Premrang - 9 books and stories free download online pdf in Gujarati

પ્રેમરંગ. - 9

પ્રકરણ-૯

પ્રેમ કપૂરએ પોતાની ડાયરી બંધ કરી. એ હવે વિચારોમાં ગૂંચવાયા. એમનું મન અનેક પ્રશ્નોથી ભરેલું હતું અને એ પણ એવા પ્રશ્નો કે, જેના કોઈ જ ઉત્તર એમને ક્યાંયથી મળી રહ્યાં નહોતા.

એ મનોમન વિચારી રહ્યા, 'રેશમ અને હું કોલેજમાં સાથે ભણતાં હતાં. અને મોહિની અને આદિલ કુમાર પણ કોલેજમાં સાથે હતા. એટલે એના પરથી એટલું તો સાબિત થાય જ છે કે, રેશમ અને મોહિની બંને એક તો નથી જ. પણ એ બંને વચ્ચે શું સંબંધ છે? બંને વચ્ચે સામ્યતા માત્ર એટલી જ છે કે, બંને પોતાના પરિવાર વિષે વાત કરવા માંગતી નથી.

કેટલાંક પરિવારો એવા પણ હોય છે કે જેમના સદસ્યો હંમેશાં પોતાના પરિવારથી ભાગવાનો જ પ્રયત્ન કરે છે. એવા પરિવારોએ આત્મમંથન જરૂર કરવું જોઈએ કે, શા માટે એમના ઘરના સદસ્યો એમનાથી દૂર ભાગે છે? એમણે કારણોની તપાસ જરૂર કરવી જોઈએ અને એને સુધારવાના પણ પ્રયત્નો કરવા જોઈએ. જે પરિવાર પોતાના ઘરના દરેક સદસ્યોને એકસરખું જ માન સન્માન આપે છે એ પરિવાર હંમેશા સુખી રહે છે. પણ અહીં તો રેશમ અને મોહિની બંને જ્યારે પણ પોતાના પરિવારની વાત આવે તો ટાળી દેતી.

રેશમ પણ પોતાના પરિવારની વાત હંમેશા ટાળી દેતી અને એવી જ રીતે આદિલ કુમારના કહેવા પ્રમાણે મોહિની પણ પોતાના પરિવારની વાત હંમેશા ટાળતી આવી છે. એનો એક અર્થ તો એ જ નીકળે છે કે, જે કંઈ પણ રહસ્ય છુપાયેલા છે એ આ બંનેના પરિવાર સાથે જોડાયેલા છે. માટે જો મારે મોહિની અને રેશમ બંને વચ્ચેમાં સંબંધની કડી શોધવી હોય તો એ બંનેના ભૂતકાળ વિશે તેમજ બંનેનાં પરિવાર વિશે પણ જાણવું પડશે. પણ હું એ બંનેના પરિવાર વિષે કઈ રીતે જાણી શકીશ?'

આવા અનેક પ્રશ્નો અત્યારે પ્રેમ કપૂરના મનમાં ઉદ્દભવી રહ્યાં હતાં.

દરેક સવાલોના જવાબ તો હોય જ છે. કોઈ જ સવાલ એવો નથી હોતો કે જેનો કોઈ જવાબ ન હોય. જવાબ વિનાના કોઈ સવાલ ઈશ્વર ક્યારેય આપણા જીવનના પ્રશ્નપત્રમાં મુકતાં જ નથી. ઈશ્વરે આપેલા આ જીવનના પ્રશ્નપત્રના આ કોયડાઓના ઉકેલ તો હંમેશા આપણે જ શોધવા પડે છે. અને ઈશ્વર પણ આપણને એનો જવાબ મેળવવામાં કોઈ ને કોઈ પ્રકારે મદદ કરે જ છે. માત્ર ઈશ્વર પર વિશ્વાસ હોવો જરૂરી છે.

પ્રેમ કપૂર પણ અત્યારે પોતાના જીવનરૂપી પ્રશ્નપત્રમાં ગૂંચવાયા હતાં. એમણે થોડીવાર માટે કંઈક વિચાર કર્યો અને પછી એમણે આદિલ કુમારને ફોન લગાડ્યો. સામેના છેડેથી આદિલ કુમાર એ ફોન ઉપાડ્યો, "હેલ્લો, આદિલ કુમાર! શું આપણે અત્યારે મળી શકીએ? શું અત્યારે તમે મારા ઘરે આવી શકશો? મારે બહુ જ અગત્યની વાત કરવી છે."

"અરે! પણ હમણાં તો આપણે મળ્યા હતા હોસ્પિટલમાં. ત્યારે તમે મને કેમ ન કહ્યું? અને આવી રીતે આમ અચાનક! શું વાત છે? બધું બરોબર તો છે ને? કંઈ ચિંતા જેવું તો નથી ને?" આદિલ કુમાર બોલ્યા.

