The Next Chapter Of Joker - Part - 21 books and stories free download online pdf in Gujarati

The Next Chapter Of Joker - Part - 21

The Next Chapter Of Joker

Part – 21

Written By Mer Mehul
“રમણિક શેઠની બોડી પાસે પણ સિગરેટનું આવું જ ટિપિંગ પેપર મળ્યું હતું, આ મર્ડર પણ એ જ વ્યક્તિએ કર્યું છે જેણે રમણિક શેઠને માર્યા છે. બનવાજોગ છે, રમણિક શેઠ અને આ વ્યક્તિ વચ્ચે કોઈ લિંક હોય”
“બનવાજોગ નહિ, એવું જ છે સર…” હિંમતે કહ્યું, “નહીંતર શેઠ પછી એ વ્યક્તિ આનું મર્ડર શા માટે કરે ?”
“કમ ઇન સર…?” બારણાં તરફથી અવાજ આવ્યો. જુવાનસિંહ અને હિંમતે બારણાં તરફ નજર કરી.
“એ ફોટોગ્રાફર આશિષ દવે છે” હિંમતે જુવાનસિંહનાં કાન પાસે જઈને કહ્યું.
“યસ પ્લીઝ કમ ઇન…મી.દવે” જુવાનસિંહે કહ્યું. આશિષ પચીસ વર્ષનો યુવાન છોકરો હતો. જુવાનસિંહ પાસે જઈને તેણે બંને ઓફિસરો સાથે શેકહેન્ડ કર્યો. ત્યારબાદ બેગમાંથી કેમેરો કાઢીને જુદાં જુદાં એંગલથી દેડબોડી તથા અન્ય ચીજવસ્તુઓનાં ફોટા લેવા લાગ્યો. ફોટો પાડવાનું કામ પત્યું એટલે આશિષ બારણાં તરફ આવ્યો. જુવાનસિંહે તેને નીચે પાર્કિંગમાં જવા કહ્યું. હજી એ નીચે નહિ પહોંચ્યો હોય ત્યાં એક સાથે ઘણાબધા લોકોનો પગરવ જુવાનસિંહનાં કાને પડ્યો. જુવાનસિંહે સિગરેટનાં ટિપિંગ પેપરને ટેબલ પર જોકરનાં કાર્ડ પાસે રાખ્યું અને દરવાજે પહોંચ્યા. તેઓની સામે પિસ્તાલિસેક વર્ષના ફોરેન્સિક ડિપાર્ટમેન્ટનાં ઓફિસર મી. અભિજીત વ્યાસ તેની ટિમ સાથે ઉભા હતાં.
“સર…આ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટનાં ઓફિસર મી. અભિજીત વ્યાસ છે” હિંમતે ઓફિસરની ઓળખાણ કરાવી, “અને તમે જુવાનસિંહ જાડેજા છો, નવા નિમણૂક પામેલાં નાયબ પોલીસ અધિક્ષક”
“હેલ્લો મી. જાડેજા” અભિજીત વ્યાસે હાથ લાંબો કરીને કહ્યું. જુવાનસિંહે શેકહેન્ડ કરતાં ‘હેલ્લો’ કહ્યું.
“તમે બંનેએ ગ્લવ્સ પહેર્યા છે એનો મતલબ એમ છે કે વસ્તુઓ પરની ફિંગરપ્રિન્ટસ્ હજી અકબંધ છે” અભિજીતે કહ્યું, “મને દેડબોડી પાસે લઈ જાઓ”
“આ તરફ આવો…” જુવાનસિંહે કહ્યું. ફોરેન્સિક ટીમનાં એક હેલ્પરે અભિજીતને ગ્લવ્સ આપ્યા એટલે તેને પહેરતાં પહેરતાં અભિજીત જુવાનસિંહની પાછળ ચાલ્યાં.
જે.જે. રબારીનાં મૃતદેહ પાસે જઈને તેઓએ આંખો ઝીણી કરી. ત્યારબાદ ટી-શર્ટ પર રહેલા લોહી પર આંગળી ફેરવીને બંને આંગળી મસળી…આંગળી મસળીને એક આંગળી નાક પાસે લાવીને તેઓએ સહેજ શ્વાસ ભર્યો.
