NARI-SHAKTI - 15 books and stories free download online pdf in Gujarati

નારી શક્તિ - પ્રકરણ 15 , ( સૂર્યા - સાવિત્રી ,ભાગ 3 )

નારી શક્તિ, પ્રકરણ 15,(સૂર્યા સાવિત્રી ભાગ 3)
[ હેલ્લો વાચક મિત્રો! નમસ્કાર , નારી શક્તિ પ્રકરણ 15,સૂર્યા સાવિત્રી- ભાગ -3, મા આપ સર્વે નું હાર્દિક સ્વાગત છે. ગત પ્રકરણમાં આપણે જોયું સૂર્યાને પતિગૃહે વિદાય આપવામાં આવે છે એટલે કે કન્યા વિદાયનો પ્રસંગ આલેખવામાં આવ્યો હતો અને આ પ્રસંગ અભિજ્ઞાન શાકુંતલ ને મળતો આવે છે એટલે એમ કહી શકાય કે કાલિદાસે અભિજ્ઞાન શાકુન્તલ માં શકુન્તલાની વિદાયનો જે કરુણ પ્રસંગ વર્ણવ્યો છે તેના મૂળ, તેની આધાર સામગ્રી ઋગ્વેદ છે. આ કથામાં નવવધૂને વડીલો તરફથી આશીર્વાદ અને મંગલ વચનો પ્રાપ્ત થાય છે એનું વર્ણન છે ,ખૂબ જ રસપ્રદ વર્ણન મળે છે, અહીં લગ્ન જીવનની સફળતાનો આધાર વડીલોના આશીર્વાદ અને શુભેચ્છાઓ છે તે દર્શાવાયું છે, તો જરૂરથી વાંચશો અને આપનો અમૂલ્ય પ્રતિભાવ આપશો. આપના સૂચનો આવકાર્ય છે.આપનો ખૂબ ખૂબ આભાર!! માતૃભારતી નો પણ ખૂબ ખૂબ આભાર !!ધન્યવાદ.]
હવે આગળ જોઇએ,,,,
આપણે જોયું કે ત્યાગ પૂર્ણ ભોગ જ આદર્શ ગૃહસ્થ જીવનનો આધાર છે તેથી વધૂ ને એટલે કે પુત્રવધૂને દાન દેવાની અભિરુચિ વાળી બતાવવામાં આવી છે.
અહીં પતિ દ્વારા જો પત્નીનું વસ્ત્ર, પત્તિ શરીર ઢાંકવા માટે ઉપયોગ કરે તો પતિનું ઉજ્જવળ શરીર શ્રી રહિત અને સમૃદ્ધિ રહિત તેજ રહિત બની જાય છે.( મંત્ર 30) એવી માન્યતા છે.
વધૂના સગા સંબંધીઓ માંથી જો 'યક્ષમા' વગેરે રોગ વર ની પાસે આવે તો યજ્ઞયાગ વગેરે યોગ્ય રીતે કરીને પુનઃ એ રોગ જ્યાંથી આવ્યો હોય ત્યાં પહોંચાડી દેવામાં આવે છે. તાત્પર્ય એ છે કે વર નો પરિવાર વધૂ પક્ષના કોઇ પણ ઘાતક રોગોથી ગ્રસિત ન થાય એટલે કે વર પક્ષે કોઈપણ પ્રકારનો રોગ ન આવે તેથી યજ્ઞ દ્વારા વાયુમંડળનુ શુદ્ધિકરણ થવું જોઈએ. તેથી યજ્ઞ હોમ વગેરે કરીને વાતાવરણ શુદ્ધ અને પવિત્ર કરવામાં આવે છે.(મંત્ર 31)
જે શત્રુ રૂપી રોગ આ દંપતી પાસે આવવા ઈચ્છતો હોય તે એમની પાસે ન આવે અને સુગમ માર્ગોથી દુર્ગમ પ્રદેશમાં ચાલ્યો જાય.(મંત્ર 32)
નવ વધૂ જ્યારે પતિ ગૃહમાં પ્રવેશી ને નવા જીવનનો આરંભ કરવા જઈ રહી હોય છે ત્યારે ગુરુજનોના આશીર્વાદ અને શુભેચ્છાઓ એક બહુ જ મોટું બળ પ્રદાન કરે છે. વડીલોના અને ગુરુજનોના આશીર્વાદ જ ગૃહસ્થ ધર્મનો મજબૂત પાયો છે, એમ અહીં અભિવ્યક્ત થાય છે. તેથી બંધુ-બાંધવો વગેરે ના આશીર્વાદ પ્રાપ્ત કરી અને સૂર્યા કહે છે કે,પોતાના માટે જ સૂર્યા સ્વયમ આ વચનો ઉચ્ચારે છે,
"આ વધૂ સુ- મંગલી છે તેથી બધા જ બાંધવો બંધુ-જનો, સગાસંબંધીઓ આવો અને એને જુઓ! આ નવવધૂને સૌભાગ્ય ના આશીર્વાદ આપવા માટે આપ સૌ આમંત્રિત છો ,આવો અને નવવધૂને આશીર્વાદ આપો અને ત્યારબાદ પોત-પોતાની ઘરે જાઓ." ( મંત્ર 33)
અહીં વિવાહ પછી ની રશમ એટલે કે વિધિ જે મુહદિખાઈ ની રશમ છે, તેનો ઉલ્લેખ જોવા મળે છે કારણ કે સૂર્યા પોતે જ (પોતાને) નવવધૂને જોવા માટે સૌને આમંત્રિત કરે છે.
