Officer Sheldon - 7 books and stories free download online pdf in Gujarati

ઓફિસર શેલ્ડન - 7

( ડોકટર ફ્રાન્સિસ ડાર્વિનનુ મોત આગ લાગતા પહેલા જ થઈ ગયુ હતુ એમ ચોક્કસપણે કહે છે.હવે ઓફીસર શેલ્ડન અને તેમની ટીમ ડાર્વિનના મોતને એક હત્યાના કેસ તરીકે તપાસી રહ્યા છે. )હવે આગળ જોઈએ...

શેલ્ડન ફોરેન્સિક લેબોરેટરીમાંથી પોલીસ મથકમાં પાછા આવે છે. ત્યારે નોકર પોલને પહેલાથી જ હેનરીએ પૂછપરછ માટે બોલાવી રાખ્યો છે.

શેલ્ડન : તો તુ ડાર્વિનના ઘરે કેટલા સમયથી કામ કરે છે ?

પોલ : સર લગભગ ૨ વરસ જેવુ થવા આવ્યુ હશે.

શેલ્ડન : તો પછી તુ ડાર્વિનના દરેક સગા, પાડોશીઓ , મિત્રો વગેરેથી વાકેફ જ હોઈશ.

પોલ : સર મોટાભાગના વિશે તો હું જાણુ જ છુ.

શેલ્ડન : તો એમ કહે કે ડાર્વિનના પાડોશીઓ સાથે સંબંધ કેવા હતા ? ક્યારેક એમની વચ્ચે કોઈ ઝઘડો થયો હોય બીજી કોઈ બાબતે બોલાચાલી થઈ હોય એવું ખરુ ?

પોલ : ના સર, એમના તો પાડોશીઓ સાથે ખૂબ જ મધુર સંબંધો હતા. વાર-તહેવારે એકબીજાને તેઓ અચૂક પણે મળતા. ઝઘડો કે બોલાચાલી એવુ તો કાંઈ થયું નથી.

શેલ્ડન : આ સિવાય બીજા કોઈ સાથે બોલાચાલી કે ઝઘડો થયો હોય ? ખેતીમાં કોઈ નુકસાન થયુ હોય ?

પોલ: બીજા કોઈ સાથે તો નહીં પરંતુ મેં જેમ કીધું એમ મિસ્ટર વિલ્સન સાથે સંપતિના ભાગ પાડવા બાબતે ક્યારેક બોલચાલ થતી. આ સિવાય તો મેં ક્યારેય તેમને કોઈની સાથે ઝઘડતા જોયા નથી.

શેલ્ડન : છેલ્લા એકાદ વર્ષમાં કે છેલ્લા થોડા મહિનાઓમાં ક્યારેય તારા માલિક ઉપર કોઈએ હુમલો કર્યો હોય કે જાન જતા બચી હોય એવી કોઈ ઘટના ?

પોલ : એવી તો કોઈ ઘટના થઈ નથી. હા ૪ મહિના પહેલા તેમનો સડક અકસ્માત થયો હતો. એ ગાડીમાં બેસીને જઈ રહ્યા હતા અને એક બસ સાથે ગાડી ભટકાઈ હતી. જોકે તેમાં તેમને સામાન્ય ઈજા આવી હતી. કદાચ એકાદ હાડકુ તૂટી ગયુ હતુ અને દાંતમાં કંઈક નુકસાન થયુ હતુ. જોકે પ્રાથમિક સારવાર બાદ તેઓ ઘરે આવી ગયા હતા અને થોડો સમય ઘરે આરામ કરવાથી એમને સારુ થઈ ગયુ હતુ. બાકી તો બીજી કોઈ ઘટના થઈ નથી.

શેલ્ડન : ઠીક છે. છેલ્લા અઠવાડિયામાં ડાર્વિનને કોઇ મળવા આવ્યુ હતુ ?

પોલ : એક તો મિસ્ટર વિલ્સન સ્ટોક્સ આવ્યા હતા જેમ તેઓ દર અઠવાડિયે આવે છે મળવા એવી રીતે. બાકી તો... હા તેમના ખાનદાની વકીલ એડવોકેટ જ્યોર્જ એમને ગયા અઠવાડિયે મળવા આવ્યા હતા.જોકે તેમની વચ્ચે શુ ચર્ચા થઈ એનો મને ખ્યાલ નથી..

