Officer Sheldon - 4 books and stories free download online pdf in Gujarati

ઓફિસર શેલ્ડન - 4

( ઓફીસર શેલ્ડન અને તેમની ટીમ ડાર્વિનના બેડરૂમમાં લાગેલી આગ અને તેમાં તેના મૃત્યુની તપાસ કરી રહી છે.. હવે વધુ આગળ.. )

હેનરી : સર તમને કઈ અજુગતું નથી લાગતું ?

શેલ્ડન : કેમ તમને શું અજુગતું લાગ્યું !!! ( ખુરશી પર બેસતા ઓફિસર શેલ્ડન બંને જુનિયર ઓફિસરોને પૂછે છે. બંને જુનીયર ઓફિસર તેમની સામે ખુરશીમાં ગોઠવાઈ જાય છે.)

હેનરી : આમ અચાનક કોઈના બેડરૂમમાં આગ લાગે અને તેમાં તેનું મૃત્યુ થાય એ વાત મારા માનવામાં આવતી નથી. જ્યારે આગ લાગી ત્યારે તેને બચવાના કોઇ પ્રયાસ ન કર્યા હોય !! ન એની મદદે કોઈ આવ્યુ. અને વળી ઘરનો નોકર પણ એ જ સમયે બહાર ખરીદી કરવા ગયો હતો.

માર્ટીન : હા સર , આમ જાણે કે બધું એકદમ સરળ લાગી રહ્યું છે એટલુ કદાચ છે નહિ.

શેલ્ડન : પોલ એ નોકર જે જગ્યાએ ખરીદી કરવા ગયો હતો તે જગ્યાના સીસીટીવી ફૂટેજ એકવાર તપાસો.જુઓ એ સાચું કહે છે કે નહીં. અને આ ડાર્વિનનો પૂરો રેકોર્ડ કઢાવો. છેલ્લા દિવસોમાં એ ક્યાં હતો ,કોને મળ્યો, પૈસાની લેવડદેવડ હોય તો એ બધું તપાસો. હેનરી તુ એક વાર સેંચુરિયન જઈ આવ . ડાર્વિનનો નાનો ભાઇ મિસ્ટર વિલ્સન સ્ટોક્સ વિશે માહિતી એકઠી કર. બંને ભાઈઓ વચ્ચે કેવો સંબંધ હતો તે પણ તપાસો.


જી સર અને બંને ઓફીસર તપાસ માટે નીકળી પડી છે.


ઓફીસર શેલ્ડન હવે ઘટના સ્થળના બધા ફોટોગ્રાફ્સનુ અવલોકન કરવા બેસે છે. રૂમમાં બધુ જ બળી ગયુ હતુ પરંતુ આગ આસપાસ ક્યાંય પ્રસરી ન હતી. કિચન નજીકમાં જ હતુ પરંતુ ત્યાં બધુ સલામત હતુ. મકાનના મુખ્ય દરવાજાને કોઈ પણ પ્રકારનુ નુકસાન થયુ ન હતુ અને નોકરના કહેવા પ્રમાણે એ જયારે આવ્યો ત્યારે મકાનનો મુખ્ય દરવાજો લૉક હતો જેને તેણે પોતાની પાસેની ચાવીથી ખોલ્યો હતો. એનો અર્થ એમ થયો કે ડાર્વિન અંદરથી મકાન બંધ કરીને બેઠો હશે . તેથી નોકર સિવાય બીજુ કોઈ અંદર આવી શકે એવી કોઈપણ શક્યતા ન હતી. ઓફીસર શેલ્ડનને એ વાતથી પણ આશ્વર્ય થયુ કે ડેડબોડી જ્યારે મળી ત્યારે તે સોફા ઉપર ઢળીને બેઠેલી હાલતમાં હતી. સામાન્ય અનુમાન પ્રમાણે જયારે રૂમમાં આગ લાગી હોય તો વ્યક્તિ આમતેમ ભાગવાનો પ્રયાસ કરે કે ત્યાંથી બહાર નીકળવાનો પ્રયત્ન જરૂર કરે . આ કેસમાં ડાર્વિને આમ કંઈ કેમ ન કર્યુ એ પણ આશ્વર્ય જન્માવે એમ હતુ. એણે કેફી દ્રવ્યનુ સેવન કર્યુ હોય અને નશાની હાલતમાં એ શું થઈ રહ્યુ છે એ ન સમજી શક્યો હોય એમ પણ બને.. કોણ જાણે કેમ પણ શેલ્ડનના મનમાં ઘટનાઓ બંધ બેસતી ન હતી.

ત્યારે જ ઓફીસર શેલ્ડનને ફોન આવે છે . ડૉક્ટર ફ્રાન્સિસ તેમને તુરંત ફોરેન્સિક લેબમાં આવવા જણાવે છે.

શેલ્ડન : શું થયુ ડૉક્ટર આમ અચાનક તાત્કાલિક મને અહીં બોલાવ્યો ?

