Premrang - 6 books and stories free download online pdf in Gujarati

પ્રેમરંગ. - 6

પ્રકરણ-૬

સામે છેડેથી આદિલ કુમારનો અવાજ આવ્યો. એ બોલ્યા, "પ્રેમ કપૂર! તમે જલ્દી અહીં આવી જાવ. હું તમને લોકેશન મોકલું છું" એટલું કહી એમણે ફોન મુક્યો. ફોનમાં આદિલ કુમાર ખૂબ ગભરાયેલા લાગતાં હતા એ પ્રેમ કપૂરના ધ્યાન બહાર રહ્યું નહીં.

પ્રેમ કપૂર એ પોતાના મેપમાં લોકેશન ઓન કર્યું અને ઝડપથી પોતાની કારમાં આદિલ કુમારએ જે લોકેશન મોકલ્યું હતું ત્યાં ફટાફટ પહોંચ્યા. તેમણે જોયું તો એમને સમજાયું કે, પોતે એક હોસ્પિટલ પાસે આવી પહોંચ્યા છે.

આદિલ કુમાર એમની સામે ખૂબ ઘેરી ચિંતામાં ઉભા હતાં.
પ્રેમ કપૂર એ પુછ્યું, "કેમ? શું થયું અચાનક? આમ આવી રીતે તમે મને અચાનક અહીં કેમ બોલાવ્યો? અને તમે અહીં આટલાં ગભરાયેલા કેમ લાગો છો? અને આ હોસ્પિટલ? અહીં તો હોસ્પિટલ છે. શું થયું છે કોઈ બીમાર છે?" પ્રેમ કપૂર એ આવતાંની સાથે જ અનેક પ્રશ્નોની ઝડી વરસાવવા માંડી.

"ના, કશું જ બરાબર નથી. મોહિની.... મોહિની..." અને એટલું બોલતાં તો એમના ગળે ડૂમો બાઝયો. એમની આંખોમાંથી આંસુ છલકી રહ્યાં હતા." એ વધુ આગળ કંઈ જ બોલી ન શક્યા.

"મોહિની? શું થયું છે મોહિનીને? એની તબિયત તો સારી છે ને? અને તમારી આંખોમાં આંસુ? આ શું?" પ્રેમકપૂરને હજુ પણ કંઈ જ સમજાઈ નહોતું રહ્યું.

એટલામાં એમની નજર સીરિયલ 'પ્રેમપરીક્ષા'ના સૂત્રધારનો રોલ કરનાર શાહિદ પર પડી. એટલે પ્રેમ કપૂર એ શાહિદને પૂછ્યું, "શાહિદ? શું થયું છે મોહિનીને? અને આ આદિલ કુમાર? આદિલ કુમાર આવી રીતે રડી કેમ રહ્યાં છે?"

શાહિદ એ પ્રત્યુત્તર આપતાં કહ્યું, "આજે કોઈએ મોહિની ના ઘર પર પથ્થરમારો કર્યો છે. અને એને માથામાં ખૂબ વાગ્યું છે. માથામાંથી ખૂબ લોહી વહી નીકળ્યું છે. એની સ્થિતિ ખૂબ ગંભીર છે. ડૉક્ટર નું કહેવું છે કે, એને ચોવીસ કલાક તો ઓબ્ઝર્વેશનમાં રાખવી જ પડશે. એ પછી જ એની સ્થિતિ નો ખ્યાલ આવશે પણ ત્યાં સુધી તો તમારે લોકોએ એનું ખૂબ જ ધ્યાન રાખવું પડશે. ડૉક્ટરોએ એના પ્રોટેક્શન માટે પોલીસની ટીમ પણ બોલાવી લીધી છે. અને આમ પણ પથ્થર મારો થયો છે એટલે પોલીસની પૂછપરછ પણ થશે જ. અને આપણે બધાંએ પણ એ માટે તૈયાર રહેવું પડશે."

જીવનમાં કેટલીક ઘટનાઓ અણધારી જ ઘટી જતી હોય છે. માણસને હજુ તો આ ઘટના કેમ ઘટી એવું કંઈ સમજમાં આવે એ પહેલાં જ ઘટનાઓ એના જીવનમાં આકાર લઈ લેતી હોય છે. અને માણસના પોતાના હાથમાં તો માત્ર એટલું જ હોય છે કે, એણે એ ઘટનાના માત્ર મૂક સાક્ષી જ બનીને રહેવાનું હોય છે. કોઈ વ્યક્તિના જીવનમાં જયારે આવી અણધારી ઘટનાઓ ઘટે છે ત્યારે એ ઘટનાની અસર એની આસપાસના લોકો પર પણ પડે જ છે. મોહિનીના જીવનમાં પણ આવી જ અણધારી ઘટના બની ગઈ હતી. અને એની અસર એની આસપાસના લોકો પર પણ પડવાની જ હતી.

