Mohru - 8 books and stories free download online pdf in Gujarati

મહોરું - 8

( પ્રકરણ : ૮ )

‘તને ખ્યાલ આવી ગયો કે, કલોઝ સર્કિટ ટી. વી. રૂમમાં બેઠેલો સિકયુરિટી ગાર્ડ તારા મોબાઈલની મદદથી તું કયાં છે, એ સમજીને પોતાના સાથી ગાર્ડને તારી પાછળ મોકલી રહ્યો છે, એટલે તેં ત્યાં કૉન્ફરન્સ રૂમમાં જ તારો મોબાઈલ મૂકી દીધો, પણ પછી તું બીજા માળના એ રૂમમાંથી બહાર કેવી રીતે નીકળી ?’ સામેની ખુરશી પર બેઠેલી ડૉકટર બુશરાએ કલગીને પૂછયું, એટલે કલગીએ નિસાસો નાખીને કહ્યું : ‘..એ રૂમમાં એક જ બારી હતી અને બહાર નીકળવાનો બીજો કોઈ રસ્તો નહોતો. હું બારીની બહાર નીકળીને બારી નીચે આવેલી નાની પાળી પર સરકતી એ બિલ્ડીંગના બીજા ખૂણે પહોંચી હતી અને ત્યાં લાગેલી પાણીની પાઈપ પકડીને નીચે પહોંચી હતી.’ અને કલગીએ નિશ્વાસ નાંખ્યો : ‘જો અત્યારે તમે મને કહો કે, બીજા માળ પરની બારીમાંથી મારે નીચે પહોંચવાનું છે તો હું ન પહોંચી શકું, પણ એ વખતે મારા જીવ પર આવી બની હતી એટલે હું કેવી રીતના નીચે પહોંચી ગઈ ને વળી ત્યાંથી કેવી રીતના સહી- સલામત નીકળી શકી એની જ મને કંઈ ખબર રહી નહિ.’ ‘તો...,’ ડૉકટર બુશરાએ કલગી સામે તાકી રહેતાં પૂછયું

‘..એ બધાં ડૉલર તારી પાસે આવી ગયા ?!’

‘ના, અત્યાર સુધી તો નથી આવ્યા.’ કલગી બોલી : ‘ગેલોપ ફાઈનેન્શિયલમાંથી સહી-સલામત નીકળીને હું નિરાંતનો શ્વાસ લઈ શકું એમ નહોતી. મારી પાસે રહેવાને કોઈ ઠેકાણું નહોતું. હું કંઈ સડક પર તો રહી શકું એમ હતી જ નહિ ? એટલે મેં ઍરહોસ્ટેસ રોકસાનાની મદદ લેવાનું નકકી કર્યું ? !’

‘ઍરહોસ્ટેસ રોકસાનાની મદદ...?’ બુશરાએ તેની સામે તાકી રહેતાં પૂછયું : ‘તેં તો કહેલું ને કે અહીં તારું કોઈ ઓળખીતું નથી ? !’

‘રોકસાના મને મુંબઈથી દુબઈના પ્લેનમાં મળી હતી. રોકસાના સાથેની એ મારી પહેલી અને છેલ્લી જ મુલાકાત હતી. રોકસાનાએ મને કહ્યું હતું કે, એ જ્યારે પણ દુબઈમાં હોય ત્યારે ‘કાફે દુબઈ’ની મુલાકાત લેતી હતી. પણ...’ કલગી બોલી

‘રોકસાના દુબઈમાં હશે કે નહિ ? અને દુબઈમાં હશે તો એ કાફે દુબઈમાં મને મળશે કે નહિ ?’ એ સવાલ સાથે હું ‘કાફે દુબઈ’ નજીક પહોંચી હતી.’ અને આ સાથે જ કલગીની નજર સામે એ વખતનું દૃશ્ય તરવરી ઊઠયું.

કલગી પોલીસના હાથમાં ઝડપાઈ જાય એમ હતી. પણ પોલીસ એને ઝડપે એ પહેલાં દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવું પડે એમ હતું !