“આ વ્યક્તિને મર્યાને ચાર કલાકથી વધુ સમય થઇ ગયો છે” અભિજીત વ્યાસે પોતાનાં અનુભવ આધારે કહ્યું, પછી કાંડા ઘડિયાળ પર નજર ફેરવી, “સાડા પાંચ થઈ રહ્યા છે એટલે એકથી દોઢની વચ્ચે મર્ડર થયું હોવું જોઈએ…આ હું મારા અનુભવ પરથી કહું છું, સાચો ખ્યાલ તો ટેસ્ટિંગનાં રિપોર્ટ પરથી આવશે”
“જી બિલકુલ…” જુવાનસિંહે નતમસ્તક થઈને માથું નમાવ્યું.
અભિજીત વ્યાસે પોતાનું ઇન્વેસ્ટિગેશન આગળ ધપાવ્યું. તેણે જે.જે. રબારીનાં ટીશર્ટનો જે ભાગ ચિરાય ગયો હતો તેને ખસેડીને દૂર કર્યો અને છાતીનો ભાગ દ્રશ્યમાન કર્યો. છાતી પર જ્યાં હથિયારનો ઘાવ હતો તેની નજીક ચહેરો લઈ જઈ તેઓએ ફરી આંખો ઝીણી કરી.
“રિદ્ધિ…મારું બ્રિફકેસ લઈ આવ..” અભિજીત વ્યાસે પોતાની ટિમ મેમ્બર રિદ્ધિને સૂચના આપી. રિદ્ધિ હાથમાં ‘ઓપ્ટિમેક્સ કંપની’નું બ્લેક બ્રિફકેસ લઈને રૂમમાં પ્રવેશી. અભિજીત વ્યાસે બ્રિફકેસ ખોલીને નાનો ચિપીયો હાથમાં લીધો. ત્યારબાદ એ ચિપીયા વડે જે.જે. રબારીની છાતી પર જે ખાવ લાગેલો હતો ત્યાં લગાવીને ચામડી થોડી દૂર ખસેડી. થોડીવાર તેઓએ એક જ પ્રોસેસનું પુનરાવર્તન કર્યું. ત્યારબાદ ઘાવની અંદર થોડો છીપીયો ખસેડીને બહાર કાઢ્યો. ચિપિયામાંથી લોહીનાં ટીપાં ટીશર્ટ પર પડ્યા.
“અહીં આવો જુવાનસિંહ” અભિજીત વ્યાસે કહ્યું, “રિદ્ધિ તું પણ..”
જુવાનસિંહ અને રિદ્ધિ અભિજીતની નજીક આવ્યાં. અભિજીત વ્યાસે ચિપિયા વડે ફરી ચામડી દૂર કરીને કહ્યું, “આ ચામડીનાં ચિરા દેખાય છે ને એ ઉપરાઉપરી પ્રહાર કરવાને કારણે થયા છે. બીજીવાત, મર્ડરર લેફ્ટી છે… ઘાવને ધ્યાનથી જુઓ..જ્યારે રાઈટ હેન્ડથી વાર કરવામાં આવે ત્યારે હથિયાર ડાબી તરફ અંદર ઘૂસે છે અને જ્યારે લેફ્ટ હેન્ડથી વાર કરવામાં આવે ત્યારે ઓપોઝિટ, જમણી બાજુએ અંદર ઘૂસે છે. જુઓ આવી રીતે..” કહેતાં અભિજીત વ્યાસે જમણા હાથમાં ચિપીયો લઈ, હાથને કાન સુધી લઈ ગયા અને 90° નો વળાંક લઈને ચિપીયો જે.જે. રબારીની છાતી પર રાખ્યો. એ જ એક્શનનું પુનરાવર્તન તેઓએ ડાબા હાથે પણ કરી બતાવ્યું.
