Ben Ma books and stories free download online pdf in Gujarati

બેન મા

ની - સંતાન જયશ્રી બેન 15 વર્ષ થી માતૃછાયા અનાથ આશ્રમ અને જીવન અંજલી વૃદ્ધાશ્રમ નું સંચાલન કરતા હતા.બંને ના મકાન ની વચ્ચે જયશ્રીબેન ની ઓફિસ રહેતી.જયશ્રીબેન અનાથ બાળકો ને ખૂબ પ્રેમ આપતા અને વાત્સલ્ય થી ભરેલું સ્નેહ વરસાવતા. વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો તો એમની કાળજીભર્યા વ્યવહાર અને પ્રેમભર્યાં સ્વભાવના લીધે એમને દીકરીની જેમ લાડ કરતા અને આશિષ આપતા.જયશ્રીબેન બંને ની જરૂરિયાતોનું ખાસ ધ્યાન રાખતા.અને ઘણા કાર્યક્રમોનું પણ આયોજન કરતાં.અને રામ જયશ્રી બેન ની ખૂબ મદદ કરતો.જયશ્રીબેન અને રામ બંને સાથે જ આ સંસ્થામાં જોડાયા અને અહી ના થઈ ને જ રહી ગયા હતા.
આજે પણ જયશ્રીબેન આવતીકાલે મધર્સ ડે હોવાથી વૃદ્ધાશ્રમમાં સાંજે ભજન અને ડાયરાના કાર્યક્રમના આયોજનમાં વ્યસ્ત હતા.ત્યાં જ રામે આવી ને કહ્યું,"બેન બા,બહાર કોઈ બેન આવ્યા છે.વૃદ્ધાશ્રમમાં રહેવા બાબતે પૂછપરછ કરે છે,અંદર મોકલું.?હા મોકલ એટલું કહી જયશ્રી બેન તેમના કામ માં વ્યસ્ત થઈ ગયા.રામ એક વૃદ્ધ મહિલા ને લઈ ને આવ્યો એમની ઉંમર 60-65 જેટલી હશે.એમનું નામ સરલાબેન.
નમસ્તે બેન,
અવાજ સાંભળી જયશ્રીબેન કામ પડતું મૂકી એમને આવકાર આપ્યો...
નમસ્તે માસી,જયશ્રી કૃષ્ણ. કેમ છો? આવો બેસો...કહેતા સામે નજર પડી કોઈક ઓળખીતું હોય એવું જયશ્રીબેન ને લાગ્યું.
બોલો શું કામ હતું માસી?
બેન,અહી રહેવું છે.થોડી દુઃખીયારી છું.મારા ધણી તો ગયા વરસે જ રામ ના ધામ માં ચાલ્યા ગયા.બે છોકરાઓ છે એમાં નો એક તો વિદેશમાં અભ્યાસ કરવા ગયો ને ત્યાંજ નો બની ને રહી ગયો.અને બીજા ની વહુ ને અને મારે બનતું નથી રોજ ઝગડા થાય.એટલે એ શહેરમાં રહેવા ચાલ્યા ગયા.હું ગામડે એકલી રહું છું.જમીન તો બધી વેચી કાઢી એક મકાન છે એ પણ પડું પડું થઈ રહ્યું છે.એના બાપા એ થોડા પૈસા બેંકમાં મૂક્યા હતા એનું વ્યાજ આવે એમાં મારું તો જેમ તેમ ચાલી જાય.એમ પણ એકલા ને જોઈએ કેટલું?દીકરો તો હવે સાજે માંદે કોઈ વાર ખબર પૂછે ને કોઈ વાર દાડા ના દાડા વયા જાય તો પણ એક ફૉન ના આવે.કળિયુગમાં તો પેટ જણ્યા પારકા તી જાય છે તો બેન સગા સબંધીનું શું કહેવું?.. સગાં.. માં પણ કોઈ ખાસ છે નહિ.પણ હવે તો બેન એકલતા કોરી ખાય છે.ક્યાંય જવાય પણ નહિ ને કઈ ખાસ થાય પણ નહિ.બસ એકલા એકલા આખો દી જેવા તેવા વિચારો આવે.ઘણી વાર તો કલાકો ના કલાકો રડવું આવ્યા કરે.ક્યાં કર્મના પરતાપે આ છોકરાઓ પાક્યા.એક ભૂલી ગયો અને એક ને એની મા યાદ પણ નથી આવતી.
એટલું કહેતાં સરલાબેન ખૂબ રડવા લાગ્યા...
જયશ્રીબેન એમને સાંત્વના આપી શાંત કર્યા.રામ અને જયશ્રી બેન માટે આ કઈ નવું નહોતું.એમને તો બસ ખાલી કારણો અલગ રહેતા......
આતો બેન.અમારા ગામ ની છોકરીએ મારું દુઃખ જોઈ મને અહી રહેવા આવાની સલાહ આપી.બેન મને અહી રહેવા મળશે ને...?આંખો લૂછતાં સરલાબેને દયામણા થઈને પૂછ્યું.
હા હા કેમ નહિ સરલાબેન....