"ના! બધું બરોબર નથી. મારે ખૂબ જ અગત્યની વાત કરવી છે અને આ વાત મોહિની બાબતે છે. તમારું ને મારું અત્યારે ને અત્યારે મળવું બહુ જ જરૂરી છે. હું તમને મોહિની વિશે કંઈક એવું જણાવવા માગું છું કે જે તમે...વિચાર્યું પણ ન હોય."

"પણ એવી તો શું વાત છે? આદિલ કુમાર બોલ્યા.
પ્રેમ કપૂરે કહ્યું," એ બધું હું તમને અત્યારે ફોન પર સમજાવી શકું એમ નથી. જો શક્ય હોય તો તમે અત્યારે જ મારા ઘરે આવી જાઓ. આપણે રૂબરૂ મળીએ અને વિગતે વાત કરીએ. આખરે મોહિનીની જિંદગીનો સવાલ છે.

"ઠીક છે ત્યારે. હું હમણાં જ તમારા ઘરે પહોંચું છું." એટલું કહી આદિલ કુમારે ફોન મૂક્યો અને પ્રેમ કપૂરના ઘરે જવા માટે ફટાફટ રવાના થયા. એ મનમાં ને મનમાં વિચારી રહ્યા, 'આખરે એવી તે શું વાત હશે કે, પ્રેમ કપૂરે મને હોસ્પિટલમાં ન કરી અને મને એમના ઘરે બોલાવ્યો?' આવા અનેક વિચારો આદિલ કુમારના મનને ઘેરી વળ્યા હતા. અનેક પ્રશ્નોથી ભરેલું હતું એમનું મન. આ બાજુ પ્રેમ કપૂરના મનમાં પણ અનેક સવાલો હતા અને હવે એ પોતાના મનના એ જ સવાલોનું પ્રશ્નપત્રએ હવે આદિલ કુમારને પણ ઉકેલવા માટે આપવાના હતાં.

થોડીવારમાં આદિલ કુમાર પ્રેમ કપૂરના ઘરે આવી પહોંચ્યા. એમને જોઈને પ્રેમ કપૂર ખૂબ અધીરા બન્યા પોતાની વાત કહેવા માટે. તેમણે હોસ્પિટલમાં મોહિનીનું જે રૂપ જોયું હતું! મોહિનીની આંખોમાં એણે રેશમની જે આંખો જોઈ હતી તે! પોતાની અને રેશમની પ્રેમ કહાની! એ બધું જ અતથી ઈતિ સુધી એમણે આદિલ કુમારને કહી દીધું.

આદિલ કુમાર તો આ બધી વાતો સાંભળીને સાવ અવાચક જ બની ગયા હતા. એમને સમજમાં ન આવી રહ્યું હતું કે એ આ વાત પર કઈ રીતે રીએક્ટ કરે? એ શું કરે? શું બોલે કે શું કરે? એ તો સાવ જડની જેમ ઊભા જ રહી ગયા હતા.

થોડીવારમાં એ હોશમાં આવ્યા અને બોલ્યા,"પણ આવું તો કઈ રીતે બને? એક જ વ્યક્તિમાં કોઈ બે વ્યક્તિ કઈ રીતે હોઈ શકે? મને લાગે છે કે, આપણે ડૉક્ટરને આ વાત જરૂર જણાવવી જોઈએ. એ જ આપણને આ મુશ્કેલીનો રસ્તો બતાવશે.

"હા, તમે કદાચ ઠીક કહો છો. આપણે ડૉક્ટરની જ મદદ લેવી જોઈએ." પ્રેમ કપૂરને પણ આદિલ કુમારની વાત જ યોગ્ય લાગી અને એમણે એમની વાતમાં હામી ભરી.

*****
બીજે દિવસે પ્રેમ કપૂર અને આદિલ કુમાર હોસ્પિટલમાં પહોંચ્યા. પહેલાં બંને જણા મોહિનીના રૂમમાં ગયા. મોહિની અત્યારે સૂતી હતી. આદિલ કુમાર મોહિની પાસે આવ્યા. એમણે મોહિનીના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને પછી તરત જ રૂમની બહાર નીકળી ગયા. ત્યારે એમની આંખોની કોર સહેજ ભીની હતી એ વાત પ્રેમ કપૂરની નજરથી છુપી રહી નહીં.

હવે બંને જણા ડૉક્ટરની કેબિનમાં દાખલ થયા અને મોહિનીના હોસ્પિટલમાં આવ્યા પછી જે કંઈ પણ ઘટનાઓ બની હતી એ બધી જ વાતો ડૉક્ટરને વિગતવાર જણાવી. ડૉક્ટરે બંનેની વાત શાંતિથી સાંભળી અને પછી કંઈક વિચાર કરવા લાગ્યા. એમના ચહેરાના હાવભાવ હવે ધીમે ધીમે બદલાઈ રહ્યાં હતા.