World Tiger Day books and stories free download online pdf in Gujarati

વિશ્વ વાઘ દિવસ

લેખ:- વિશ્વ વાઘ દિવસ
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

વાઘ એક રોયલ અને મોભાદાર પ્રાણી છે. વાઘ ઈકોસિસ્ટમની હેલ્થ અને ડાયવર્સિટીને જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વાઘ ઉચ્ચકોટીનો શિકારી જે પોષણશૃંખલા પર સૌથી ઉપર આવે છે. વાઘ જંગલના તૃણાહારી પ્રાણીઓની વસ્તી જાળવી રાખવામાં મહત્વનો ફાળો આપે છે, જેથી વનસ્પતિ પર આધારિત પ્રાણીઓ અને વનસ્પતિનું સંતુલન જળવાઈ રહે છે.

વનોના નિકંદનને કારણે આવાસમાં ઘટાડો, શિકાર, વાઘના શરીરના અંગોનો ગેરકાયદેસર વેપાર વાઘની વસ્તીના ઘટાડા પાછળના મુખ્ય પરિબળો છે. દુર્ભાગ્યની વાત છે કે, હાલ વાઘની પ્રજાતિ લુપ્ત થવાની નજીક છે. તેથી વાઘ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 29 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ અથવા ગ્લોબલ ટાઈગર ડે ઉજવવામાં આવે છે.

અન્ય માહિતી મુજબ વિશ્વભરમાં 'વાઘ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે કારણ કે હાલમાં વાઘ લુપ્ત થતી પ્રજાતિ છે. આથી વિશ્વમાં અત્યંત ઝડપથી ઘટી રહેલી વાઘોની વસ્તી જોતાં વર્ષ 2010થી દર વર્ષે 29 જુલાઈને ‘વર્લ્ડ ટાઈગર ડે'(વિશ્વ વાઘ દિવસ) તરીકે મનાવવામાં આવે છે. સૌથી પેહલાં 2010માં રશિયાના સેન્ટ પીટર્સબર્ગના વાઘ સંમેલનમાં વાઘોના સંરક્ષણ માટે ‘વિશ્વ વાઘ દિવસ’ મનાવવાની શરૂઆત થઈ હતી. ત્યાર પછી સમગ્ર દુનિયામાં દર વર્ષે 29 જુલાઈને ‘વિશ્વ વાઘ દિવસ’ તરીકે મનાવવાામાં આવે છે.

જાગરૂકતા ફેલાવવા માટે કેટલાય કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. સમયની સાથે વિલુપ્ત થતા વન્ય જીવોમાં વાઘ પણ એવું પ્રાણી છે જેની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. એક રિપોર્ટ અનુસાર વિશ્વમાં હાલ માત્ર 3900 જંગલી વાઘ બચ્યા છે. 20મી શતાબ્દીની શરૂઆતથી જ નિષ્ણાંતો વિશ્વમાં ઘટતી વાઘની સંખ્યાથી ચિંતિંત છે. પરંતુ આ દરમિયાન સંરક્ષણના ઈતિહાસમાં પ્રથમવાર ભારતમાં સારી ખબર જાણવા મળી છે. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસના ઠીક એક દિવસ પહેલા વાઘની ગણનાનો વિસ્તૃત રિપોર્ટ જાહેર કર્યો છે.

વિશ્વમાં વાઘની લગભગ 70 ટકા વસતી ભારતમાં રહે છે. દેશમાં 2967 વાઘ છે, જ્યારે સમગ્ર વિશ્વમાં માત્ર 3900 વાઘ જ બચ્યા છે. દેશમાં 30 હજાર હાથી, ત્રણ હજાર એક શીંગડાવાળા ગેંડા અને 500થી વધારે સિંહ છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યુ, વર્ષ 1973માં જ્યાં દેશમાં માત્ર નવ ટાઈગર રિઝર્વ હતા, ત્યાં તેમની સંખ્યા હવે 50 થઇ ચુકી છે. સૌથી મહત્ત્વનું કે આ બધા ટાઈગર સારા છે અથવા તો સર્વશ્રેષ્ઠ છે. વૈશ્વિક સ્તર પર માત્ર 2.5 ટકા ભૂમિ, ચાર ટકા વરસાદ અને વિશ્વની 16 ટકા વસતી હોવા છતાં ભારત વિશ્વનું આઠ ટકા જૈવ વિવિધતા ધરાવતું ઘર છે, જેમાં વાઘની 70 ટકા વસતી પણ સામેલ છે. આપણે 12 ટાઈગર રેન્જ દેશોનું નેતૃત્વ કરવા માટે તૈયાર છીએ.

