Ruday Manthan - 12 books and stories free download online pdf in Gujarati

રુદયમંથન - 12

ધર્મદાદાનો આખો પરિવાર હવે મનેકમને કાલથી ગામડાનું જીવન જીવવા તૈયાર થઈ ગયો હતો, એમણે કોઈ દિવસ ગામડું જોયું સુદ્ધાં નહોતું એને આવી રીતે એક મહિનો ગામડાની લાઇફસ્ટાઇલ સૌને અકળાવનારી રહેશે, એમાંય નિયમો એમને વધારે બંધનમાં જકડી લીધા.
રાતે બધા સૂઈ ગઈ ગયા, પરંતુ ઊંઘમાં ખલેલ પહોંચાડતા કુતરાઓ વધારે ભય પમાડતા હતા, રિયાન પણ એ બધાના અવાજથી સૂતો નહોતો, એની જોડે માત્ર મહર્ષિ પણ જાગતો હતો, રાતે મોડાં સૂવાની ટેવાયેલો એ એના મોબાઇલ વગર સુનો પડ્યો, પણ જ્યાં સૂઈ ગયો હતો એ રૂમમાં એક પડેલું પુસ્તક એના હાથમાં આવી ચડ્યું, એને વાંચવાનું ચાલુ કર્યું, રસ પડતો ગયો, જીવન જીવવાની મહત્તા એમાં સારી રીતે વર્ણવી હતી, એ વિચારો મહર્ષિના મનમાં પોતાની જગ્યા બનાવતા હતા.
આશરે રાતના નવ વાગી ગયા હતા, સૂનકાર વ્યાપેલો હતો, ત્યાં કોઈ વાહન આવ્યું હોય એવું લાગ્યું, ગેટ આગળ થોડી હલચલ થઈ, જોયું તો ઋતા અને એની બહેનપણી આવી ગયા હતા, રાતના અંધકારમાં આવી રીતે એકલાં નીકળવાનું સાહસ જોઈને એણે ખુશી થઈ, ઋતા માટે આ જાણે રોજનો નિયમ હોય એવું જણાઈ રહ્યું હતું, એને એનું એપ્રોન કાઢ્યું, એના વાળ ફટાફટ બાંધીને અવાજ કર્યા વગર હવેલીમાં આવી પહોંચી, બધા સૂઈ ગયા હોવાથી અવાજ ન થાય એની ખ્યાલ રાખવાની એની સૂઝ બધાની સંભાળ લેવાની વૃત્તિ જાહેર કરતી હતી,હવેલીની ચાલી રહેલી ડીમ લાઇટમાં ઋતા વધારે રુપાળી લાગી રહી હતી, મહર્ષિ એને જોતો જ રહી ગયો.એક અજાણ વ્યક્તિએ આજે એના દિલમાં નવી જગ્યા બનાવી લીધી હોય એમ લાગ્યું, દુનિયાનીની બધી છોકરીઓ એની આગળ ફિકી લાગી રહી હતી, એ એને જોતો રહ્યો અને એ હવેલીમાં પ્રવેશી એટલે ઝરૂખામાંથી દેખાતી બંધ થઈ.
મહર્ષિને ઊંઘ નહોતી આવતી ને હવે ઋતાને જોયા પછી એનું મગજ એના વિચારોમાં પરોવાઈ ગયું, એની જીવનશૈલી, એની બોલવાની છટા, એની ઉડતી લટો, આંખોની પલકો, એનું સફેદ એપ્રોન એ બધું એની આંખની સામે તરવરી રહ્યું, પહેલી વાર કોઈ છોકરી પ્રત્યે એને આવું આકર્ષણ થઈ રહ્યું હતું, એને ખુદને પણ સમજણ નહોતી પડી રહી, આમ તો રોજિંદી જિંદગીમાં એ એના શોખ પૂરા કરવામાં, એના કોલેજના ભાઈબંધો અને એની ફેવરિટ બાઇકમાં જ રહેતો, થોડો ઘણો સમય વધતો હોય એમાં એ એની પેન્ટિંગ અને ધર્મદાદા સાથે વિતાવતો.એને ફિલોસોફીમાં બહુ જ મજા આવતી એટલે દાદા સાથે મોડી રાત સુધી બેસીને એમની જોડે અવનવી વાતોમાં વિચાર વિમર્શ કરવામાં એને મજા પડી જતી.