“સમજાયું…” જુવાનસિંહે કહ્યું, “કાતિલ ગુસ્સામાં ઉપરાઉપરી વાર કરીને આ વ્યક્તિનું હૃદય ચીરી નાખ્યું છે”
“હા.. જ્યારે ગુસ્સામાં આડા-અવળા વાર કરવામાં આવે ત્યારે જ ચામડી ચિરાય છે..” અભિજીત વ્યાસે કહ્યું. ત્યારબાદ તેઓ બેડ પાસેથી દૂર ગયાં. પોતાની ટીમને સર્કલમાં બોલાવીને તેઓએ કહ્યું, “બધી જગ્યાએથી ફિંગરપ્રિન્ટસ્ એકઠી કરો ને જુવાનસિંહ જણાવે એ વસ્તુઓને બેગમાં રાખો.
પુરી ટિમ કામ પર લાગી ગઈ. જ્યારે ઇન્વેસ્ટિગેશન પૂરું થયું ત્યારે સૌનાં મોંઢા પર અજીબ નિરાશા છવાયેલી હતી.
“સર…આ મર્ડર પણ પ્રિ-પ્લાન્ડ છે…મર્ડરરે એક પણ સબુત છોડ્યું નથી, એક પણ વસ્તુ પર ફિંગરપ્રિન્ટ નથી મળ્યા, જેણે આ મર્ડર કર્યું છે તેણે પોતાનાં કામને અંજામ આપીને કપડાં વડે વસ્તુઓને સાફ કરી દીધી છે અને એટલે જ ઘરનાં સભ્યોનાં પ્રિન્ટ્સ પણ નથી મળ્યા” રિદ્ધિએ પોતાનો રિપોર્ટ અભિજીતને કહી સંભળાવ્યો.
“ખૂની શાતીર છે… પણ ગમે એટલો શાતીર ખૂની કોઈને કોઈ સબુત છોડતો જ હોય છે” અભિજીતે કહ્યું, “અને આ કિસ્સામાં પણ એવું જ થયું છે…બોડીનું એકઝામીનેશ કરતાં સમયે સમયે મને તેનાં હાથનાં નખમાં માંસનો ટુકડો મળ્યો છે. મરનાર વ્યક્તિએ પોતાનાં બચાવ માટે ખૂનીનો ચહેરો અથવા બાજુઓ નૉચી હશે, જેને કારણે તેનાં નખમાં ખૂનીનું લોહી આવી ગયું છે અને હવે આ જ સબુત આપણને ખૂની સુધી પહોંચાડશે”
પોતાની કાર્યવાહી પુરી કરીને ફોરેન્સિક ટિમ પણ રવાના થઈ ગઈ. જુવાનસિંહે ઘડિયાળમાં નજર કરી. છ ને દસ થઈ હતી.
“એમ્બ્યુલન્સને કૉલ કરો…ક્યારે પહોંચે છે ?” જુવાનસિંહે કંટાળાજનક અવાજે કહ્યું. હિંમતે ફોન હાથમાં લઈને હોસ્પિટલમાં ફોન જોડ્યો.
“શું…કેમ…હા.. ઠીક છે…જલ્દી મોકલો…” કહીને હિંમતે ફોન રાખી દીધો.
“સર…એક એમ્બ્યુલન્સ અહીં આવવા રવાના થઈ હતી પણ વચ્ચે બીજી ઇમરજન્સી આવતાં તેને ત્યાં મોકલી દેવામાં આવી છે, બીજી એમ્બ્યુલન્સ થોડીવારમાં નીકળશે એવું કહ્યું છે” હિંમતે કહ્યું, “તમારાં માટે ચા મંગાવું ?”
“આપણે જ નીચે જઈએ…” જુવાનસિંહે કહ્યું. એક કૉન્સ્ટબલને બારણે રાખીને બંને ઑફિસર નીચે આવ્યાં. હિંમતે ચાવડાને ચા લેવા માટે મોકલ્યો.
બાજુમાં રહેલું ટોળું હવે શાંત થઈ ગયું હતું. જુવાનસિંહે વારાફરતી બધાને સવાલ પૂછવાનું નક્કી કર્યું. તેણે પહેલાં મિસિસ રબારીને સાઈડમાં લઇ જવા રમીલાની આદેશ આપ્યો. રમીલા તેણીને એકાંતમાં લઈ ગઈ. જુવાનસિંહ પણ તેની સાથે ગયાં. જુવાનસિંહ એક સ્ત્રી સાથે પૂછપરછ કરી રહ્યા હતા એટલે સ્ત્રી મર્યાદાને ધ્યાનમાં રાખીને તેઓએ રમીલાને સાથે રહેવા જણાવ્યું.
