Address her love ... books and stories free download online pdf in Gujarati

તેના પ્રેમને સરનામે...

देखा हज़ारों दफ़ा आपको
फिर बेक़रारी कैसी है
संभाले संभलता नहीं ये दिल
कुछ आप में बात ऐसी है।

लेकर इजाज़त अब आप से
सांसें ये आती जाती है
ढूंढें से मिलते नहीं हैं
हम बस आप ही आप बाकी हैं।


એકદમ આહ્લાદક એવા મધુરાં સંગીતના તાલે થીરકતા કદમો તેને પોતાની પ્રિયતમાની વધુ નજીક લઈ જઈ રહ્યા હતા. તેના કોમળ અને દૂધથી પણ વધારે સફેદ એવા હાથોને ચૂમતા તેને પોતાની પાસે ખેંચી લીધી. તેની સુડોળ એવી કમર ઉપર એક હાથ રાખી બીજો હાથ તેના ચહેરા ઉપર ફેરવવા લાગ્યો. બંન્ને પ્રેમીઓ પ્રેમમાં તરબોળ થઈ રહ્યા હતા અને પેલા સુમધુર સંગીતમાં વચ્ચે વચ્ચે બીજું સંગીત પણ ભળી રહ્યું હતું, પણ તે બંને જણા તો પ્રેમ ધૂનમાં લીન હતા.

ધીમે ધીમે બંનેના હોઠ એકમેકમાં પીગળવા આતુર થઈ રહ્યા હતા ત્યાં જ અચાનક પેલા બીજા સંગીતની તીવ્રતા વધવા લાગી. તે અવાજ હમણાંજ કાન ફાડી નાખશે એવુ લાગતા તેણે બંને હાથ કાન ઉપર દબાવી તેની તીવ્રતાને રોકવા નાકામ પ્રયત્ન કરવા લાગ્યો અને આં પળોજણમાં તેની આંખો ખુલી ગઈ.

આંખો ખુલતાની સાથે જ તે સ્વપ્નલોકમાંથી ધરતીલોક ઉપર આવી પડ્યો. તેની નજર મોબાઈલમાં રણકતા એલાર્મ ઉપર પડ્યું. સવારથી લઇને આ દસમો એલાર્મ વાગી ચૂક્યો હતો પણ તે પોતાની પ્રિયતમા સાથે સ્વપ્નનગરીમાં વિહરી રહ્યો હતો.

"બાપરે દસ વાગી ગયા, મર્યા કામથી", સામે લટકતી ઘડિયાળ જોતો તે સફાળો ઊભો થઈ ગયો. દીવાલ ઘડિયાળ ઉપર ભરોસો ન હોય એમ તે પોતાના મોબાઇલમાં સમય જોવા લાગ્યો.

"આવું કેવી રીતે બની શકે. હજુ સવારના ૫ વાગે તો પોતે જાગતો હતો અને ૬ વાગ્યાની બસ પકડવાની હતી. આટલો મોટો દિવસ હતો તેના માટે. અને પોતે બબૂચક આંખ લાગતા સૂઈ ગયો. તે પોતાના ઉપર જ ગુસ્સે થતો મોં ધોઈને પોતાની બેગ લઈને ઘરની બહાર નીકળ્યો.

તેની મમ્મી "ઓમ ક્યાં ચાલ્યો", બોલતી તેના નામની બૂમો પાડતી રહી પણ તેને કોઈની દરકાર નહોતી.

સેરીમાં નીકળતા તેણે ઉબેર બુક કરાવવાની કોશિશ કરી પણ આજે સાહેબના બધા બાણ વાંકા પડી રહ્યા હતા.
"બસમાં જઈશ તો ખૂબ મોડું થશે", એમ વિચારતો તે રિક્ષા કરી સીધો ટ્રાવેલર્સ ઓફિસ ઉપર જવા નીકળ્યો.

રિક્ષામાં બેઠા બેઠા જ તેણે હવે પોતાનો મોબાઈલ ખોલ્યો. જોયું તો પૂરા ૨૪ મિસ્કોલ આવીને પડેલા હતા. તે જાણતો જ હતો કે મિસ્કોલ કોનાં હશે એટલે તેણે સીધો સ્પીડ ડાયલ લગાવ્યો અને બે જ રિંગમાં સામેથી મધુરો અવાજ રણક્યો.

"જાનું, ગુડ મોર્નિંગ માય હની", અહા આટલું સાંભળતા જ તેનું રોમ રોમ મહેકી ઉઠ્યું અને જાણે તેની બધી વ્યાકુળતા એક જ ઝટકે હણાઇ ગઈ.

"ક્યાં પહોંચ્યો જાન. કેટલા કોલ કર્યા તને", તે રણકાર અને તેમાં રહેલ ઉત્સાહ ભારોભાર છલકાઈ રહ્યા હતા.

"સોરી બકુ. મારે ઉઠવામાં મોડું થઈ ગયું અને બસ ચૂકી ગયો. કેમ જાણે ક્યારે આંખ લાગી ગઈ મને ખબર જ ન રહી. પણ જો તું ચિંતા ન કર હોને હું હવે ટ્રાવેલ બસમાં જ આવું છું અને મારી જાન પાસે ઝડપથી પહોંચી જવાનો, હોને."

"હમમ..", અવાજનો રણકો થોડો ધીમો પડી ગયો હતો.

"મારી જાનું, મારી બકુડી આમ ઉદાસ ન થા. આપણી વચ્ચેનું અંતર જલ્દી જ ઘટી જવાનું છે. જો હું ટ્રાવેલવાળા ને ત્યાં તો આવી પહોંચ્યો. તું ફોન ચાલુ રાખજે હોને. આજે તો હું આવું ત્યાં સુધી આપણે વાત કરતા રહીશું", તે રિક્ષાવાળાને ભાડું ચૂકવી નીચે ઊતર્યો.

"હા જાન, કોઈ વાંધો નહિ હોને, હું રાહ જોઉં છું", ફરી મધુર અવાજ થયો અને બંને તરફ રહેલ ઉદાસી ઉપર ખુશીઓની લહેર છવાઈ ગઈ.

આખરે રાજકોટથી અમદાવાદ તરફ જતી ટ્રાવેલ બસની ૧૦:૩૦ ની ટીકીટ લઈને તે બસની રાહ જોઈ ઉભો.

જી હા આ વાર્તાનો નાયક એટલે કે ઓમ તેની નાયિકા એટલે કે અમીને પહેલીવાર મળવા જઈ રહ્યો હતો. બંને આજ સુધી બસ ફોન અને વિડિયો કોલ દ્વારા જ વાત કરતા હતા. બંને પ્રત્યક્ષ મળ્યા નહોતા પણ જીવનભર એકબીજાની સાથે રહેવાના વાયદા તો બંનેના દિલ કરી ચૂક્યા હતા. આખરે બંનેએ આજે મળવાનું નક્કી કર્યું હતું અને તે પ્રમાણે ઓમ સવારે ૬ વાગે નીકળીને ૧૦ વાગ્યા સુધી તો અમદાવાદ પહોંચી જવાનો હતો. ત્યારબાદ બંને આખો દિવસ સાથે રહેવાના હતા. પણ ઓમની ઊંઘે આખો પ્લાન ચોપટ કરી દિધો હતો.

"જો બકુ તું શાંતિ રાખ હોને, કોઈ ઉતાવળ નથી. આપણી પાસે આખો દિવસ પડ્યો છે. તું આરામથી અહી આવી પહોંચીશ." અમી બોલી.

"હા જાન જો આ બસ પણ આવી ગઈ. હવે જો કેવી પ્લેનની ઝડપે મારી અમી પાસે આવી જાઉં." ઓમ એટલું બોલતાં બસમાં ચડ્યો.

બસ હવે થોડા જ કલાક અને પછી પોતે એકબીજાની સામે હશે તે વાતની ખુશીમાં સવારની ગરબડ તો ક્યારની બંને ભૂલી ગયા હતા અને અવિરત વહેતી પ્રેમભરી વાતોમાં બંને ખોવાઈ ગયા.

"જાન ચાલ હવે મારા માટે એકદમ કડક ચા બનાવી રાખ અને ચા બને એટલે મને લેવા નીકળી જા હોને દીકુ." આખરે અમદાવાદ ૧૦ કિલોમિટર દૂર એટલું મેપમાં બતાવતા ઓમ બોલ્યો.

"હા દીકુ, બનાવી દઉં મસ્ત કડક મીઠી ચા તારા માટે." અમી ખુશ થતા ચાની તપેલી ગેસ ઉપર મૂકતા બોલી.

"ગાંડી કડક ચા ક્યારે મીઠી ન હોય સમજી, અને જો હવે તું મારાથી હવે ફક્ત ૨૦ મિનિટ જ દૂર છે. મારું લોકેશન જો શેર કર્યું. ચા બની ગઈ હોય તો નીકળ હવે હોને." ઓમ બોલ્યો.

