Nehdo - 8 books and stories free download online pdf in Gujarati

નેહડો ( The heart of Gir ) - 8

રાજી પાણીમાં ખેંચાવા લાગી. પહેલા તો ગેલાએ રાજીનાં હાથને હળવેથી ખેંચ્યો. પરંતુ પાણીમાં તેનાં કરતાં બમણા જોરથી રાજીને કોઇ ખેંચી રહ્યું હતું. હવે ગેલાએ પોતાની અસલી તાકાત લગાવી. રાજીના બંને હાથ કાંડાથી મજબૂત જાલી લીધા. પાણીમાં પડેલા એક મજબૂત પથ્થર સાથે પોતાના બંને પગ ટેકવી દીધા.
" હવે ભડ થઈ જા,બિતી નય. હમણે તારો સૂટકારો કરાવી દવ."
એમ કહી,"જય મા ખોડલ, જય દુવારિકાવાળા" બોલી

ગેલાએ રાજીને કાંઠા બાજુ આંચકો માર્યો. ગેલાનાં આ જોરૂકે આચકે રાજી કાંઠે આવી પડી.પણ આ શું? રાજીનાં જમણા પગનો પંજો, કાળા મેષ અને પૂરા પાંચ ફૂટ મગરે પોતાના મોઢામાં લઇ લીધો હતો. આ નદીમાં ઘણીવાર મગર જોવા મળે છે. પરંતુ ક્યારેય પશુઓને કે માણસોને નુકસાન કરતા નથી. ગોવાલણો અહી નદી કાંઠે બેઠી બેઠી મોટા પથ્થર પર કપડાં ધોતી હોય ને તેનાથી થોડે દૂર બે ત્રણ મગરો મોઢાં ફાડી તડકો શેકતી પડી હોય.પણ સૌ સૌનાં કામ કરે. પરંતુ આજે તેણે કોઈ જંગલી પશુનાં વહેમમાં રાજીને ઝાલી લીધી. આવી રીતે પાણી પીવા આવતા નાના હરણીયા, મોર કે ઢેલને ઘણીવાર મગર જાલી લેતાં. પાણી બહાર આવવાથી મગરનું બળ ભંગ થઈ ગયું. તો પણ તેણે રાજીનો પગ મૂક્યો નહીં. ગેલો રાજીને કાંઠા બાજુ ખેંચે અને મગર રાજીને પાણી બાજુ ખેંચે જતી હતી. વચ્ચે રાજી દર્દની મારી કણસતી હતી.

આ ખેંચતાણમાં ગેલાએ કાંઠે મોટા પથ્થરને ટેકે પડેલી ડાંગ આંબી લીધી. એક હાથે મજબૂતાઈથી રાજીનો હાથ પકડી રાખ્યો.ગેલાએ એક હાથે ડાંગ વીંઝી મગરનાં મોઢાં ઉપર ઉપરાછાપરી ચાર-પાંચ વળગાડી દીધી. મગર પણ એમ છોડે શેનો? તેણે પોતાના જડબા વધારે ભીસી દીધા. હવે ગેલા એ ડાંગ ઉંચી કરી,
" હે.. આઈ ખોડલ મને માફ કરજે તારા વાહનને નુકશાન કરું છું."
એટલું કહી મગરનાં નાજુક અંગ આંખ ઉપર ડાંગની કુંડલી જીકી દીધી. અચાનક આ હુમલાથી મગરની આંખ ઘાયલ થઈ ગઈ. દર્દને લીધે તેણે પકડેલો રાજીનો પગ છોડી દીધો. તે તરત પાણીમાં ગરકાવ થઈ ગયો. રાજીનો પગ લોહીલુહાણ થઈ ગયો. રાજી ફસડાઈ પડી. ગેલાએ પોતાના ખભે રહેલી ભીની શાલ બરાબર નીચોવીને રાજીના પગે બાંધી દીધી. ગેલો હાફળો ફાફ્ળો થઈ ગયો. રાજીને ઉચકી નેહડે લાવ્યો. ત્યાંથી દૂધનાં ટેમ્પોમાં નાખી સીધી સાસણ દવાખાને.

ઓરડામાં પડતા ફાનસનાં આછા ઉજાસમાં રાજીની આંખનાં ચમકતા ઝળઝળિયા જોઈ ગેલાએ એના માથે હાથ ફેરવતાં પૂછયું.
" હું હંભારણે સડી સો?"

આંસુ લૂછતાં રાજી પથારીમાં બેઠી થઈ. જરાક જીમી આઘી કરી પગનું કાંડુ બતાવ્યું. ફાનસનાં આછા ઉજાસમાં રાજીનો પગ પિત્તળનાં કટકા સમો દીપી રહ્યો હતો.તેનાં પર મગરના દાંતનાં ઊંડા ઘા ચોખ્ખા દેખાતા હતા. ગેલાએ મજાક કરતા કહ્યું,
" મઘરાનો ઘા હજ્યએ નથી રૂજાણો?"

રાજી, " તે દાડો મઘરો મને પાણીમાં ખેહી ગ્યો હોત તો હારું થાત."

" અલી મારથી એવડી થાકી જઈ સો?"

" ના, તમથી તો તમારાં દશમણય નો થાકે. મા આઈ ખોડલને એવી પરાથના કરું. ભવે ભવ તમે જ મળો."

પછી ઘડીક રાજી કશું બોલી નહીં.
" પણ મને મઘરો ખાય જ્યો હોત તો તન નવી મળત."

"મારે નવી નહિ જોતી. તારથી હારી ક્યાં હોય? હું તો રાજી થી રાજી." એમ કહી ગેલો હસ્યો.

