Premrang - 8 books and stories free download online pdf in Gujarati

પ્રેમરંગ. - 8

પ્રકરણ-૮

આદિલ કુમાર ડૉક્ટરની પાછળ પાછળ ચાલવા લાગ્યા અને બંને ડૉક્ટરની કેબિનમાં દાખલ થયા.

"શું વાત છે ડૉક્ટર? મને અચાનક ડર લાગવા માંડ્યો છે. તમે આવી રીતે અચાનક અહીં બોલાવ્યો એટલે હું એટલું તો સમજી જ ગયો છું કે, બધું બરાબર નથી. શું તકલીફ છે મોહિનીને?"

હા, તમે બિલકુલ બરાબર જ સમજયા છો. મોહિનીની સ્થિતિ સામાન્ય નથી. ગંભીર છે." ડૉક્ટરે જવાબ આપતાં કહ્યું.

"એટલે તમે કહેવા શું માંગો છો ડૉક્ટર સાહેબ? મોહિનીને કંઈ થઈ તો નહીં જાય ને?" આદિલ કુમાર ડૉક્ટરની વાત સાંભળીને ખૂબ ગભરાઈ ગયા. આજે પહેલી વાર એમને એહસાસ થયો કે, મોહિનીનું એમની જિંદગીમાં શું મહત્વ છે? શું એના જીવને કંઈ જોખમ છે?" આદિલ કુમાર પ્રશ્નોની ઝડી વરસાવવા લાગ્યા.

"તમે ચિંતા ના કરો. આદિલકુમાર! મોહિનીના જીવને કોઈ જ પ્રકારનું જોખમ નથી એટલે એ બાબતે તો તમે બિલકુલ નિશ્ચિંત જ રહો." ડૉક્ટરે આદિલ કુમારની ચિંતા હળવી કરતા કહ્યું.

"તો પછી શું વાત છે સાહેબ?" આદિલ કુમારની ધીરજ હવે ખૂટવા લાગી હતી. એ ખૂબ અધીરા બની ગયા હતા.
ઘણીવાર જીવનમાં માણસની ધીરજ ખૂટી જાય એવી ઘટનાઓ પણ બની જતી હોય છે, પણ એ સમયે એ વ્યક્તિનું મન શાંત રહેવું એ ખૂબ જ જરૂરી હોય છે. જે મુશ્કેલીઓનો સામનો હિંમતથી કરે છે એને કુદરત પણ કોઈને કોઈ રીતે હંમેશા મદદ કરે જ છે. પણ અત્યારે આદિલકુમારનું મન બિલકુલ શાંત નહોતું. આદિલ કુમારની પણ ધીરજ હવે ખૂટવા લાગી હતી.

ડૉક્ટરે કહ્યું, "મોહિનીને માથા પર પથ્થર વાગ્યા છે. એને કારણે એના મગજને પણ થોડું નુકશાન થયું છે. પણ એ સિવાય પણ બીજી કોઈ વાત એના જીવનમાં એવી બની હોઈ શકે છે જેની અસર આજ સુધી એના મગજ પર રહી હોય એવું મને લાગે છે. એના ભૂતકાળમાં કોઈ એવા રાઝ છુપાયેલા છે જે એને આજ સુધી પીડા આપી રહ્યા છે. કદાચ એ કોઈને કંઈ કહી શકતી નથી અને મનમાંને મનમાં કોઈ વાતથી એ પીડાય છે. અને હા, હું તમને એક સવાલ પણ પૂછવા માંગુ છું કે, મોહિનીના ઘર પર પથ્થરમારો કેમ થયો? શું એ વાત વિષે તમે કંઈ જાણો છો? શું ખબર આ પથ્થરમારાના બીજ એના ભૂતકાળમાં પણ છુપાયેલા હોઈ શકે કદાચ! તમે મોહિનીને ક્યારથી ઓળખો છો? અને શું તમે એના પરિવાર વિષે કંઈ પણ જાણો છો?" આટલું બોલી ડૉક્ટર અટક્યા અને પ્રત્યુત્તરની આશામાં એમણે આદિલ કુમાર સામે જોયું.

આદિલ કુમાર એ જવાબ આપ્યો, "હું તો મોહિનીને કોલેજ સમયથી ઓળખું છું. કોલેજમાં અમે બંને સાથે ભણતાં હતા. એ સિવાય અમે કોલેજના નાટકોમાં પણ સાથે ભાગ લેતાં હતાં. એટલે એ રીતનો અમારો પરિચય હતો. અને એ પછી તો અમે પ્રોફેશનલ લાઈફમાં પણ એકબીજા સાથે સારું એવું કામ કર્યું. એટલો મારો અને મોહિનીનો પરિચય છે.

"અને એનો પરિવાર? એ ક્યાં છે? એના વિષે તમે શું જાણો છો?" ડૉક્ટરે ફરી એકવાર પૂછયું.

"એના પરિવાર વિષે તો મારી પાસે કોઈ જ માહિતી નથી. એક બે વખત મેં એને આ બાબતે પૂછવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મેં નોંધ્યું કે, જ્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિ એને એના પરિવાર વિષે પૂછવાનો પ્રયત્ન કરતી ત્યારે એની પૂરી કોશિશ વાતને ટાળી દેવાની રહેતી. ખબર નહીં શું કારણ હોય!" આદિલ કુમારે જવાબ આપ્યો.

