Rupali .... books and stories free download online pdf in Gujarati

રૂપલી....

રૂપલી...
💥💥💥💥💥
ખૂબજ સુંદર છોકરી.આખા ગામની છોકરીઓમાં સ્પર્ધા ગોઠવાય તો તેનો નંબર પ્રથમ આવે તેવી રૂપાળી.અસલ નામતો એનું "રેખા" હતું પણ નાની હતી અને વાને રૂપાળી હતી તેથી ઘરનાં બધાં હુલામણું નામ "રૂપલી" પાડી દીધું અને આખું ગામ તેને તે નામથીજ બોલાવતાં.તેથી આખા ગામમાં બધાંની જીભે રૂપલી નામ રમતું થયું.રૂપલીની બેનપણીઓ તો ઢગલો.દરેક ફળિયે એની બેનપણી હતી.તેને ક્યારેય એકલી જુઓ જ નહી.તેની વાણીમાં મધુરપ હતી.એ બોલે એટલે જાણે સુગંધનો વાયુ વાયરસ જેમ ફેલાય.સાંભળવી ગમે તેવી તેની શબ્દાવલી.તેને જેટલી બેનપણીઓ હતી તેટલા ગામમાં છોકરાઓ જોડે પણ એટલીજ દોસ્તી.
ગામમાં કોઈ લડાઈ ઝઘડો થયો હોય તો તે તેની સાથેના બુદ્ધિશાળી દોસ્તોને લઇ જઈ ને ઝઘડો મટાડી સમાધાન કરાવી દેતી.જાણે વગર તારીખ અને વગર ફી ની કોર્ટ.એની એકજ બેઠકે સમાધાન થઇ જ જાય.આટલી કુશળ તેના જન્મતાં જ હતી.તે તેના ગામમાં ઉચ્ચતર સુધીનું જ શિક્ષણ પામી હતી.કેમકે દૂર દૂર શહેરમાં કૉલેજ અને સાચું કહું તો ભણવાનો એને ખૂબજ કંટાળો આવતો.ભણવામાં છેલ્લી પાટલીએ બેસતી.શિક્ષક ભણાવે તો મોટા ભાગે કલાસરૂમમાં તે બગાસાં જ ખાતી હોય.જેમ તેમ કરી બારમા સુધી ભણી.છેલ્લેથી તેનો ભણવામાં પ્રથમ નંબર આવતો.
તેના પપ્પા-મમ્મીએ આગળ અભ્યાસ માટે કૉલેજ મોકલવાની નિષ્ફ્ળ કોશિશ કરી પરંતુ રૂપલી મનથી માની બેઠી'તી કે મારે ભણવુંજ નથી.
સમય જતાં વાર નથી લાગતી.ધીરે ધીરે તેના ગ્રુપમાં એક પછી.એક છોકરી-છોકરાઓ યુવાન થતાં તેના પરિવારે લગ્ન કરી ને કામ નોકરી ધંધે વળોતતાં હતાં.પરંતુ રૂપલી થોડી સ્વછંદી છોકરી હતી.તે તેનાં મમ્મી પપ્પાને સમજાવતી કે પપ્પા હું બીજી છોકરીઓ જેમ ભાગી જઈ ને લગ્ન નહી કરું. તમારી ઈજ્જતને હું ધૂળધાણી નહી કરું. મને જયારે ઈચ્છા થશે તે વખતે તમને જણાવીશ.
"પરિવાર અને સ્વજનો વચ્ચે જ ગામમાંથી સ્વમાનભેર વિદાય થઈશ.એટલે મારી ચિંતા ના કરો."
ગામમાં એક દિવસ બધા છોકરી છોકરાઓને રુપલીએ ગામની ધર્મશાળાના ઓટલે મિટિંગ બોલાવી નક્કી કર્યું કે આપણે આ વખતનો આવનારો દિવાળીનો તહેવાર ખાસ અલગથી ઉજવીએ.રૂપલી ટીમલીડર હતી.કોઈપણ ચર્ચાઓ થતી તો બધાંના મંતવ્યો તે જાણી લેતી. છેવટે પોતાનુ ધાર્યું કરતી અને તે બધાંને માન્ય રહેતું.
શું કરવું તેની લાંબી ચર્ચાઓ પછી નક્કી થયું કે ચાલો આપણે દરેક ઘરે દિવાળીના આગલા દિવસે જે મીઠાઈ બને છે તે મીઠાઈ બનાવવી. દરેક મીઠાઈ કે ફરસાણનું લીસ્ટ તૈયાર થયું.લોકફાળો કઈ રીતે ભેગો કરવો.સામેલ ટીમમાં દરેક ફળિયામાં રહેતા યુવક યુવતીઓને જવાબદારી સોંપી.દિવસની મર્યાદા ધ્યાનમાં રાખી સોંપી ટહેલ નાખી.
