Premrang - 10 books and stories free download online pdf in Gujarati

પ્રેમરંગ. - 10

પ્રકરણ-૧૦

ડૉક્ટરના ચેહરા પરના ભાવ ખૂબ ઝડપથી બદલાઈ રહ્યાં હતાં એ પ્રેમ કપૂર અને આદિલ કુમાર બંનેએ નોંધ્યું.

થોડીવારમાં ડૉક્ટરના ચેહરા પરના ભાવ સ્થિર થયા. એ બોલી ઉઠ્યા, "મને તો હવે અત્યારે એક જ રસ્તો સૂઝે છે."

"શું?" પ્રેમ કપૂર અને આદિલ કુમાર બંને અધીરા થઈને એકસાથે બોલી ઉઠ્યા.

"હિપ્નોટીઝમ!" ડૉક્ટર બોલ્યા અને એમણે બંનેના ચેહરા સામે જોયું.

"હિપ્નોટીઝમ? એનાથી શું થશે?" આદિલકુમારને કંઈ સમજ ન પડતાં એમણે ડૉક્ટરને પ્રશ્ન કર્યો.

"હું તમને બધું જ વિગતવાર સમજાવું છું." ડૉક્ટર બોલ્યા.

"પણ ડૉક્ટર સાહેબ! એનાથી રેશમ! ઓહ! સોરી! આઈ મીન મોહિનીને કંઈ નુકશાન તો નહીં થાય ને? એની તબિયત પર કોઈ ગંભીર અસર તો નહીં પડે ને?" પ્રેમ કપૂરે ક્યાંક હિપ્નોટીઝમ વિષે થોડુંઘણું વાંચ્યું હતું એટલે એમને થોડી ઘણી માહિતી આ બાબતે હતી. માટે એમના મનમાં જે કંઈ પણ પ્રશ્નો હતા એ બધા જ એમણે ડૉક્ટર સામે રજૂ કર્યા.

"ના, ના. મોહિનીને કશું જ નહીં થાય. તમે નિશ્ચિંત રહો. તમે લોકો ફિલ્મોમાં જેમ બતાવો છો એવી રીતે નથી હોતું આ બધું. એક્સપર્ટ વ્યક્તિ જ આ કામ કરી શકે છે. તમે લોકો બિલકુલ ચિંતા ના કરો. એના માટે આપણે એક્સપર્ટને જ બોલાવીશું. ગમે તે વ્યક્તિ કોઈ પણ વ્યક્તિને હિપ્નોટાઇઝ નથી કરી શકતો. એના માટે બરાબર તાલીમ લેવી પડે છે અને સામાન્ય રીતે આ ક્રિયા મનોચિકિત્સક કરી શકે છે. મોહિની એમનેમ તો પોતાના ભૂતકાળ વિશે નહીં જ જણાવી શકે. કારણ કે, હજુ સુધી હું એને જેટલું ઓળખ્યો છું એમાં મને એટલું તો સમજાઈ જ ગયું છે કે, એ એના ભૂતકાળથી બહુ જ દૂર ભાગવાનો પ્રયત્ન કરે છે.એના ભૂતકાળમાં બહુ ઊંડા રાઝ છુપાયેલા છે. અને જ્યાં સુધી આપણે એના ભૂતકાળને પૂરેપૂરો ઉલેચી નહીં લઈએ ત્યાં સુધી એનો બરાબર ઈલાજ પણ નહીં જ કરી શકીએ. અને મને એમ પણ લાગે છે કે, એના ભૂતકાળની અસર હજુ પણ એના મગજ પર છે અને માટે જ એની માનસિક સ્થિતિ સારી નથી લાગતી મને તો. એ બહુ જ તણાવમાં રહેતી હોય એવું મને લાગે છે. અને એના આ તણાવનો સંબંધ એના ભૂતકાળ સાથે છે એવું મને એક ડૉક્ટર તરીકે હાલ સમજાઈ રહ્યું છે. અને શું તમે બંને નથી ઈચ્છતા કે, મોહિની બિલકુલ સ્વસ્થ થઈ જાય?" ડૉક્ટર બોલ્યા.

"હા, ડૉક્ટર સાહેબ. અમે બિલકુલ ઈચ્છીએ છીએ કે, એ પહેલાંની જેમ જ પાછી સાવ સામાન્ય થઈ જાય. જો એની તબિયત સુધરે તો પછી અમે અમારી સીરિયલનું શૂટિંગ પણ આગળ વધારી શકીએ." આદિલ કુમાર બોલ્યા.

