Mohru - 2 books and stories free download online pdf in Gujarati

મહોરું - 2

( પ્રકરણ : ર )

કોઈપણ જાતના વાંક-ગુના વિના દુબઈની જેલની એક કોટડીમાં પહોંચી ગયેલી ભારતની નિર્દોષ યુવતી કલગીની હાલત કફોડી હતી. તે મનોમન ગભરાયેલી હતી, પણ બહારથી તેણે હિંમત જાળવી રાખી હતી અને હજુ સુધી રડી નહોતી. તેના ડેડી હંમેશાં કહેતા હતા કે, ‘ડરપોક અને નિષ્ફળ લોકો રડે છે, બહાદુર અને સફળ લોકો કદી આંસુ સારતા નથી,’ અને એટલે હજુ સુધી તેણે આંખના બાંધ જાળવી રાખ્યા હતા.

તેના કાને પગલાંનો અવાજ પડયો ને તે વિચારોમાંથી બહાર આવી. તેણે જોયું તો તેને હૉસ્પિટલમાંથી ખેંચીને અહીં પટકી જનાર પેલી જ બે મહિલા પોલીસ આવી પહોંચી હતી.

એમની સાથે પેલી હૉસ્પિટલની લેડી ડૉકટર કે જેણે તેને સારવાર આપીને અહીં મોકલી હતી એ પણ હતી.

બન્નેમાંથી એક મહિલા પોલીસે આગળ વધીને દરવાજો ખોલ્યો.

લેડી ડૉકટર અંદર આવી એટલે એે મહિલા પોલીસે પાછો દરવાજો બંધ કરી દીધો.

લેડી ડૉકટરે ઈશારો કર્યો ને એ બન્ને મહિલા પોલીસ દરવાજા પાસેથી હટી ગઈ.

લેડી ડૉકટરે બેઠક લેતાં કલગીને અંગ્રેજી ભાષામાં કહ્યું : ‘મારું નામ બુશરા છે.’

‘અને મારું નામ કલગી છે.’ ‘હા,’ ડૉકટર બુશરા બોલી :

‘આપણે એ જ તો શોધી કાઢવાનું છે કે, તું અસલમાં કોણ છે ?! કલગી કે તોરલ ?!’

‘મને.. મને સારી રીતના ખબર છે કે હું કોણ છું !’ કલગી રોષભેર બોલી : ‘શું તમને એવું લાગે છે કે કે, હું કોઈ પાગલ છું ?’

‘ના !’ ડૉકટર બુશરા બોલી : ‘હું માનસિક રોગોની ડૉકટર છું. હું તારી બોલ-ચાલ પરથી ઘણી વાતનું તારણ કાઢી શકું છું. હું સમજી શકું છું, તું પાગલ નથી !’ ‘તો પછી શા માટે તમે મારી વાત માનતા નથી ?’ કલગી  બોલી : ‘શા માટે તમે લોકોએ મને વાંક-ગુના વિના પકડીને જેલ...’

‘...હું એ જાણવા જ તો આવી છું કે, તું ગુનેગાર છે કે, નિર્દોષ !’ ડૉકટર બુશરા બોલી : ‘તું બેસ અને મને તારી સાથે જે કંઈ બન્યું એ કહે. તું ભારતની ધરતી પરથી નીકળી અને અહીં પહોંચી ત્યાં સુધીની ઝીણામાં ઝીણી વાતઅચલે કહ્યું : ‘હું તને ચાહું છું, કલગી, પણ દુબઈ આપણાં દેશથી દૂર છે અને ત્યાં જવું સલામત પણ નથી.’

ને વિગત કહી સંભળાવ.’

અને ડૉકટર બુશરાની આ વાત સાંભળીને કલગી ડૉકટર બુશરા સામે બેઠી. તેણે એક ઊંડો શ્વાસ લીધો. ‘મારી સાથે જે કંઈ પણ બન્યું એની શરૂઆત પાંચ દિવસ પહેલાં થઈ હતી.’ અને આ સાથે જ કલગીની નજર સામે પાંચ દિવસ પહેલાંનું એ દૃશ્ય તરવરી ઊઠયું અને એ દૃશ્યને એ એવી રીતના વર્ણવવા માંડી કે ડૉકટર બુશરા પણ એ વખતે કલગી સાથે હાજર હોય એમ એની નજર સામે પણ એ દૃશ્ય દેખાવા લાગ્યું.

