Premrang - 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમરંગ - 2

પ્રકરણ-૨

પ્રેમકપૂર પોતાના ભૂતકાળમાં સરી પડયા.
"પ્રેમ! બેટા. હું કીટીપાર્ટી માં જાવ છું." પ્રેમની મા એ પોતાના દસ વર્ષના દીકરાને કહ્યું, "તારે બીજું કોઈ જોઈતું હોય તો કહે. હું આવીશ ત્યારે લેતી આવીશ."
"જોઈએ તો મારે તારો સમય છે મમ્મી. પણ એ તો તું મને આપી શકવાની નથી પછી શું કામ નાહકના પ્રશ્નો પૂછે છે?" પ્રેમ મનમાં જ બોલ્યો.
"તે મારાં પ્રશ્નનો જવાબ ન આપ્યો?" પ્રેમની મમ્મીએ સામેથી પ્રત્યુત્તર ન મળતાં ફરીથી પૂછ્યું.
મમ્મીનો પ્રશ્ન સાંભળી પ્રેમની વિચારધારા તૂટી અને બોલ્યો, "ના, મમ્મી! મારે કંઈ નથી જોઈતું." અને પછી સ્વગત જ બોલ્યો, 'અને આમ પણ મને જે જોઈએ છે એ તું આપી શકવાની નથી.'
"સારું બેટા. હું જાવ છું." એટલું કહી પ્રેમની મા કીટી પાર્ટીમાં જવા માટે નીકળી.
પ્રેમ હવે ઘરમાં સાવ એકલો પડયો. આમ તો એને આટલાં વર્ષોથી એકલા રહેવાની આદત પડી ગઈ હતી. એવું નહોતું કે, એના ઘરમાં કોઈ નહોતું. દુનિયાની દ્રષ્ટિએ જોઈએ તો પ્રેમનો પરિવાર ખૂબ સુખી પરિવાર હતો. એક સારો પરિવાર. પૈસે ટકે સુખી પરિવાર હતો પ્રેમનો. પિતા એક મોટા બિઝનેસમેન અને માતા પણ ભણેલી ગણેલી હતી. પ્રેમ એમના માતા પિતાનું એકનું એક સંતાન હતો. એને કોઈ ભાઈબહેન નહોતા. દુનિયાને ઈર્ષા આવે એવો એમનો પરિવાર હતો. પણ બહારની દુનિયામાં જે કંઈ પણ દેખાતું હોય છે એના કરતાં અંદરની દુનિયા તો કંઈક અલગ જ હોય છે. અને આ કંઈ માત્ર પ્રેમના ઘરની જ વાત નથી. દુનિયાના અનેક લોકો કે પછી એમ કહું કે, જગતનાં દરેક લોકોની આ વાત છે તો એમાં કોઈ અતિશયોક્તિ નથી લાગતી મને.

આ સૃષ્ટિ પર જીવતો દરેક મનુષ્ય એક જ જીવનમાં બે જિંદગી જીવે છે. એક એ કે જેને બહારની દુનિયાના લોકો ઓળખે છે અને બીજી પોતે પોતાના ઘરની અંદર જે જીવે છે એ. પ્રેમના ઘરના દરેક પાત્રો પણ આવી જ અલગ અલગ બે જિંદગી જીવી રહ્યા હતા.

પ્રેમના માતા પિતા સાથે તો જરૂર રહેતા હતા પણ એમની વચ્ચે સંવાદનો સેતુ નહોતો. સામાજીક રીતે બંને પતિ પત્ની હતા પરંતુ એમની વચ્ચે પતિ પત્ની જેવો કોઈ જ સંબંધ નહોતો. બંને માત્ર એક છત નીચે રહેતા હતા એટલું જ. એથી વિશેષ કશું જ નહીં. અને એ બંનેના સંબંધની અસર પ્રેમના જીવન પર પણ પડી હતી. કહેવાય છે કે, માતા પિતાના સંબંધની અસર જીવનભર બાળક પર રહે છે. પ્રેમ પણ એમાંથી બાકાત નહોતો રહ્યો.
મમ્મીના ગયા પછી પ્રેમ એ પોતાની ડાયરી ખોલી અને લખ્યું.

હું તારા પ્રેમને પામવાને તરસતો રહ્યો.
તારા સમયને માટે સદા કણસતો રહ્યો.
સમયનો કાંટો નિત્યની જેમ ખસતો રહ્યો.
માની 'પ્રીત' ને પામવા કાયમ તડપતો રહ્યો.

એણે પોતાના મનની વાત ડાયરીમાં લખી અને ડાયરી બંધ કરી.

પ્રેમની હંમેશાથી આ આદત હતી. એ હંમેશા પોતાના મનની વાત ડાયરીમાં લખતો. એને ત્યારે એ વખતે ખબર નહોતી કે, આ ડાયરીએ માત્ર એની ડાયરી જ નથી રહેવાની પણ એના પોતાના માટે ભવિષ્યની નવી જ દિશાઓ ખોલશે.

