Mohru - 3 books and stories free download online pdf in Gujarati

મહોરું - 3

(પ્રકરણ : ૩)

કલગી તોરલ નહિ, પણ કલગી હોવાની હકીકતનું, હાથમાં પતંગિયાનું છુંદણું ધરાવતા ઈન્ડિયન એમ્બસીના ઑફિસર સિવાય બીજું કોઈ સાક્ષી નથી, એવી કલગીની વાત સાંભળીને લેડી ડૉકટર બુશરા બોલી ગઈ કે, ‘.....તો પછી તને બે વ્યક્તિઓની ખૂની તરીકે સજા પામતી કોણ બચાવી શકશે ?!’ એટલે કલગી ખળભળી ઊઠી હતી.

‘....એટલે...એટલે.’

પળ-બે પળની ચુપકીદી પછી અત્યારે કલગીએ ડૉકટર બુશરાને પૂછયું, ‘તમે....તમે કહેવા શું માગો છો ?’

‘કંઈ નહિ !’ ડૉકટર બુશરાએ ગોળ સોનેરી ફ્રેમના ચશ્મામાંથી કલગી તરફ તાકી રહેતાં કહ્યું, ‘તો હવે તું મને એ કહે, તું પતંગિયાના છુંદણાવાળા ઑફિસરને તારા ટેમ્પરરી પાસપોર્ટનું કામ સોંપીને ત્યાંથી નીકળી એ પછી શું થયું ?’

‘.....એ પછી હું પાછી પેલા ટૅકસીવાળા ઓમરની ટૅકસીમાં બેઠી ને ખૈબર હોટલ તરફ આગળ વધી.’ કલગીએ એવી રીતના કહેવા માંડયું કે ડૉકટર બુશરાને પણ એ દૃશ્ય દેખાવા માંડયું.

‘મેડમ !’ કારને ડાબી તરફ વળાવતા ટૅકસીવાળા ઓમરે કહ્યું, ‘અત્યારે તો તમે દુબઈમાં એકલા આવ્યા છો ને. !’

‘હં.’ કલગીએ કહ્યું.

‘હવે થોડાંક દિવસ પછી પેલો આવશે ને. !’

‘પેલો એટલે કોણ. ?’

કલગીની આંખો ઝીણી થઈ. ‘તમે એને શું કહો છો. ?!’ સામે લાગેલા અરીસામાંથી એકવાર કલગીને જોઈ લેતાં ઓમરે કહ્યું, ‘....હા, બોયફ્રેન્ડ. !’

ને આ સાંભળતાં જ કલગીની આંખ સામે અચલ તરવરી ઊઠયો. અચલ તેનો બોયફ્રેન્ડ હતો. અચલ સાથે તેને ફકત દોસ્તી નહોતી, પણ પ્રેમ થઈ ગયો હતો. તે અચલ સાથે પરણીને લગ્નજીવનના સોનેરી સપના સેવતી હતી, પણ અચલે તેના દિલને ઠેસ પહોંચાડી હતી. તે ઈચ્છતી હતી કે, અચલ તેની સાથે દુબઈ આવે, પણ અચલ આવ્યો નહોતો.

‘....શું વિચારમાં પડી ગયા મેડમ....?!’ કલગીના કાને ઓમરનો અવાજ પડયો, એટલે તે અચલના વિચારોમાંથી બહાર આવી, ‘કંઈ નહિ..., બસ હું થાકી છું, એટલે.’

‘....મને એનો ખ્યાલ આવી ગયો છે એટલે જ તો હું તમારો થાક દૂર કરવા માટે તમારી સાથે વાતોના તડાકા મારી રહ્યો છું.’ અને ઓમરે ટૅકસી ધીમી કરી, ‘લો, આ તમારી હોટલ ખૈબર આવી ગઈ.’ અને તેણે હોટલના મેઈન ડૉરની નજીક ટૅકસી ઊભી રાખી.

કલગી બહાર નીકળી અને હોટલ પર નજર ફેરવી. સડક પર આવેલી હોટલ સારી હતી.

‘લો, મેડમ !’ કલગીનો સરસામાન કાઢીને ઓમર બોલ્યો, ‘આ તમારો સામાન.’ અને તેણે પોતાનું કાર્ડ કલગીને આપ્યું, ‘આમાં મારો મોબાઈલ નંબર છે. તમને મારું કામ હોય તો યાદ કરજો. હું ખરેખર કામનો માણસ છું.’