કલગી મુંબઈના એક ‘કૉફી શોપ’ના ખૂણાના ટેબલ પર બેઠી હતી અને કૉમ્પ્યુટર-લેપટોપમાં લાગેલા વાયરસને ઠીક કરી રહી હતી. તેની બાજુમાં ફિલ્મી હીરો જેવો હેન્ડસમ યુવાન બેઠો હતો. ‘લે, જો, અચલ, તારું લેપટોપ ઠીક થઈ ગયું !’ કહેતાં કલગીએ લેપટોપ અચલ તરફ ફેરવ્યું.

‘કલગી !’ અચલે સ્ક્રીન પર નજર નાંખતા કહ્યું : ‘ખરેખર તું જિનીયસ છે !’

‘નહિ !’ કલગી બોલી : ‘આ તો મારું કામ છે.’

‘પણ તારા જેવું કામ કૉમ્પ્યુટરના કેટલા એકસપર્ટ કરી શકે છે ?’ અચલ બોલ્યો.

‘હા, અને એટલે જ મને દુબઈની સોહા ઈન્ટરનેશનલ કંપનીમાં કામ મળ્યું છે.’ કલગીએ પર્સમાંથી બે એરટિકિટ કાઢી : મેં તારી ટિકિટ પણ મંગાવી છે.’

‘ના ! હું મારો દેશ છોડીને કયાંય જવા માગતો નથી.’

‘એટલે તું એમ કહેવા માગે છે કે, હું એકલી જાઉં ?’

‘કલગી ! તું મારી વાતને કેમ સમજતી નથી ?’ અચલે કલગીનો ગોરો-કોમળ હાથ પોતાના હાથમાં લીધો : ‘હું તને ચાહું છું, કલગી, પણ દુબઈ આપણાં દેશથી દૂર છે અને ત્યાં જવું સલામત પણ નથી.’

‘..ના-ના ! મેં તપાસ કરી છે. ત્યાં એવું કંઈ નથી.’

‘પણ તારું તો ત્યાં કામ છે. પણ ત્યાં આવીને હું શું કરીશ ?’ ‘ત્યાં હું હોઈશ ને !’ કલગી અચલની આંખોમાં જોતાં બોલી.

અચલ મોઢું ફેરવી ગયો.

‘અચલ ! હું આ નિરસ જિંદગીથી કંટાળી છું. હું કંઈક નવું કરવા માગું છું. દુનિયા જોવા માગું છું.’ બોલતાં કલગી ઊભી થઈ. તેણે અચલની એરટિકિટ ટેબલ પર મૂકી : ‘જો સાંભળ ! આ તારી ટિકિટ છે. હું કાલે એરપોર્ટ પર તારી વાટ જોઈશ. જો તું નહિ આવે તો હું સમજી જઈશ કે તને મારાથી પ્રેમ નથી.’ અને કલગી ત્યાંથી આગળ વધી જવા ગઈ ત્યાં જ અચલે તેનો હાથ પકડી લઈને રોકી : ‘તું મારી વાત સાંભળ ! આ પાગલપણું છે ! તને ખબર છે, કલગી, તું આ નિર્ણય લઈને તારી જાતને મુશ્કેલીમાં મૂકી રહી છે. તારા જેવી યુવતી પરાયા દેશમાં...’

‘હું નીકળું છું.’ કલગીએ અચલના હાથમાંથી પોતાનો હાથ સેરવ્યો : ‘કાલે તારી વાટ જોઈશ. હું તને મોબાઈલ નહિ કરું. તું નહિ આવે તો હું એકલી દુબઈ માટે ઊડી જઈશ.’ અને કલગી ત્યાંથી દરવાજા તરફ આગળ વધી ગઈ.

‘કલગી ! કલગી !’ અચલે કલગીને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ કલગી રોકાઈ નહિ.

કલગી એકવાર જે કરવાનું-મેળવવાનું નક્કી કરતી એ કરી મેળવીને જ જંપતી. એ અચલના કહેવાથી રોકાય એમ નહોતી.

જોકે, કલગીને ભરોસો હતો, તેનાથી ત્રણ વરસ મોટો, બૅન્કમાં કામ કરતો અચલ હમણાં એક વરસથી તેના સંપર્કમાં આવ્યો હતો અને તેના દિલમાં વસી ગયો હતો. તે અચલને જેમ પ્યાર કરતી હતી એમ અચલ પણ તેને ચાહતો હતો. અચલ તેને એકલી દુબઈ નહિ જ જવા દે. મને કે કમને પણ અચલ તેની સાથે આવશે-આવશે ને આવશે એવી તેને ખાતરી હતી.