“આ અમારા સર જુવાનસિંહ જાડેજા છે…એ તમને થોડાં સવાલો પૂછશે.. તમે યાદ કરીને એનાં જવાબ આપજો” રમીલાએ મિસિસ રબારીને ઉદ્દેશીને કહ્યું. તેણીએ યંત્રવત ગરદન ઝુકાવીને હકારાત્મક સંકેત આપ્યો.
“તમારા પતિનું જેવી રીતે મૃત્યુ થયું છે એ દુઃખદ ઘટનાં છે…પણ જે ચાલ્યું ગયુ છે એ ફરી પાછું નથી આવવાનું..હું તમારી વેદના સમજી શકું છું, તમે જો અત્યારે જવાબ આપવાની સ્થિતિમાં હોવ તો જ જવાબ આપજો…હું તમારા પર દબાણ નથી નાંખતો..” જુવાનસિંહે સાંત્વના આપતાં કહ્યું. મિસિસ રબારીએ ડૂસકું ભર્યું. પછી તૂટક અવાજે તેણે પ્રશ્ન પૂછવા કહ્યું.
“રાત્રે જે ઘટનાં બની હતી એનાં વિશે જણાવો…” જુવાનસિંહે કહ્યું.
“મોડી રાત્રે સવા એક આજુબાજુ ઘરનો દરવાજો ખખડ્યો એટલે હું ઊભી થઈને દરવાજો ખોલવા ગઈ હતી. મેં દરવાજો ખોલ્યો એટલે સામે ઊભેલી વ્યક્તિએ મારા માથા પર ફટકો માર્યો અને ચક્કર ખાયને હું નીચે પડી ગઈ. ત્યારબાદ જ્યારે મારી આંખો ખુલ્લી ત્યારે ઘરનો દરવાજો બંધ હતો. હું ડરી ગઈ હતી. દોડીને હું જયેશને જગાવવા ગઈ…મેં લાઈટો શરૂ કરી તો…”કહેતાં કહેતાં મિસિસ રબારીએ બીજું ડૂસકું ભર્યું.
“આંગતુકે દરવાજો ખખડાવ્યો ત્યારે તમારાં પતિ નહોતાં જાગ્યા અને મોડી રાત્રે કોઈ દરવાજો ખખડાવ્યો તો તમે કોણ છે એમ ના પૂછ્યું ?” જુવાનસિંહે પૂછ્યું.
“જયેશ રાત્રે ઊંઘની ગોળી લઈને સુવે છે અને ઘણીવાર રાત્રે ચોકીદાર ઘરમાં બધું બરાબર છે તેની ખાતરી કરવા આવે છે તો મેં કંઈ વિચાર્યા વિના દરવાજો ખોલ્યો હતો” મિસિસ રબારીએ ચોખવટ પાડતાં કહ્યું.
“ઓહ..” જુવાનસિંહે હુંહકાર ભર્યો.
“આંગતુક આવ્યો એ પહેલાં કોઈ ઘરે આવ્યું હતું ?” જુવાનસિંહે પૂછ્યું, “અને સર ઊંઘની ગોળી લે છે એ વાતની જાણ કોને કોને હતી ?”
“એ શખ્સ પહેલા કોઈ ઘરે નથી આવ્યું અને જયેશ ઊંઘની ગોળી લે છે એ વાત જગજાહેર છે”
“સમજ્યો…ગઈ કાલે એવી કોઈ ઘટનાં બની હતી જે તમને શંકાસ્પદ લાગી હોય ?” જુવાનસિંહે પૂછ્યું.
“જયેશ RTO માં ઓફિસર હતાં અને હું હાયર સેકેન્ડરીમાં શિક્ષક છું..અમે સાંજે જ મળીએ છીએ…આમ તો ગઈ કાલે એવી કોઈ ઘટનાં નહોતી બની પણ ચાર દિવસ પહેલાં જયેશનાં દોસ્તનું મર્ડર થઈ ગયું એટલે એ થોડા પરેશાન હતાં”
“તેનાં દોસ્તનું નામ શું છે ?” જુવાનસિંહે પૂછ્યું.
