Veer Rajput ane bhutavadno bheto - 2 books and stories free download online pdf in Gujarati

વીર રાજપૂત અને ભૂતાવળનો ભેટો... - 2

થોડો આરામ કરી અને આ ગામમાં ક્યાંક થોડું ભરપેટ ભોજન કરીને પછી સવારમાં હવે વહેલો મારા ગામમાં પાછો જતો રહીશ એવા વિચાર સાથે રાજા ઘોડો ધીમે ધીમે ફાનસના આવતા અજવાળા બાજુ લઈ જાય છે.
રાજા વિક્રમસિંહ તે ગામમાં આવતા એમને વિચાર્યું કે રાત્રીના સમયમાં હું કોઈ બીજા ગામમાં આવી ગયો છું કદાચ જેની વાત કૃષ્ણકુમારજી એ કરી હતી આ એ ગામ નથી લાગતું એમ વિચારતા વીર રાજપૂત ઘોડા ઉપરથી નીચે ઉતરતા ગામમાં અંદર જતા જ પહેલા ઘર આગળ ઊભા રહ્યા અને બોલ્યા કે કોઈ છે ઘરમાં ?
ત્યાંતો એક ઘરડી સ્ત્રી ઘરમાંથી આવી અને બોલી અરે આવો આવો ભાઈ કહી ને તેને બૂમ પાડી કે
વહુબેટા ઘરે મહેમાન પધાર્યા છે જટ ચૂલા ઉપર જમવાનુ બનાવો અને આંગણામાં ખાટલો ઢાળી નવું પાથરણ પાથરો.
રાજા વિક્રમસિંહ અંદર ગયા અને ઘોડાને સામે એક ઝાડ જોડે બાંધ્યો. ત્યાંતો ડોશી ઘરના પાછળના વાડામાંથી ઘોડા માટે લીલુંછ્મ ઘાસ લાવી અને ઘોડા આગળ મૂકી દીધું.
વીર રાજા એક ગરીબની આગતા - સ્વાગતા જોઈ રહ્યા હતા રાજાને તો હાથ ધોવાનું પાણી આપ્યું તેમના માટે ખાટલો પથરાઈ ગયો ડોશીની વહુ ખાટલા ઉપર નવું ગાદલું પાથરીને રસોઈ કરવા લાગ્યા.
આ બાજુ રાજા વિક્રમસિંહ હાથ ધોઈને ખાટલા ઉપર બેઠા. ડોશીએ પૂછ્યું બહુ દૂરથી આવતા લાગો છો ઘોડો બહુજ થાકેલો જણાયો અને તમે પણ થાકેલા અને ભૂખ્યા લાગો છો તમે કોણ છો વીર ?
રાજા ઝૂંપડા સામે જોતા બોલ્યા આ ગામમાં કેટલા ઘર છે આ ગામ રાજનગરની હદમાં હોય એવું લાગે છે પણ રાત્રીના સમયમાં સ્પષ્ટ ખ્યાલ નથી આવતો માતાજી કેમ કે હું રાજા વિક્રમસિંહ છું હું એક રાજપૂત છું અને હું રાજનગરનો રાજા છું મારા બહેનના ઘરેથી આજે મારા પોતાના નગર રાજનગરમાં જવા નીકળ્યો હતો પણ અતિશય થાકના કારણે અહીં વિસામો કરવા ઊભો રહ્યો છું.
ડોશી બોલ્યા અરે અમારા ઘરે નગરરાજ વીર રાજપૂત વિક્રમસિંહ સ્વયં પધાર્યા છે.ઘણી ખમ્મા ઘણી ખમ્મા રાજન કહી વળી સાદ કર્યો વહુબેટા લાપસી બનાવજો રાજન પોતે આવ્યા છે , આજે આપણે ત્યાં.
ડોશી બોલ્યા રાજન આ ગામ તમારા ગામ રાજનગરની હદમાં જ આવે છે પણ અમે વણજારા છીએ જ્યાં ઉભા રહીએ ત્યાં પડાવ એવો પાડીએ જાણે એવું જ લાગે કે આ એક નાનકડું ગામ છે. અહીંયા લગભગ ૫૦૦ ઘરના ઝૂંપડા છે બેટા.
