા જમીનમાં ખોડેલા હતા. આ બેલાખડાની વચ્ચે ઝાડના થડ ફસાવી આડશ કરેલી હતી. પ્રવેશ માટે એક બેલાખડાની વચ્ચેથી લાકડું હટાવો એટલે જાપો ખૂલી જાય. તેમાંથી ભેંસ અંદર આવી શકે. ભેંસોને પાડરૂ ધાવી ન જાય અને ઓસરીમાં રાખેલ ખાણના કોથળા સુધી ભેંસો પહોંચી ન જાય એટલા માટે આવી આડશ ઊભી કરેલી હતી.

ભેંસોનો વાડો પણ ખૂબ મજબૂત રીતે બનાવેલો હતો. વાડાની અંદર આઠ ફૂટ ઊંચા લાકડા ખોડેલા હતા. ઉભા લાકડાની સાથે ત્રણ ત્રણ આડા લાકડા પણ બાંધેલા હતા. પછી બાવળનાં કાંટાની મોટી ડાળીઓ ખોડીને આડશ કરેલી હતી. તેની પાછળ બોરડીના ઝાળાનાં મોટા મોટા ગળાયા નાખી ખૂબ જાડી આડશ કરી હતી. આ બધા કાંટા ઉડી ન જાય એટલા માટે બહારની બાજુ લાકડા ખોડી તેની સાથે પાતળા લાકડાં આડા બાંધી આધાર આપેલો હતો.આમ બનાવેલી ઊંચી ને જાડી કાંટાની દિવાલ ટપીને કોઈ પણ જંગલી જનાવરને આવવું મુશ્કેલી ભર્યું હતું.લગભગ આવાં વાડામાં આવીને સિંહ શિકાર કરતાં નથી.ભેંસોને અંદર જવા માટે એક નાનકડું છીંડું હતું. જે લાકડાનાં મજબૂત જાપાથી બંધ કરેલું હતું.પરંતુ તો પણ સાવજો આવી જવાની બીક કાયમ રહેતી.

રામુ આપાએ બે ભેંસોને વાડામાંથી આંગણા નો જાપો ખોલી આવવા દીધી. ભેંસોને ખાણ આપવા માટે પ્લાસ્ટિકના થેલા બનાવેલા હતા. તેમાં ખાણ ભરેલું હોય. આ થેલા ભેંસોને મોઢે પહેરાવી થેલાનાં બંને નાકા એક એક શિંગડે ભરાવી દેવાનાં. થેલામાં રહેલું ખાણ ભેંસો ખાધા કરે. જેનાથી ખાણ નીચે ઢોળાતું નથી.આવી રીતે ખાણનો બગાડ થતો નથી. એક ભેંસ ગેલો દોહવા લાગ્યો. ને બીજી ભેસ રાજી દોહવા લાગી. આજે જાગવામાં મોડું થયું હોવાથી દોહવામાં ઉતાવળ રાખવી પડે તેમ હતી. નહીંતર ડેરીએથી દૂધનું વાહન જતું રહે, તો ડેરીવાળા દૂધ સ્વીકારતા નથી. આવું પડ્યું રહેલું દૂધ છાસ કરી ઘી બનાવવું પડે. અથવા તો માવો બનાવી વેચવો પડે.આમાં મહેનત ખૂબ વધી જાય છે. તેથી માલધારી ટાઈમે દૂધ પહોંચાડી દેતા હોય છે.

ડોલમાં દૂધની શેડ્યુંનો સર.. ઘમ.. સર...ઘમ... અવાજ આવી રહ્યો હતો. આંગણાની બહાર રોજના નિયમ મુજબ રામુ આપાએ ચણ નાખેલી છે. ત્યાં ત્રણ ચાર ઢેલ ચણ ચણી રહી છે. તેને રિઝવવા માટે મોરલાએ તેના બધા પીંછા પહોળા કરી કળા કરેલી છે. અને ઢેલની આગળ-પાછળ નાચી રહ્યો છે. થોડી થોડી વારે મોરલો તેની કળાને ધ્રુજાવી સર... સર...કરતો પીંછાનો અવાજ કરી રહયો છે. સાથે સાથે બે-ચાર ખિસકોલીઓ પણ પોતાના આગળના પગમાં દાણો લઈ બે પગે ઉંચી થઇ કટ....કટ કરતી દાણા ખાઈ રહી છે. ઘર ચકલીઓ પણ સવાર સવારમાં સવારમાં ચક ચક કરતી દાણા ચણી રહી છે. ઘડીકમાં ઊડીને માળામાં જાય તો ઘડીકમાં પાછી આવી ચણવા લાગે છે.

