Darr nu tandav - 4 books and stories free download online pdf in Gujarati

ડરનું તાંડવ - ભાગ 4

ડરનું તાંડવ

ભાગ-4

હરમન અને તેજપાલનો ટકરાવ


"બોસ, તમે કહો છો એ પ્રમાણે તેજપાલના સસરા દીપકભાઇ જેને આપણે લકવાગ્રસ્ત અવસ્થામાં જોયા છે એ તેજપાલ જોડે બદલો લેવાનો પ્લાન બનાવી રહ્યા છે અથવા તો બનાવ્યો છે. એક લકવાગ્રસ્ત માણસ કઇ રીતે કોઇને મારવાનો પ્લાન બનાવી શકે? ધારો કે, એ કોઇ બીજાના માધ્યમથી તેજપાલને મારવાનો પ્લાન બનાવે પણ ખરા તો કમસેકમ એમને ઘરમાંથી બહાર તો નીકળવું પડે, કારણકે ખૂનની સોપારી આપનાર વ્યક્તિ પોતાનું ઘર ખૂનીને તો ના જ બતાવે. હવે બોસ તમે જ વિચારો કે આવી લકવાગ્રસ્ત હાલતમાં એ ક્યાં કોઇ ખૂનીને સોપારી આપવા જવાના છે?" જમાલે એના મનમાં ઊભો થયેલો સવાલ હરમનને પૂછ્યો હતો.

"તારી વાત જમાલ સાચી છે. વર્ષો પછી તે બુદ્ધિની વાત કહી હશે. પરંતુ તેજપાલના સસરાના મનમાં કોઇને કોઇ પ્લાન તો ચોક્કસ છે, એ હું ખાતરીપૂર્વક કહી શકું એમ છું. મને લાગે છે કે પુષ્પાબેન પાસેથી આપણે લીધેલા કેસમાં વધારે ગોળ ફરવા કરતા સીધા તેજપાલને જ મળી લઇએ. જેથી આપણે એને સુરેન્દ્ર મજમુદાર વિશે સીધું પૂછી શકીએ અને એના કારણે સુરેન્દ્ર મજમુદારના મનમાં ઊભું થયેલું ડરનું તાંડવ કેટલું સાચું છે અને કેટલું ખોટું, એ એને મળીને ચકાસી શકીએ. માટે આજે રાત્રે આઠ વાગ્યા પછી એના ઘરે જઇએ. જેથી એના સસરાના કહેવા પ્રમાણે જો એ દારૂનો નશો કરતો હશે અને જો એ ઘરે હશે તો આપણને એના દારૂડિયા હોવાનો અથવા કોઇ બીજી ખરાબ ચાલચલગત હશે તો એનો અંદાજ આવી શકશે." હરમને જમાલને જવાબ આપતા કહ્યું હતું.

હરમન અને જમાલ બંન્ને પોતપોતાની રીતે આ કેસને વિચારી રહ્યા હતાં.

રાત્રે આઠ વાગે હરમન અને જમાલ સુરેન્દ્ર મજમુદારે આપેલા સરનામા પર પહોંચ્યા અને બંગલામાં પ્રવેશ કરી ઘરના મુખ્ય દરવાજા પાસે લગાડેલો ડોરબેલ વગાડ્યો હતો. એક સ્ત્રીએ આવીને ઘરનો દરવાજો ખોલ્યો હતો. એ સ્ત્રી દેખાવ ઉપરથી ઘરની દેખરેખ રાખનાર બાઇ લાગતી હતી.

"હું તેજપાલ રાજવંશને મળવા માંગુ છું. ખૂબ જ અગત્યના કામથી આવ્યો છું. મારું નામ જાસૂસ હરમન છે." હરમને દરવાજો ખોલનાર સ્ત્રીને કહ્યું હતું.

"હું પૂછીને આવુ છું." આટલું બોલી એ સ્ત્રી અંદર ગઇ અને પાછી આવીને બંન્નેને બેડરૂમમાં લઇ ગઇ હતી.

તેજપાલ બેડરૂમમાં બેડના ટેકે બેઠો હતો. હરમન અને જમાલની સામે જોઇ તેજપાલ બોલ્યો હતો.

"આપ કોણ છો અને મારી પાસે શું કામ માટે આવ્યા છો?" તેજપાલે હરમન સામે જોઇ પૂછ્યું હતું.

તેજપાલના હાથમાં શરાબથી ભરેલો ગ્લાસ હતો.

તેજપાલે બેડરૂમમાં જ એક ખૂણામાં દારૂનો નાનો બાર બનાવી રાખ્યો હતો. હરમન અને જમાલ બંન્નેની નજરે એ નોંધ લઇ લીધી હતી. હરમન અને જમાલ તેજપાલની સામે પડેલી ખુરશી ઉપર બેસી ગયા હતાં.

