Pass - Fail books and stories free download online pdf in Gujarati

પાસ - નાપાસ

લક્ષ્મી,કેટલીવાર શીખવાડવાનું હોય, મગજ છે કે નહિ.3જા ધોરણમાં આવી ગઈ તોય બરાબર વાંચતાં નથી આવડતું.તારા જ ક્લાસ ના બાળકો જો કેવું કડકડાટ વાંચે છે અને તું ......તમે હજુ તો બારાક્ષરીમાં જ પડ્યા છો.આગળ વધવાનું નહિ ને કંઈ બોલવાનું પણ નહિ, બસ ચૂપચાપ બેન બોલે એ સંભાળ્યા રાખવાનું.હવે જો તે ધ્યાન નથી આપ્યું તો ક્લાસનો 2જા ધોરણમાં જ બેસાડી દઈશ.રેખાબેન એમનો ગુસ્સો લક્ષ્મી પર ઠાલવતા હતા.પણ, લક્ષ્મી કંઇ જ હાવભાવ વગર બસ નીચું જોઈ ને ઉભી રહેતી.અને એની આ જ વાત પર રેખાબેન અકડાઈ જતાં.

રેખાબેન આમ તો શાળાના ખૂબ જ લોકપ્રિય, વ્યવસ્થિત અને પ્રેમાળ શિક્ષિકા હતા.તે મોટાભાગ ના બાળકોમાં માનીતા હતા.તે ગુસ્સે ભાગ્યેજ થતાં પણ લક્ષ્મી પર વારંવાર એમના થી ગુસ્સે થઈ જવાતું.લક્ષ્મી 3જા ધોરણમાં તો આવી ગઈ હતી. પણ એ ભણવામાં ખૂબ જ નબળી હતી.શરૂઆતમાં તો એ કક્કાના અક્ષરો પણ બરાબર નહોતી ઓળખી શકતી.અને બોલવામાં પણ ખૂબ નબળી આખો દિવસ શાંત જ હોય,બાજુ ની છોકરીઓ સાથે પણ ઓછી વાતો કરે.રેખાબેન તેના પર ધ્યાન આપતા,એમને લક્ષ્મીના મમ્મી પપ્પા સાથે પણ વાત કરેલી.એમને પણ છૂટ આપેલી તમતમારે જે કરવું હોય એ કરો પણ અમારી દીકરી ને લખતા વાંચતા શીખવાડી દો એટલે બસ.રેખાબેન લક્ષ્મી પર ખાસ ધ્યાન આપતા પણ પછી એ પણ સમય જતા થોડા અકળાઇ ગયા.ને પછી એમનું લક્ષ્મી પર થોડું ધ્યાન ઓછું થઈ ગયું પણ ગુસ્સો વધી ગયો.

આજે રેખાબેન નો ગુસ્સો થોડો ચરમસીમા પર હતો અને લક્ષ્મીનું મૌન પણ.બસ આપણે તો આખો ક્લાસ છોડી તમારા પર જ ધ્યાન રાખવાનું શીખવાની કઈ દાનત ના હોય તો બાપાના પૈસા શું કામ બગાડો છો એના કરતાં ઘરે જ રહેતા હોય તો એમ બોલતા બોલતા એક થપ્પડ તેમણે લક્ષ્મીના ગાલ પર લગાવી દીધી.લક્ષ્મી ખૂબ રડવા લાગી અને રડતાં રડતાં કદાચ પહેલીવાર જ રેખાબેન ને સામે બોલી,"મારે ભણવું છે પણ મને કંઈ યાદ નથી રહેતું હું શું કરું?"એના આ વાક્યમાં ગુસ્સો હતો અને એના નહિ કરી શકવાનો અફસોસ પણ.આ બાજુ શાળા છૂટવાનો સમય થયો ને બધા બાળકો ઘરે જવા ઉતાવળા બન્યા રેખાબેન લક્ષ્મી ના પ્રતિઉત્તરથી થોડા સ્તબ્ધ હતાં.એ બધાં બાળકો અને નીચું મોં કરી ને થોડા ડૂસકાં ભરતી લક્ષ્મી ને જતાં જોઈ રહ્યા.