જયશ્રીબેને રામ ને કહ્યું ,"રામ આમને લઈ જા અને બેસાડી નાસ્તો કરાવ.પછી એમના છોકરા ની જોડે વાત કરી આગળ વધીએ..................
થોડીકવાર માં રામ જયશ્રી બેનની કેબિનમાં આવ્યો.એને જોયું જયશ્રીબેન ખૂબ ઊંડા વિચારોમાં હતાં.જાણે કોઈ ભૂતકાળ ફરી જીવતા હોય અને એમની આંખમાંથી આંસુ વહેતા હતા.
"બેન બા,શું થયું?કેમ રડો છો?અને તમને આ બેન ના નામ ની કેમ ખબર પડી? તમે એમને ઓળખો છો?
જયશ્રી બેન જાણે કંઇક પીડા માંથી બહાર નીકળતા હોય એમ બોલ્યા,"હા રામ,ઘણા વરસો પહેલા અભય ની બદલી એક છેવાડા ના ગામમાં થઈ હતી.એ ગામ માં અમારા પાડોશી હતા સરલાબેન.શરૂઆતમાં તો એમનો વ્યવહાર ખૂબ સારો હતો.પણ જ્યારે એમ ને ખબર પડી કે અમારા લગ્ન ને 5 વર્ષ થયા છતાં અમારે સંતાન નથી તો એમને અમરી જોડે કામ પૂરતી વાત નો જ સંબંધ રાખ્યો.એમના ઘરે માતાજી ની પૂજા માં વાંઝ્યા ને આમંત્રણ ના હોય એમ કહી અમને ટાળ્યા હતા.સવાર સવારમાં તો એ અમારું મોં જોવાનું પણ ટાળતા.એ વખતે મને બવ ખરાબ લાગતું અને હું ખૂબ રડતી.ભગવાન ની દયા થી આ બધા ના એકાદ વર્ષમાં જ અભય ની બદલી શહેર માં થઈ ગઈ.અને અમે એ ગામ માંથી નીકળી ગયા.આજે એમની આ હાલત જોઈ દુઃખ થાય છે.બે છોકરાઓ ના અભિમાનમાં જે બીજા મને સંભળાવતા એ આજે નિ- સંતાન બની આશરો માંગે છે.
સાચી વાત કહી બેન બા.પણ તમે આજે અનાથ આશ્રમમાં રહેલા 100 બાળકો ના બેન બા છો.
ત્યાંજ ભાસ્કર એટલે અનાથ આશ્રમનો હોશિયાર અને માનીતો બાળક, ત્યાં આવી બોલ્યો,"નમસ્તે બેન બા હું અંદર આવું.
"આવ આવ ભાસ્કર કઈ કામ હતું?"
હા બેન બા....કાલે મધર્સ ડે છે ને તો અમે તમારી માટે કંઇક તૈયાર કર્યું છે.અમે અમારી મમ્મી ને તો જોઈ નથી.પણ સમજણા થયા પછી તમને જ અમારી કાળજી રાખતા અને વ્હાલ કરતા જોયા છે.. હા કોઈક વાર લડો પણ છો....પણ એવું બધું તો મમ્મી જ કરે ને?માટે તો તમે જ અમારી માતા છો.તો તમારે આવવાનું છે હો.અને હવે થી અમે તમને બેન બા નહિ..." બેન મા"બોલાવશું.
ભાસ્કર બોલતો ગયો ને જયશ્રી બેન નું હૃદય વાત્સલ્ય થી ઉભરાતું ગયું અને આંખો સ્નેહ ના ધોધ થી છલકાતી ગઈ.તેઓ ભાસ્કર ને ભેટી પડ્યા અને ગાલ પર હળવું ચુંબન કર્યું.ભાસ્કર જયશ્રી બેન નું વર્તન તો સમજી નહોતો શકયો પણ એમની મમતાના અહેસાસ માં ભીંજાઈ ગયો.એની આંખો પણ છલકાઇ ગઈ અને કુદરતે બનાવેલ આ સંબંધો ને જોઈ રામ ની આંખો પણ કોરી ના રહી.છેવટે ભાસ્કર કાલે જલ્દી આવજો હો "મા"એટલું કહી પોતાના આંસુ લૂછતો જતો રહ્યો.
"બેન બા..... આજે તો તમે આશ્રમ ના બાળકો ના "બેન મા" બની ગયા.તમે નિ સંતાન નથી.તમે તો આશ્રમના બધા બાળકોના "બેન મા" છો.રામે હસતા હસતા કહ્યું...
"સાચું કહ્યું રામ.બાળક વગરની સ્ત્રી માતૃત્વનું સરનામું ઝંખે.અને માતા પિતા વગરના બાળકો વાત્સલ્યનું ઝરણું ખોજે.
પણ.......
જેને મળ્યું હોય એ ઘણીવાર કદર ભૂલે....."
એટલું કહેતાં જયશ્રીબેન ની નજર બારણે એવી ઉભેલા સરલા બેન ની નજર સાથે મળી અને તે ચૂપ થઈ ગયા.
સરલાબેન ની આંખો જાણે પોતે કરેલા વર્તન બદલ માફી માંગતી હોય એમ ઝૂકેલી હતી.