‘અચલ આવશે જ!’ એવી કલગીની ધારણા ભાંગીને ભુક્કો થઈ રહી હતી. કલગી એરપોર્ટ પર બેઠી હતી. તેની દુબઈની ફલાઈટ તૈયાર હતી. પણ હજુ સુધી અચલ આવ્યો નહોતો. તેના નામનો ફાઈનલ કૉલ સ્પીકરમાં ગૂંજ્યો. તે એક નિશ્વાસ સાથે ઊભી થઈ અને દુબઈના પ્લેનમાં એકલી જ સવાર થઈ જવા માટે લાંબા ડગ ભરતી આગળ વધી ગઈ !

કલગીના પ્લેને ટેક ઑફ કર્યું અને દુબઈ તરફ ઊડવા માંડયું ત્યાર સુધીમાં તે નોર્મલ થઈ ગઈ. તેણે લેપટોપ ખોલ્યું અને એમાં કામ કરવા માંડી.

‘મને ખબર નથી પડતી કે, આ હવામાં ઈન્ટરનેટ વગેરે કેવી રીતના ચાલે છે?!’ કલગીના કાનમાં અવાજ ગૂંજ્યો ને તેણે જોયું તો રૂપાળી એરહોસ્ટેસ તેની પાસે ઊભી હતી ને અંગ્રેજીમાં તેની સાથે વાત કરી રહી હતી.

‘આ ટેકનિકલ છે.’ કલગી પણ અંગ્રેજીમાં બોલી: ‘પણ આપણે આને જાદૂ કહી શકીએ.’ ‘હા, ખરેખર આ જાદૂ જ છે.’ એરહોસ્ટેસ બોલી એટલે એના શર્ટ પર લગાવેલી એના નામની પટ્ટી કલગીએ! તમારું નામ સારું છો !’

‘થૅન્કયૂ !’ રોકસાના બોલી: ‘હું દુબઈની છું. શું તમે પહેલીવાર દુબઈ જઈ રહ્યા છો ?’ ‘હા.’ કલગી બોલી : ‘હું નોકરી માટે જઈ રહી છું !’

‘સરસ! ત્યાં ઘણું-બધું જોવાનું છે.’ રોકસાના બોલી:

પણ તમે ‘કાફે દુબઈ’માં ખાસ જજો. એ ખૂબ જ સારી જગ્યા છે. જ્યારે હું ઊડતી ન હોઉં ત્યારે રાતે આ કાફેની મુલાકાત અચૂક લઉં છું.’

‘કાફે દુબઈ !’ કલગી હસીઃ

‘ઠીક છે-હું જરૂર ત્યાં જઈશ.’

ને કલગીએ રોકસાના તરફ હાથ લંબાવ્યો : ‘મારું નામ કલગી છે.’

‘કલગી !’ બોલતાં રોકસાનાએ કલગી સાથે હાથ મિલાવ્યો અને પછી પોતાના કાંડા પર પહેરાયેલું, લીલા નંગવાળું બ્રેસલેટ કાઢયું : ‘તમે પહેલીવાર દુબઈ જઈ રહ્યાં છો ને, એટલે આ મારા તરફથી.’

‘ના-ના !’ કલગી બોલી : ‘હું આવી કીમતી વસ્તુ ન લઈ શકું.’ રોકસાના હસી : ‘આ બ્રેસલેટ કીમતી છે અને નથી પણ...!’ ‘એટલે. ? !’

‘એટલે કે, આ બ્રેસલેટ ખાસ મોંઘું નથી. પણ એ કીમતી એ રીતના છે કે, હું એવું માનું છું કે આ બ્રેસલેટ બૂરી નજર અને બદનસીબથી બચાવે છે.’

‘...એમ !’ કહેતાં કલગીએ પોતાના કાંડા પર બ્રેસલેટ પહેર્યું. ‘દુબઈમાં જેવું દેખાય છે, એવું હોતું નથી.’ રોકસાના બોલીઃ ‘એટલે ત્યાં સાચવીને રહેજો.’ ‘થૅન્કયૂ !’ કલગી બોલી,

એટલે એક સ્મિત સાથે રોકસાના ત્યાંથી આગળ વધી ગઈ.

કલગી હાથમાં પહેરાયેલા બ્રેસલેટને જોઈ રહી.