શેલ્ડન : ઠીક.. અને તુ પાક્કુ તે સવારે બજારમાં ખરીદી કરવા ગયો હતો ?

પોલ : હા સર તમે મારા પર વિશ્વાસ કેમ નથી કરતા !! એમ હોય તો તમે સુપરમાર્કેટના કોઈ કર્મચારીને પૂછી લો..

શેલ્ડન : હા અમે એ ચોક્કસ કરીશુ જ. આશા રાખુ છુ કે પાછળથી કોઈ નવા તથ્યો બહાર ન આવે ..

પોલ : સર હું સાચુ જ કહુ છુ..

શેલ્ડન : હમમમ... આ ગેરેજમાં વપરાય તે ઓઇલ ઘરમાં ક્યા રાખ્યુ છે ?

પોલ ચોંકી જાય છે .. : ઘરમાં ક્યાંથી ગેરેજમા વપરાતુ ઓઇલ હોઈ શકે !!! હા ઘરની પાછળ એક નાનકડુ ગેરેજ છે. માલિક ઘણીવાર કારની નાની-મોટી મરમ્મત ગેરેજમા કરી લેતા. ત્યાં બની શકે કે ઓઈલ હોય.

શેલ્ડન : સારુ તુ હમણા જઈ શકે છે..જરૂર પડશે તો ફરી બોલાવીશુ...

હકારમા માથુ ધુણાવી પોલ ત્યાંથી જાય છે..


હેનરી : સર આ અગ્નિશામક તંત્રનો ફાઈનલ રિપોર્ટ આવી ગયો છે. એમના હિસાબથી શોર્ટ-સર્કિટ તો બેડરૂમમાં ચોક્ક્સ થયો છે. પરંતુ રૂમના વાયરીંગ તપાસતા એ વાયરીંગ સાથે છેડછાડ થઈ છે અને તેના કારણે જ બેડરૂમમાં આગ લાગી છે. એ સાથે તેમને રૂમમાં કોઈ જવલનશીલ પ્રવાહી મળ્યું છે અને તેના કારણે આ આગ ખૂબ જ જલ્દી પ્રસરી ગઇ છે.

માર્ટીન : સર આ ઉપરથી એક વાત તો હવે બિલકુલ સ્પષ્ટ થઈ ગઈ છે કે ડાર્વિનનુ મોત એ કોઇ આકસ્મિક ઘટના નથી અને તે ચોક્કસપણે હત્યાનો ગુનો છે અને આ ગુનાને ઢાંકવા માટે આગ લગાડવામાં આવી છે.


શેલ્ડન : હેનરી આ એડવોકેટ જ્યોર્જને કાલે પોલીસ સ્ટેશનમાં બોલાવ. જાણીએ તો ખરા કે ગયા અઠવાડિયે આ ડાર્વિનને મળવા માટે કેમ ગયો હતો !!


શેલ્ડન : માર્ટીન એક કામ કર. આ ડાર્વિનનો અક્સ્માત થયો ત્યારે તેને જે પ્રાથમિક સારવાર કેન્દ્રમાં સારવાર લીધી હતી ત્યાં એનો મેડિકલ રિપોર્ટ હશે જ. ત્યાંના ડોક્ટર સાથે વાત કરી એ રીપોર્ટ કોઈપણ રીતે મેળવી શકાય એવો પ્રયત્ન કર. ભવિષ્યમાં કામ લાગશે.


માર્ટીન : જી સર.


શેલ્ડન : મિસ્ટર વિલ્સન સ્ટોક્સને પણ બોલાવવાનો હવે સમય આવી ગયો છે.


( આ આગ આકસ્મિક લાગી નહોતી અને ડાર્વિનની હત્યા થઈ છે એ ઓફીસર શેલ્ડન અને તેમની ટીમ કેવી રીતે સાબિત કરશે ? વધુ આવતા અંકે )