Nehdo - 4 books and stories free download online pdf in Gujarati

નેહડો (The heart of Gir) - 4

ગેલાએ કનાને ઊંચકી લીધો. કનાનાં ચહેરા પર ભય વ્યાપી ગયો હતો. ગેલો કનાને થપથપાવતો જોર જોરથી હસી પડ્યો.

"અલ્યા તમે કાઠીયાવાડી બહુ બીકણ હો ભાણાભાઈ. આમ હાવ પોસા રેસો તો ગર્ યમાં કેમ રેવાહે? હજ્યે તો તમારે આયા હાવજ્ ,દીપડા હામે ડાંગ ઉગામવી જૉહે! થોડા કઠણ થઈ જાવ."

કનાએ ભય અને વિસ્મય મિશ્રિત અવાજે પૂછ્યું, " મામા એ શું હતું? એ શેનો અવાજ આવ્યો હતો?"

" અરે ભલામાણા ઈ તો ઓલ્યું ભટાવરું હતું. ઈ તને ભાળીને એકદમ બીય ગ્યુ.એટલે જાળામાંથી ભૂરરર...કરતું ઉડ્યું. ઈ મારું હાળું ગમે ઈને ભડકાવી દે." એમ કહી ફરી ગેલો હસી પડ્યો.

અહી ભેંસો ચરાવવા ગેલા હિરણિયા નેસનાં પાંચ ગોવાળિયા અને ચાર પાંચ ડુંગરી નેસનાં ગોવાળિયા પણ આવતાં હતાં. આ બધાનાં માલ થઈને મોટું ધણ થઈ જતું હતું.ડુંગરી નેસનાં ગોવાળિયા સાથે કના જેવડાં બે ત્રણ ટાબરિયા હાથમાં લાકડી લઇ આવતા હતાં. તેમાં ડુંગરી નેસના નનાભાઈની પોયરી રાધી પણ હતી. રાધી લગભગ નવેક વર્ષની હશે. ચોલી,ચણિયો ને નાનકડી ચૂંદડી ઓઢેલી. બિન્દાસ તડનું ફડ બોલવાં વાળી.તેની ધારદાર આંખો ખોડી ને જ ગમે તેની સાથે વાત કરે.કોઈથી પણ ડરે નહિ તેવી.

એક તો ગીરની જબરી ભોં અને એમાંય અનરાધાર વરસાદના પાણી પીયને અડાબીડ ઘાસ ઊભું હોય.આ કહવાળું ઘાસ ચરીને ગાયું, ભેંસોનાં આવ દૂધથી ફાટી પડતાં.માલ બધો મોટા પટમાં ચરયા કરતો. ગોવાળિયા વાતો કરે,એકબીજાની મજાક કરે ને
" સોરઠ અમારી જગ જૂની,
ને ગઢ જુનો ગીરનાર.
ન્યાં હાવજડા સેંજળ પીવે,
એનાં નમણાં નરને નાર."

એવાં એક એકથી ચડિયાતા નરવ્યા ગળે દુહા લલકારે. પછી નવ વાગ્યા આજુબાજુ જ્યાં માલ ચરતો હોય ત્યાં ત્રણ પથ્થર મૂકી મંગાળો કરી,જંગલમાંથી ટિટીયા વીણી, એકાદ ગોવળનો નાનો માલ દોહી ચા નો કહુંબો થાય.બધાં ટેસડો કરે. બપોર ચડે એટલે ઘેઘૂર વડલા હેઠે આવી જાય. રોજ બપોરે મંગાળા ઉપર લાકડાં બાળી ડુંગળી બટેટા, કઢી,એકાદી ડાળ કે તિખારી આમાંથી એકાદું શાક બને. જે દિવસે શાક ન બને તે દિવસે લસણ ને મરચું કકડાવેલું હોય તેની સાથે બાજરાનો રોટલો ખાઈ લેવાનો. માથે માખણનો લોંદો હોય.ઘરેથી બધા બાજરાનાં રોટલા તો લાવેલા જ હોય. આજે કઢી બનાવી હતી. તાહળીમાં કઢી હતી ને તેમાં રોટલાનો ચોળો કરી નાખ્યો. ગોવાળિયાની પંગથ પડી ગઈ છે. ગોવાળિયા વાતો કરતા જાય અને હાથેથી કઢી અને રોટલો ચોળતાં જાય.આ રસાળ મિક્સરનાં સબડકા બોલાવ્યે જાય છે. કઢીવાળી બગડેલી મૂછોને હાથ વડે સાફ કરતાં જતાં હતાં. બધાં ગોવાળિયા બબ્બે રોટલા જાપટી ગયાં.કનાને આજે જંગલની હવા ખાઈને ખૂબ ભૂખ લાગી હતી.તે પણ કઢીમાં આખો રોટલો ચોળી ખાય ગયો.

ગોવાળિયા રાંધતા હોય ને ખાતા હોય ત્યારે ભેંસો રાબડામાં પડી હોય. બપોર સુધી ચરીને ભેંસો ધરાઈ જાય.પછી તેને થોડો ટાઈમ વાગોળવા જોઈએ.એટલે બપોરે ભેંસોને પાણી ભરેલી ખાડયમાં નાખે.ભેંસોને પાણી અતિપ્રિય. તેને પાણી ભરેલો ખાડો મળી જાય પછી તો પૂછવું જ શું! ભેંસો પર બેસી કાબરનું જુંડ તેનાં કાને અને ગળે ચોંટેલી જીવાત લાણુ, ઇતડિયું ઠોલ્યા કરે.ભેંસો એય...ને પાણીમાં પડી પડી આંખો ઢાળી વાગોળ્યા કરે. ગાયો પણ ભેંસોને મૂકીને દૂર ના જાય. તે ખાડાના કાંઠે કાંઠે ચર્યા કરે. ગોળીયા સવારે વહેલા ચાર વાગ્યે ઉઠેલા હોય. તે વહેલા ઉઠી ભેંસોનું ખાણ પલાળે, વાસિદુ કરે,ભેંસો દોવે ને દૂધનાં કેન મોટરસાઇકલ પાછળ બાંધી નજીકની ડેરીએ દૂધ ભરવા જાય. આટલું કામ પતાવે ત્યાં તો દિવસ ઉગવામાં હોય. ભેંસો ચરાવવા જવાનો સમય થઈ ગયો હોય.