કલગી દુબઈના એરપોર્ટ પર ઊતરી અને પાસપોર્ટ વગેરે ચેક કરતા કાઉન્ટર પર પહોંચી. તેનો નંબર આવ્યો, એટલે તેણે પાસપોર્ટ આપ્યો. ઑફિસરે કૉમ્પ્યુટર વગેરેમાં એન્ટ્રીઓ કરી, સહીસિક્કા કરીને પાસપોર્ટ પાછો આપ્યો. કલગીએ પાસપોર્ટ જોયો અને ચોંકી : ‘સર ! આમાં તો તમે ‘ટુરિસ્ટ’ લખ્યું છે, પણ હું તો ‘વર્ક વિઝા’ પર આવી છું.’ ‘વર્ક વિઝા નથી.’ ઑફિસર બોલ્યો : ‘તમારો પાસપોર્ટ વહેલો એકસપાયર થાય છે.’ અને ઑફિસરે બૂમ પાડી : ‘નેકસ્ટ !’ ‘ના-ના મારી વાત સાંભળો.’ કલગી અધીરા અવાજે બોલીઃ ‘હું ઈન્ડિયાથી વર્ક વિઝા પર જ...’

‘...ઈન્ડિયન એમ્બસી જાવ અને ત્યાંથી નવો પાસપોર્ટ લો, એ પછી જ વાત !’ ઑફિસરે કહ્યું ‘પ્લીઝ ! તમે બીજાને આગળ આવવા દો.’

કલગી નિશ્વાસ નાખતા ત્યાંથી આગળ વધી ગઈ. તે સામાન સાથે એરપોર્ટની બહાર નીકળી. ‘સોહા ઈન્ટરનેશનલ !’ તેણે સોહા ઈન્ટરનેશનલની ઑફિસનો નંબર લગાવીને મોબાઈલ ફોન પર વાત કરી : ‘હું કલગી છું. ઈન્ડિયાથી આવું છું. શું હું હામીદ સર સાથે વાત કરી શકું ?!’

‘સર, અત્યારે બહાર છે.’ ઓપરેટરનો અવાજ આવ્યો.

‘જી, હું નોકરી માટે આવી છું. હવે હું શું કરું ?!’

‘તમે ટૅકસી લઈ લો.’ ઓપરેટરે કહ્યું, ત્યાં જ કલગીની નજર તેનો સામાન ઊંચકી રહેલાં પંચાવનેક વરસના એક માણસ પર પડી. ‘એય, તમે આ શું કરી રહ્યા છો ?!’ કલગી બોલી ઊઠી.

‘હું તમને મારી ટૅકસીમાં ખૈબર હોટલ લઈ જઈ રહ્યો છું.’ એ ટેકસીવાળાએ કહ્યું, એટલે કલગીએ કાને મુકાયેલા મોબાઈલ ફોન પર સોહા ઈન્ટરનેશનલની ઓપરેટરને પૂછયું : ‘મારે કયાં જવાનું છે ?’

‘ખૈબર હોટલ !’ સામેથી ઓપરેટરે જવાબ આપ્યો.

‘ઓ.કે. થૅન્કયૂ !’ કહેતાં કલગીએ મોબાઈલ ફોન બંધ કર્યો અને એ ટેકસીવાળાને પૂછયું ‘તમને કયાંથી ખબર કે, મારે ખૈબર હોટલ જવાનું છે ? !’

‘ઈન્ડિયન લોકો અને ખાસ કરીને તમારા જેવા લોકો આ હોટલમાં જ રોકાય છે.’ અને ટેકસીવાળાએ કલગીને કાગળ બતાવ્યો : ‘બીજું એ કે, તમારો નીચે પડી ગયેલો આ કાગળ મેં વાંચ્યો.’

કલગીએ ટેકસીવાળાના હાથમાંથી કાગળ લીધો. તેની એર-ટિકિટ સાથે મુકાયેલા એ કાગળમાં ખૈબર હોટલનું તેના નામનું બુકિંગ થયેલું હતું એ કલગીના ધ્યાન બહાર ગયું હતું. ‘હવે તો લઈ લઉં ને, સામાન ?’ ટેકસીવાળાએ હસીને કહ્યું.

‘હા, પણ પહેલાં મારે ઈન્ડિયન એમ્બસી જવાનું છે.

મારો પાસપોર્ટ બરાબર કરાવવા.’