કલગી માર્કેટની વચમાં આવેલી ‘કાફે દુબઈ’ની સામેની ફૂટપાથ પર ઊભી હતી. રાતના અગિયાર વાગ્યાના આ સમયે પણ અહીં સારી એવી ચહેલ પહેલ હતી.

સામે એક છોકરો બધાંના હાથમાં ચોપાનિયું પકડાવતો આગળ વધી રહ્યો હતો. લોકો એ ચોપાનિયા પર નજર નાખતાં આગળ વધી રહ્યા હતા. એમાંથી એક યુવાને એ ચોપાનિયું વાંચીને ફેંકી દીધેલું ચોપાનિયું હવામાં ઊડતું તેની પાસેથી પસાર થયું. કલગીએ વાંકી વળીને એ ચોપાનિયું ઊઠાવી લીધું. ચોપાનિયા પર નજર પડતાં જ તે થથરી ઊઠી. એ ચોપાનિયામાં તેનો ફોટો છપાયેલો હતો.

તેણે ફૂટપાથની વધુ અંદરની તરફ સરકતાં જોયું તો તેના ફોટા નીચે અરબી અને અંગ્રેજીમાં

લખાણ લખાયેલું હતું. તેણે અંગ્રેજીમાં લખાયેલા લખાણ પર નજર દોડાવી.

તેને કૉમ્પ્યુટર મારફત ઉઠાંતરી કરનારી અપરાધી તેમજ એક ખૂની તરીકે પકડવા માટે પોલીસે ફરમાન બહાર પાડયું હતું ! એ ફરમાનમાં તેને તોરલ તરીકે જ ઓળખાવવામાં આવી હતી. પોલીસ ખૂબ જ ઝડપથી કામ કરી રહી હતી. ઈન્ટરનેટ  તેમ જ આ ચોપાનિયા મારફત પોલીસે તેને પકડી પાડવા માટેનું જે પગલું લીધું હતું એનાથી તે વહેલી તકે પોલીસના હાથમાં ઝડપાઈ જાય એમ હતી. પણ પોલીસ એને ઝડપે એ પહેલાં તેણે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું પડે એમ હતું. અને એ માટે હવે તેને ઍરહોસ્ટેસ રોકસાનાની મદદની ખાસ જરૂર હતી.

તેણે ‘કાફે દુબઈ’ તરફ જોયું. તે મૂંઝવણમાં મુકાઈ. ‘તે અંદર રોકસાનાને શોધવા જશે અને કોઈ તેને ખૂની તોરલ તરીકે ઓળખી લેશે તો ?’ અને તેના મગજનો આ સવાલ પૂરો થયો ન થયો ત્યાં તો ‘કાફે દુબઈ’નો કાચનો દરવાજો ખુલ્યો ને રોકસાના બહાર નીકળતી દેખાઈ.

કલગીને પોતાની આંખો પર વિશ્વાસ બેઠો નહિ. રોકસાના ડાબી તરફ આગળ વધી એટલે કલગી ઝડપભેર સડક ક્રોસ કરીને રોકસાનાની સાથે થઈ.

‘ઓહ ! !’ કલગીને જોતાં જ રોકસાના ઊભી રહી જતાં બોલી ગઈ : ‘કલગી, તું ? !’

‘હા,’ કલગીએ આસપાસમાં જોતાં કહ્યું અને રોકસાના કંઈ પૂછે-કહે એ પહેલાં જ તેણે પેલું ચોપાનિયું રોકસાના સામે ધરી દીધું : ‘હું મુશ્કેલીમાં છું, મારે તારી મદદની જરૂર છે.’

રોકસાનાએ એ ચોપાનિયા પર ઝડપી નજર ફેરવીને કલગી સામે જોયું : ‘ઠીક છે. આપણે મારા ઘરે જઈએ છીએ.’ અને રોકસાના તેને થોડેક દૂર પડેલી પોતાની કાર તરફ લઈ ચાલી.

અને ત્યારે થોડેક દૂર એક ઊંચો-તગડો, ચકચકતી ટાલવાળો, મોટી-ભરાવદાર મૂછોવાળો માણસ ઊભો-ઊભો કલગીને રોકસાના સાથે આગળ વધી જતી જોઈ રહ્યો હતો.