‘ચોક્કસ !’ કહેતાં કલગીએ તેને ભાડું ચૂકવ્યું અને હોટલ તરફ વળી. તેને અહીં બોલાવનાર ‘સોહા ઈન્ટરનેશનલ’ કંપની તરફથી તેના નામે અહીં રૂમ બુક થયેલો જ હતો. રૂમબોય તેને પહેલા માળ પર આવેલા ૧૦ર નંબરના રૂમમાં સામાન સાથે મૂકી ગયો એટલે કલગીએ એને ટીપ આપીને રૂમનો દરવાજો બંધ કર્યો.

કલગીએ બારી પાસે પહોંચીને બહાર એક ઊડતી નજર નાખી ને પાછી વળી.

કલગીનું ધ્યાન એ હકીકત તરફ ગયું નહિ કે તેને અહીં સુધી લઈ આવનાર ટૉકસીવાળો ઓમર ગયો નહોતો !! તે હજુ પણ નીચે-સામેની સડક પર ઊભો હતો અને તેના રૂમની બારી તરફ જ તાકી રહ્યો હતો !!!

કલગી બારી પાસેથી હટી. તે નાહીને-કપડાં બદલીને પલંગ પર લેટી. તેણે કાંડા ઘડિયાળમાં જોયું. સાંજના પોણા પાંચ વાગ્યા હતા.

કલગી આંખો મીંચીને પલંગ પર પડી રહી.

દસ-બાર મિનિટ પસાર થઈ ત્યાં જ એમ્બ્યુલન્સની સાઈરન જેવો અવાજ ગુંજી ઊઠયો. તે સફાળી બેઠી થઈ ગઈ. તેનું ધ્યાન રૂમના જમણી બાજુના ખૂણા તરફ ગયું. ત્યાં દીવાલ પર લાગેલા ઈમરજન્સી એલાર્મમાંથી આ અવાજ ગુંજવાની સાથે જ એ એલાર્મ સાથે જોડાયેલી લાલ લાઈટ પણ ઝબકી રહી હતી.

સાથે જ કલગીનું ધ્યાન એ વાત તરફ પણ ખેંચાયું કે બંધ રૂમની બહારથી સ્ત્રી-પુરુષના ગભરાટભર્યા ને ઉતાવળિયા અવાજોની સાથે જ ભાગદોડના અવાજો પણ સંભળાઈ રહ્યા હતા.

તે દરવાજા પાસે દોડી ગઈ. ત્યાં જ ધમ્‌....ધમ્‌....ધમ્‌… કરતાં કોઈએ બહારથી દરવાજા પર જોરથી ધબ્બા માર્યા. તેણે દરવાજો ખોલ્યો તો બહાર રૂમબોય ઊભો હતો. ‘મેડમ ! કીચનમાં ઈલેકટ્રીક બોર્ડમાં શોટ સર્કિટ થઈ છે. પ્લીઝ, જલદી તમે હોટલની બહાર નીકળી જાવ.’ કહીને રૂમબોય બીજા રૂમ તરફ સરકી ગયો.

બીજા બધા રૂમમાંથી નીકળેલા ને ગભરાટ અને રઘવાટ સાથે બહારની તરફ દોડી જઈ રહેલા બીજા લોકો સાથે કલગી બહારની તરફ સરકી.

તેણે હોટલની બહાર પહોંચીને જોયું તો હોટલના કર્મચારીઓની સાથે જ હોટલમાં રોકાયેલા લોકોની ભીડ જામેલી હતી.

કલગીએ નજીકમાં જ ઊભેલા રિસેપ્શનિસ્ટને પૂછયું, ‘કેટલી વાર લાગશે ?! મારો બધો સામાન મારા રૂમમાં જ છે !’

‘....ઈલેકટ્રીક લાઈનમાં સહેજ સરખો ચમકારો જ થયો છે. પણ બધાંની સલામતી માટે સાવચેતીના પગલાં રૂપે બધાને બહાર કાઢવામાં આવ્યા છે.’ રિસેપ્શનિસ્ટે કહ્યું, ‘તમે સામાનની ચિંતા ન કરો, બસ હમણાં પંદર-વીસ મિનિટમાં જ તમને અંદર જવા દેવામાં આવશે.’

