Prem - Nafrat - 12 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - નફરત - ૧૨

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૨

આરવનું મન આજે કામમાં લાગતું ન હતું. ચાતક પક્ષી વરસાદની રાહ જુએ એમ એ સાંજ પડવાની રાહ જોઇ રહ્યો હતો. તેનો મનમયુર પ્રેમમાં ગહેકી રહ્યો હતો. હજુ તો એની સાથે એક મુલાકાત જ થઇ છે અને તે પણ વ્યાવસાયિક છતાં જાણે એવું કેમ લાગી રહ્યું છે કે એ કોઇ છોકરો કોઇ છોકરીને પહેલી વખત મળ્યો હોય એવી લાગણી છે? તેને થયું કે યુવા દિલમાં પહેલી વખત કોઇ છોકરીએ આવી લાગણી જગાવી છે.

તે વધુ રાહ જોઇ ના શક્યો. સાંજના પાંચ વાગે ફોન લગાવી જ દીધો:'હલો રચના...?'

'હા, સર, તમારો નંબર સેવ કરી લીધો છે!' રચના જાણે ટહુકી.

'તમારા માટે સારા સમાચાર છે. 'ઓલ ઇન વન મોબાઇલ' કંપનીએ તમને પસંદ કરી લીધા છે...' બોલ્યા પછી મનોમન 'મેં પણ' બોલીને તે આગળ કહેવા લાગ્યો:'અમારી કંપનીની ટીમે તમને આઇ.ટી. ની જગ્યા માટે યોગ્ય મન્યા છે. બે દિવસમાં તમારો એપોઇન્ટમેન્ટ લેટર મેળવી લેશો અને શક્ય હોય એટલી જલદી તમારું કામ સંભાળી લેશો. તમારા જેવા કર્મચારીની અમારી કંપનીને જરૂર છે....'

આરવ ખુશમિજાજમાં બોલી રહ્યા પછી સામેના છેડે સૂનકાર છવાઇ ગયો. આરવને એક ક્ષણ થયું કે ફોન કપાઇ ગયો છે કે શું? બીજી જ ક્ષણે રચનાનો સહેજ ધીમો સ્વર આવ્યો:'સર...આપનો આભાર... પણ હું તરત હાજર થઇ શકું એમ નથી...'

આરવ ચિંતાથી પૂછવા લાગ્યો:'કેમ? કોઇ સમસ્યા છે?'

રચના કહે:'મારી મા થોડી બીમાર છે. એમની સાથે મારે રહેવાની જરૂર છે...'

આરવ રાહતથી બોલ્યો:'ઓહ! વાંધો નહીં...તમે એમની સંભાળ લઇ લો. બે-ચાર દિવસ પછી હાજર થશો તો ચાલશે...'

રચનાએ 'આભાર!' કહીને ફોન મૂકી દીધો.

આરવને થયું કે તે ઉતાવળ કરી રહ્યો છે ત્યારે રચનાને આવવામાં વધારે મોડું થઇ રહ્યું છે. તે રચનાની વાત સાંભળીને ગમગીન થઇ ગયો અને કિશોરકુમારનું ગીત ગણગણવા લાગ્યો:'ઇન્તહા હો ગઇ ઇંતજાર કી...'

ત્યાં એની ઓફિસમાં પ્રવેશ કરતાં કિરણ હસીને બોલ્યો:'આરવ! કોની રાહ જોઇ રહ્યો છે? કોણ છે એ બેવફા? જે રાહ જોવડાવી રહી છે?!'

''ભાઇ...! તમે પણ શું મજાક કરી રહ્યા છો!' આરવ પણ હસીને બોલ્યો.

'તારો આ કિશોરકુમારના ગીતોનો શોખ ગજબનો છે. એમના ગીતો જીવનની દરેક સ્થિતિમાં મળી આવે છે! હવે તું એમ જ ગીત ગણગણી રહ્યો છે કે કોઇ પરિસ્થિતિમાં તને યાદ આવ્યું છે એની મને ખબર નથી! ચાલ, એ વાત છોડીએ અને આપણા મોબાઇલના પ્રોડક્શનમાં વધારો કરવાની ચર્ચા કરીએ...' કિરણ મજાક મસ્તી સાથે મૂળ મુદ્દા પર આવી ગયો.

'હા, ફરમાવો...'

'જો, આપણી કંપનીનું સ્થાન પ્રથમ નંબર પર રહે એવા પ્રયત્ન કરવા માટે એનું વેચાણ વધે એ બહુ જ જરૂરી છે. 'સુપર ફાસ્ટ મોબાઇલ' ને ટક્કર આપતા રહેવાનું છે. વેચાણ વધે એટલે તેનું પ્રોડક્શન વધારવાનું રહે છે. વેચાણ વધારવા માટે મોબાઇલમાં નવા ફીચર અને સુવિધાઓ મહત્વના બની રહેશે. આ સપ્તાહમાં આપણે નવા ફીચર કયા ઉમેરીએ કે જેથી તેના પ્રત્યે લોકો આકર્ષાય એ જોવાનું છે. આપણે એક-બે દિવસમાં એ માટે મીટીંગ કરીશું...'

'ચોક્કસ! મારા મગજમાં કેટલાક વિચાર છે એની નક્કરતા અંગે હું વિચારીને રજૂ કરીશ...'

'ગુડ!' કહી કિરણ બહાર નીકળી ગયો. એ સાથે એના મનમાં બોલ્યો:'તીર નિશાન પર લાગી રહ્યું છે!'

'કાશ! રચના આવી ગઇ હોત તો એની સાથે ચર્ચા કરીને કોઇ નવું ફીચર ઉમેરી શકાયું હોત...' એમ વિચારીને આરવ પોતાનું કામ કરવા લાગ્યો.

અચાનક શું થયું કે આરવે રચનાને ફોન લગાવ્યો:'રચના...હું સાંજે તારા ઘરે આવી રહ્યો છું...'

'હં...' આરવે પૂછવાને બદલે ઘરે આવવાનો નિર્ણય જાહેર કર્યો હોવાથી રચના ચમકી ગઇ. એ કદાચ માની ખબર જોવા આવવાનો હશે? પણ મા તો...

ક્રમશ: