The Next Chapter Of Joker - Part - 19 books and stories free download online pdf in Gujarati

The Next Chapter Of Joker - Part - 19

The Next Chapter Of Joker

Part – 19

Written By Mer Mehul

રમીલા, હિના અને છેલ્લે સુમન પોતાની પૂછપરછની કાર્યવાહી પુરી કરીને ક્રમશઃ બહાર નીકળ્યાં હતાં. જુવાનસિંહ બધાને પોતાની ઓફિસમાં બોલાવ્યાં. બધાં પાસેથી અવિનાશનાં સંદર્ભમાં મહત્વની લાગતી જાણકારી મેળવી અને ત્યારબાદ પોતે અવિનાશની સેલ તરફ અગ્રેસર થયાં.
છેલ્લી સેલમાં અત્યારે જુવાનસિંહ અને અવિનાશ સામસામે બેઠાં હતાં. જુવાનસિંહનાં ચહેરા પર સ્મિત ફરકતું હતું.
“તે મર્ડર નથી કર્યું અવિનાશ…” જુવાનસિંહે કહ્યું.
“બે દિવસથી હું એ જ તો કહું છું સર…મેં મર્ડર નથી કર્યું..” અવિનાશે કહ્યું.
“તે મર્ડર નથી કર્યું તો એ રાત્રે તું રમણિક શેઠનાં બંગલે શા માટે ગયો હતો એ કેમ નથી જણાવતો ?” જુવાનસિંહે પૂછ્યું.
“સર…એ હું નહિ જણાવી શકું પણ મેં મર્ડર નથી કર્યું” અવિનાશે કહ્યું.
“કારણ ન જણાવવા પાછળનું કારણ અંકિતા જ છે ને…” જુવાનસિંહે કહ્યું.
“સૉરી સર…” અવિનાશ ચમક્યો, “શું કહ્યું તમે ?”
“તું એ રાત્રે રમણિક શેઠનાં બંગલે શા માટે ગયો હતો એનું કારણ ન જણાવવાનું કારણ અંકિતા જ છે ને…!” જુવાનસિંહે હળવું હસીને કહ્યું.
“તમને કેવી રીતે ખબર પડી સર…?”
“મને બધી જ ખબર છે…તેજસ, અંકિતા અને અંકિતાની મમ્મીએ અમને બધું જ જણાવી દીધું છે…તું કેવી રીતે અંકિતાને મળ્યો, કેવી રીતે તને અંકિતાની હકીકત જાણવા મળી અને ત્યાંથી તું રમણિક શેઠને મનાવવા માટે અંકિતાનાં ઘરેથી નીકળ્યો ત્યાં સુધીની બધી જ ઘટનાથી પોલીસ વાકેફ છે…તદુપરાંત પોલીસને મળેલા પુરાવામાં એવો કોઈ પુરાવો નથી જે તને ગુન્હેગાર સાબિત કરી શકે… અને એનો સીધો મતલબ એવો નીકળે છે કે તે મર્ડર નથી કર્યું” જુવાનસિંહે કહ્યું, “તું રમણિક શેઠનાં ઘરે શા માટે ગયો હતો એનું કારણ તો અમને મળી ગયું છે…અને તું અમારાથી એ વાત શા માટે છુપાવતો હતો એનું કારણ પણ મને મળી ગયું છે. અંકિતાનું નામ બદનામ ન થાય એટલે તું એ હકીકત છુપાવતો હતો પણ અંકિતાનું નામ આ કેસમાં ક્યાંય નહીં આવે તેની બાંહેધરી હું આપું છું તો હવે રમણિક શેઠનાં બંગલે તું પહોંચ્યો અને પોલીસ આવી એ સમય વચ્ચે તે શું જોયું હતું એ જણાવી દે તો તને બચાવવા અને અમારા કેસમાં આગળની કાર્યવાહી કરવા અમને નવી દિશા મળશે”
“તમે સાચું અનુમાન લગાવ્યું છે સર…હું અંકિતાને કારણે જ તમને હકીકત નહોતો જણાવતો…પણ હવે તમને સચ્ચાઈ માલુમ પડી જ ગઈ છે અને તમે બાંહેધરી આપી છે તો હું નિશ્ચિત થઈને તમને બધી હકીકત જણાવવા તૈયાર છું” અવિનાશે કહ્યું, “એ રાત્રે હું રમણિક અંકલને મનાવવાનાં ઈરાદાથી તેઓનાં બંગલે પહોંચ્યો હતો. રમણિક અંકલનાં બંગલે હું પહેલા ઘણીવાર આવી ગયેલો એટલે બંગલાનાં પાછળનાં દરવાજેથી ઘરમાં ઘૂસવામાં સરળતા રહેશે એ વાતની મને જાણ હતી. પાછળનાં દરવાજાથી થોડે દૂર એક કાર પાછળ મારી બાઇક પાર્ક કરીને હું ગેટ કૂદીને તેઓનાં બગીચામાં પહોંચ્યો હતો. જ્યારે મેં પાછળનો દરવાજો ખુલ્લો જોયો ત્યારે મને આશ્ચર્ય થયું હતું પણ ભૂલથી દરવાજો ખુલ્લો રહી ગયો હશે એમ વિચારીને હું ઘરમાં પ્રવેશી ગયો. મારે અંકલ સાથે માત્ર વાતચીત જ કરવાની હતી. તેઓ અંકિતા સાથે લગ્ન ન કરે એ માટે તેઓને મનાવવાનાં હતાં…પણ જ્યારે હું તેઓનાં રૂમમાં પહોંચ્યો અને મેં અંદરનું જે દ્રશ્ય જોયું તેનાથી મારી આંખો ચકરાય ગઈ. અંકલ ફર્શ પર ચત્તાપાટ પડ્યા હતાં. તેઓનાં ચહેરા પર ભારે વાસ્તુનાં પ્રહાર થવાથી ચહેરો બેડોળ થઈ ગયો હતો. ત્યારે શું કરવું એ મને સમજાતું નહોતું.
મને એકવાતનો ખ્યાલ હતો કે જો મેં કોઈ વસ્તુને સ્પર્શ કર્યો તો જ્યારે પોલીસ તપાસ થશે ત્યારે મારા પર મુસીબત આવી શકે, માટે કોઈ વસ્તુને સ્પર્શ્યા વિના હું બહાર હોલમાં આવી ગયો. મારા કમનસીબ એ હતાં કે જ્યારે હું હોલમાં આવ્યો ત્યારે જ પોલીસ ત્યાં પહોંચી ગઈ. હું ગભરાઈ ગયો હતો, મેં ખૂન નહોતું કર્યું તો પણ ઘટનાં સ્થળ પર મારી હાજરી હતી એટલે મને જ અપરાધી ગણવામાં આવશે એની મને જાણ હતી.
મેં સેકેન્ડનાં છઠ્ઠા ભાગમાં નિર્ણય લીધો અને ત્યાંથી નાસી છૂટવાનાં ઈરાદાથી હું જે રસ્તે આવ્યો હતો એ જ રસ્તા તરફ દોડવા લાગ્યો. દીવાલ કૂદીને હું મારી બાઇક પાસે પહોંચ્યો અને બાઇક શરૂ કરીને મેં બાઇક ભગાવી મૂકી. હું થોડો આગળ નિકળ્યો હતો ત્યાં જ બંને બાજુથી પોલીસની જીપે મારો રસ્તો બ્લોક કરી દીધો અને મને અહીં લઈ આવવામાં આવ્યો”
અવિનાશે પોતાની વાત પૂરી કરી. જુવાનસિંહે છાતીમાં ઊંડો શ્વાસ ભરીને છોડ્યો.
“તું રમણિક શેઠનાં બંગલે કેટલા વાગ્યે પહોંચ્યો હતો ?” જુવાનસિંહે પૂછ્યું.
“સાડા અગિયાર ઉપર પાંચ-દસ મિનિટ થઈ હશે…” અવિનાશે કહ્યું, “હું અંકિતાનાં ઘરેથી નીકળ્યો ત્યારે મેં સમય જોયો હતો, અગિયારને વિસ થઈ હતી. અંકિતાનાં ઘરેથી અંકલનાં ઘરે પહોંચતા મારે પંદરથી વિસ મીનીટ જેટલો સમય લાગ્યો હશે..”
“સમજ્યો…તું જ્યારે મેઇન રોડેથી રમણિક શેઠનાં બંગલા તરફ વળ્યો હતો ત્યારે કોઈ રીક્ષા સામે મળી હતી ?” જુવાનસિંહે પૂછ્યું.
“હા સર…મને યાદ છે.. જ્યારે મેં બાઈકનો વળાંક લીધો ત્યારે જ ફૂલ સ્પીડમાં એક રીક્ષા મારા તરફ ધસી આવી હતી. જો ત્યારે મેં બાઇક પર કંટ્રોલ ના રાખ્યું હોત તો મારું એક્સીડન્ટ થઈ જ જાત…”
“તું શેઠનાં બંગલે પહોંચ્યો એ પહેલાં એ રીક્ષા ચાલકને શેઠનાં ઘરની બહાર જોવામાં આવ્યો હતો. નક્કી એ જ કાતિલ હોવો જોઈએ. ખેર, તારો મનસૂબો સારો હતો પણ અફસોસ તું વાંક વિના આમાં ફસાય ગયો. અમારાં કારણે તને તકલીફ પડી એનાં માટે પુરા પોલીસ તંત્ર વતી તારી માફી માંગુ છું” જુવાનસિંહે કહ્યું.
“તમે સૉરી ના બોલો સર…તમે તો તમારી ફરજ નિભાવતાં હતાં” અવિનાશે કહ્યું.
“એ પણ સાચું કહ્યું તે…” કહેતાં જુવાનસિંહ હળવું હસ્યાં.
“સર.., મને ક્યારે છોડવામાં આવશે ?” અવિનાશે પૂછ્યું.
“જો તે કોર્ટમાં કેસ ફાઇલ થતાં પહેલાં મને બધું જણાવી દીધું હોત તો હું તને ત્યારે જ છોડી દેત…પણ હવે કોર્ટમાં કેસ ફાઇલ થઈ ગયો છે અને ચૌદ દિવસ પછી તારા કેસની સુનવણી છે, એટલે ચૌદ દિવસ તો તારે અહીં રહેવું જ પડશે” જુવાનસિંહે કહ્યું, “પણ તું બેફિકર રહેજે…આ ચૌદ દિવસમાં તને કોઈ તકલીફ નહિ પડે…અને આમ પણ આ મર્ડર કેસનો તું એક માત્ર ગવાહ છે…જો તું બહાર નિકળીશ તો તારા પર મુસીબત આવી શકે એમ છે, માટે આ જ્યાં સુધી આ કેસ સોલ્વ ના થાય ત્યાં સુધી તું અમારી નજર હેઠળ જ રહે એવી હું તને સલાહ આપીશ”
“સર, મારે મારાં દોસ્તોને મળવું છે.., મારા પપ્પાને મળવું છે અને અંકિતા ક્યાં છે ?, તે ફરી એ જ દલદલમાં પાછી નથી ચાલી ગઇને ?”
“ના.. અમારાં ઓફિસરો તેનાં પુરા પરીવારને અહીં જ લઈ આવ્યાં હતાં અને થોડીવાર પહેલાં જ તેઓને જુદી જુદી સેલમાં રાખીને પૂછપરછ કરવામાં આવી હતી. તારે અંકિતાને મળવું હોય તો થોડી રાહ જો…હું બધી ફોર્મલિટી પતાવીને વ્યવસ્થા કરું છું” જુવાનસિંહે કહ્યું.
“થેંક્યું સર…” અવિનાશે કહ્યું, “સર હજી એક કામ હતું..”
“શું ?”
“હું કાતિલ નથી એ વાતની જાણ મારા પપ્પાને અને મારા દોસ્તોને થઈ જાય તો તેઓ મારી ચિંતા નહિ કરે…”
“એની વ્યવસ્થા પણ હું કરું છું” કહેતાં જુવાનસિંહ ઊભા થયા, “તું થોડી રાહ જો..હું કામ પતાવીને ફરી તને મળવા આવું છું”
અવિનાશ સાથે પુછપરછ કરીને જુવાનસિંહ પોતાની ઓફિસમાં આવ્યાં. ઑફિસમાં બધા જુવાનસિંહની રાહ જોઇને ઊભા હતાં.
“શું લાગે છે સર ?” હિંમતે પૂછ્યું, “અવિનાશે કંઇ કબુલ્યું ?”
“હા.. એ રાત્રે જે ઘટનાં બની હતી એ તેણે કહી સંભળાવી છે…હવે હું ખાતરી સાથે કહી શકું છું કે અવિનાશ ખૂની નથી..” જુવાનસિંહે કહ્યું, “અહીંથી નવો કેસ શરૂ થાય છે. પહેલાં આપણાં હાથમાં એક સસ્પેક્ટ હતો, જેનાં પર આપણને શંકા હતી પણ હવે આપણી સામે કોઈ સસ્પેક્ટ નથી. એક ઇકબાલ છે એ અત્યારે ક્યાં છે તેની કોઈને જાણ નથી. તો આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ એનાં વિશે તમે પોતાનાં મંતવ્યો રજૂ કરો”
“ઈકબાલનો સ્કેચ તૈયાર કરીને આપણાં બધા જ ખબરીઓને એક્ટિવ કરીએ અને ઇકબાલને ગમે ત્યાંથી શોધી કાઢીએ…કારણ કે આ કેસને આગળ ધપાવવાની કડી એકમાત્ર ઇકબાલ જ છે” ચાવડાએ પોતાનો મંતવ્ય રજૂ કર્યો.
“ઇકબાલનો ચહેરો કોણે જોયો છે ?, તેને લાંબા વાળ અને લાંબી દાઢી છે એટલી જ માહિતી છે આપણી પાસે..” જુવાનસિંહે કહ્યું.
“સાહેબ…શાંતા છે ને…!” ચાવડાએ કહ્યું, “શાંતાએ ઇકબાલનો ચહેરો જોયો જ હશેને…”
“હા.. શાંતાને ઉઠાવો..” જુવાનસિંહે કહ્યું, “એ રાત્રે શેઠનાં બંગલે જે છોકરીને મોકલવામાં આવી હતી અને ઇકબાલ બંનેની માહિતી શાંતા પાસેથી જ મળશે”
જુવાનસિંહે ઘડિયાળમાં સમય જોયો, સાત ઉપર વિસ મિનિટ થઈ હતી.
“શાંતાને અત્યારે ઉઠાવશો કે કાલે સવારે ?” જુવાનસિંહે પૂછ્યું.
“અત્યારે જ સર…” હિંમતે કહ્યું, “જો એને પોતાની ધરપકડ થવાની છે એની માહિતી મળી જશે તો ઇકબાલની જેમ એ પણ ફરાર થઈ જશે”
“હા સાહેબ…શાંતાએ જે છોકરીને એ રાત્રે રમણિક શેઠનાં બંગલે મોકલી હતી તેનું નામ નથી જણાવ્યું અને નામ ન જણાવવા પાછળનું કારણ ‘કોઈ તેને મારી નાંખશે’ એવું આપ્યું છે. શાંતા ડરી ગઈ છે.. એ ગમે ત્યારે ફરાર થઈ શકે છે માટે અત્યારે જ તેની ધરપકડ કરવી જોઈએ” ચાવડાએ કહ્યું.
“તો એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના શાંતાનાં ઘરે પહોંચી જાઓ અને ઉઠાવી લો એને”
“યસ સર…” હિંમતે કહ્યું, “ચાવડા અને રમીલા… તમે બંને મારી સાથે ચાલો”
ચાવડા ડ્રાઇવિંગ સીટ પર બેઠો, તેની બાજુની સીટમાં હિંમત અને પાછળ રમીલા બેસી ગઇ. ચાવડાએ જીપ શરૂ કરીને વસંતનગર છાપરા તરફ દોરી લીધી.
“થેંક્યું લેડી ઑફિસર…” જીપ ગઈ પછી જુવાનસિંહે બંને લેડી ઓફિસરોને સંબોધીને કહ્યું, “તમારાં કારણે એક નિર્દોષ વ્યક્તિને ન્યાય મળ્યો છે…તમને બંનેને સાગર હેડ-ક્વાર્ટર સુધી પહોંચાડી દેશે અને આગળ જરૂર પડશે તો તમારો કોન્ટેક્ટ કરવામાં આવશે”
“સ્યોર સર…” બંને લેડી ઓફિસરે કહ્યું અને જુવાનસિંહને સલામી ભરીને બંને જીપ તરફ ચાલી. થોડીવારમાં જીપ હેડ-ક્વાર્ટર તરફ રવાના થઈ ગઈ. હવે માત્ર જુવાનસિંહ જ પોલીસ સ્ટેશનમાં હાજર હતા. તેઓ પોતાની ઓફિસમાં પહોંચ્યા અને એક કૉન્સ્ટબલને બોલાવીને અવિનાશ અને અંકિતાની મુલાકાત ગોઠવવાનો આદેશ આપ્યો, સાથે કંટ્રોલ રૂમમાં જઈને બંનેની વાતો સાંભળવા પણ જણાવ્યું.
હજી કૉન્સ્ટબલ ઓફિસ બહાર નીકળ્યો જ હતો ત્યાં જુવાનસિંહનો ફોન રણક્યો, ડિસ્પ્લે પર ‘જૈનીત’ લખેલું હતું. જુવાનસિંહનાં ચહેરા પર સ્મિત આવી ગયું.
“હેલ્લો…” જુવાનસિંહે કૉલ રિસીવ કરીને કહ્યું.
“ક્યાં સુધી પહોંચ્યો તમારો કેસ ?” જૈનીતે પૂછ્યું.