પ્રેમના પિતા એક મોટા બિઝનેસમેન હતા અને પોતાના બિઝનેસનાં કારણે એમને હંમેશા બહાર વધારે રહેવાનું થતું હતું. તેમનો ઈમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ હતો એટલે પૈસા પણ ખૂબ બનાવ્યા હતા. પૈસા કમાવવાની દોડમાં બધા લોકોની જેમ એ પણ કંઈ બાકાત નહોતા. આ દુનિયામાં લગભગ બધા જ લોકો પૈસા પાછળ દોડે છે. પૈસા કમાવવાની રેસ લગાવે છે અને એની આ રેસ ત્યારે જ પૂરી થાય છે જ્યારે એની જિંદગીની રેસ પૂરી થવાની હોય છે. પૈસા હોવા છતાં બધું નથી એવું એને ત્યારે જ સમજાય છે કે, જ્યારે એ ખૂબ કમાઈ લે છે. પ્રેમના પિતા પણ આ રેસમાંથી બાકાત નહોતા. એમણે પણ પૈસા બનાવવામાં પાછું વળીને જોયું નહોતું. પછી એ સાચો રસ્તો હોય કે ખોટો રસ્તો. યેનકેન પ્રકારે પૈસા આવવા જોઈએ એવી એમની માનસિક ફિલોસોફી હતી. અને એમની આ ફિલોસોફી ની સજા પણ એમને ખૂબ મળી હતી. અને આ સજાના ભાગરૂપે એમનું શરીર અનેક રોગોનું ઘર બની ગયું હતું. એમને ડાયાબિટિસ, ચિંતા, તણાવની પણ તકલીફ હતી. એમની પૈસા પાછળની જરૂરિયાત કરતાં પણ વધુ દોડ! આ જ કારણ હતું એમના માતા પિતાના સંબંધ બગડવાનું.

પ્રેમની માતા ખૂબ જ સિદ્ધાંતવાદી હતી. એને ક્યારેય કોઈ ખોટા રસ્તે જાય એ કદી પસંદ ન આવતું. પરંતુ એનો તો પતિ જ ખોટા રસ્તે હતો. એણે પોતાના પતિને સમજાવવાના અનેક પૂરતાં પ્રયત્નો કર્યા હતા પરંતુ એમાં એને સફળતા નહોતી મળી. એનું પરિણામ એ આવ્યું કે, પતિ પત્ની બંને વચ્ચે સદાને માટે અબોલા થઈ ગયા અને એકબીજા જોડે તેઓ માત્ર કામ પૂરતી જ વાતો કરતા હતા. એમના આ સંબંધનો ભોગ પ્રેમ બન્યો. પતિ પત્ની બંને પોતાના જ અંતરિયાળ પ્રશ્નોમાં એટલા બધા મૂંઝાયેલા રહેતા હતા કે પ્રેમ પર ધ્યાન અને સમય બંને જ આપી શકતા નહોતા.

પ્રેમની માતા હંમેશા ઘરથી દૂર ભાગવાનો પ્રયત્ન કરતી. કિટ્ટી પાર્ટીઓના બહાને એ ઘરથી દૂર જવાનો પ્રયત્ન કરતી. પ્રેમની માને લાગતું કે, હું જેટલી ઘરથી દૂર રહીશ એટલી જ ઘરમાં શાંતિ રહેશે અને પ્રેમનો ઉછેર સારી રીતે થશે. અમારા બંનેના રોજરોજના આ ઝઘડાઓ પ્રેમ જોશે તો એનો ઉછેર સારી રીતે નહીં થાય એવું એ માનતી હતી. પણ એને એ સમજાતું નહોતું કે, પ્રેમને સારો ઉછેર આપવા માટે એને પોતાનો સમય આપવો ખૂબ જરૂરી છે.

"અરે! પ્રેમ કપૂર! ક્યાં ખોવાઈ ગયા છો?" આદિલ કુમારે પ્રેમ કપૂરની વિચારધારા તોડતા કહ્યું.
"કંઈ નહીં બસ એમ જ બસ ભૂતકાળમાં ખોવાઈ ગયો હતો..." પ્રેમ કપૂરે જવાબ આપ્યો.
"તો શું છે તમારો ભૂતકાળ?" આદિલ કુમારે પૂછ્યું.
"ખાસ કંઈ નહીં. એ વિશે આપણે ક્યારેક નિરાંતે વાતો કરીશું. ચાલો હવે હું રજા લઉં? અને આમ પણ ડિનર પણ પતી ગયું છે. આવતીકાલે સીરિયલના સેટ પર મળીશું."

"હા, હા... ચોક્કસ આવતીકાલે મળીએ. હિરોઈનને પણ મનાવવાની છે ને લીપ માટે? એના માટે મારે કદાચ તમારી મદદની જરૂર પડશે." આદિલકુમાર બોલ્યા.

"નહીં પડે. તમે એક ઉચ્ચ કક્ષાના ઉત્તમ ડિરેક્ટર છો. લોકો તમારી સીરિયલમાં કામ કરવા માટે તરસે છે અને મને નથી લાગતું કે, મોહિની જેવી હિરોઈન તમને ના પાડવાની હિંમત કરે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તમારા નામની બોલબાલા છે. આખરે દરેક કલાકારના માટે પણ પોતાની નામના જાળવી રાખવી એ એના કેરિયરનો પ્રશ્ન હોય છે."

"સારું! આવતી કાલે સેટ પર મળીએ." એટલું કહી પ્રેમકુમારએ ત્યાંથી વિદાય લીધી.

બીજા દિવસની સવાર પડી.

મોટાભાગના બધાં કલાકારો શૂટિંગના સેટ પર હાજર થઈ ગયા હતા. એક માત્ર સીરિયલ ની હિરોઈન મોહિની ની જ રાહ જોવાઈ રહી હતી.