dar nu tandav - 3 books and stories free download online pdf in Gujarati

ડરનું તાંડવ - ભાગ 3

ડરનું તાંડવ

ભાગ-3

ખોદ્યો ઉંદર અને એમાંથી નીકળ્યો ડુંગર.!!


પ્હાડી અબ્દુલને જોઇને જમાલ થોડો ગભરાયો હતો, પરંતુ હરમને જમાલથી ઉલટું કર્યું હતું.

હરમનની બરાબર બાજુમાં પડેલી ખુરશી ઉપર હરમન બેસી ગયો અને એણે અબ્દુલ સામે જોઇ કહ્યું હતું.

"ભાઇ અબ્દુલ, ગુસ્સો તું પી જા અને હું જે વાત પૂછું એ વાતના બરાબર જવાબ મને આપજે, નહિતર હમણાં પોલીસ સ્ટેશનેથી પોલીસ બોલાવી બાંગ્લાદેશ ભેગો કરાવી દઇશ." હરમને અબ્દુલને ધમકાવતા કહ્યું હતું.

"બાંગ્લાદેશ? તમે શું કહેવા માંગો છો? એક તો મારા ગેરેજમાં ઘુસી આવ્યા છો અને મને જ ધમકી આપો છો. તમે શું પોલીસને બોલાવતા'તા, હું જ પોલીસને બોલાવું છું." અકળામણ અને ગભરામણ બંન્ને ભેગી થઇ હોય એવા સ્વરમાં અબ્દુલ બોલી રહ્યો હતો.

"જો અબ્દુલ, પોલીસને બોલાવવામાં તારું જ નુકસાન છે. તારા ગેરેજમાં અંદર બાંગ્લાદેશનો નાનો ઝંડો લગાડેલો છે અને તારા અવાજમાં બંગાળી લહેકો છે અને તારું કાઉન્ટર ખોલવામાં આવે તો ચોક્કસ એમાંથી બાંગ્લાદેશની રાષ્ટ્રપતિ શેખ હસીનાનો ફોટો પણ મળી આવે, છતાં હું તારું કશું બગાડવા માંગતો નથી. તું મને ખાલી મારા સવાલોના જવાબ આપી દે." હરમન રસ્તા પર ઉભેલી ચાની કીટલીવાળાને બૂમ પાડીને ચા મંગાવતા મંગાવતા અબ્દુલને કહી રહ્યો હતો.

"સારું, તમારે જે પૂછવું હોય તે પૂછી લો." અબ્દુલે હથિયાર હેઠા મુકતા કહ્યું હતું.

"તેજપાલ રાજવંશ નામના વ્યક્તિને તું ઓળખે છે?" હરમને અબ્દુલ સામે જોઇ પૂછ્યું હતું.

"હા, એમની બંન્ને ગાડીઓની સર્વિસ અને રીપેરીંગ કામ હું જ કરું છું. અહીંથી વીસ મિનિટના અંતરે જ એમનો બંગલો આવેલો છે." અબ્દુલે ડાહ્યા વિદ્યાર્થીની જેમ શાંતિથી જવાબ આપ્યો હતો.

"તેજપાલ રાજવંશ વિશે તું બીજું શું જાણે છે?" હરમને પૂછ્યું હતું.

"તેજપાલ રાજવંશ આજથી ચાર વર્ષ પહેલા એની પત્નીને મારી નાંખવાના આરોપમાં જેલમાં ગયો હતો. એ વખતે મારી ગવાહીથી એ કોર્ટમાં છૂટી ગયો હતો, કારણકે જે વખતે એની પત્નીએ આત્મહત્યા કરી એ વખતે એ મારી સાથે આ જ ગેરેજમાં ઊભા રહી એમની ગાડી રીપેર કરાવતા હતાં, માટે જે સાચું હતું એ મેં કોર્ટમાં કહ્યું હતું. આમ તો હું ગવાહી આપવા ના જાત, પરંતુ તેજપાલે પણ મને હું બાંગ્લાદેશી છું મારી એ વાતનો ભાંડો ફોડી નાંખવાની મને ધમકી આપી હતી. માટે જ હું કમને ગવાહી આપવા ગયો હતો, પણ ગવાહી મેં સાચી આપી હતી કારણકે એ ખરેખર એ સમયે મારી સાથે જ હતો. એના સસરા દીપકભાઇ પણ પહેલા મારા કસ્ટમર હતાં. પરંતુ મેં કોર્ટમાં તેજપાલના સમર્થનમાં ગવાહી આપી એના કારણે એ મારા પર ખૂબ ગુસ્સે થયા હતાં. છ મહિના પહેલા જ એમને લકવો થયો છે અને એ પથારીવશ થઇ ગયા છે. એમનો દીકરો અમેરિકા સેટલ થઇ ગયો છે. દીપકભાઇ અને એમના પત્ની અંજનાબેન બંન્ને બંગલામાં એકલા જ રહે છે. દીપકભાઇએ તેજપાલને સજા અપાવવાની બહુ કોશિષ કરી, પરંતુ તેમને એમાં સફળતા મળી નહિ અને તેજપાલ નિર્દોષ છુટી ગયો." અબ્દુલે પૂછ્યા વગર આખો કિસ્સો હરમનને કહી દીધો હતો.