સ્ટાફ રૂમમાં પણ રેખાબેન થોડા ચૂપ રહ્યા.બીજા શિક્ષિકા બહેનો એ પૂછ્યું પણ ખરા,શું થયું?"કેમ આજ ચૂપ ચૂપ છો?કઈ બોલતી નથી."કંઈ નહીં બસ આજ થોડો થાક લાગ્યો છે,કહી ને રેખાબેન પોતાના ઘરે જવા નીકળી ગયાં.ઘરે જઈને પણ તે થોડા શાંત જ રહ્યા.અને કામમાં થોડા સ્વસ્થ પણ થઈ ગયા.પણ એમનો ઉચાટ એમના પતિ રાકેશ ઓળખી ગયા.રાકેશ એક કંપનીમાં એમ્પ્લોય હતા.પણ ખૂબ સમજુ અને વ્યવહારિક હતા. કામ પતાવી રેખાબેન જ્યારે રૂમમાં ગયા ત્યારે રાકેશે તરત પૂછ્યું,"શું થયું છે,કેમ આજે થોડી ઉદાસ લાગે છે?સ્કૂલમાં કઈ થયું?"રેખાબેન જાણે પોતાની મનોવ્યથા કહેવા તૈયાર જ હતાં.એમને લક્ષ્મીની બધી વાત રાકેશને કીધી વાત કરતા કરતા એમના આંખમાં આંસુ આવી ગયા હતાં.શું તે એને થપ્પડ પણ માર્યો. તારે એમ નહોતું કરવું જોઈતું. એટલું બોલતાં રાકેશે રેખા બેનની રડતી આંખો જોઈ ને બંધ થઈ ગયાં.હા રાકેશ એવું લાગે છે જાણે હું આજે નાપાસ થઈ ગઈ રેખાબેનનું આ વાક્ય સંભાળી એ રેખાબેનની નજીક ગયા અને એમનો હાથ પોતાના હાથમાં લઈ ને કહ્યું,"જો રેખા,તું ઘણા વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરે છે,મને નથી ખ્યાલ કે તે કોઈ ની ઉપર હાથ ઉપાડ્યો હોઇ કે પછી કોઈ ને કઈ બોલવાનો તને પસ્તાવો થયો હોય.તું ખૂબ સારી રીતે પોતાનું કાર્ય કરે જ છે.અને બાળકો તો જુદી જુદી જગ્યાએ થી,અલગ અલગ વાતાવરણમાંથી,અલગ અલગ સ્વભાવ અને સંસ્કારના આવવાના તું આ વાત સમજે છે અને બધાં બાળકો ની સ્મરણ શક્તિ પણ એક જેવી ના હોય તું અકળાયા વગર પ્રયત્નો કર લક્ષ્મી પણ શીખી જશે બધું.ચાલ હવે સરસ સ્મિત આપ એટલે સુઈ જઈએ.

રેખાબેન ને સાંત્વના આપી રાકેશ તો સૂઈ ગયો.પણ રેખાબેન થોડા વિચારોમાં ખોવાય ગયા."મારે ભણવું છે પણ મને કંઈ યાદ નથી રહેતું હું શું કરું?"આ વાક્ય એમને સુવાં નહોતું દેતું.સવારે શાળાએ પહોંચીને લક્ષ્મી ને જોયા પછી જાણે તેમને શાંતિ થઈ.એ દિવસે જાણે એમને રોજ કરતા લક્ષ્મી પર વધારે ધ્યાન આપ્યું એમને નોંધ્યું કે લક્ષ્મી બહુ બોલતી નથી પણ એ કાંઈ ને કંઇક ગણગણાટ કરતી હોય છે જાણે એ કોઈ ગીત ગાતી હોય.લક્ષ્મી નો વ્યવહાર તો કાલ ની વઢ પછી પણ સામાન્ય હતો એ રેખાબેન ને થોડી સાંત્વના આપતી બાબત હતી.પણ આમ ધીમા સ્વરે કઈક ગાવાની વાત આજે જ રેખાબેન ના ધ્યાન માં આવી.એ વાત નું એમને થોડું અચરજ થયું.થોડા દિવસ તો રેખબેને લક્ષ્મીના વ્યવહાર પર નજર રાખી.લક્ષ્મી કોઈ ગીત ગુનગુનાવતી ત્યારે ખૂબ અંદર થી ખુશ હોય એવું દેખાય આવતું.એક દિવસ રેખાબેને લક્ષ્મી ને પોતાની પાસે બોલાવી ને કવિતા ગાવા કહ્યું.લક્ષ્મી ઉભી રહી પણ ના કઈ બોલી, ના કઈ ગાયું,બસ ઉભી જ રહી.રેખાબેન થોડું જોર દઈને કહ્યું,કાલે આ કવિતા મોઢે કરીને આવજે ક્લાસમાં તારે ગાવા ની જ છે. લક્ષ્મીએ બીજે દિવસે આખા ક્લાસ વચ્ચે એ કવિતા સરસ રીતે ગાઈ.બસ રેખાબેન ને તો જાણે એમની સમસ્યા નું સમાધાન મળી ગયું.એ હવે લક્ષ્મી ને સંગીત ના માધ્યમ થી બને એટલું સમજાવવા લાગ્યાં.એની પાસે ગીતો ગવડાવતા,એની પાસે વંચાવતા એ પણ પહેલા કરતા વધુ ધ્યાન લગાવતી બધું શીખવા માટે.