કહી ડોશી બોલ્યા અમારાથી કોઈ ભૂલ થાય તો અમને ક્ષમા કરજો રાજન અમને ખબર ના હોય કે રાજાનું સ્વાગત કેવી રીતે કરાય. ત્યારે રાજા બોલ્યા માતા આપે મને હમણાં જ બેટા કહ્યું અને મે તમને માતા તરીખે બોલાવ્યા એટલે હું તમારો દીકરો છું માટે દીકરો માતા માટે રાજાના હોય તે રાજા નગરનો છે અને હું એક રાજપૂત છું સંબંધો અમારે તો તલવારની ધાર જેવા સચવાય માતા હું આપનો દીકરો જ છું તમે નિશ્ચિંત થઈને રહો.
આમ ડોશી અને રાજા વાત કરતા હતા ત્યાં જ ઝૂંપડામાંથી અવાજ આવ્યો અરે 'બા' રસોઈ થઈ ગઈ છે , નગરનાથની આજ્ઞા હોય તો જમવાનુ પીરસી દઉ ?
ડોશી બોલી જમવા બેસવું છે દીકરા? વિક્રમસિંહ બોલ્યા હા 'માં' બહુ જ ભૂખ લાગી છે કહી રાજા ખાટલા ઉપરથી ઉભા થઈ ગયા.
જમવાનું પીરસાયું , જમવા આસન પથરાયુ,
રાજાએ આસન પર બેસીને જોવે છે તો જમવામાં ખીચડી-કઢી અને રોટલો તથા રાજાને માટે ખાસ લાપસી બનાવી હતી,ખીચડીમાં અને લાપસીમાં ઉપરથી ઘીની ધારા કરવામાં આવી. પછી રાજાએ જમવાનું ચાલુ કર્યું રાજાનું જમવાનું તો એટલું સરસ હતું કે રાજા ખૂબ જ ખુશ થઈ ગયા તેમણે આવું જમવાનું તો મહેલમાં ક્યારેય પણ ચાખ્યું નહોતું તેથી તેઓ ખૂબ આનંદથી જમ્યા.
જમ્યા બાદ રાજા ઉભા થઈને ડોશીના ઝૂંપડાના ફળિયામાં ઉભા રહીને ગામમાં જોતા હતા તો એમણે જોયું કે ગામમાં બધી સ્ત્રી અને બાળકો જ છે કોઈ પુરુષ જોવા ન મળ્યો તેથી તેમને ડોશીને પૂછ્યુ માતાજી તમારા ગામમાં કોઈ પુરુષ કેમ નથી દેખાતા ?
ત્યારે ડોશી બોલ્યા બધા એક અગત્યના કામથી અહીથી થોડે દુર આગળ ગયા છે અમે વણજારા બધા જોડેજ જઈએ બેટા, થાકથી તમારી આંખો પણ નમી ગઈ છે કહી ડોશી ઝૂંપડા બાજુ આગળ વધી ત્યારે વિક્રમસિંહ બોલ્યા માતા આપ મારી એક અમૂલ્ય વસ્તુ સાચવીને મૂકશો ? હું સવારે જતા લઈ જઈશ એમ કહી રાજાએ ૧૦૦૦ સોનાના સિક્કાની પોટલી ડોશીની સામે ધરી.
ડોશી બોલ્યા એ અમારા સદભાગ્ય કહી એમણે સિક્કાની પોટલી રાજાના હાથમાંથી લીધી અને કહ્યું આ પોટલી મારી જોડે જ હું ઝૂંપડામાં મૂકીને સૂઈ જઈશ તમે નિરાંતે સૂઈ જાઓ રાજન, કહી ડોશી ઝૂપડામાં ચાલ્યા ગયાં.
વીર રાજપૂત રાજા ખાટલા ઉપર સૂતા અને તારા જોતા હતા અને એ તારા જોતા જોતા જ સૂઈ ગયા.
સવાર પડી અને સૂર્યોદય થયો. રાજાની આંખ ખુલી તો એમણે જોયું તો આંખો ખુલી જ રહી ગઈ.
( એવું શું જોયું દાદા બોલી ક્રિશિવ અને તેના મિત્રો બધા એકબીજાની નજીક આવ્યા.)