વિશ્વમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, ભૂટાન, કમ્બોડિયા, ચીન, ઈન્ડોનેશિયા, લાઓ પીડીઆર, મલેશિયા, મ્યાનમાર, નેપાળ, રશિયા, થાઈલેન્ડ અને વિયતનામમાં વાઘ જોવા મળે છે. વર્ષ 2006ની સરખામણીમાં 2018માં વાઘની સંખ્યા બેગણી થઇ ગઇ હતી.

વાઘ ગણના અનુસાર, દેશમાં સૌથી વધારે વાઘ મધ્યપ્રદેશમાં છે. દેશના આઠ રાજ્યોમાં વાઘની સંખ્યા 100થી વધારે છે. રિપોર્ટમાં દેશની 50 ટાઈગર રિઝર્વની પરિસ્થિતિઓ વિશે પણ જણાવવામાં આવ્યું છે. તેના અનુસાર, ઉત્તરાખંડના જિમ કૉર્બેટ ટાઈગર રિઝર્વમાં સૌથી વધારે 231 વાઘ છે, જ્યારે મિઝોરમની ડાંપા, પશ્ચિમ બંગાળની બુક્સા અને ઝારખંડ પલામૂ ટાઇગર રિઝર્વમાં એક પણ વાઘ નથી.

વર્ષ 2018ની ગણતરી મુજબ મધ્યપ્રદેશમાં 526 વાઘ, કર્ણાટકમાં 524 વાઘ, ઉત્તરાખંડમાં 442 વાઘ, મહારાષ્ટ્રમાં 319 વાઘ, તમિલનાડુમાં 264 વાઘ, અસમમાં 190 વાઘ, કેરળમાં 190 વાઘ, ઉત્તર પ્રદેશમાં વાઘની સંખ્યા 173 છે.

કેન્દ્રીય પર્યાવરણ રાજ્યમંત્રી બાબુલ સુપ્રિયોએ જણાવ્યું, વાઘની ગણના માટે 50 ટાઈગર રિઝર્વ અને જંગલોમાં ઠેર ઠેર 30 હજાર કેમેરા લગાવીને લગભગ 3.5 કરોડથી વધારે તસવીર લેવામાં આવી છે. આ દરમિયાન 3,81,400 વર્ગ કિલોમીટર વિસ્તારને કવર કર્યુ હતું. આ તસવીરોમાં 76,661 વાઘની જ્યારે 51,777 દિપડાની તસવીર હતી. સુપ્રિયોએ કહ્યું કે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં વિશ્વમાં વન્યજીવના સૌથી મોટા કેમેરા ટ્રેપ સર્વે હાથ ધરવા માટેના દેશના પ્રયાસોને બિરદાવવામાં આવ્યાં છે, જે ભારત માટે મોટી સફળતા હતી.

વાઘ ગણના અનુસાર વર્ષ 2006માં વાઘની સંખ્યા 1411 હતી, વર્ષ 2010માં વાઘની સંખ્યા 1706, વર્ષ 2014માં વાઘની સંખ્યા 2226 હતી જ્યારે વર્ષ 2018માં વાઘની સંખ્યા વધીને 2967 સુધી પહોંચી છે.

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસનો ઇતિહાસ

જુલાઈ 29 તારીખ ઐતિહાસિક છે કારણ કે, આ દિવસે 2010 માં રશિયામાં યોજાયેલી સેન્ટપીટર્સબર્ગ ટાઈગર સમિટમાં ઘણા દેશોએ એક મહત્વના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર વૈશ્વિક સ્તરે ઘટી રહેલી વાઘની વસ્તી વિશે જાગૃતિ લાવવા અને વાઘના કુદરતી વસવાટને બચાવવા અંગેનો હતો. આ ઉપરાંત વિવિધ દેશોના પ્રતિનિધિઓએ જાહેરાત કરી હતી કે, વાઘ વસ્તીવાળા દેશમાં વર્ષ 2022ના અંત સુધીમાં વાઘની વસ્તીને બમણી કરવા માટે નક્કર કામગીરી કરશે.