"ઉત્સવ દરેકના જીવનમાં ઉત્સાહ ભરે છે.ઉમંગ લાવે છે."સૌએ પોતપોતાની રીતે સમય કાઢી ઝુંબેશ ઉપાડી.નક્કી કરેલા હિસાબમાં પ્રવીણ યુવાન પાસે રાશિ જમા થઇ ગઈ.ધાર્યા કરતાં ખૂબ મોટી રકમ જમા થઇ.અત્યંત ગરીબ હોય તો પણ ફૂલ નહી તો ફૂલની પાંખડી સમજી જે આપે તે લેવાની પ્રબળ ભાવના સાથે ફેરી કરી.ઝોળી ભરાઈ ગઈ.ગામના વૃદ્ધ- વૃદ્ધાઓએ આ છોકરાઓની ઝુંબેશ જોઈ મજાક સમજવા લાગ્યાં.કોઈ તો એટલે સુધી કોમેન્ટ કરવા લાગ્યાં કે "કૂતરાંનો સંગ કાશીએ ના જાય." તેમ વ્યંગ્ય વાણી બોલવા લાગ્યાં.પરંતુ અડગ મનની રૂપલી તે બધાં થી પર રહી કોઈ નિરાશ યુવાનોને જુસ્સો ભરતી.
દિવાળી તહેવાર નજીક આવ્યો.કાચું સીધું બજારથી લઇ આવી,રસોયાએ રસોઈ બનાવવાનું ચાલુ કર્યું.આખા ગામના કુટુંબની ગણતરી મુજબ મીઠાઈઓ,ફરસાણનાં સામુહિક રીતે પેકેટ તૈયાર થયાં.વહેંચણીનું લીસ્ટ અગાઉથી તૈયાર હતું.તે મુજબ દરેક ઘરે સમયસર પેકેટ પહોંચી ગયાં.ગામની દરેક સ્ત્રીઓ ખુશ,બાળકો ખુશ,વૃદ્ધ ખુશ.આખા ગામમાં રૂપલી અને રૂપલી સાથે જોડાયેલાં યુવક યુવતીઓ પર અભિનંદનનો વરસાદ વરસવા લાગ્યો.ઓછી મહેનતે,નજીવા ખર્ચે,કોઈ ભેદભાવ વગર આ અભિયાનના ભાગ રૂપે રુપલીએ ફાળામાં વધેલી રકમની ઘરમાં કામ લાગે તેવી સૌ મિત્રોને ભેટ પણ આપી.હિસાબ સરભર કરી દરેક મિત્ર ને હિસાબની કોપી પણ આપી દીધી.તેથી સૌના મુખે રુપલીના ગુણગાન થવાં લાગ્યાં.
દિવાળીનો ઉત્સવ પૂરો થયે બે માસ જેવું વીત્યું. કડકડતી ઠંડીમાં ચૂંટણીઓ આવી.ફરીથી બધાં યુવાનો ભેગા થયા.રુપલીને જણાવવામાં આવ્યું કે આજે ચૂંટણીની ગામના ચોરે મીટીંગ છે.સૌ ઉત્સાહી યુવાન યુવતીઓ આવી ગયાં.ચર્ચાઓ થઇ.બધાંનો સૂર હતો કે રૂપલીને બિનહરીફ ચૂંટીએ.રૂપલી બધાંની આગ્રહ ભરી નજર જોઈ બોલી.મારે ક્યારેય ચૂંટણી લડવી નથી.જીવીશ ત્યાં સુધી સેવા કરીશ.તમારી લાગણી બદલ આભાર સાથે સોરી.
રૂપલી મનથી અડગ હતી.ગ્રુપમાં ગણગણાટ શરૂ થયો.એકબીજામાં ખેંચતાણ શરૂ થઇ.કોઈ સંમતિ એક પર ના સધાઈ.અંતે ઘણા યુવાનો ઉમેદવારી ભરવા ગયા.ગામની એકતાને નજર લાગી.ગામમાં વિખવાદ થઇ ગયો.પક્ષ અનેક થઇ ગયા.વેરઝેરનાં બીજરોપાયાં.અંતે એક પક્ષના ઉમેદવારની જીત થઇ.સામે અન્ય પક્ષના દુશ્મનો ઊભા થયા.ગામમાં પરિવાર પરિવારમાં બેસવા જેવું રહ્યું નહી.રુપલીની લાખ કોશિશ છતાં ગામના એકેય યુવક યુવતીઓ એકનાં બે ના થયાં કે નાં કોઈ સમાધાન થયું.એકતા તૂટી.છેવટે દોષનો ટોપલો રૂપલી પર આવ્યો.રૂપલી આ દોષ ને ગળી ગઈ.
રુપલીએ તેના પપ્પાને કીધું.પપ્પા મારા માટે કોઈ સગું શોધો.હવે મારે પરણીને મારી જિંદગી કોઈનો આધાર ઝંખે છે.
સગું શોધ્યું.ઘડિયાં લગન લેવાણાં.આખા ગામને આમંત્રણ હતું.રુપલીની જાન વિદાય થઇ.બધાં ધ્રુસકે રડ્યાં.રેખા...ઉર્ફે રૂપલી પરણી જતી રહી.આખા ગામનું એક મોંઘમ ઘરેણું જતું રહ્યું.પછીથીય ગામ એક ના થયું.
(ચૂંટણી એ એક સ્વચ્છ સેવક ચૂંટવાની પ્રક્રિયા છે.યોગ્યને સુકાન મળે તો ગામ શુકનવંતુ બને.)
- સવદાનજી મકવાણા (વાત્સલ્ય )