કલગી કારમાં રોકસાનાની બાજુની સીટ પર બેઠી અને રોકસાનાએ ત્યાંથી કાર આગળ વધારી, એટલે એ ટાલિયા માણસે ટાલ પર હાથ ફેરવ્યો.

એ ટાલિયો માણસ પેલો દુપટ્ટાવાળો ફેરિયો જ હતો, જે અગાઉ કલગીને મળ્યો હતો !

હા ! કલગી ખૈબર હોટલના કિચનમાં લાગેલી આગ વખતે મળેલી અનામિકા સાથે કૉફી પીવા માટે ગઈ હતી અને ત્યાંથી પાછા ફરતી વખતે જે દુપટ્ટાવાળો માણસ તેને મળ્યો હતો એ આ જ માણસ હતો !

અને રસોડાના ઘરના બાથરૂમમાંથી નાહીને, રોકસાનાના સલવાર કમીઝ પહેરીને કલગી બહાર નીકળી. તે રસોડામાં પહોંચી તો રોકસાના પાથરણા પર જમવાનું પીરસીને તેની વાટ જોઈને બેઠી હતી.

‘રોકસાના !’ કલગી પલાંઠી વાળીને પાથરણા પર બેસતાં બોલી : ‘હું તારો આભાર માનું એટલો ઓછો છે. તું મને ન મળી હોત તો...’

‘..તો..,’ રોકસાના બોલી, ‘. હું તને શોધી લેત !’

રોકસાના શું કહેવા માંગતી હતી એ તેને સમજાયું નહિ.

‘ચાલ !’ રોકસાના બોલી : ‘વાતોના વડા પછી બનાવીશું. પહેલાં જમી લે.’

કલગીને કકડીને ભૂખ લાગી જ હતી. તે જમવા માંડી.

રાતનો એક વાગ્યો હતો. કલગી રોકસાનાની સામે બેઠી હતી. તે મુંબઈથી નીકળી ત્યારથી લગાવીને હમણાં થોડીક વાર પહેલાં રોકસાના તેને કાફે દુબઈની બહાર મળી, ત્યાર સુધીની વાત તેણે કહી સંભળાવી અને ચુપ થઈ.

રોકસાના કલગી સામે તાકતી બેઠી રહી, એટલે કલગીએ કહ્યું : ‘મારી સાથે આ બન્યું એ વાતનો વિશ્વાસ. ’

‘ના, મને વિશ્વાસ બેસે છે.’ રોકસાના બોલી : ‘બોલ હવે હું તારી શું મદદ કરું ? !’

‘તારી પાસે કૉમ્પ્યુટર. !’ ‘...લૅપટોપ છે.’ રોકસાના ઊભી થઈ અને બેડરૂમમાંથી

લૅપટોપ લાવીને કલગીની સામે ટેબલ પર મૂકયું. તે કલગીની સામેની ખુરશી પર ગોઠવાઈ.

કલગીએ લૅપટોપ ચાલુ કરીને ઈન્ટરનેટ ખોલ્યું ને પોતાની ખૂબી કામે લગાવી. તેણે કી-બોર્ડના બટન દબાવીને, ગેલોપ ફાઈનેન્શિયલના સુપર કૉમ્પ્યુટરને પોતાના કૉમ્પ્યુટરના સ્ક્રીન પર ખોલ્યું અને સ્ક્રીન પર જોઈ રહી.

તો આ તરફ, ગેલોપ ફાઈનેન્શિયલના સુપર કૉમ્પ્યુટર રૂમમાં, આ રીતના કલગી ગમે ત્યાંથી ઈન્ટરનેટ મારફત આ સુપર કૉમ્પ્યુટરમાં ડોકિયું કરશે જ એ ગણતરી રાખીને કૉમ્પ્યુટરના સ્ક્રીન પર નજર જમાવીને બેઠેલો સિકયુરિટી ગાર્ડ ડેવિડ ખુરશી પરથી ઊભો થઈ ગયો અને એણે ચીફ સિકયુરિટી ગાર્ડ લુકાસનો મોબાઈલ પર સંપર્ક કર્યો અને ઉતાવળા અવાજે કહ્યું : ‘બોસની વાત સાચી પડી. એ છોકરીએ હમણાં જ આપણું કૉમ્પ્યુટર હૅક કર્યું છે.’