‘ઠીક છે.’ કલગીએ કહ્યું, અને એક બાજુ ઊભી રહી, ત્યાં જ તેનું ધ્યાન ભીડમાં એક તરફ હોટલના કર્મચારી સાથે લડી રહેલી એક યુવતી પર પડયું. ‘તમે શાંત થઈ જાવ, મેડમ!’ હોટલનો કર્મચારી એ યુવતીને ઠંડી પાડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

‘પણ હું કેવી રીતના શાંત થઈ જાઉં ?!’ એ યુવતી એ જ રીતના ધૂંધવાટભેર બોલી, ‘મારો બધો સામાન અંદર રૂમમાં છે, સામાન કોઈ લઈ જશે તો ?!? તો પછી હું શું કરીશ ? ! મારે હજુ તો અહીંથી આગળ બીજા શહેરમાં ફરવા જવાનું છે.’

‘તમે સામાનની ચિંતા ન. ’

‘ના.’ એ યુવતી બોલી, ‘મને મારા રૂમમાં જવા દો, પ્લીઝ. !’

લગભગ કલગી જેટલી જ ઉંમરની લાગતી એ યુવતી તરફ કલગી આગળ વધી. ‘તમે....

તમે ઠીક તો છો ને....?!’ કલગીએ એ યુવતીને અંગ્રેજીમાં પૂછયું.

‘ના. મારો સામાન અંદર પડયો છે, અને આ લોકો મને અંદર જવા નથી દેતા.’ એ યુવતીએ કલગીને અંગ્રેજીમાં જવાબ આપીને પછી તુરત જ હિન્દીમાં પૂછયું, ‘શું તમે.,

તમે ઈન્ડિયન છો ?!’ ‘હા.’ કલગી બોલી.

‘હું પણ ઈન્ડિયન છું.’ અને એ યુવતી કલગીને ભેટી પડી, ‘સારું થયું, તમે મળી ગયા. તમે કંઈક કરોને, જુઓને મારો સામાન રૂમમાં પડયો છે ને આ લોકો.’

‘મારો સામાન પણ મારા રૂમમાં જ પડયો છે.’ કલગીએ કહ્યું, ‘આ લોકોએ આપણી સલામતી માટે જ બહાર કાઢયા છે. હમણાં અંદર જવા દેશે. પણ ત્યાં સુધી શું કૉફી પીવી છે ? !’

‘હા-હા !’ એ યુવતી બોલી ઊઠી, ‘મારું તો મગજ કામ નથી કરતું. ચાલો ! ત્યાં થોડેક આગળ કૉફી મળે છે !’ અને એ યુવતી આગળ વધી.

કલગી પણ તેની સાથે ચાલી ત્યારે કલગીને એ ખ્યાલ નહોતો કે રસ્તા પર જ પડતા તેના રૂમની બંધ બારીના દુધિયા કાચમાંથી બે પડછાયા દેખાતા હતા ! પડછાયાવાળી એ બન્ને વ્યક્તિઓ તેના રૂમમાં ફરી રહી હતી !

‘મારું નામ અનામિકા છે.’ થોડાંક પગલાં ચાલ્યા પછી એ યુવતીએ કહીને પૂછયું, ‘તમારું નામ. ?’

કલગી !’ કલગીએ કહ્યું.

‘હું અહીં ફરવા આવી છું.’ અનામિકાએ કહ્યું.

‘હું અહીં નોકરી માટે આવી છું.’ કલગીએ કહ્યું.

‘.....તમે અહીં નોકરી માટે આવ્યા છો ?!’ અનામિકાએ નવાઈભેર પૂછયું, ‘તમને અહીં નોકરી મળી ગઈ ?!’

‘હા.’ કલગી બોલી, ‘મારી સાથે ચમત્કાર જેવું જ બન્યું છે. અહીંની ‘સોહા ઈન્ટરનેશનલ’ કંપનીએ કયાંકથી મારા વિશે જાણ્યું હશે. એક દિવસ આ કંપનીમાંથી મારી પર ઈ-મેઈલ સાથે જ ફોન આવ્યો અને મને નોકરીની ઓફર કરી. હું ખુશ થઈ ગઈ. એટલી બધી ખુશ કે મેં આ કંપનીના માલિક હામિદ સરને ઢગલાબંધ ગુલાબ મોકલી દીધા. બાકી મેં જિંદગીમાં કદી કોઈનેય ગુલાબ મોકલ્યા નથી.’

‘તમારા પ્રેમી કે પતિને પણ નહિ ?!’ અનામિકાએ હસીને પૂછયું.