‘કોઈ વાંધો નહિ.’ ટૅકસી-વાળાએ કહ્યું અને સામાન ડીકીમાં મૂકયો. કલગી પાછળની સીટ પર ગોઠવાઈ. ડ્રાઈવરે ટૅકસી આગળ વધારી. ‘મેડમ, મારું નામ ઓમર છે.’ ટૅકસી-વાળો બોલ્યો, ‘અમારું દુબઈ તમને ગમ્યું ને ?’

‘હા, ઓમર!’ ને કલગીએ આસપાસ જોતાં મન સાથે વાત કરી, ‘બધું ઠીક થઈ જશે ! મને આની ટેવ પડી જશે ! હું બધું સાંભળી લઈશ ! કંઈ વાંધો નહિ આવે !’

તો ઓેમર સામે લાગેલા અરીસામાંથી કલગીને તાકી રહ્યો.

ઓમરે ઈન્ડિયન એમ્બસી પાસે ટેકસી ઊભી રાખી એટલે કલગી ઓમરને ‘હમણાં તુરત જ પાછી આવું છું,’ એવું કહીને એમ્બસીની અંદર દાખલ ગઈ.

કલગીએ ધાર્યા કરતાં ઑફિસરે તેને વધુ સારો સહકાર આપ્યો. ઑફિસરે તેની વાત સાંભળી વિગતો લીધી અને પછી કહ્યું : ‘બસ ! હવે કાલે આવીને તમે તમારો પાસપોર્ટ લઈ જજો.’

‘એટલે મને કાલે નવો પાસાપોર્ટ મળી જશે ?!’

‘અત્યારે તમને ટેમ્પરરી પાસપોર્ટ મળી જશે અને પછી...’ ઑફિસરે કહ્યું : ‘...તમને બીજો નવો પાસપોર્ટ મળી જશે. ત્યાં સુધી તમે નિશ્ચિંત થઈને અહીં રહી શકશો.’

‘થૅન્કયૂ !’ કલગીએ કહ્યું, એટલે ઑફિસરે કલગીના હાથમાં તેનો પાસપોર્ટ પાછો આપ્યો, ત્યારે કલગીની નજર એ ઑફિસરના હાથમાં છુંદાયેલા ‘પતંગિયા’ના છુંદણાં પર પડી. ‘તમે ખૂબ જ ભલા માણસ છો !’ ‘થૅન્કયૂ !’ ઑફિસર બોલ્યો.

કલગી બહાર નીકળી. ‘તમે...!’ અને પાંચ દિવસ પહેલાંની એ ઘટનામાંથી પાછી વર્તમાનમાં આવતાં, સામે બેઠેલી ડૉકટર બુશરા સામે જોતાં કલગીએ કહ્યું : ‘..તમે ઈન્ડિયન એમ્બસીના એ ઑફિસરને બોલાવો. મને એનું નામ નથી ખબર, પણ એના હાથમાં ‘પતંગિયા’નું છુંદણું છુંદાયેલું છે. તમે એને બોલાવો. એ મારી ગવાહી-સાક્ષી આપશે. એને ખબર છે કે, હું કલગી છું, તોરલ નહિ !’

‘હં !’ કહેતાં ડૉકટર બુશરાએ બૂમ પાડી.

મહિલા પોલીસ આવી પહોંચી.

‘ઈન્ડિયન એમ્બસીમાં એક માણસને શોધવાનો છે. એના હાથમાં ‘પતંગિયા’નું છુંદણું છે. એ મળે એટલે તુરત જ મને જાણ કરો.’ ડૉકટર બુશરાએ કહ્યું.

‘ઓ.કે.’ કહીને એ મહિલા પોલીસ ત્યાંથી ચાલી ગઈ. ડૉકટર બુશરા પાછી ખુરશી પર બેઠી. ‘તો તારા કલગી હોવાનું બીજું કોઈ, મતલબ કે ઈન્ડિયન એમ્બસીના એ ઑફિસર સિવાય બીજું કોઈ સાક્ષી છે ખરું ? !’

‘ના !’ કલગી બોલી : ‘અહીં બીજું કોઈ મને કલગી તરીકે ઓળખતું નથી.’

‘તો પછી..., તો પછી તને બે વ્યક્તિઓની ખૂની તરીકે સજા પામતી કોણ બચાવી શકશે ?!’ ડૉકટર બુશરા બોલી અને એ સાથે જ કલગી પગથી માથા સુધી કાંપી ઊઠી-ખળભળી ઊઠી !

( વધુ આવતા અંકે )