‘મને જલદી એ કહે કે, અત્યારે એ કયાં બેઠી છે ? !’ ‘હા !’ કહેતાં ડેવિડે અત્યારે કલગી ચોકકસ કઈ જગ્યાએ બેસીને તેમના સુપર કૉમ્પ્યુટરમાં ડોકિયું કરી રહી છે એ જાણવાનો પ્રયત્ન શરૂ કર્યો.

ત્યારે આ તરફ રોકસાનાના ઘરમાં, રોકસાના સામે, લૅપટોપ લઈને બેઠેલી કલગીને રોકસાના કહી રહી હતી : ‘મને એ કંઈ સમજાતું નથી કે, તું ગેલોપ ફાઈનેન્શિયલના સુપર કૉમ્પ્યુટર સાથે સંકળાયેલા તારા બેન્કના ખાતામાંથી એ બધાં ડૉલર કાઢીશ કેવી રીતે ?’

‘હું તને સમજાવું છું.’ કલગીએ કી-બોર્ડના બટન દબાવવાની સાથે જ સ્ક્રીન પર નજર જમાવી : ‘બૅન્કના એકાઉન્ટમાં એમણે કલગી નામનો ઉપયોગ કર્યો છે, અને કલગી એ મારું નામ છે. તો હવે અસલમાં મારે મારી જાતને ફરી જીવતી કરવાની છે.’ કલગીએ કહ્યું : ‘જો, મારી બાજુમાં આવીને જો.’

અને રોકસાના ખુરશી ખેંચીને કલગીની બાજુમાં બેઠી અને લૅપટોપ પર નજર નાંખી.

‘જો,’ કલગીએ સ્ક્રીન પર દેખાતા માણસનો ફોટો બતાવતાં રોકસાનાને સમજાવવા માંડયું : ‘આ છે, બેન્કના પ્રેસિડેન્ટ અબ્દુલ અઝીઝ ! અને આ છે એમનું ઈ-મેઈલ એડ્રેસ. હવે આપણે એમના એકાઉન્ટમાંથી દુબઈની બૅન્કમાં ઈ-મેઈલ મોકલી શકીએ એમ છીએ કે જેનાથી બૅન્કવાળાઓને એમ લાગશે કે, આ ઈ-મેઈલ અબ્દુલ અઝીઝે પોતે જ મોકલ્યો છે. તો હવે જો.’ અને કલગીએ કી-બોર્ડના બટન દબાવીને લેટર કમ્પોઝ કરવા માંડયો ને સાથે જ બોલવા માંડી

‘..તો હું બધાંને એ જણાવવા માગું છું કે, કાલે તમારી પાસે ઈન્ડિયાની આપણી એક ખાસ કલાયન્ટ આવવાની છે, જેનું નામ છે, કલગી. તો એ વાતનો ખ્યાલ રાખશો કે, એમને કોઈ વાતની પરેશાની ન થાય અને એમનું કામ ખૂબ જ આસાની સાથે થઈ જાય.

તમારો શુભેચ્છક,

અબ્દુલ અઝીઝ અને હવે આપણે આ લેટરને અરબી ભાષામાં ફેરવી નાખીએ છીએ. અને કલગીએ એક બટન દબાવ્યું એ સાથે જ અંગ્રેજીનું એ લખાણ અરબી ભાષામાં ફેરવાઈ ગયું.

‘હા, પણ બૅન્કવાળા તારી પાસે તારા કલગી હોવાના પુરાવા માંગ્યા વિના રહેશે ખરા ?!’ રોકસાનાએ પૂછયું : ‘અને તારી પાસે તો તારા કલગી હોવાના કોઈ પુરાવા નથી. તારો પાસપોર્ટ પણ તો તોરલના નામનો છે.’ ‘આનો રસ્તો છે.’ અને કલગીએ કી-બોર્ડનું એક બટન દબાવ્યું એ સાથે સ્ક્રીન પર અબ્દુલ અઝીઝનો એક યુવતી સાથેનો ફોટો દેખાયો.