ત્યારબાદ યોગ્ય બ્રાહ્મણો દ્વારા નવવધૂને વિવિધ પ્રકારના ભોજનની અને ભોજન વિષયક શિક્ષણ દેવાનું આવશ્યક છે એમ સમજાવવામાં આવ્યું છે, જેથી અહીં ગૃહિણીનો આદર્શ પણ રજૂ થાય છે, એક સફળ ગૃહિણી તરીકે નવવધૂ માં કયા ગુણો હોવા જોઈએ? પોષક આહાર અને અન્ન વગેરેનું શિક્ષણ પણ ગૃહિણી પાસે હોવું જોઈએ તે દર્શાવવામાં આવ્યું છે, અને સૂર્યા કહે છે કે વિવિધ પ્રકારના ભોજન ,અન્ન વગેરેનું શિક્ષણ જે બ્રાહ્મણો આપશે તેજ ઉપહાર લેવાને યોગ્ય બનશે. કેવા પ્રકારનું અન્ન લેવું હિતાવહ છે? કેવા પ્રકારનું ભોજન, આહાર વગેરે લેવો જોઈએ ? તે વિશેનું જ્ઞાન બ્રાહ્મણો સૂર્યાને આપે છે અને એ માટે તેઓ યોગ્ય ઉપહાર મેળવવા માટે યોગ્ય ગણાય છે એની વાત હવે આગળ ૩૪માં મંત્રમાં આવે છે. વિવિધ અન્ન અને ભોજન ના પ્રકારો બ્રાહ્મણો દ્વારા દર્શાવવામાં આવ્યા છે.
આ તૃષ્ણા અને દાહને વધારવા વાળુ અન્ન છે ,આ પિત્ત કારક છે એટલે કે પિત વધારનારું છે, આ ત્યજવા યોગ્ય છે, અને વિષયુક્ત છે ,તેથી ખાવા યોગ્ય નથી , આમ જો બ્રાહ્મણો સૂર્યાને આ પ્રકારે શીખવાડે છે, તેજ બ્રાહ્મણ નવ વધૂ પાસેથી ઉપહાર વસ્ત્ર વગેરે ગ્રહણ કરવા યોગ્ય છે.(મંત્ર 34) અહીં આદર્શ ગૃહિણી ના લક્ષણો રજૂ થયા છે ઘર-પરિવારને સુંદર પોષણ યુક્ત ભોજન આપી શકે તે માટે આહારનું જ્ઞાન-વિજ્ઞાન પણ ગૃહિણી પાસે હોવું જરૂરી છે. નવવધૂ સ્ત્રી સુંદર વસ્ત્રો અને આભૂષણોથી સુસજ્જિત હોવી જોઈએ એવો આદર્શ પણ રજૂ થયો છે. ગૃહલક્ષ્મી સ્ત્રી જ સ્વર્ગ જેવું સુંદર ઘર રચી શકે છે.
વિવિધ પ્રકારના સુંદર વસ્ત્રો થી સુશોભિત સૂર્યા ના રૂપની પ્રશંસા કરતા ઋષિ કહે છે કે,,
આ અતિશય શુભ, મંગલમય, સુંદર વસ્ત્ર છે તેને મસ્તક પર ધારણ કરવાથી વધારે શોભા આપે છે આ પૂરા શરીરને ધારણ કરવા વાળું આકર્ષક વસ્ત્ર છે ,આ વસ્તુઓથી સુશોભિત સૂર્યા ને જુઓ કેટલી સુંદર દેખાય છે !!બ્રાહ્મણો આ વસ્ત્રોને શુદ્ધ કરે છે.( મંત્ર 35)
આગળના મંત્ર માં"વિવાહ સંસ્કાર"ની સૌથી મહત્વપૂર્ણ વિધિ વિશે "પાણિગ્રહણ" એટલે કે હસ્તમેળાપ નું વર્ણન કરતાં કહે છે કે,,
વર-વધૂને કહે છે કે હું સૌભાગ્ય માટે તારો હાથ પકડું છું, મારી સાથે વૃદ્ધાવસ્થા સુધી તારે પહોંચવાનું છે અર્થાત, સાથે જીવવાનું છે, આ "પાણિગ્રહણ" સંપૂર્ણ જીવન સાથે જીવવાનું છે એમ દર્શાવે છે. ભગ(ઐશ્વર્ય), અર્યમા, સવિતા અને પૂષા વગેરે દેવોએ તને ગૃહસ્થાશ્રમનુપાલન કરવા માટે ગૃહસ્થધર્મનું પાલન કરવા માટે મને સોંપવામાં આવેલ છે.(મંત્ર 36) સૂર્યા ને ઉદ્દેશીને તેનો પતિ કહે છે કે ભગ, અર્યમા માં વગેરે દેવોએ તારું પાણી ગ્રહણ કરાવ્યું છે અને મને ગૃહસ્થાશ્રમ ધર્મનું પાલન કરવા માટે સોપવામાં આવેલ છે. તો હું પ્રતિજ્ઞા લઉ છું કે વૃદ્ધાવસ્થા સુધી એટલે કે સંપૂર્ણ જીવન દરમ્યાન આપણે સાથે જ ગૃહસ્થાશ્રમ ધર્મનું પાલન કરીશું.