આવી મહેનત કરીને થાકેલા ગોવાળિયા બપોરા કરી માથે બાંધેલ કામળી પાથરી હાથનું કે પાણાનું ઓશિકું કરી ઘટાટોપ વડલાની છાયામાં ઘડીક આડા પડખે થઈ લેતા. ઘડીકમાં ઊંઘી પણ જતા. ઘડીક વાર વામકુકચી કરી ઊભા થઈ જતા. હાંકલા કરી ભેંસોને રાબડામાંથી બહાર કાઢતાં.ફરી ભેંસો ઘાસમાં ચરવા પોળી જતી. બધા ભેગા થઈ ઊંચા ટીંબે બેસે, ચરતા માલ પર નજર રાખે.અલક મલકની વાતો કરે, દુહા લલકારે ને રોંઢો થતાં ફરી ચા નો કોટો ચડાવતાં. આવી રીતે ટેસડો કરતાં.

સંગાથ આવેલા ટાબરિયા આ બધાની ફરતે ફરતે રમ્યા કરતા.હવે આટલાં દિવસોમાં ગોવાળિયા બધાં કનાને ઓળખતાં હતાં. ટાબરિયા જાળાની ફરતે વિટળાયેલી સુડિયા વેલ પરથી સુડીયા ગોતી ખાતા હતા. કનો પણ તેની મોટી આંખો આમતેમ ફેરવી સુડિયા ગોતવા પ્રયત્ન કરતો હતો. સુડિયાનો આકાર તેનાં પાન જેવો અણી વાળો હોય.એટલે નવા-સવા ને તે જલ્દી નજર આવતાં નથી. બીજા બધા ટાબરિયા રોજ જંગલમાં ઘૂમતાં હોવાથી તેને સુડિયા મળી જતાં. કનાને એક પણ સુડિયું ના મળ્યું.

રાધીએ કનાને પૂછ્યું, " અય સોકરા તને હુડિયું જડ્યું?"

કનાએ ભોળું મોંઢું કરી ના પાડી.

રાધી એ પોતાના ખોબામાં રહેલા કુણા કુણા અડધાં સુડીયા કનાને આપી દીધા. તૂરા અને ગળચટ્ટાં સુડીયા ખાવાની કનાને ખૂબ મજા આવી.કનાને બીજા ટાબરિયાથી અજાણ્યું પડતું. રાધી સાથે પરિચય થતાં તે હવે તેની પાછળ પાછળ ચાલ્યાં કરતો.

ફરતાં ફરતાં બધાં ટાબરિયા, ગોવાળિયા જે ટિંબે બેઠા હતા, એનાથી થોડા દૂર નીકળી ગયા. ભેંસો નિરાતે ચરતી હતી. એટલામાં અચાનક ભેંસોએ ઊંચા ડોકા કર્યા, ડોળા તગતગાવ્યા, ઊંચા પૂછડા કરી ફૂફાડા મારવા લાગી. ભેંસોને હિંસક પશુઓની ગંધ આવી જતા આવો વર્તાવ કરે છે. વાતોએ વળગેલા ગોવાળિયા તરત સમજી ગયા કે આજુબાજુ ક્યાંય હિંસક પશુ હોવું જોઈએ તો જ ભેંસો આવું વર્તન કરે.

બધા ગોવાળિયા જનાવર.... જનાવરનાં પડકારા પાડવા લાગ્યા. અમુક ગોવાળિયા સીટીઓ મારવા લાગ્યા. કાયમી ટેવાઈ ગયેલા ટાબરિયા સમજી ગયા કે હાવજ કે દીપડો આવ્યો હશે. બધા ભેગા થઈ હાથમાં ડાંગ ઉગામી એક ટોળું થઈ ગોવાળિયા જ્યાં બેઠાં હતાં તે ટિંબા બાજું ચાલ્યાં.કનો આ બધાંથી દૂર ભાગી ગયો.

થોડી વારમાં હાકલા પડકારા ને દેકારા ને લીધે જનાવર ક્યાંક ઝાડીમાં ભાગી ગયું. ગોવાળિયાએ બાપો..બાપો..કરી રમણે ચડેલી ભેંસોને શાંત કરી.ભેંસો પાછી શાંત થઈ ચરવા લાગી. હવે નાના ટાબરિયાંની સંભાળ લીધી તો કનો તેમની ભેગો ન હતો.બધાને ઉપાધી થઈ.બધાં અલગ અલગ દિશામાં કના...કના...,ભાણિયા.. એ...ભાનીયાં નાં સાદ પાડતાં કનાને ગોતવા લાગ્યાં.પણ કનો ક્યાંય મળે નહિ.....

(કનો ક્યાં ગુમ થઈ ગયો હશે? જાણવાં માટે વાંચો આવતો એપિસોડ...)
ક્રમશઃ

લેખક: અશોકસિંહ એ. ટાંક
wts up no.9428810621