"બોસ, આ તો ખોદ્યો ઉંદર અને એમાંથી નીકળ્યો ડુંગર, આજે આ કહેવત બદલાઇ ગઇ. તમારા બોલ ઉપર સીક્સ મારવાના બદલે આ તો કેચઆઉટ થઇ ગયો." જમાલે હરમનના કાનમાં કહ્યું હતું.

"અબ્દુલ, તું મને દીપકભાઇનું એડ્રેસ આપ." હરમને અબ્દુલને કહ્યું અને જમાલને એડ્રેસ લખવાનો ઇશારો કર્યો હતો.

અબ્દુલે દીપકભાઇનું સરનામું લખાવી દીધું હતું.

"જુઓ ભાઇ, હું બાંગ્લાદેશથી આવ્યો ચોક્કસ છું, પરંતુ છેલ્લા દસ વર્ષથી અમદાવાદમાં પૂરી ઇમાનદારીથી મોટર ગેરેજ ચલાવું છું. મેં કોઇ ખોટું કામ કર્યું નથી. માટે મારા વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ ના કરતા." અબ્દુલે લગભગ ગળગળા થઇને કહ્યું હતું.

"તું મારા સવાલોના જવાબ જ્યારે મને જરૂર પડે ત્યારે આવી રીતે જ આપતો રહીશ તો મારે પોલીસ સ્ટેશનમાં જવાની જરાય જરૂર નથી. ફરી તારું કામ પડશે તો હું આવીશ." આટલું બોલી હરમન અને જમાલ ગાડીમાં બેસીને દીપકભાઇના ત્યાં જવા નીકળી ગયા હતાં.

અબ્દુલે લખાવેલા સરનામા પર હરમન અને જમાલ પહોંચ્યા હતાં. હરમને ગાડી ઝાંપા પાસે પાર્ક કરી અને બંગલાના મુખ્ય ગેટમાં પ્રવેશ કરી ઘરના મુખ્ય દરવાજા પાસે બંન્ને આવ્યા હતાં. જમાલે ડોર બેલ વગાડ્યો હતો. નોકરે આવીને દરવાજો ખોલ્યો હતો.

"મારું નામ હરમન છે અને હું દીપકભાઇને મળવા માંગુ છું. એમની દીકરીના ખૂન કેસ બાબતની વાત છે એવું એમને ચોક્કસ કહેજો." હરમને નોકરને પોતાના આવવાનું કારણ જણાવતા કહ્યું હતું.

થોડીવારમાં નોકર પાછો આવ્યો અને હરમન અને જમાલને બંગલામાં અંદર લઇ ગયો હતો. સોફા ઉપર બેઠેલા એક વૃદ્ધે હરમનને આવકાર આપતા સોફા પર બેસવા માટે કહ્યું હતું. એમનો જમણો પગ સોફા ઉપર લાંબો કરેલો હતો અને એક પગ નીચે જમીન પર હતો. હરમન અને જમાલ સોફા પર બેઠા અને હરમને વાતની શરૂઆત કરી હતી.

"દીપકભાઇ, મારું નામ જાસૂસ હરમન છે. હું તમારા જમાઇ તેજપાલ રાજવંશ વિરૂદ્ધ એક કેસ બાબતે તપાસ કરી રહ્યો છું. તપાસ કરતા મને ખબર પડી કે તમારી દીકરીની આત્મહત્યા પાછળ એ જ જવાબદાર છે. માટે જ આપની દીકરીની આત્મહત્યા બાબતે હું આપને થોડા પ્રશ્નો પૂછવા માટે અહીં આવ્યો છું." હરમને દીપકભાઇ સામે પોતાની વાતની રજૂઆત કરી હતી.