" મારામાં હું બળ્યું સે? પંદર વરહથી તમારી હંગાથ મારી ઉજ્જડ કૂખ લઈ ઘૂમુ સુ.હવે એમાં કાય પાકે એમ નહિ. મઘરો મન ખાય જ્યો હોત તો તું મારથી સુટેત ને તને કો'ક નવી આલેત તો તારો વસ્તાર તો હાલત?" આટલું બોલી રાજી એ પોતાનાં પેટ પર હાથ ફેરવ્યો.રાજીથી હિબકું નીકળી ગયું.

ગેલો ઊભો થઈ રાજીનાં ખાટલે બેઠો. રાજીને પોતાના પડખે લઈ ખભો દબાવ્યો. ત્યાં તો રાજી ચોધાર આંસુએ રડી પડી. રડતી રડતી કહેવા લાગી,

" આઈ ખોડલ પણ આપડી હામું નથી જોતી. દહ વરહથી તો મેં સપલાય નથી પેર્યા.કેટલીય બાધાયું ને આખડિયું રાખ્યું. કયક દેવ દેરાએ જય આયા.પણ ક્યાંય આરો નથી આવતો. પાસ વરાહથી તો અઘોરી બાબાની ફાકિયે ખાવ પણ હવે મારી સરધા ડગી જય સે. મન લાગે મારાં ભાગમાં પુખડું નથી લખ્યું.મારી હંગાથ તું પણ શા હારું ભોગવે સો? તે દાડો માઘરાને ખાવા દીધી હોત તો તારો સુટકારો થય જાત." આટલું બોલી વળી રાજી હીબકા ભરવા લાગી.

ગેલા એ રાજી ને શાંત પાડી, " આપડે મયના પેલાં અઘોરી બાબા પાહે ગયાં તા ન્યાં બાબાએ સુ કીધું તુ હંભાર્ય. બાબાએ દર ખેલે આપે ઈ દવા નોતી આલી ખબર હે ને? એણે કીધું થું કે હવે દવા લેવાની જરૂર નથી.એક મહિનો દાડાની માલેકોર્ય તમને સંતાન સુખ હાપડશે ઈમ કયને માથે હાથ મેલ્યો તો".

રાજી ને કશું સમજાયું નહીં. તેણે સ્વસ્થ થઈ આંખનાં આંસુ પોતાની ચુંદડી વડે લૂછી નાખ્યાં.,

" પણ આપડે અઘોરીબાબા ને નયાં ગ્યાં ઈને તો એક મયનાં દાડા ઉપર થ્યું. ને આસખેલે ય હું પાસ દાડા ખૂણે તો બેઠી તિ!!"

" અરે ગાંડી ઈમ નહિ કેતો, આમ તો જો આપણને દુવારકાવાળાએ ઉજરેલો પાજરેલો દઈ દિધો સે!"

એમ કહી ગેલો કના સામે જોઈ રહ્યો. હવે રાજીને સમજાયું તેના મોઢા ઉપરનું દુઃખ ઘડીકમાં અલોપ થઈ ગયું.તે બેઠી થઈ કનાને ગોદડી બરાબર ઓઢાડી,તેનાં માથે હાથ ફેરવવા લાગી. ગેલો અને રાજી બંને કનાને માથે હાથ ફેરવતાં હતાં.રાજીએ રાતમાં માતૃત્વ ધારણ કર્યું હોય તેવું લાગવા માંડ્યું. તેનાં અંગે અંગમાં આનંદ ફેલાય ગયો.પંદર વર્ષનો ભાર ઉતરી ગયો હોય તેવું લાગતું હતું.નવ મહિના સંતાન ધારણ કરી તેને જન્મ આપ્યાં બાદ મા નાં મોઢા પર જે ખુશી જોવા મળે તેવી ખુશી રાજીનાં મોઢા પર દેખાતી હતી.વળી પાછી તે થોડી ઢીલી પડી ગઈ,

" પણ કનો તો પારકું ધન સે. ઈ મોટો થઈ કાઠિયાવાડ વયો નહિ જાય?"

" નારે ના હવે કનાને કિયાય નથી જાવા દેવો. કાલ્ય હવારે મોટો થઈ જાહે.ઈને ભણાવશું ગણાવશું ને મોટો શાબ બનાવશું. હમજી "

રાજીનાં ચહેરા પર ફરી રોનક આવી ગઈ. ગેલો પણ આજે વધુ ખુશ દેખાતો હતો. તેના પરથી ભાર ઊતરી ગયો હોય તેવું લાગતું હતું.

રાજી એ કહ્યું, " હવે કનાને નિહાળે નહિ બેહારવો પડે?"

" ઈ વાત તારી હાસી. ન્યા ઈ પાસમુ ભણતો ' તો. ન્યાથી દાખલો મગાવી સાસણની નિહાળે બેહારી દેવી."
આમ વાતો કરતાં-કરતાં ને કનાનાં ભવિષ્યના સપના જોતા જોતા બંને ક્યારે ઊંઘી ગયા એ પણ ખબર ન રહી.સુવામાં આજે બહું મોડું થઈ ગયું હતું.નહિતર રોજ તો વહેલાં સૂઈ જતાં ને વહેલાં જાગી જતાં.

અચાનક રાજીની આંખ ખુલી ગઈ ઓરડાનું બારણું જરાક ખોલી બહારનું દ્રશ્ય જોયું તો રાજી ડઘાઈ ગઈ.ઉતાવળે ગેલાની પથારીએ આવી બોલી, " અલ્યાં ઉઠો... બાર્ય તો નિહરો...જરાક"
ક્રમશઃ......

(રાજીએ એવું બહાર શું જોયું કે તે ડઘાઈ ગઈ? જાણવા માટે વાંચો હવે પછીનો ભાગ)

લેખક: અશોકસિંહ એ.ટાંક

wts up no.9428810621