"મી. તેજપાલ, મારું નામ હરમન છે અને હું એક પ્રાઇવેટ ડિટેક્ટીવ છું અને આ મારો આસીસ્ટન્ટ જમાલ છે. હું તમારો બહુ સમય નહીં લઉં અને જે કામ માટે આવ્યો છું એ વાતની સ્પષ્ટ રજૂઆત કરી દઉં." આટલું બોલી હરમને સુરેન્દ્ર મજમુદારના મનમાં ઊભા થયેલા ડર વિશે વાત કરી હતી અને તેજપાલ એમનું ખૂન કરવા માંગે છે એ વાત સાચી છે કે નહિ એ સવાલ પણ હરમને સાથે-સાથે પૂછી લીધો હતો.

હરમનની વાત સાંભળી તેજપાલ જોરથી હસવા લાગ્યો હતો.

"જુઓ મી. હરમન, મારા હાથમાં દારૂનો ગ્લાસ છે. હું દારૂના સોગંદ ખાઇને કહું છું કે સુરેન્દ્ર મજમુદાર કે પછી દુનિયામાં બીજા કોઇને પણ મારવા માંગતો નથી. મારે ઉપરથી સુરેન્દ્ર મજમુદારથી ડરવું જોઇએ, કારણકે મારે એમના રૂપિયા ચૂકવવાના છે. પરંતુ મને નવાઇ એ વાતની લાગે છે કે તમે સીધા મારી પાસે આવીને મારા મોંઢા ઉપર જ મને આ સવાલ પૂછો છો તો તમને એ વાતનો ડર ના લાગ્યો કે સુરેન્દ્ર મજમુદાર મારાથી ડરે છે એ વાત હું જાણી જઇશ." તેજપાલ દારૂના નશામાં પણ બરાબર વાત કરી રહ્યો હતો.

તેજપાલની વાત સાંભળી હરમન એક મિનિટ માટે વિચારમાં પડી ગયો હતો. પછી તરત જ એણે તેજપાલને બીજો સવાલ પૂછ્યો હતો.

"તમારી પત્નીની આત્મહત્યા વિશે તમારું શું કહેવું છે?" હરમનનો આ સવાલ સાંભળી તેજપાલના મોઢા ઉપર ગુસ્સો આવી ગયો હતો.

"જુઓ મી. હરમન, તમે એક પ્રાઇવેટ ડિટેક્ટીવ છો, એટલે મેં તમને મારા ઘરમાં આવવા દીધા અને તમે પૂછેલા સવાલનો જવાબ આપ્યો. પરંતુ તમે મારી સ્વર્ગવાસી પત્ની વિશે પૂછીને મને હેરાન કરી રહ્યા છો. હવે તમે જઇ શકો છો." તેજપાલે ગુસ્સાથી હરમનને દરવાજા તરફ હાથ બતાવતા કહ્યું હતું.

"મી. તેજપાલ, તમારી અક્કડને તમારા ખિસ્સામાં રાખો. હું ધારું તો અત્યારે જ તમારી પત્નીનો કેસ ખોલાવી અને એણે આત્મહત્યા નથી કરી પરંતુ એનું ખૂન થયું છે એ સાબિત કરતા મને બે દિવસ પણ નહિ થાય. પરંતુ અત્યારે હું તમારી પત્નીના કેસની નહિ પરંતુ સુરેન્દ્ર મજમુદારના કેસની છાનબીન કરી રહ્યો છું અને માટે મારે આ સવાલનો જવાબ તમારા મોંઢેથી જોઇએ છે કે તમારી પત્નીનું મૃત્યુ કેવી રીતે થયું હતું?" હરમને તેજપાલને ધમકાવતા કહ્યું હતું.

હરમનના ધમકાવવાની તેજપાલ પર અસર થઇ હોય તેવું જમાલ અને હરમન બંન્નેને લાગ્યું હતું.

"સારું, હું જવાબ આપું છું. જે દિવસે એણે આત્મહત્યા કરી એ દિવસે મારી અને એની વચ્ચે સવારે ઝઘડો થયો હતો. મને શંકા પડી ગઇ હતી કે એ મને છૂટાછેડા આપવા માંગે છે અને બીજા કોઇની જોડે લગ્ન કરવા માંગે છે. એ વાતની તપાસ કરવા માટે જ મેં એની સાથે મારઝૂડ કરી હતી. મારઝૂડ કરતા મને ખબર પડી કે એને સંજય સુતરીયા નામના એની કોલેજમાં ભણતા એક યુવાન સાથે પ્રેમ હતો. પરંતુ અત્યારે એ એના સંપર્કમાં નથી એવું એણે મને જણાવ્યું હતું અને ત્યારબાદ હું ગાડી લઇ અહીંયા નજીક આવેલા અબ્દુલ મોટર ગેરેજમાં ગાડીમાં થઇ રહેલા અવાજને રીપેર કરાવવા માટે ગયો હતો. ત્યાંથી હું અઢી વાગે પાછો આવ્યો ત્યારે બેડરૂમમાં એની લાશ પંખા ઉપર લટકતી હતી. મેં તરત પોલીસને ફોન કરી બોલાવી લીધી હતી. મેં મારી પત્નીને મારી નથી છતાં મારા સસરાએ મારા પર ખૂનનો આરોપ મુકી મારા પર કેસ કર્યો હતો પરંતુ હું નિર્દોષ હોવાના કારણે કોર્ટે મને છોડી મુક્યો હતો. મારી પત્નીએ આત્મહત્યા કરી કે પછી એનું ખૂન થયું એની જાણકારી મારી પાસે નથી. જે દિવસે એણે આત્મહત્યા કરી એ દિવસે મને એ રૂમમાં એક ડાયમંડની લકી પણ મળી હતી. જે મેં પોલીસને આપી દીધી હતી. પોલીસને આપતા પહેલા મેં એ ડાયમંડની લકીનો ફોટો પાડી લીધો હતો. બસ, મારી પત્નીના ખૂન બાબતે હું આટલું જ જાણું છું." તેજપાલે આખી ઘટના હરમનને કહી હતી.