રાજાએ જોયું કે તેઓ પોતે બિલકુલ નીચે જમીન પર સુતા છે ના ખાટલો કે ના કોઈ ગાદલું , જે ઝાડ પાસે ઘોડો બાંધ્યો હતો એ ઝાડ નહિ પણ બાવળ હતું, ઘોડા જોડે ઘાસ જે ડોશીએ આપ્યું હતુ એ એકદમ વર્ષો જૂનું સુકાયેલું પીળું ઘાસ હતું.અને ડોશીના ઝૂંપડા સામે તો રાજાને જોવાજેવું જ નહોતું કેમકે એક ઝૂંપડુ તો શું આખે આખું ગામ જ નહોતું જ્યાં રાત્રે રાજાએ ઝૂંપડા જોયા હતા ત્યાં બધા જ મોટા ઝાડ હતા. અને રાજા પોતે તો જંગલમાં એકલો નીચે જમીન પર પડ્યો હતો. આ બધી ઘટના રાજા જોડે જિંદગીમાં પહેલી વાર બની હતી તેઓ ઉભા થયા અને ઘોડો લઈને તેમના ગામ આવી ગયા તેમણે કોઈને વાત કરી નહિ કે તેમની જોડે શું બન્યું છે.
રાજા નગરમાં પહોંચતાં જ એમણે બ્રાહ્મણની દિકરીના લગ્ન કરાવ્યા,કન્યાદાન કર્યું બે હાથથી દાન કર્યું એમણે દિકરીને પાંચ ગામ દાનમાં આપ્યા તેમજ ૧૦૦ ગાયો,૧૦૦ ઘોડા - હાથી, કરોડો હીરા જવેરાત આપ્યા અને દિકરી વિદાય કરી અને મહેલમાં પાછા આવ્યા.
રાજાના મગજમાંથી વિચાર જતો જ નહોતો એમને સમજાતું નહોતું કે આ બધું શું બન્યું એમની જોડે,તેઓ વિચારતા હતા કે હું રાત્રે ત્યાં જમ્યો મે આખું ગામ જોયું અને સવારે ત્યાં કોઈ જ નહિ આવું બનવું તો શક્ય નથી નક્કી આ એ જ ગામ હતું જેની વાત કૃષ્ણકુમારજીએ કરી હતી આ ભૂતાવળ જ ભેગી થઈ હતી આવું વિચારતા હતા ત્યાં જ અચાનક તેમને ડોશીને આપેલી સિક્કાની પોટલી યાદ આવી તો તે પણ તેમની જોડે નહોતી અને તેમણે ત્યાં પણ જોયેલું તો તે પોટલી ત્યાં પણ પડેલી નહોતી.
ત્યાં તો રાજાના દરવાને બૂમ પાડી કે શ્રી કૃષ્ણકુમારજી પધાર્યા છે તેમનું સ્વાગત હો ઘણી ખમ્મા - ઘણી ખમ્મા, એવો અવાજ સાંભળ્યો એટલે વિક્રમસિંહ તેમના બનેવીના સ્વાગત માટે સામે દોડ્યા પરંતુ તેમના બનેવી સીધા રાજાની સામે આવીને ઉભા રહી ગયા અને કહ્યું કે હું તમારી ચિંતા કરતો હતો તમે સ્વસ્થ છો ને? કંઈ થયું તો નથી ને તમને ?
રાજા બોલ્યા ના મને કંઈ જ નથી થયું પણ મારી જોડે કંઇક એવો બનાવ બન્યો જે ક્યારેય પણ વિચાર્યો ના હોય એમ કહી તેમણે કૃષ્ણકુમારજી ને બનેલી દરેક ઘટના વિગતવાર કહી.
કૃષ્ણકુમારજી બોલ્યા વીર વિક્રમસિંહ તમે જે ગામમાં રાતવાસો કર્યો એ દેવરાજ નગરની પાછળના જંગલનો જ ભાગ છે જ્યાં ભૂતાવળ ભેગી થાય છે તમે જ્યાં હતા એ ગામ ભૂતાવળનું જ ગામ હતું એ તો રામના રખોપા કે તમને કઈ થયું નથી નહિતર ત્યાંથી હજુ સુધી કોઈ પાછું આવ્યું નથી એ તો સારું થયું કે તમારી ખાલી ૧૦૦૦ સોનાના સિક્કાની પોટલી જ ગઈ નહિતર જીવ પણ લઈ જાત એ ભૂતાવળ.