“હજી સુધી તો કંઈ ખાસ કહી શકાય એવું હાથમાં નથી લાગ્યું…આ લોકોએ જે છોકરાની ધરપકડ કરી હતી એ નિર્દોષ છે એટલું જાણવા મળ્યું છે અને બીજા એક-બે સસ્પેક્ટ હાથ લાગ્યાં છે, જેની ધરપકડ કરવા થોડીવાર પહેલા જ કાફલો નીકળ્યો છે” જુવાનસિંહે કહ્યું.
“પેલા જોકરનાં કાર્ડ વિશે કોઈ માહિતી મળી ?” જૈનીતે પૂછ્યું.
“ના…હજી સુધી તો કંઈ જાણવા મળ્યું નથી પણ એક-બે દિવસમાં જાણી એની પણ ખબર પડી જશે” જુવાનસિંહે કહ્યું, “તમારાં વિશે જણાવ, નિધિ શું કરે અને રિપોર્ટમાં શું આવ્યું ?”
“એ મારી બાજુમાં જ બેઠી છે અને રિપોર્ટ પણ સારા આવ્યાં છે…અમે માતા-પિતા બનવા જઈ રહ્યાં છીએ” જૈનીતે ઉમંગ સાથે કહ્યું.
“ઓહ…ખૂબ ખૂબ અભિનંદન…” જુવાનસિંહે પણ હર્ષની લાગણી અનુભવી, “ધ્યાન રાખજો નિધિનું”
“ચોક્કસ…એ પણ કંઈ કહેવા જેવી વાત છે ?, આ જૉકરની મિસ્ટ્રી સુલજાવી લો પછી તમે પણ સારી છોકરી શોધીને લગ્ન કરી લો…ઉંમર નીકળતી જાય છે એવું નથી લાગતું તમને ?” જૈનીતે હસીને કહ્યું. જૈનીતની વાત સાંભળીને જુવાનસિંહ પણ હસી પડ્યા.
“ઉપરી અધિકારી એક પછી એક કેસ સોંપતા જ જાય છે તો એમાં વ્યસ્ત રહું છું અને વર્ષો પસાર થતાં જાય છે તેનો ખ્યાલ નથી આવતો” જુવાનસિંહે કહ્યું, “છતાં, છવ્વીસ પુરા થાય એ પહેલાં લગ્ન કરી લેવાની ઈચ્છા છે. ફોન શા માટે કર્યો હતો ?, મતલબ અમસ્તા જ કે કોઈ કારણ હતું ?”
“કારણ તો કંઈ નહોતું જુવાનસિંહ…છેલ્લાં કેટલાંક વર્ષોમાં તમારી સાથે આત્મીયતા બંધાય ગઈ છે તો મેં વિચાર્યું હાલચાલ પૂછી લઉં અને ખાસ પેલાં જોકરનાં કાર્ડ વિશે જાણવા હું ઉત્સુક છું”
“એની જ શોધખોળ શરૂ છે…જેવી એનાં વિશે કોઈ માહિતી મળશે એટલે હું કૉલ કરીને જણાવીશ…”
જુવાનસિંહ વાતો કરવામાં વ્યસ્ત હતાં એ દરમિયાન તેઓનાં ફોનમાં બીજા કૉલની નોટિફિકેશન આવી. સ્ક્રીન પર ‘હિંમત ત્રિવેદી’ લખ્યું હતું.
“આપણે પછી વાત કરીએ જૈનીત…બીજો કૉલ આવે છે” જુવાનસિંહે કહ્યું.
“હા.. નો પ્રોબ્લેમ” જૈનીતે કહ્યું એટલે જુવાનસિંહે હિંમતનો કૉલ રિસીવ કરી લીધો.
“અમે શાંતાનાં બંગલાનાં ગેટ બહાર ઉભા છીએ અને ગેટે તાળું માર્યું છે. આજુબાજુમાં પૂછપરછ કરી તો સવારે ચાવડા પૂછપરછ કરીને નીકળ્યો પછી તરત જ એ નીકળી ગઈ હતી”
“તેનાં બંગલામાં તપાસ કરો…જરૂર કોઈ કામની ચીજ હાથ લાગશે..હું થોડીવારમાં ત્યાં પહોંચું છું” જુવાનસિંહે ઉભા થતાં કહ્યું.
“જી સર…” હિંમતે કહ્યું. જુવાનસિંહે કૉલ કટ કરી દીધો. દીવાલે લટકતી ઇમરજન્સી જીપની ચાવી લઈને જુવાનસિંહ બહાર આવ્યાં, જીપને પાર્કિગમાંથી બહાર તેઓએ વસંતનગરનાં છાપરા તરફ જીપ મારી મૂકી.
(ક્રમશઃ)

Share

NEW REALESED