"બસ તો પછી! મારા પર ભરોસો રાખો. અને બીજો ભરોસો ઈશ્વર પર પણ રાખો. કારણ કે, અંતે તો છેલ્લી બાજી તો હંમેશા એના હાથમાં જ હોય છે. ઈતિહાસ સાક્ષી છે કે, ઈશ્વરની ઈચ્છા વિના આજ સુધી શું કોઈ પાંદડું પણ હલી શક્યું છે ખરું? બાકી તમને બંનેને એટલું જરૂર કહીશ કે, પ્રભુને પ્રાર્થના કરો. કારણ કે, પ્રાર્થનામાં બહુ જ તાકાત હોય છે. પ્રાર્થના માણસને શક્તિ આપે છે. પ્રાર્થના ફળે કે ના ફળે એ અલગ વાત છે પરંતુ માણસને પરિસ્થિતિનો સામનો કરવાની એક અજાણી શક્તિ તો જરૂર આપે જ છે. આપણે આશા રાખીએ કે, મોહિની જલ્દી સ્વસ્થ થઈ જાય.

પ્રેમ કપૂર અને આદિલકુમાર બંને હિપ્નોટીઝમ માટે તૈયાર થઈ ગયા હતા. બંને જણા હવે ડૉક્ટરની કેબિનમાંથી બહાર નીકળ્યા.

આદિલકુમાર બોલ્યા, "પ્રેમ કપૂર! મોહિની ઠીક તો થઈ જશે ને? આજે મને પહેલીવાર એહસાસ થયો કે, હું મોહિનીને કેટલી પસંદ કરું છું. કદાચ હું એને પ્રેમ કરું છું. હા! આ પ્રેમ જ છે. અને આજે હવે મેં નક્કી કર્યું છે કે, મોહિનીની તબિયતમાં જેવો સુધારો થશે એટલે હું એને મારા દિલની વાત જરૂર જણાવીશ. હું મારા પ્રેમના રંગોથી એનું જીવન રંગી દઈશ. તમને શું લાગે છે પ્રેમ કપૂર? મારા અને મોહિનીના જીવનમાં પ્રેમનાં રંગો પુરાશે ને? હેતની રંગોળી રચાશે ને અમારા જીવનમાં?"

"હા. બિલકુલ રચાશે તમારાં જીવનમાં પણ પ્રેમરંગ! હું અને રેશમ તો ના રચી શક્યાં પ્રેમની રંગોળી. અમે તો માત્ર મૌનની જ રંગોળી રચી. આજે વિચારું છું તો લાગે છે કે, કેમ હું રેશમને મારા મનની વાત કહેવાની હિંમત ન કરી શક્યો? મનમાં તો એ પણ જાણતી હતી અને હું પણ જાણતો હતો કે, અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ! છતાં પણ અમે બંને કેમ ન કહી શક્યા એકબીજાને પોતાના મનની વાત? કેમ અમે પોતાના પ્રેમનો એકરાર ન કરી શક્યા? શું કારણ હતું એ હું હજીયે સમજી શકતો નથી. પણ તમને હું એટલું જરૂર કહીશ કે, જે ભૂલ મેં કરી છે એ હવે તમે નહીં કરતાં. સંબંધોનો સેતુ હંમેશા સંવાદથી જ રચાય છે. સંવાદથી જ સંબંધ છે.તમારાં માટે હું જરૂર ઈચ્છીશ કે, તમારા જીવનમાં પણ પ્રેમનો પ્રકાશ ફેલાય અને એ દિવસ બહુ જલદી આવે.

****
આદિલ કુમાર મોહિનીને જોઈને ઘરે જવા નીકળ્યા. પ્રેમ કપૂર થોડીવાર માટે મોહિની પાસે રોકાયા. મોહિની હજુ પણ ભાનમાં નહોતી. પ્રેમ કપૂર મોહિનીના પલંગ પાસે આવ્યા. મોહિનીએ આંખો ખોલી. એ બોલી, "પ્રેમ! ઓ પ્રેમ! મને લઈ જા. અહીંથી ક્યાંક બહુ જ દૂર. મારે આ દુનિયામાં હવે નથી જીવવું. તું મને આ દુનિયાથી ક્યાંક બહુ જ દૂર લઈ જા.

આજે ફરી એકવાર પ્રેમકપૂરને રેશમની એ જ આંખો! એ જ તેજ! મોહિનીની આંખોમાં ફરી દેખાયું. ક્ષણ બે ક્ષણ અને મોહિનીને ખૂબ જ ઝડપથી શ્વાસ ચડવા લાગ્યો. પ્રેમ કપૂર મોહિનીની આવી હાલત જોઈને ખૂબ જ ગભરાઈ ગયાં અને એમણે ખૂબ જ ઝડપથી ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટર આવ્યા અને એમણે મોહિનીને તપાસી. પ્રેમ કપૂર ડૉક્ટર હવે શું કહે છે એના ઉત્તરની રાહ જોતાં ત્યાં જ રૂમના બારણાં પાસે ઊભાં રહી ગયા.