વિક્રમસિંહ બોલ્યા મને એ સમજાતું નથી કે આ ભૂતાવળ જો બધાને મારી નાખે છે તમે કહો છો એમ ત્યાંથી કોઈ પાછું વળીને આવતું જોયું નથી તો હું કેવી રીતે આવ્યો. અને હું એક રાજપૂત છું મારી જોડે આવીને જો કોઈ સાચા કારણસર કોઈપણ પ્રકારની માંગણી કરે તો હું તે ખુશી ખુશી આપી દઉં અરે વસ્તુતો શું પણ મારું મસ્તક આપતા પણ ખચકાવું નહિ પણ માનનીય આણે તો મારી આખી ૧૦૦૦ સિક્કાની પોટલી જ લઈ લીધી. જો એ ભૂતાવળને એ ૧૦૦૦ સિક્કાની પોટલી લેવી હતી એને એની જરૂર હતી તો મને એક વાર બોલત તો પણ હું આપી દેત પણ આ રીતે ?
અરે ભાઈ જવાદો સર સલામત તો પાઘડી હજાર કહી કૃષ્ણકુમારજી એ વાત દબાવી. પણ વિક્રમસિંહ બોલ્યા ના મારા શુભચિંતક શ્રેષ્ટ હું એક રાજપૂત છું અને આ અમાન્ય વર્તન ક્યારેય નહિ સ્વીકારું સવાલ ૧૦૦૦ સિક્કાની પોટલીનો નથી પણ અહી વાત મારા રાજપૂતના લોહી સામે કરેલા પડકારની છે કે એક રાજપૂત તેની જોડે રહેલા ૧૦૦૦ સિક્કા સાચવી ના શક્યો એ પ્રજાને શું સાચવશે ? માનનીય કોઈને ખબર પડે તો રાજપૂત સમાજની લાજ જાય માટે હું આવતી શરદ પૂનમની રાત્રે હવે પાછો જઈશ અને એ ભૂતાવળને મળીને જ રહીશ અને મારી એ ૧૦૦૦ સિક્કાની પોટલી પણ પાછી લઈશ એવું કહેતા રાજાએ પોતાની મૂછ પર હાથ ફેરવ્યો.
કૃષ્ણકુમારજી વીર વિક્રમસિંહનો સ્વભાવ જાણતા હતા તેથી બોલ્યા વગર જ ત્યાંથી બહાર નીકળી ગયા.
અહી સમય વીતતો ગયો એક વર્ષ પૂર્ણ થયું અને શરદ પૂનમની એ રાત આવી રાજાએ દરેક અંગરક્ષક અને સૈનિકો તથા સેનાપતિને પોતાની પાછળ નહિ આવવાની કડક સૂચના આપી અને પાછા તેઓ તેમના ઘોડા ઉપર બેસી અને તે ભૂતાવળના ગામ બાજુ જવા નીકળ્યા તેઓ દેવરાજ નગરમાંથી પસાર થયા તો એમણે જોયું કે દેવરાજ નગરમાં બધા જ ઘર બંધ હતા અને બધા જ ઘરમાં દરવાજા બંધ કરીને બેઠા હતા રાત તો શરદ પૂનમની હતી પણ જાણે દેવરાજ નગરમાં અમાસ જેવું અંધારું હતું. તેઓ ત્યાંથી પસાર થઇ પાછળના જંગલ તરફ આગળ વધ્યા ત્યારે તેમણે ફરી એજ દૃશ્ય જોયું કે દૂર ફાનસ ચાલુ હતી તેમણે ફરી એજ ગામ જોયું હવે તેઓ ગામમાં પ્રવેશ્યા તો બધી એજ સ્ત્રીઓ અને બાળકો જોયા જે એમણે ગઈ વખતે જોયા હતા તેઓ ઘોડો લઈને તે ફરી એકવાર ડોશીના ઝૂંપડાએ આવીને ઊભા રહ્યા અને ફરી એજ રીતે બૂમ પાડી અંદર કોઈ છે કે નહિ?
ત્યાં તો પેલા એજ ડોશી બહાર આવ્યા અને કહ્યું વહુબેટા ઘરે મહેમાન પધાર્યા છે ચૂલા પર રસોઈ મૂકો અને ફળિયામાં ખાટલો પાથરો.
રાજાએ ઘોડો ઝાડ સાથે બાંધ્યો અને અંદર પ્રવેશ્યા.
ત્યાં તો....
ક્રમશઃ ..........