"પણ પથ્થરમારો!! અને એ પણ મોહિનીના ઘર પર? પણ કેમ? શા માટે? શું એના કોઈ દુશ્મન છે? કોઈ એના ઘર પર પથ્થરમારો કઈ રીતે કરી શકે? અને તમે બધા અહીં છો તો એનો પરિવાર ક્યાં છે? શું એનો પરિવાર જાણે છે આ પથ્થર મારા વિષે?" પ્રેમકપૂર એ એકસાથે અનેક સવાલો પૂછી નાખ્યા.

"એનો કોઈ પરિવાર નથી. પ્રેમ સાહેબ! એ તો હંમેશાથી એકલી જ રહે છે. હા, એમના પરિવારનો જો કોઈ હિસ્સો હોય તો એ માત્ર અને માત્ર આ આદિલ કુમાર જ છે. આદિલ કુમાર જ એના સુખ દુઃખના સાથી છે. બંનેની કોલેજકાળથી એકબીજા સાથે મૈત્રી છે. અને કદાચ બંને પ્રેમમાં પણ છે. રાહ માત્ર એટલી જ છે કે, તેઓ બંને ક્યારે પોતાના પ્રેમનો એકરાર કરે!" શાહિદ મોહિની અને આદિલકુમાર વિષે પોતે જેટલું જાણતો હતો એ એણે પ્રેમ કપૂરને જણાવ્યું.

પ્રેમ કપૂર મનમાં જ વિચારવા લાગ્યા, 'તો શું મોહિની અને આદિલ કુમારનો પ્રેમ પણ મારા અને રેશમની જેમ માત્ર સંવાદના અભાવે જ અધૂરો રહી જશે? ના, ના. એ શકય નહીં બને. જે ભૂલ મેં મારા જીવનમાં કરી છે એ હું આદિલ કુમારને નહીં કરવા દઉં. પછી મોટેથી એમણે શાહિદ ને પૂછયું, "શું હું મોહિની ને જોઈ શકું છું? ક્યાં છે એ? શું હું એને મળી શકું છું?"

"હા, એ એક સો ચાર નંબરના રૂમમાં છે. બેભાન છે. તમે માત્ર તેનો ચહેરો જોઈ શકશો." શાહિદે કહ્યું.

"સારું, હું મળી આવું છું." પ્રેમ કપૂર મોહિનીના રૂમમાં જવા નીકળ્યાં અને સાથે સાથે આદિલ કુમારને સાંત્વના પણ આપતાં ગયા, "આદિલ કુમાર! હિંમત રાખજો. મોહિનીને કંઈ જ નહીં થાય."

પ્રેમ કપૂર મોહિનીના રૂમમાં દાખલ થયા. પ્રેમ કપૂર રૂમમાં પ્રવેશતાંની સાથે જ મોહિની સહેજ સળવળી. એણે આંખો ખોલી. એની નજર સામે પ્રેમ કપૂરનો ચેહરો તરવરી ઉઠ્યો. મોહિનીએ પ્રેમની આંખોમાં જોયું. બંનેની આંખો મળી. પ્રેમે મોહિનીની આંખોમાં જોયું. એ આંખો સામાન્ય આંખો જેવી નહોતી લાગતી. મોહિનીની એ આંખોમાં કંઈક અલગ જ પ્રકારની રોશની હતી. એક અજબ પ્રકારનું તેજ હતું એ આંખોમાં!! પ્રેમ કપૂર ને લાગ્યું જાણે એ આંખો... એ આંખો! એને કંઈક કહી રહી છે.

પ્રેમ કપૂરને હજુ કંઈ સમજમાં આવે એ પહેલાં જ મોહિની બોલી, "પ્રેમ! મને ન ઓળખી તે? તારી રેશમને ન ઓળખી? હું રેશમ છું પ્રેમ! તારી રેશમ!"

પ્રેમ કપૂરની સ્થિતિ તો કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ હતી. મોહિની માત્ર આટલું જ બોલી અને ફરી પાછી એણે આંખો બંધ કરી દીધી.

પ્રેમ કપૂર તો જડની જેમ ત્યાં જ ઉભા રહી ગયાં. એમને સમજમાં નહોતું આવતું કે, મોહિની રેશમ કઈ રીતે હોઈ શકે? અને મોહિનીને રેશમની વાત કેવી રીતે ખબર?
પ્રેમ કપૂરના મનમાં અત્યારે વિચારોના વંટોળ ઉદભવી રહ્યાં હતાં.