હરમને એનો મોબાઇલ નંબર લખી તેજપાલને આપ્યો અને આ નંબર પર ડાયમંડની લકીનો ફોટો વોટ્સએપ કરવા કહ્યું હતું.

"મી. હરમન, સુરેન્દ્ર મજમુદારને એવું કેમ લાગે છે કે હું એમને મારી શકું એમ છું?" તેજપાલે હરમનને સવાલ પૂછ્યો હતો.

"સુરેન્દ્ર મજમુદારને એટલે એવું લાગે છે કે તમે એને મારી નાંખશો, કારણકે એમને તમારા ઉપર શંકા છે કે તમે તમારા જૂના વેપારી રમણીકભાઇનું ખૂન કરી નાંખ્યું છે અને બે વર્ષથી એમની લાશનો પત્તો મળ્યો નથી. માટે એમને તમારા ઉપર શંકા છે. એમના જણાવ્યા મુજબ તમે રમણીકભાઇને ચૂકવવાની કરોડોની રકમ પણ ચૂકવી નથી." હરમને તેજપાલ સામે જોઇ કહ્યું હતું.

"તમારો ક્લાયન્ટ મૂરખ છે અથવા તો મૂરખ બનવાનું નાટક કરે છે. મારે રમણીકભાઇને પૈસા આપવાના છે એ વાત સાચી છે, પરંતુ એના માટે હું એમનું ખૂન કરું એવું શક્ય નથી. દિનેશે એટલેકે રમણીકભાઇના દીકરાએ મારા પર રમણીકભાઇને ગુમ કરવાનો આરોપ મુક્યો હતો અને ત્યારબાદ પોલીસને એ બાબત પર તપાસ કરતા માલુમ પડ્યું કે એ ગુમ થયા એના પંદર દિવસ પહેલા સુધી એમનો મારી સાથે કોઇ સંપર્ક ન હતો. મેં રમણીકભાઇને ગુમ કર્યા નથી કે એમનું ખૂન પણ કર્યું નથી." તેજપાલે સુરેન્દ્ર મજમુદારના આરોપને બેબુનિયાદ ગણાવતા કહ્યું હતું.

"સારું મી. તેજપાલ, અત્યારે હું રજા લઉં છું. જો આ બાબતે મારે બીજા કોઇ પ્રશ્નો તમને પૂછવા હશે તો તમને તકલીફ આપીશ." આટલું બોલી હરમન અને જમાલ બંગલામાંથી બહાર નીકળી ગયા હતાં અને ગાડીમાં આવીને બેસી ગયા હતાં.

હરમને ગાડી ચાલુ કરી અને ગાડી ઓફિસ તરફ લઇ લીધી હતી. જમાલ ચૂપચાપ એની બાજુમાં બેઠો હતો.

"તારા મગજમાં જે સવાલો હોય એ બધાં બકી નાંખ. તું ચૂપ ના રહે. મને અકળામણ થાય છે." હરમને જમાલને અકળામણ સાથે કહ્યું હતું.

"બોસ, આ કેસમાં તમે જે રીતે તપાસ કરી રહ્યા છો એ તપાસની પદ્ધતિ મને જરાય સમજાતી નથી. તમે તેજપાલને જઇને સામેથી કહી દીધું કે સુરેન્દ્ર મજમુદાર તમારાથી ડરે છે. બીજું, તમે રમણીકભાઇની વાત આપણે જાણીએ છીએ તે પણ જણાવી દીધું અને ત્રીજુ, તમે એને આ બધી બાબતો જણાવીને સાવધાન કરી દીધો. એટલે એ કોઇ હરકત કરતો હશે તો પણ નહિ કરે અને હમણાં થોડો સમય શાંત બેસી રહેશે. તમે તો એવું કર્યું કે ચોરને કીધું કે ચોરી કર અને પોલીસને કીધું કે પકડ, પકડ. તેજપાલને સભાન કરીને તમે જે કર્યું એ મારા મગજમાં બેઠું નથી." જમાલે પોતાના મગજમાં રહેલો બળાપો કાઢતા કહ્યું હતું.

"તારી વાતમાં દમ છે. પરંતુ એવું મેં એને કેમ કહ્યું એ હું તને કહું છું." હરમને કહ્યું હતું.

ક્રમશઃ .....

(વાચકમિત્રો, ડરનું તાંડવ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું... - ૐ ગુરુ)