‘ના. પ્રેમીને પણ નહિ !’ કલગી બોલી, ત્યાં જ કૉફી શોપ આવી.

અનામિકાએ કલગીને કૉફીના પૈસા આપવા ન દીધા. અનામિકાએ જ પૈસા ચુકવ્યા.

કૉફી પીવાઈ એ દરમિયાન બન્ને ‘તમે’ પરથી ‘તું’ પર આવી ગઈ. પાછા વળતી વખતે કલગીએ અનામિકાને પૂછયું, ‘તું હજુ અહીં રોકાવાની છે ?’

‘હા ! મારે રોકાવું પડશે.’

‘...રોકાવું પડશે એટલે...?’ ‘એટલે હજુ મારું આગળનું બુકિંગ કન્ફર્મ નથી થયું.’ અનામિકા બોલી, ‘પણ કોઈપણ મુશ્કેલી કે અડચણ આવે તો રસ્તો નીકળી જ આવે છે !’

‘હા.’ કલગી બોલી, ‘સારું થયું તું મળી ગઈ. હવે તું અહીં રોકાઈશ ત્યાં સુધી આપણે સાંજે સાથે હરી-ફરી શકીશું !’

‘હા.’ અનામિકા બોલી, ત્યાં જ તેમની સામે એક સાડા છ ફૂટ ઊંચો-તગડો માણસ આવીને ઊભો રહી ગયો. એ માણસના માથે ટાલ ચકચકતી હતી.

માથાના વાળની કમી એ માણસ મૂછમાં પૂરી કરી દેવા માંગતો હોય એમ એની મૂછ ખાસ્સી મોટી-ભરાવદાર અને મરોડદાર હતી. આ ટાલિયા માણસના બન્ને ખભા અને હાથમાં રંગબેરંગી દુપટ્ટા હતા. ‘મેડમ !’ તૂટી-ફૂટી હિન્દીમાં એ ટાલિયો માણસ બોલ્યો, ‘જુઓ આ સુંદર દુપટ્ટો ! તમે ખરીદશો દુપટ્ટા !’

‘ના.’ કલગી બોલી, ‘મારે નથી જોઈતા.’

‘મારે પણ નથી જોઈતા.’ અનામિકા બોલી.

‘...તો હું ગાઈડનું પણ કામ કરું છું.’ એ ટાલિયો માણસ પોતાની મોટી-મોટી આંખો ઘૂરતાં બોલ્યો, ‘તમે બન્ને એકલી છો ? કોઈ ફિકર નહિ ! તમને હું દુબઈની સેર કરાવીશ ! બધાં જોવાલાયક સ્થળો બતાવીશ.’

‘ના-ના.’ કહેતાં કલગી ઝડપી ચાલે આગળ વધી ગઈ. તેને આ ટાલિયો ગુંડો-બદમાશ લાગતો હતો.

અનામિકા પણ તેની સાથે ચાલી.

એ ટાલિયો માણસ ત્યાં જ ઊભો રહ્યો. તેના ચહેરા પરના હળવા ભાવ દૂર થયા ને ગંભીર ભાવ આવ્યા. તે કલગી અને અનામિકાને જતી જોઈ રહ્યો,

મન સાથે કંઈક વાત કરી રહ્યો.

૦ ૦ ૦

બીજા દિવસની સવારે કલગી ઊઠી. તે તૈયાર થઈ અને પહેલું કામ તેણે ‘સોહા ઈન્ટરનેશનલ’માં ફોન લગાવવાનું કર્યું. ‘સોહા ઈન્ટરનેશનલ’નો માલિક હામિદ હાજર જ હતો. ‘હેલ્લો ! હું કલગી બોલું છું,

સર !’ કલગીએ હામિદ સાથે અંગ્રેજીમાં વાત શરૂ કરી.

‘દુબઈમાં તમારું સ્વાગત છે.’ સામેથી હામિદનો અવાજ આવ્યો, ‘કેમ છો, તમે ? !’

‘ફાઈન !’ કલગીએ કહ્યું. ‘તમારા માટે પહેલું કામ તૈયાર છે.’ સામેથી હામિદે કહ્યું, ‘તમારે ગેલોપ ફાઈનેન્શિયલ જવાનું છે. એમના કૉમ્પ્યુટરની સિકયુરિટી સિસ્ટમ કમજોર છે. તમારે એમને મદદ કરવી પડશે. એમને આપણા સહુથી સારી, સહુથી ઝડપી અને સહુથી ચાલાક સોફટવેર એકસ્પર્ટની જરૂર છે. અને એટલે હું તમને આ કામ.’