"હરમનભાઇ, મારી દીકરી નેહાનું ખૂન તેજપાલે જ કર્યું છે અને એ ખૂનને એણે આત્મહત્યામાં ફેરવી નાંખી છે. છેલ્લા છ મહિના પહેલા મને લકવાનો હુમલો આવ્યો હતો, જેના કારણે હું પથારીવશ જેવો થઇ ગયો છું. મારી પત્ની અંજનાને પણ મારા દીકરાના ઘરે બાબો આવવાના કારણે અમેરિકા જવું પડ્યું છે. હું અહીંયા નોકરના ભરોસે છું. તમે જ જુઓ, મારી કેટલી વિકટ પરિસ્થિતિ છે. મારી દીકરીનો ખૂની તેજપાલ છે એ વાત હું જાણું છું છતાં હું લાચાર છું અને કશું કરી શકતો નથી. મારા જવાબોથી તમારા કેસમાં મદદ મળે તો મને આનંદ થશે. તમારા જે કંઇપણ પ્રશ્ન હશે એનો હું સાચો જવાબ આપીશ. આપ ઇચ્છો એ સવાલ મને પૂછી શકો છો." દીપકભાઇએ પોતાના જમણા પગ તરફ હાથ કરતા હરમનને કહ્યું હતું.

"દીપકભાઇ, તમારી દીકરીનો ખૂની તેજપાલ જ છે એ વાતનો તમારી પાસે કોઇ સબુત છે ખરો?" હરમન સીધો મુદ્દાની વાત પર આવ્યો હતો.

"મારી દીકરી સાથે લગ્ન થયા બાદ પણ તેજપાલ દારૂ અને સ્ત્રીમિત્રોના રવાડે ચડેલો હતો. મારી દીકરી આ બાબતે એને રોકતી હતી તો એ મારી દીકરી જોડે મારઝૂડ કરતો હતો. જે દિવસે એનું ખૂન થયું એ દિવસે એણે સવારે મારી દીકરી જોડે ખૂબ મારઝૂડ કરી હતી. એ દિવસે મારી દીકરી જોડે મારે ફોન ઉપર વાત થઇ હતી અને મેં એને અહીંયા ઘરે આવી જવા કહ્યું હતું. દીકરી પણ મારી વાત સાંભળીને ઘરે પાછી આવવા તૈયાર થઇ ગઇ હતી અને હવે કાયમ અમારી જોડે જ રહેશે અને તેજપાલને છૂટાછેડા આપી દેશે એવું એણે અમને ફોનમાં સવારે અગિયાર વાગ્યાની આસપાસ જણાવ્યું હતું અને બપોરે બે વાગે પોલીસનો ફોન આવ્યો કે તમારી દીકરીએ આત્મહત્યા કરી લીધી છે. હવે તમે જ વિચારો કે અગિયાર વાગે મારી દીકરી ઘરે આવવાની વાત કરે છે અને બરાબર ત્રણ કલાક બાદ જ આત્મહત્યા કરી લે છે તો હું કઇ રીતે માનું કે આ આત્મહત્યા જ છે, ખૂન નથી. તેજપાલે ખોટા ગવાહો ઊભા કરી અને પોતાની જાતને બચાવી લીધી, પરંતુ તમે લખી રાખો એનો અંજામ પણ આવો ખરાબ જ થશે. માફ કરજો, હું જરા ક્રોધમાં આવી ગયો હતો." દીપકભાઇએ ક્રોધમાં આવીને ધ્રુજતા ધ્રુજતા બોલેલી વાતને ઠંડી પાડીને કહ્યું હતું.

હરમન એમની સામે એકીટશે જોઇ રહ્યો હતો. એની આ હરકત જોઇને જમાલને થોડું અજૂગતું લાગ્યું હતું. દીપકભાઇ સાથે વાત પૂરી કરી હરમન અને જમાલ બંન્ને બંગલાની બહાર આવ્યા અને ગાડીમાં ગોઠવાયા હતાં.

"બોસ, એક લકવાગ્રસ્ત માણસની સામે જે રીતે તમે તાકીને જોઇ રહ્યા હતાં એ મને ખૂબ અજૂગતું લાગ્યું હતું." જમાલે અકળાઇને હરમનને કહ્યું હતું.

"જમાલ, એટલે જ હું તને કહું છું કે તું મૂરખનો સરદાર છે. તને સમજાતું નથી કે દીપકભાઇ ક્રોધમાં અને ક્રોધમાં તેજપાલને શ્રાપ નહોતા આપી રહ્યા પરંતુ તેજપાલને મારી નાંખવાનો કોઇ પ્લાન જે એમના મનમાં ચાલતો હશે તે બોલી ગયા. પછી એમને સમજ પડી એટલે વાતને એમણે વાળી લીધી. હું એકીટશે એમની સામે એટલે જોતો હતો કે એમને લાગે કે હું એમની વાતથી સહમત થઇ ગયો છું એ કારણે એ પોતાના બોલવાના પ્રવાહને રોકી ના શકે અને થયું પણ એવું જ, એમની વાતમાં મને રસ લેતો જોઇ એ ન બોલવાનું બોલી ગયા." હરમને જમાલ સામે સ્પષ્ટતા કરતા કહ્યું હતું.

ક્રમશઃ .....

(વાચકમિત્રો, ડરનું તાંડવ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું. - ૐ ગુરુ)