“રમણિક શેઠ” મિસિસ રબારીએ કહ્યું.
“બરાબર…રમણિક શેઠ વિશે વધુ જણાવો” જુવાનસિંહે વાતનો દોર બદલ્યો.
“હું કોઈ દિવસ એને મળી તો નથી પણ જયેશ ઘણી વાતોમાં તેનો ઉલ્લેખ કરતાં અને જયેશને ફોન પર પણ વાત કરતા હું સાંભળતી”
“સરનો ફોન ક્યાં છે ?”
“સૂતી વેળાએ તો ટેબલ પર રાખ્યો હતો..” મિસિસ રબારીએ કહ્યું.
“અત્યારે ત્યાં નથી…આંગતુક મોબાઈલ સાથે લઈ ગયો હશે..તમે સરનો નંબર આપો અમે ટ્રેક કરીશું” જુવાનસિંહે કહ્યું. મિસિસ રબારીએ નંબર લખાવ્યો. જુવાનસિંહે રમીલાને ઈશારો કરીને નંબર આગળ ફોરવર્ડ કરવા કહ્યું.
“તમને કોઈનાં પર શંકા છે જે આવું કરી શકે ?” જુવાનસિંહે પૂછપરછ આગળ વધારી.
“ના….અમારું નાનું ફેમેલી છે અને અમે સૌ ખૂબ ખુશ હતાં…જયેશની કોઈની સાથે એવી દુશ્મની પણ નહોતી”
“તમારી ફેમેલીમાં કોણ કોણ છે ?”
“અમારે એક દીકરો છે જે હાલ જયેશનાં દાદા-દાદી સાથે મુંબઈ છે”
“સારું.. અત્યાર માટે આટલું રાખીએ…આગળની પૂછપરછ પછી કરીશું” જુવાનસિંહે કહ્યું.
“સારું ભાઈ…” મિસિસ રબારીએ કહ્યું. રમીલા તેઓને સ્ત્રીઓ પાસે લઈ ગઈ. જુવાનસિંહ, હિંમત તરફ ચાલ્યાં.
“ચાનું શું થયું? ” જુવાનસિંહે પૂછ્યું.
“ચાવડા ગયો તો છે..થોડીવારમાં જ આવી જશે” હિંમતે કહ્યું.
“આવી જશે નહિ..આવી ગયો સાહેબ…” પાછળથી ચાવડા બોલ્યો.
સહસા એક સફેદ જીપ દરવાજા પાસે આવીને ઉભી રહી. એકસાથે ચારેય દરવાજા ખુલ્યા અને ચાર લોકો નાઇટ ટ્રેક અને ટીશર્ટમાં ઉતર્યા. ચારેયની ઊંચાઈ સામાન્ય માણસ કરતા સહેજ વધુ હતી, ચારેયની છાતી પણ ફુલાયેલી હતી અને મસલ્સ ઉપસી આવેલા હતા. કહેવાની જરૂર નથી એ જે.જે. રબારીનાં સાથી ઓફિસરો હતાં.
આ તરફ ચાવડાએ કપમાં ચા કાઢીને બધાને વહેંચી હતી. બધાનું ધ્યાન જીપમાંથી ઉતરેલાં ચારેય લોકો પર પડ્યું. ચારેય ચાલીને પોલીસ કાફલા પાસે પહોંચ્યા.
“આ જ કામ કરવા માટે તમે લોકો અહીં આવ્યા છો ?” એક વ્યક્તિએ આગળ ચાલીને ગુસ્સાભર્યા અવાજે કહ્યું, “એક વ્યક્તિનું મર્ડર થઈ ગયું છે, ઉપર તેની લાશ પડી છે અને તમે લોકો અહીં ચાની લિજ્જત માણો છો ?”