આમ જ લક્ષ્મીનું 3જુ ધોરણ પૂરું થવા આવ્યું.એ બીજા બાળકો જેટલી હોશિયાર તો નહોતી બની.હા પણ,એ બધું સરળતા થી લખી વાંચી શકતી અને સમજવાના પ્રયત્નો પણ કરતી. રેખાબેન ની મહેનત ફળી રહી હતી.થોડાક મહિનામાં તો વાર્ષિક પરીક્ષા પણ લેવાય ગઈ.અને પરિણામ ની તારીખ પણ આવી ગઈ.

પરિણામના દિવસે રેખાબેન તેમના કામ થી ખુશ હતા.બધા બાળકો સાથે વાલીઓ માર્કશીટ લેવા આવી રહ્યા હતા.શિક્ષકો પણ સૂચનો આપતા,શાબાશી આપતા બધા બાળકોને માર્કશીટ આપતા હતા.પ્રથમ નંબરે આવતા વિદ્યાર્થીઓ ના પેંડા ખવાતાં હતા.નબળા વિદ્યાર્થીઓને સૂચનો આપતા હતા.લક્ષ્મી પણ તેની મમ્મી સાથે રિઝલ્ટ લેવા આવી હતી.લક્ષ્મી ને પાસ જોઈ એના મમ્મી ગળગળા થઈ ગયા હતા.રેખાબેન ના મોં પર પણ કંઇક ખાસ પામ્યાનો આનંદ હતો.લક્ષ્મી પણ ખુશ હતી. રેખાબેન એમને શાળાની બહાર જતા જોઈ રહ્યા.

થોડીવાર પછી બધા શિક્ષકો સ્ટાફ રૂમમાં બેઠાં હતાં. એટલામાં પટ્ટાવાળા બેન આવ્યા અને કહ્યું,રેખાબેન તમને સાહેબ બોલાવે છે.લક્ષ્મીના મમ્મી પપ્પા આવ્યા છે.રેખાબેન વિચારવા લાગ્યા શું થયું હશે? માર્કશીટમાં કંઈ ભૂલ હશે,કંઈ ફરિયાદ હશે,

વિચારતાં વિચારતાં રેખાબેન ઑફિસમાં પહોંચી ગયા. આવો રેખાબેન, આ લક્ષ્મી ના પપ્પાને તમને કંઈક કહેવું છે. તેમને લક્ષ્મી ના પપ્પા તરફ નજર કરી.લક્ષ્મીના પપ્પાએ પેંડાનું બોકસ કાઢ્યું અને રેખાબેન ને આપતા કહ્યું,મેડમ,મારી દીકરી પહેલીવાર કોઈ પરીક્ષામાં પાસ થઈ છે.બાકી તો ખાલી આગળના ધોરણમાં આવી જતી.એને ભણવાનું કહીએ તો યાદ નથી રહેતું કંઈ ને બેસી રહેતી. પણ છેલ્લા 6 મહિનામાં એના માં આવેલા પરિવર્તન થી અમે ખૂબ ખુશ છીએ. તમે એનું ધ્યાન રાખ્યું એના બદલ ખૂબ આભાર.રેખાબેન ની આંખ ના ખૂણા થોડા ભીના થઇ ગયા. એ બોલ્યા,અરે ભાઈ!એતો અમારું કામ છે અને લક્ષ્મી ની મહેનત વગર કંઈ ના થાય. આમ જ આગળ ભણજે હો બેટા. રેખાબેન આગળ કંઈ જ બોલી શક્યા નહિ અને પેંડાનું બોક્સ લઈ ને નજર થી જ આભાર વ્યક્ત કર્યો.

ઘરે જઈને પહેલા રેખાબેને પેંડાનું બોક્સ ખોલ્યું ને પેંડો મોં માં મૂક્યો. ત્યાં રાકેશભાઈ આવ્યા.પેંડા ના બોક્સ માં થી એક પેંડો મોઢા માં મૂકતાં જ પૂછ્યું, "શેના પેંડા છે?” રેખા બેન સ્મિત સાથે બોલ્યા, “હું અને લક્ષ્મી બંને પાસ થઈ ગયા એના"ઓહ,શું વાત છે, વેરી ગુડ....congratulations madam.......".thank you dear કહી ને રેખાબેન હસવા લાગ્યા.રેખાબેનના ચહેરા પર એક શિક્ષક તારીખે સફળ થયા નો આનંદ સ્પષ્ટ દેખાય આવતો હતો.

લેખકતૃપ્તિરામી