બધું કામ ઉતાવળે પતાવી. ડેરીએ દૂધ ભરી ગેલો આવી ગયો રાજીએ કનાને નવડાવી નવા કપડાં પહેરાવી તેલથી લસપસતા વાળે,ચોટાડેલું માથું ઓળવી.એક થેલીમાં સ્લેટ, કાકરો,ઘરે કોરી પડેલી એક નોટબુક અને પેન્સિલ આપી.કપાળે કંકુનો ચાલ્લો કરી.શ્રીફળ અને સાકરનો પડો આપી કનાને તૈયાર રાખ્યો હતો.ગેલાએ કનાને મોટરસાઇકલ પાછળ બેસાર્યો.બધાં તેને વળાવવા જાપા સુંધી આવ્યાં. રાજીએ કનાનાં તેલથી તરબોળ માથા પર હાથ ફેરવ્યો." મૂંઝાતો નહિ,કોઈ ભેળો બાજતો નહિ,તારા મામા તને બપોરે લઈ જાહે,એકલો હાલી નીકળતો નહિ." એવી ભલામણો કરી. કનાનાં મોઢાં પર નવી નિશાળમાં જતા વિદ્યાર્થી અનુભવે તેવો થોડો ડર અને થોડો ઉત્સાહ દેખાતો હતો. જતાં જતાં કનાએ તેનાં નાના રામુ આપાને કહ્યું, "આપા હું નિહાળેથી આવું એટલે મને મામા પાહે ભેહું માં મૂકી જાવાનો હો ને?"

રામુ આપાએ કહ્યું, " હા, વાલા હું તને ઠેઠ જંગલમાં આવીને મેકી જાશ. તુતારે હેઠો જીવ મૂકી નિરાતે નિહાળે જા."

બધા ગોવાળિયા બપોરા કરવાની તૈયારી કરતા હતા. ત્યાં સામે કેડી બાજુથી કોઈ આવતું રાધીએ જોયું. રાધી ઊભી થઈ જરાક આગળ ચાલી તો કેડીએ કનો ચાલ્યો આવતો હતો. રોજ ડરપોક લાગતો કનો આજે અલગ રૂપમાં દેખાતો હતો. ખભે લાકડી ટેકાવી અસલ ગોવાળની હાલ્યે હાલ્યો આવતો નવાં કપડામાં તે સોહામણો લાગતો હતો. રાધી તો કનાને જોતી જ રહી ગઈ.આજે આખો દિવસ રાધીનું મન જંગલમાં લાગતું ન હતું. તેણે ગેલા ને પૂછ્યું પણ ખરું, " કનો આજય કેમ નથ આયો?"

ગેલા એ કહ્યું, "કનાને આજ્યથી નિહાળે બેહારી દીધો."

રાધીને બહું ગમ્યું નહિ." હવે કનો જંગલમાં નય આવે?"

" રોજય નય આવે. કારેક આયસે."

રાધી મનમાં વિચારવા લાગી, "આને ભણતર સડ્યું લાગે. ભણીને હું કરવું હહે? સાનો માનો ડોબા સારી ખાય તોય હારું."

રાધીએ જોયું તો કનાની પાછળ તેનાં નાના રામુ આપા પણ હાથમાં ડાંગ લઈ આવી રહ્યાં હતાં.ઘડીક તે બંનેને તાકી રહી પછી રાધી અચાનક દોડીને ગોવાળિયા ભાત ખાવા બેસતાં હતાં ત્યાં જતી રહી.. ..

(રાધી કેમ કનાથી દૂર ભાગી હશે? જાણવા માટે વાંચો હવે પછીનો ભાગ...)

લેખક: અશોકસિંહ એ. ટાંક
wts up no. 9428810621