"ઓહ. આઈ સી...!!" ડૉક્ટર બોલ્યા, "તો તો આપણે એનો ભૂતકાળ જરૂર જાણવો પડશે."

"પણ કઈ રીતે?" આદિલ કુમાર એ પૂછ્યું.

"મને લાગે છે કે, મોહિનીના ભૂતકાળ વિષે જરૂર જાણવું પડશે. એના પરિવાર વિશે પણ તપાસ કરો. તમે એના ભૂતકાળ વિષે જાણવાનો પ્રયત્ન કરો. મારી તમને એટલી જ દરખાસ્ત છે. બાકી તમે ચિંતા ન કરશો. મોહિની ઠીક થઈ જશે. અત્યારે હવે તમે જઈ શકો છો." ડૉક્ટર બોલ્યા.

આદિલ કુમાર ડૉક્ટરની કેબિનમાંથી બહાર નીકળ્યા. બહાર શાહિદ અને પ્રેમ કપૂર ઉભા હતા. પ્રેમ કપૂરે પૂછ્યું, "શું કહ્યું ડૉક્ટરે? કંઈ સીરીયસ તો નથી ને?

"ના, પણ.." આદિલ કુમાર એટલું બોલીને અટક્યા.

"પણ શું?" પ્રેમ કપૂરે આદિલ કુમારને વચ્ચેથી જ બોલતાં અટકાવ્યા. એમનાથી રહેવાયું નહીં. એમને મોહિનીની આંખોમાં જોયેલી રેશમની આંખોનું એ રૂપ યાદ આવ્યું. એ મનોમન વિચારી રહ્યાં, 'શું હું આદિલ કુમારને રેશમની વાત કરું કે...!??' પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં એમણે મૌન જ ધારણ કરવું ઉચિત માન્યું. એમના પોતાના મનમાં પણ અનેક સવાલો હતા જેના એમની પાસે કોઈ જ ઉત્તર નહોતા.

"પ્રેમ કપૂર! તમે મારું એક કામ કરશો?" આદિલ કુમાર એ પૂછ્યું.

"હા, જરૂર કરીશ. તમે એકવાર કહી તો જુઓ." પ્રેમ કપૂર બોલ્યા.

"હું તો સીરિયલના કામમાં બહુ બિઝી રહું છું તમે તો જાણો જ છો. એવામાં ડૉક્ટરે મને મોહિનીના ભૂતકાળ વિશે તપાસ કરવાનું કહ્યું છે તો શું તમે મારું એ કામ કરવામાં મારી મદદ કરશો?"

પ્રેમ કપૂરને તો ભાવતું હતું ને વૈદ્યે કીધું જેવો ઘાટ થયો. એક તો એમના મનમાં મોહિની અને રેશમ વચ્ચે શું સંબંધ છે એ પ્રશ્નો તો રમતાં જ હતાં અને એમાં આદિલકુમારે એમને એ જ કામ સોંપ્યુ. એટલે એમને તો જાણે સોનાની થાળી મળી ગઈ.

"હા, હું જરૂર કરીશ. પણ સીરિયલનું શૂટિંગ? એનું હવે શું થશે? " પ્રેમ કપૂરે સવાલ કર્યો.

"એની તમે ચિંતા ન કરો. આમ પણ આપણે સીરિયલમાં લીપ લેવાના હતાં. અને એનું હજી શૂટિંગ જ થયું છે. એપિસોડ ટેલિકાસ્ટ નથી થયા એટલે વાર્તાને એ મોડ પર છોડી શકાય છે કે, જ્યાં રમણ અને મધુ છુટા પડ્યા. અને થોડા સમયનો બ્રેક લઈને સિઝન ટુ ના નામે ફરી શરૂ કરીશું. ત્યાં સુધીમાં મોહિની પણ કદાચ ઠીક થઈ જશે. બાકી મોહિનીની જગ્યાએ બીજી કોઈ છોકરીને લેવાની મારી ગણતરી નથી. કારણ કે, લોકોને એ રોલમાં મોહિની જ પસંદ આવી છે અને બીજી કોઈ પણ અદાકારા એ રોલ મોહિની જેટલો સારી રીતે નિભાવી નહીં જ શકે. અને આમ પણ આપણને બંનેને અત્યારે એક બ્રેકની ખૂબ જરૂર છે. થોડો સમય તમે પણ આરામ કરો અને હું પણ... બહુ કામ કરી લીધું." આદિલ કુમારે પહેલેથી જ બધુ પ્લાન કરી લીધું હતું.

****
પ્રેમ કપૂર હવે ઘરે આવ્યા. એમણે ફરી પોતાની ડાયરી ખોલી અને એમાં લખ્યું,

આજે મોહિનીના ચહેરામાં મને રેશમની આંખો દેખાઈ. શું હતું એ? શા માટે ફરી એકવાર રેશમ મારી જિંદગી માં આવી? કુદરતનો શું સંકેત છે આ?

આટલું લખી અને નીચે એમણે એક કવિતા લખી.

કુદરત આપી રહ્યો છે કોઈ તો સંકેત!
રંગાઈ જા તું ફરી એકવાર પ્રેમરંગમાં!
મારી બંધ મુઠ્ઠીમાં ભરી છે હેતભરી રેત.
ખોલું હું એને ને છલકે 'પ્રીત' અંગઅંગમાં!