અહીં "પાણિગ્રહણ" જે વિવાહ સંસ્કારની મહત્વપૂર્ણ વિધિ છે તેનું મહત્વ શું છે? તે દર્શાવાયું છે.પ્રાચીન કાળમાં પુરુષ એક વખત સ્ત્રીનો હાથ પકડે પછી આજીવન છોડતો નથી, બંને સ્ત્રી અને પુરુષ સંપૂર્ણ જીવન સાથે સુખમય રીતે પસાર કરતા હતા, અને આ દાંપત્યજીવન ગ્રહસ્થધર્મ નો આદર્શ ખૂબ જ આદર્શ રીતે પાડવામાં આવતો હતો. તમામ લોકોનું દાંપત્ય જીવન ખૂબ જ સુખી અને સમૃદ્ધ હતું. છૂટાછેડાની કલ્પના પણ અસ્તિત્વમાં નહોતી. પતિ અને પત્ની બંને પક્ષે ગૃહસ્થ ધર્મને સુપેરે નિભાવવામાં આવતો. દરેક વ્યક્તિ એકબીજાને અનુકુળ બનીને રહેવાની ખૂબ જ શ્રેષ્ઠ ઈચ્છા વાળી હતી. ભારતીય સંસ્કૃતિમાં (વૈદિક સંસ્કૃતિમાં) "વિવાહ સંસ્કાર "ની વિભાવના એટલી ઊંચી હતી કે પુરુષ અને સ્ત્રી બન્ને નું જીવન શ્રેષ્ઠ દાંપત્યજીવન ગણાતું. બંને પરસ્પર જીવનનું એવું સમાયોજન સાધતા કે એક વખત ભેગા થયા પછી છૂટા પડવાનો વિચાર કલ્પનામાં પણ એકબીજાને આવતો નહીં. આપણી સંસ્કૃતિની પહેચાન જ અલગ હતી. આજે ભારત દેશમાં દાંપત્યજીવન તૂટવા લાગ્યા છે, પરિવાર ભાવના લુપ્ત થવા લાગી છે, પરિવારો તૂટવા લાગ્યા છે ,છૂટાછેડાનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે પરંતુ આ પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર છે. પૌર્વાત્ય સંસ્કૃતિ માં "લગ્ન વિચ્છેદ "જેવો શબ્દ ડિક્શનરીમાં ક્યારેય પણ હતો નહીં.આ બહુ ખેદની વાત છે.
સૂર્યા દ્વારા આ વિવાહ-સૂક્ત" દ્વારા સમાજને સુખી દાંપત્યજીવનનો આદર્શ રજૂ કરવામાં આવ્યો છે. સવાલ એ છે કે પ્રાચીનકાળમાં "વિવાહ સંસ્કાર "એટલે કે સ્ત્રી-પુરુષના લગ્ન માતા-પિતા કે વડીલો ના જ પ્રયત્નો અને વડીલોની ઈચ્છા નો જ પરિણય હતો. તેમ છતાં લગ્ન જીવનનો સફળ રહેતા અલબત્ત, તે સમયમાં સ્વયંવર ને પણ સ્થાન હતું તે હકીકત ને નજર અંદાજ કરી શકાય નહીં, પરંતુ આજે સ્ત્રી પુરુષની પોતાની ઈચ્છા દ્વારા જ રચાયેલું લગ્નજીવન પણ સફળ નથી તે વાસ્તવિકતા સ્વીકારવી રહી.તે સંશોધનનો વિષય છે........... લગ્ન જીવનનો હેતુ અને સફળ લગ્નજીવન વિશે વધુ આવતા અંકે............
[ © & By Dr. Bhatt Damyanti Harilal ]