એ વ્યક્તિનાં અવાજમાં અહંકારની ગંધ આવતી હતી, સાથે પોલીસતંત્ર તેનાં ડિપાર્ટમેન્ટથી નીચેની કક્ષાનું છે એવું તે જતાવવાની કોશીશ કરતો હતો. એ વ્યક્તિની વાત સાંભળીને ચાવડા ગાજી ગયો. જો જુવાનસિંહે તેને ઈશારો કરીને રોક્યો ના હોત તો તેણે સામેનાં વ્યક્તિને જવાબ આપવાનું મન બનાવી જ લીધું હતું. જુવાનસિંહ હજી શાંત હતાં. તેઓ બે કદમ આગળ ચાલ્યાં અને શાંત સ્વરે કહ્યું,
“તમે સાચી વાત કહો છો…એક વ્યક્તિનું મર્ડર થઈ ગયું છે અને અમે ચા પીઈએ છીએ એ વાત સારી ના કહેવાય…પણ તમારી જાણકારી માટે જણાવી દઉં કે અમે અમારી કાર્યવાહી પુરી કરીને અમારી ફરજ નિભાવી દીધી છે. એમ્બ્યુલન્સની રાહ જોઈએ છીએ અને છેલ્લી ત્રણ કલાકથી કાર્યવાહીમાં વ્યસ્ત હતાં એટલે ચુસ્તી દૂર કરવા અને માઈન્ડ ફ્રેશ કરવા ચા મંગાવી છે. જો તમે કહેતાં હો તો રહેવા દઈએ” જુવાનસિંહે હળવું હસીને કહ્યું. સામેનો વ્યક્તિ ભોંઠો પડ્યો. તેની પાછળ ઉભેલો વ્યક્તિ વચ્ચે આવ્યો,
“ના… ના…ઇન્સ્પેક્ટર તમે તમારે શરૂ રાખો, જયેશ આ ભાઈનો પરમ મિત્ર છે એટલે એ આવેશમાં આવી ગયો છે”
“તમને પહેલાં જોયા નથી, નવા છો ?” ત્રીજો વ્યક્તિ બોલ્યો.
“હા…થોડા દિવસ પહેલાં જ બાપુનગરમાં મારું ટ્રાન્સફર થયું છે” જુવાનસિંહે કહ્યું.
“ઓહ..તો તમે જ જુવાનસિંહ જાડેજા એમને..” એ વ્યક્તિએ ચમકીને કહ્યું, “તમારાં વિશે જયેશનાં મોઢે ઘણુંબધું સાંભળ્યું છે. રમણિક શેઠનો મર્ડર કેસ તમારા અન્ડર જ છે ને…હું સત્યજિતસિંહ, હમણાં તમારી સાથે ગરમ થઈને વાત કરતો હતો એ રણજિતસિંહ છે અને આ બંને ભાઈ શિવભદ્રસિંહ અને શક્તિસિંહ…અમે લોકો જયેશની સાથે RTO પોલીસમાં જ સર્વિસ કરીએ છીએ.. અફસોસ કરતાં હતાં, હવે જયેશ નથી રહ્યો”
“માફી ચાહું જુવાનસિંહ, મેં વાતને જાણ્યા વગર તમારી સાથે ગેરવર્તુણક કરી” રણજીતસિંહે છોભિલા અવાજે કહ્યું.
“ઇટ્સ ઑકે ઑફિસર…તમારા મિત્રનું ખૂન થયું છે એટલે તમારાં શું વિતતી હશે એ હું સમજી શકું છું” જુવાનસિંહે કહ્યું.
સહસા એમ્બ્યુલન્સનાં સાયરનનો અવાજ બધાનાં કાને પડ્યો.
“રણજીત…જીપ આગળ લઈ લે” સત્યજીતે, રણજિતનાં હાથમાં ચાવી પકડાવતાં કહ્યું. રણજીતે બહાર જઈને જીપ આગળ લઈ લીધી. એમ્બ્યુલન્સ એપાર્ટમેન્ટનાં દરવાજા સુધી આવી, તેમાંથી એક ડોક્ટર અને બે કમ્પાઉન્ડર ઉતર્યા.
“હેલ્લો ઇન્સ્પેક્ટર…તમારી કાર્યવાહી પુરી થઈ ગઈ હોય તો ડેડબોડીને અમે પોસ્ટમોર્ટમ માટે લઈ જઈએ ?” ડોક્ટરે જુવાનસિંહ નજીક આવીને પૂછ્યું.