કલગીએ એ ફોટામાં અબ્દુલ અઝીઝની બાજુમાં ઊભેલી યુવતીના ચહેરાની જગ્યાએ પોતાનો ચહેરો એવી રીતના ગોઠવી દીધો કે, એવું જ લાગે કે પ્રેસિડેન્ટ અબ્દુલ અઝીઝની બાજુમાં કલગી જ ઊભી છે.

‘હવે..,’ કલગી બોલી : ‘હું આ ફોટો એક યા બીજી રીતે બૅન્કના અધિકારીને બતાવી દઈશ તો એ મારી પાસે વધારાના પુરાવા માંગવાની તસદી નહિ જ લે.’

‘વાઉ ! તેં તો કમાલ કરી.’ રોકસાનાએ કહ્યું, ત્યાં જ તેની નજર બાલ્કનીમાંથી હાથમાં રિવૉલ્વર સાથે રૂમમાં ધસી આવેલા લુકાસ પર પડી અને એ સફાળી ઊભી થઈ ગઈ.

લુકાસે કલગી તરફ રિવૉલ્વર તાકતાં રિવૉલ્વરની ગોળી છોડી દીધી, એ જ પળે રોકસાનાએ ‘સંભાળ, કલગી !’ બોલતાં કલગીને ધકકો મારી દીધો. કલગી ખુરશી સાથે નીચે પડી અને ગોળીનો ભોગ બનતાં બચી ગઈ.

લુકાસે ગાળ બકતાં જમીન પર પડેલી કલગી તરફ ફરી રિવૉલ્વર તાકી, એટલીવારમાં રોકસાના લુકાસ તરફ ધસી ગઈ અને લુકાસને પાછળની તરફ ધકેલતી એની સાથે જમીન પર પટકાઈ. લુકાસના હાથમાંથી રિવૉલ્વર છટકીને દૂર પડી.

‘ભાગ, કલગી, ભાગ.’

રોકસાનાએ લુકાસને પકડી રાખવાનો પ્રયત્ન કરતાં કહ્યું, પણ લુકાસે રોકસાનાને એટલી જોરથી ધકેલી કે રોકસાના સહેજ હવામાં ઉછળીને પાછી જમીન પર પટકાઈ.

કલગી રોકસાના તરફ આગળ વધી જવા ગઈ, ત્યાં જ રોકસાના ચિલ્લાઈ : ‘તું ભાગ અહીંથી, કલગી..!’

આટલી વારમાં લુકાસ ઊભો થઈ ચૂકયો હતો. એ દરવાજા તરફ દોડી જઈ રહેલી કલગી તરફ ધસી ગયો અને કલગીને પકડીને એણે જોરથી ધકકો માયો. કલગી ગડથોલિયું ખાઈ જતાં જમીન પર પડી.

લુકાસે તુરત જ નજીકમાં પડેલી પોતાની રિવૉલ્વર ઉઠાવી લીધી અને જમીન પર સીધી થઈ રહેલી કલગી તરફ રિવૉલ્વરની અણી તાકી. કલગી થીજી ગઈ.

લુકાસ કલગીની છાતી તરફ તકાયેલી રિવૉલ્વરનો ઘોડો દબાવવા ગયો, એ જ પળે રિવૉલ્વરની ગોળી છૂટવાનો અવાજ સંભળાયો અને બીજી જ પળે લુકાસ મૂળમાંથી ઊખડીને પડતા ઝાડની જેમ, કલગીની બાજુમાં પેટભેર પટકાયો.

હવે કલગીને સામે ઊભેલી રોકસાના દેખાઈ.

રોકસાનાના કંપતા હાથમાં રિવૉલ્વર પકડાયેલી હતી અને એ હેબતાયેલી હાલતમાં જમીન પર પડેલા લુકાસ તરફ તાકતી ઊભી હતી.

કલગી પણ અવાચક બની ગઈ. ‘આ...આ શું બની ગયું હતું ? !’

( વધુ આવતા અંકે )