ઋતા પણ દાદાના વિચારો સાથે પ્રેરિત હતી માટે મહર્ષિને એના પ્રત્યે અનોખું આકર્ષણ હતું, એમાંય ઋતા અને એની ઉંમરમાં ફરક બહુ નહોતો એટલે જાતીય આકર્ષણ હોય એમાં કોઈ નવાઈ ના હોય!
ગેટ પર અવાજ આવતાં માલતીબેન જાગીને ઋતા જોડે આવ્યા, ઋતાની બેગ અને અપ્રોન લેવા એને હાથ લંબાવ્યો પણ ઋતાએ જાતે એને એના ડ્રેસિંગ પર મૂકી દીધો. માલતીબેને એ હવેલીની દેખરેખ અને નાનામોટા કામો જોઈ લેતા હતા, એમની ઉંમર આમ તો પચાસે પહોંચવા આવી હતી પરંતુ ઋતા અહી એકલી રહેતી હતી એના માટે ઋતાના પરિવારે એમની અહી નિમણુક કરી હતી, અહી ઋતાનું ધ્યાન તેઓ ખૂબ સારી રીતે રાખતાં હતાં.
"ઋતાબેટા, ચાલ ફ્રેશ થઈ જા, તું જમવાનું લઈ આવું છું." માલતીબેને ઋતાને કહ્યું.
"હા, માસી આવી!"
ઋતા ટ્રેક અને ટીશર્ટ પહેરીને ફ્રેશ થઈને આવી, ત્યાં સુધી માલતીબેને એના માટે ડીશ તૈયાર કરીને ડાઇનિંગ ટેબલ પર મૂકી, એના માટે પાણી લેવા રસોડામાં તરફ ગયા.
"શું બનાવ્યું છે માસી આજે?"- કહેતાં કહેતાં એ ડાઇનિંગ ટેબલ પર બેઠી.
"કઈ ખાસ નહિ, મહેમાનો માટે કીધું હતું એ જ બનાવ્યું તને ફાવશે ને?" - માલતીબેને ગ્લાસ ટેબલ પર રાખતાં કહ્યું.
"હા મને તો કઈ પણ ચાલશે! બસ તમે મારી જોડે બેસો એ બહુ છે."
"લે આ બેઠી! બોલ ઉર્વિને મૂકી આવી એના ઘરે?"- માલતીબેને એની બહેનપણી વિશે પૂછ્યું.
"હા મૂકી આવી, બહુ કીચડ હતો આજે તો! એના આજી લેવા આવી ગયા હતા ઘર આગળ!" - એને કહ્યું.
"ભલે, ડાહી છોકરી છે એ, તારી સાથે રહેશે એટલે પાછી ઘડાઈ જશે!"- માલતીબેને ઉમેર્યું.
"હા, ધગસ છે એટલે શીખી જશે!" - ઋતાએ એના વખાણ કરતાં કહ્યું.
"અરે, બધા સૂઈ ગયા બધા મહેમાનો?એમને કોઈ તકલીફ તો નહોતી પડી ને?" - ઋતાએ માલતીબેનને પૂછ્યું.
"હા, બધા સૂઈ ગયા ક્યારના! થાક્યા લગતા હતાં."
"ભલે તો! અને કેસરીકાકા અને મુનિમજી પણ સૂઈ ગયા?"
"એ તો સાંજે ક્યાંક ગયા છે, પણ હજી આવ્યા નથી." - માલતીબેને ઉમેર્યું.