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ 2021ની થીમ છે, તેમનું જીવન આપણા હાથમાં છે. (Their Survival is in Our Hands). કોરોના સંક્રમણને કારણે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ 2020ની ઉજવણી ઓનલાઈન કરવામાં આવી હતી. ભારત વિશ્વનાં વાઘોમાંથી લગભગ 70 ટકા વસ્તી ધરાવે છે, તેથી આ વાર્ષિક ઉજવણીમાં ભારત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પર્યાવરણ વિભાગ દ્વારા વાઘ વાઘ સંરક્ષણ અને સંવર્ઘનના પ્રયત્નો થકી ભારતે વર્ષ 2022 પૂર્વે જ સફળતાપૂર્વક વાઘની વસ્તી બમણી કરવાનો લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો છે.

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ 2021 મહત્વપૂર્ણ છે, કારણ કે વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ (WWF) અનુસાર જંગલી વાઘની વૈશ્વિક વસ્તી ફક્ત 3900 છે. વાઘ વિવિધ રંગોના હોય છે, જેમ કે સફેદ વાળ, કાળા પટ્ટાવાળા બ્રાઉન વાળ, કાળા પટ્ટાવાળા સફેદ વાઘ અને ગોલ્ડન વાઘ પણ જોવા મળે છે. વાઘને ચાલતા જોવા પણ એક લહાવો છે. અત્યાર સુધીમાં વાઘની ચાર જાતિઓ બાલી ટાઈગર, કેસ્પિયન ટાઈગર, જવાન ટાઈગર અને ટાઈગર હાઈબ્રિડ્સ લુપ્ત થઈ ચૂક્યા છે.

આજે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ છે, ત્યારે આજે આપણે જાણીશું કે, શા માટે વાઘને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો મળ્યો? ચાલો, આ વિશે વધુ જાણીએ.

વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે, એ આપણે જાણીએ છીએ પરંતુ એ જાણીએ કે શા માટે ? કદાચ ઘણાં ઓછાં લોકો જાણતાં હશે કે વાઘ પહેલાં આપણું રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું.

ઈ.સ. 1972 સુધી ‘સિંહ’ આપણું રાષ્ટ્રીય પ્રાણી રહ્યું હતુ. ત્યારબાદ ભારત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. વર્ષ 1970 બાદ વાઘની સંખ્યામાં ભારે ઘટાડો આવ્યો હતો અને ભારતનાં 16 રાજ્યોમાં માત્ર 1800 જેટલા જ વાઘ બચ્યા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક ખાસ મિશન હેઠળ સિંહને બદલે વાઘને રાષ્ટ્રીય પ્રાણી તરીકે સ્થાન આપવાનોનું નક્કી કરવામાં આવ્યું.

ભારત સરકારે 18 નવેમ્બર, 1973નાં રોજ વાઘને રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યું. ત્યારથી લઈને આજ સુધી વાઘને અતિ મહત્વ આપવામાં આવ્યું છે. જેમ સિંહ માત્ર ગુજરાત રાજ્યમાં જોવા મળે છે, તેમ મધ્યપ્રદેશ એ વાઘનું નિવાસ્થાન છે, આથી જ તેને વાઘ પ્રદેશ તરીકે વધુ ઓળખવામાં આવે છે.

વાઘ એ માંજર કુળનું એક વિશાળ અને ઉમદા સ્વભાવનું પ્રાણી છે. તે શક્તિ, શૌર્ય અને ચતુરાઈનું પ્રતીક છે. પ્રાચીન સમયથી પ્રજાના વિવિધ ધાર્મિક ગ્રંથોમાં વાઘને આદ્યશક્તિનાં વાહન તરીકે પૂજનીય બતાવવામાં આવ્યું છે. એક સમયે યુરોપના કાસ્પિયન સમુદ્રની આસપાસના દેશોથી લઈને એશિયાના ભારત, નેપાળ, ભુતાન, મ્યાનમાર, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, મલેશિયા, સુમાત્રા, ચીન અને સાઈબીરિયાનાં જંગલો વાઘની ગર્જનાથી ગાજતાં હતાં, પરંતુ વર્તમાન સમયમાં પૂર્વ યુરોપીય દેશોમાંથી વાઘનું અસ્તિત્વ સંપૂર્ણ ભૂંસાઈ ગયું છે જ્યારે એશિયન દેશોમાં પણ વાઘની હાલત કફોડી છે. વિશ્વમાં વાઘની કુલ આઠ પ્રજાતિઓ પણ લુપ્ત થવાને આરે છે.