"હા બકુ ચા બની ગઈ, અને તે કડક છે કે મીઠી એતો તું જાતે આવી ને જ ચાખી જોજે. હું નીકળી ઘરેથી." અમી ઘરને લોક મારતી બોલી. અને તે સાથે જ બંનેના ચહેરા ઉપર પ્રેમની લાલી છવાઈ ગઈ.

"તું એમ કર બકુ, ઇસ્કોનની જગ્યાએ જોધપુર ઉતરી જા, હું ત્યાં જલ્દી પહોંચી જઈશ." અમી બોલી.

અને ૧૫ મિનિટ, ૧૦ મિનિટ, ૮ મિનિટ, ૫ મિનિટ... ગૂગલ મેપમાં દેખાડી રહેલ બંને વચ્ચેનું અંતર ઘટી રહ્યું હતું તેમ બંનેના દિલોમાં એકબીજાને પ્રથમ વખત મળવાની અને જોવાની તાલાવેલી વધી રહી હતી.

બંનેના દિલોના ધબકારા વધી રહ્યા હતા. આખરે આજે પોતાના પ્રેમને મળી રહ્યા હતા. તેની ખુશી કઈ અલગ જ હતી.

"હું જોધપુર ચાર રસ્તા સિગ્નલ ઉપર ઊભી છું બકુ, જોધપુરથી ઇસ્કોન તરફની ડાબી બાજુ, તારી બસ ક્યાં પહોંચી?" અમી ઉતાવળી થતી બોલી.

"જો મારી બસ જોધપુર પહોંચી ગઈ છે, મારે પણ સિગ્નલ આવ્યું.પણ મારી બસ સિગ્નલ વટાવી રહી છે", ઓમ બોલ્યો.

"કઈ ગ્રીન કલરની બસ તો નહિ ને?" અમી સામેની તરફથી સરકતી બસ જોતી બોલી.

"હા એજ જાન, જો હું આ રહ્યો બારી આગળ" એટલું બોલી ઓમ સામેની સાઇડ સિગ્નલ ઉપર એક્ટિવા લઈ જાણીતી છોકરીને જોઈ રહ્યો.

"હા એજ છે, ભલે માસ્ક પહેર્યું પણ મારી નજરો તેને ઓળખવામાં થાપ ન ખાય", એટલું વિચારતા ઓમના દિલમાં અમીને પહેલીવાર જોતા કેટલાય ઉમંગો ઉમટી રહ્યા.

"તું બસ જેવી આગળ ઊભી રે નીચે ઉતરી જજે, હું સિગ્નલ ખૂલે એટલે યુટર્ન મારીને તારી જોડે આવી પહોંચી સમજ", ઓમના કાનોમાં અમીના શબ્દો ગુંજી ઉઠયા. આખરે તે ઘડી આવી પહોંચી.

ઓમ બસની નીચે ઉતરીને રોડ તરફ નજરો ખોડવિને ઊભો. તેની આંખો પોતાની અમીને જોવા તરસી રહી.

"એ આવી", દૂરથી અમીને એક્ટિવા ઉપર આવતી જોઈને ઓમની ધડકનો તેજ થઈ ઊઠી.

અમીએ સીધી એક્ટિવા તેની પાસે ઊભી રાખી દીધી અને પોતાનું માસ્ક ઉતારી દીધું.

"ચાલ જલ્દી ગાડી ઉપાડ", ઓમ સીધો અમીના એક્ટિવા પાછળ બેસતો બોલ્યો.

કેટલી ક્યૂટ અને નાનકડી અમી, તેને રૂબરૂ જોતા વેંત જ ઓમ ફરીથી ઘાયલ થઈ ગયો. નાની આંખો, તેના ઉપર ચશ્માં, નાજુક નમણા હોઠ જાણે હમણાં જ ચૂમી લઉં એમ વિચારતો ઓમ અમીના હવામાં ઉડતા વાળની ખુશ્બુમાં ખોવાઈ ગયો.

અમી તેની ધૂનમાં અવિરત બોલી રહી હતી પણ ઓમ તો અમીમય બનવા અધીરો થઈ ઊઠ્યો હતો. એક્ટિવા ઉપર શરીરના થતા આછા સ્પર્શથી બંનેના દિલના તાર ઝણઝણી ઉઠ્યા હતા.

વાતો વાતોમાં ઘર આવી ગયું બંનેને ખબર જ ન પડી. બંને પહેલીવાર રૂબરૂ મળ્યા પણ જાણે વર્ષોથી ઓળખતા હોય એમ લાગી રહ્યું હતું. ઘર ખોલતા જ બંને એકબીજામાં ખોવાઈ ગયા...

અને ઓમને એની મીઠી કડક ચા મળી ગઈ હમેશા માટે..✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)