" શું? એમણે એવું તો મને કંઈ કીધું નહોતું, મહેમાનોની કાલની વ્યવસ્થા કઈ રીતે કરવી એનું પૂછવું હતું."
"બેટા, એ બન્ને મહેમાનો માટે પાટિયા પર કઈક નોટિસ લખીને ગયાં હતા, બધા ત્યાં કઈક વાંચતા હતા."
"નોટીસ?" ઋતાએ અચરજ સાથે પૂછ્યું.
"એ નોટિસ પેલો કૂતરો રાખતાં હતાં એ ચશ્માવાળો છોકરો વાંચતો હતો."- માહિતી આપતાં માલતીબેને ઉમેર્યું.
"ભલે, એ હું પૂછી લઈશ એ તો!" - ઋતાએ જમીને ઊભા થતા કહ્યું, એનું મન એ અજાણ નોટીસમાં લાગી ગયું,શું ચાલી રહ્યું છે એનાથી અજાણ એની જીજ્ઞાસા વધી ગઈ, એ ચોગાન બાજુ આવીને નોટિસ બોર્ડ પાસે ગઈ, ઓસરીમાં પડેલું નોટિસબોર્ડ કોરું હતું, આગળ કઈક લખેલું હતું એ આછું પાતળું દેખાઈ રહ્યું હતું, પરંતુ રાતની ડિમલાઈટ એને વધારે ઝાંખું બનાવી રહી હતી.
એણે વાંચવો પ્રયત્ન કર્યો પરંતુ કઈ સ્પષ્ટ નહોતું એટલે એને રહેવા દીધું, ચોગાનની ખુલ્લી જગ્યા પર એ આંટા મારવા માંડી, વાતાવરણ ખુશનુમા હતું, રાતરાણીની સોડમ એને વધારે માદક બનાવતું હતું, મોડી રાતે કોઈ દેખાઈ નહોતું રહ્યું, છતાંય હવેલીમાં એકલી ઋતા નીડર બનીને ટહેલી રહી હતી, એનું મન દેસાઈ પરિવારના સદસ્યો, એમની અજાણ નોટિસ, એમનું આવવાનું કારણ, મુનીમજી અને વકીલ સાહેબનું આમ અચાનક ક્યાંક જતું રહેવું એ બધું એના મગજમાં ચાલી રહ્યું હતું.
ત્યાં ધસમસતા અવાજ સાથે એક બાઈક આવ્યું, જૂનું હોવાના કારણે એનો અવાજ વધારે ઘૂઘવતા કરી રહ્યું હતુ, એમાં બે સવારી આવી ગઈ, અંધારામાં બહુ સ્પષ્ટ નહોતું થઈ રહ્યું કે કોણ છે, પરંતુ મુનીમજી જેવી ટોપીના આકારે ઋતાએ ધારી લીધું કે એ મુનીમજી જ હશે. એ થોડી આગળ વધી, અને ઝાંપા પાસે ગઈ, ઓળખાણ સ્પષ્ટ થઈ, એની આંખમાં ચમક આવી.
એના મનના બધા સવાલોનો જવાબ આપવા માટે જાણે તેઓ સામેથી આવ્યા હોય એમ લાગી રહ્યું હતું,એની જીજ્ઞાસાનો જાણે અંત આવશે એવું એને લાગશે. સિક્યુરિટીગાર્ડ સલામી આપી તેઓને અંદર લાવ્યા, બાઈક પણ ઝાંપાની અંદર મુકાવ્યું.
મુનિમજી,કેસરીભાઈ અને ઋતા ત્રણેય એક ચોગાનમાં સાથે ઊભા રહ્યા, એક આકાશી તોરણ નીચે, ઋતાનાં મનમાં ચાલી રહેલા વામલોના જવાબ શમી શકશે?

ક્રમશઃ