કેટલાંક લોકો વાઘને પાળતા પણ હોય છે. ભારતમાં વાઘને પાળવા માટે સરકારની મંજુરી લેવી પડે છે.

કાનૂની મંજૂરી વિના ભારતમાં વાઘ અને સિંહોનું ઉછેર કરી શકાતું નથી. વન્યપ્રાણી સંરક્ષણ કાયદા હેઠળ, આ પ્રાણીઓને ખાનગી રીતે ઉછેરવાની મંજૂરી નથી. જો તમારે હજી પણ સિંહ કે વાઘ રાખવા માંગતા હોય તો રાજ્યના ચીફ વન્યપ્રાણી વોર્ડન પાસેથી મંજૂરી લેવી પડશે. તમારે આ પ્રાણીની દરેક જરૂરિયાત પૂરી કરવી પડશે. આ ઉપરાંત સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા પણ કરવી પડશે.

જો કોઈ અકસ્માત થાય તો તેના માટે સંપૂર્ણ રીતે તમે જવાબદાર હશો. જો તમારા ઘરની દિવાલ ભૂકંપમાં તૂટી પડે છે, તો વાઘ દિવાલ પરથી દોડી ગયો હતો અને કોઈને મારી નાખ્યો હતો, તો તમારે કાનૂની કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. જો તમે તેને રાખવા માંગતા હો, તો તમારે મુખ્ય વાઈલ્ડલાઇફ વોર્ડન સામે નક્કર કારણ આપવું પડશે કે તમારે વાઘ કેમ પાળવાની જરૂર પડી. જો આ કરવામાં નહીં આવે તો તમારી માંગણીને ફગાવી દેવામાં આવશે. પરંતુ આ ત્યારે જ થશે જો તમારી પાસે પહેલેથી જ વાઘનું બચ્ચું હોય.

ઈ. સ. 2015 માં એક વિચિત્ર માંગ મધ્યપ્રદેશ સરકારના તત્કાલીન પશુપાલન પ્રધાન કુસુમ મહેદલે કરી હતી. તેમણે રાજ્યના વન પ્રધાનને વાઘની વસ્તી બચાવવા અને વધારવા માટે કાયદેસર રીતે તેને રાખવા માટે મંજૂરી માંગવાની દરખાસ્ત મોકલી. તેમણે પોતાની દરખાસ્ત પાછળ કેટલાક દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશો જેવા કે થાઈલેન્ડ અને કેટલાક આફ્રિકન દેશો જણાવ્યા કે જ્યાં લોકો વાઘને ઘરે રાખી શકે છે. થાઈલેન્ડ અને કેટલાક અન્ય દેશોના લોકો તેમના ઘરે વાઘ અને સિંહો રાખી શકે છે.

અત્યારે વિશ્વની 70 ટકા વાઘ વસ્તી એકલા ભારતમાં છે. 20 મી સદીમાં, દેશમાં વાઘની ​​વસ્તી 20,000 થી 40,000ની વચ્ચે હતી. પરંતુ રાજાઓ અને બ્રિટીશ અધિકારીઓના શિકારના શોખને કારણે તે ઘટી ગઈ. દેશમાં હાલમાં ફક્ત 2,967 વાઘ બાકી રહ્યા છે.

ઈ. સ. 1973માં જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં વાઘની સંખ્યા બચાવવા માટે પ્રોજેક્ટ ટાઈગર શરૂ કરવામાં આવ્યો હતો. આને કારણે તેમના સંરક્ષણમાં ઘણી મદદ મળી હતી. તે સમયે જ્યારે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો, ત્યારે ભારતમાં વાઘના માત્ર 9 ટાઈગર રિઝર્વ હતા. હાલમાં આ સંખ્યા વધીને 47 થઈ ગઈ છે. આ 47 ટાઈગર રિઝર્વ દેશના 18 વાઘ રેંજ રાજ્યોમાં ફેલાયેલા છે.

આથી વધુ માહિતી આવતાં અંકમાં રજુ કરીશ. અત્યારે બસ આટલું જ.

સૌજન્ય:- ઈન્ટરનેટના વિવિધ વેબપેજ
વાંચવા બદલ આભાર🙏
- સ્નેહલ જાની