“હા, અમે તમારી જ રાહ જોઈ રહ્યા હતાં…આવો હું તમને ડેડબોડી સુધી લઇ જાવ” જુવાનસિંહે કહ્યું. જુવાનસિંહ અને ડોક્ટર આગળ ચાલ્યાં. તેની પાછળ બંને કમ્પાઉન્ડર હાથમાં સ્ટ્રેચર લઈને ચાલ્યાં. ડેડબોડીને સ્ટ્રેચર દ્વારા એમ્બ્યુલન્સમાં લાવવામાં આવી. કમ્પાઉન્ડરે દરવાજો ખેંચ્યો, ધડામમમ..ના અવાજથી દરવાજો બંધ થયો. એમ્બ્યુલન્સ સાયરન વગાડતી વગાડતી નીકળી ગઈ.
“જુવાનસિંહ, આ બધું કેવી રીતે થયું એ જાણવા મળ્યું કે નહીં ?” એમ્બ્યુલન્સ ગઈ એટલે સત્યજીતે પૂછ્યું.
“હા.., મિસિસ રબારીને બેહોશ કરીને ખૂની ઘરમાં પ્રવેશ્યો હતો. જે.જે. રબારી ઊંઘની ગોળી લેતાં એટલે તેઓ ઊંઘમાં જ હતાં ત્યારે તેઓની છાતી પર તીક્ષ્ણ હથિયાર વડે વાર કરવામાં આવ્યો છે” જુવાનસિંહે કહ્યું.
“ખૂનીનાં કોઈ સબુત મળ્યા છે ?” સત્યજીતે પૂછ્યું.
“હા પણ અને ના પણ…” જુવાનસિંહે કહ્યું, “જે.જે. રબારી સિગરેટ પીતા હતાં અને જો હા, તો કંઈ બ્રાન્ડની ?”
“હા, એ ફોર સ્ક્વેર પીતો” સત્યજીતે કહ્યું.
“તેઓનાં બેડની સાઈડના અમને ‘માઇલ્સ’ સિગરેટનું ટિપિંગ પેપર મળ્યું છે અને જાણવા જેવી વાત એ છે કે રમણિક શેઠનાં મૃતદેહ પાસે પણ આ જ બ્રાન્ડનું ટિપિંગ પેપર મળ્યું હતું”
“તમારો કહેવાનો મતલબ એમ છે કે જેણે રમણિક શેઠની હત્યા કરી છે, એ જ જયેશનો હત્યારો છે ?”
“હા, તમે એ બંને વચ્ચેની લિંક જણાવશો તો અમને મદદ થશે” જુવાનસિંહે કહ્યું.
“રમણિક શેઠને તો અમે કોઈ દિવસ મળ્યા નથી અને ફોન પર પણ કોઈ દિવસ વાત નથી કરી, જયેશ ઘણીવાર તેઓનાં નામનો ઉલ્લેખ કરતો” સત્યજીતે કહ્યું.
“જે.જે. રબારીનાં એ ખાસ મિત્ર હતા એવું અમને જાણવા મળ્યું છે પણ એનાં વિશે નથી તમને ખબર કે નથી તેઓની પત્નીને…આ વાત તમને અજુગતી નથી લાગતી ?”
“આપણી નોકરીમાં સાઈડ ધંધો પણ થઈ શકે છે એ તો તમે જાણતા જ હશો…જયેશે કદાચ રમણિક શેઠનાં સોનામાં પોતાનાં રૂપિયા રોક્યા હશે, ઘણીવાર સોનાની ડિલ વિશે વાત કરતા મેં તેને સાંભળેલો..પણ અમે એકબીજાનાં ધંધામાં માથું નથી મારતા એટલે અમે પૂછેલું નહિ” સત્યજીતે કહ્યું.
“સારું, કેસમાં આગળ પ્રોગ્રેસ થશે એટલે તમને જાણ કરવામાં આવશે” જુવાનસિંહે કહ્યું, “અમને રજા આપો”
બધાએ શેકડેન્ડ કર્યા, પછી પોલીસ પૂરો કાફલો સ્ટેશન તરફ રવાના થઈ ગયો.
(ક્રમશઃ)