ફ્રાન્સિસ : શેલ્ડન બેસ. હું તને કંઇક બતાવવા ઇચ્છુ છુ. ઘટનાને જોઈને તારુ પ્રાથમિક તારણ શું કહે છે ?

શેલ્ડન : ફ્રાન્સિસ મને આ આગ માત્ર શોર્ટ સર્કિટના કારણે લાગી હોય અને એમાં ડાર્વિનનુ મોત થયુ હોય એવુ માનવામાં આવતુ નથી...

ફ્રાન્સિસ : તારુ અનુમાન કદાચ સાચુ હોઇ શકે શેલ્ડન..

ઓફિસર શેલ્ડન આશ્ચર્યથી ડોક્ટર ની સામે જુએ છે.. એટલે તું શું કહેવા માંગે છે એ વિસ્તારથી કહે.

ફ્રાન્સિસ : જો શેલ્ડન સૌથી પહેલા તો આ બોડી જે અવસ્થામાં મળી એ જ ક્ષણે મને લાગ્યુ હતુ કે ચોક્ક્સ કંઈ ગરબડ છે. તુ તો જાણે જ છે કે સોફા ઉપર ઢળીને બેઠલ હાલતમાં આપણને આ બોડી મળી હતી. એનો અર્થ એ થયો કે આગ લાગી ત્યારે આને ભાગવાનો પ્રયત્ન કર્યો જ નહોતો. અને કદાચ અર્થ એ પણ થાય કે એ પહેલેથી જ એ મૃત હોય!!!

શેલ્ડન : હા ડોકટર એ તો મેં પણ વિચાર્યું . પણ નશાની હાલતમાં ક્યારેક પરિસ્થિતિનુ ભાન નથી રહેતુ એમ પણ હોઇ શકે ને ? એના બ્લડ રિપોર્ટમાં કઈં આવ્યુ ?

ફ્રાન્સિસ : હા એમ બની શકે .. બ્લડ સેમ્પલ હજી લઈ શકાયુ નથી કારણ કે આ બોડી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. રૂલ ઓફ નાઈન પ્રમાણે આ ૧૦૦ ટકા બર્ન્સ છે. ( રૂલ ઓફ નાઇન એ આગ લાગ્યા પછી એ કેટલા પ્રમાણમાં લાગી છે એણે માપવા માટેનુ એક ટૂલ છે. તેમાં શરીરના વિવિધ હિસ્સાને અલગ અલગ ટકાવારી આપવામાં આવી છે અને પછી કયો કયો ભાગ આગથી નુકસાન પામ્યો છે એનો સરવાળો કરી ૧૦૦ માંથી કેટલા ટકા બોડીને અસર થઈ છે એ ગણતરી કરવામાં આવે છે.તેના આધારે બર્ન્સ સમાન્ય , મધ્યમ કે તીવ્ર છે એ જાણી શકાય છે .) તેમ છતા એક વાત ઘ્યાન આપવા જેવી છે.


શેલ્ડન : શું ડોકટર ?

ફ્રાન્સિસ : શેલ્ડન જો. આના મોઢામાંથી રાખના કોઈ અવશેષ મને મળ્યા નથી.સામાન્ય રીતે વ્યક્તિ જો આગ લાગે ત્યારે જીવતી હોય પછી ભલે એ તંદ્રા અવસ્થમાં હોય કે નશામાં એણે ઓક્સિજન સપ્લાય ઘટવાથી એ મોઢું ખોલીને શ્વાસ લેવાનો પ્રયત્ન કરે છે એ દરમ્યાન જરૂરથી એના મોઢામાં રાખના અવશેષ જોવા મળે જ.બર્ન્સ બોડીમાં Pugilistic attitude (પુજીલિસ્તિક ) એટલે બોકસર જેવી શરીરની અવસ્થા જોવા મળે છે. આગના લીધે શરીરના વિવિધ કોષો અને સ્નાયુઓ સંકોચાઈ જાય છે અને તેથી કોણી, ઘૂંટણ અને મુઠ્ઠીઓ જાણે બોક્સર વિરોધીનો ઘા રોકવા માટે જેમ કરે છે એવા થઈ જાય છે. આ ડેડબોડીમાં Pugilistic attitude તો છે પરંતુ મોઢામાં રાખના અવશેષ નથી. જે કદાચ વ્યક્તિ આગ લાગતા પહેલા જ મૃત્યુ પામી હતી એ દિશામાં આંગળી ચીંધી રહ્યા છે.

ઓફીસર શેલ્ડન અને ડોકટર ફ્રાન્સિસ બંને એકબીજા સામે જોઈ રહે છે....

( શું ડાર્વિન આગ લાગતા પહેલા જ મૃત્યુ પામ્યો હતો ? તો શું આ કોઈ હત્યાનો કેસ હતો ? વધુ આવતા અંકે....)