‘હું તૈયાર જ છું, સર ! પણ....’ કલગીએ કહ્યું, ‘મારે ઈન્ડિયન એમ્બસી જઈને મારો ટેમ્પરરી પાસપોર્ટ લેવાનો છે અને પછી. ’

‘ઠીક છે.’ સામેથી હામિદે કહ્યું, ‘ત્યાંથી ગેલોપ ફાઈનેન્શિયલ પહોંચી જજો.’

‘ઓ. કે. સર !’ કલગી બોલી, ‘મને ત્યાંનું સરનામું ઈન્ટરનેટ પર મોકલી આપજો.’

‘ઓ.કે.’ હામિદે કહ્યું, ‘તો પછી મળીએ છીએ.’ અને સામેથી હામિદે વાત પૂરી કરી.

કલગી પોતાની બેગ લઈને રૂમમાંથી બહાર નીકળી. તે નીચે કાઉન્ટર પર પહોંચી. તેણે કાઉન્ટર પર બેઠેલી રિસેપ્શનિસ્ટને ‘ગુડમોર્નિંગ’ કહીને વિંનતિ કરી, ‘પ્લીઝ ! મને અનામિકાના રૂમની લાઈન મેળવી આપશો ?’

‘જી, શ્યોર !’ રિસેપ્શનિસ્ટે કહ્યું અને એણે કૉમ્પ્યુટરના બટન દબાવીને સ્ક્રીન પર જોઈને કહ્યું, ‘સૉરી, મેડમ પણ અનામિકા નામનું તો કોઈ મહેમાન અમારી હોટલમાં રોકાયું નથી.’

‘ના-ના ! એવું કેવી રીતના બની શકે ?’ કલગી આશ્ચર્યમાં મુકાઈ, ‘એ ગઈકાલે જ તો મને અહીં મળી હતી.’

રિસેપ્શનિસ્ટે ફરી કૉમ્પ્યુટરમાં જોઈને કહ્યું, ‘સૉરી ! આ નામના કોઈ મેડમ અહીં રોકાયા જ નથી. તમને કોઈ ગેરસમજ થાય છે.’

‘હં....!’ અને કલગી હોટલના મેઈન ડોર તરફ આગળ વધી. આવુ કેવી રીતના બની શકે ? તેને ગઈકાલે અનામિકા મળી તો હતી ! તેને વાત કંઈ સમજાઈ નહિ. જોકે, તેણે આ વાત સમજવા માટે મગજને વધારે જોર આપ્યું નહિ. ગઈકાલે તેને મળેલી અનામિકા તેને અત્યારે ફરીવાર મળી કે ન મળી એનાથી તેને કોઈ ફરક પડતો નહોતો.

કલગી મેઈન ડોરની બહાર નીકળી. ‘ટૅકસી !’ તેણે નજીકમાં જ ઊભેલી ટૅકસી બોલાવી. ટૅકસી કલગી પાસે આવીને ઊભી રહી. કલગી ટૅકસીમાં બેસવા ગઈ. ત્યાં જ તેની નજર સામેની ફૂટ- પાથ પર પાર્ક થયેલી ટૅકસી પાસે ઊભેલા માણસ પર પડી. એ ટૅકસીવાળો ઓમર હતો, જે તેને ગઈકાલે એરપોર્ટ પરથી અહીં મૂકી ગયો હતો.

ઓમરે કલગી તરફ હાસ્ય રેલાવતાં હાથ હલાવ્યો.

કલગીએ પણ હાથ હલાવ્યો અને પછી ટૅકસીની પાછલી સીટ પર ગોઠવાઈ. તેણે ટૅકસીવાળાને ટૅકસી ‘ઈન્ડિયન એમ્બસી’ લેવાનું કહ્યું ને ટૅકસીવાળાએ ત્યાંથી ટૅકસી આગળ વધારી.

કલગીએ આસપાસમાં નજર ફેરવવા માંડી. ત્યારે કલગીએ એ હકીકતની ખબર નહોતી કે પેલા ટૅકસીવાળા ઓમરે તેનો પીછો શરૂ કરી દીધો હતો !

( વધુ આવતા અંકે )