Darr bu tandav - 6 books and stories free download online pdf in Gujarati

ડરનું તાંડવ - ભાગ 6

ડરનું તાંડવ

ભાગ-6

શિકારી ખુદ બન્યો શિકાર


હરમન અને સંજયે આ કેસમાં તેજપાલ રાજવંશને પોલીસ મારફતે ધમકાવવા માટે પોલીસની મદદ લેવાનું નક્કી કર્યું.

બીજે દિવસે હરમન અને જમાલ સેટેલાઇટ પોલીસ સ્ટેશને પહોંચ્યા. ત્યાં સંજય પણ આવી ગયો હતો. પોલીસ અધિકારી ઇન્સ્પેકટર પટેલ જાસુસ સંજયને ઓળખતો હતો.

પોલીસ સ્ટેશનમાં ત્રણેય જણ જયારે ઇન્સ્પેકટર પટેલની કેબીનમાં પ્રવેશ્યા ત્યારે ઇન્સ્પેકટર પટેલે ખડખડાટ હાસ્ય સાથે ત્રણેયનું સ્વાગત કર્યું હતું.

“જાસૂસ હરમન અને જાસૂસ સંજય બંને એક સાથે પોલીસ સ્ટેશન આવ્યા છે? જરૂર કોઈ મહત્વનો કેસ લાગે છે. તમે લોકો પોલીસને ઝપીને શાંતિથી બેસવા પણ નથી દેતા. બોલો હું તમારી શું મદદ કરી શકું?” ખડખડાટ હાસ્ય સાથે ઇન્સ્પેકટર પટેલ પાન મોંમાં મુકતા બોલ્યા હતા.

હરમને ઇન્સ્પેકટર પટેલને સુરેન્દ્ર મજમુદારથી લઇ તેજપાલ રાજવંશ સુધીનો આખો કેસ વિગતવાર સમજાવ્યો હતો.

“જો હરમન, મેં સંજય જોડે ઘણા કેસોમાં કામ કર્યું છે, એટલે એ મારી કામ કરવાની પદ્ધતિથી વાકેફ છે. તેજપાલ રાજવંશનું ઘર આ જ પોલીસ સ્ટેશનની અંદર આવે છે અને એની પત્નીના ખૂનના આરોપ માટે કોર્ટે એને નિર્દોષ છોડી મુક્યો છે અને તમે મને એને પોલીસ સ્ટેશનમાં બોલાવી ધમકાવવાનું કહો છો એ કાયદાની દ્રષ્ટિએ યોગ્ય નથી, કારણકે મિસ્ટર સુરેન્દ્ર મજમુદારનું ઘર પણ આજ પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. પરંતુ જ્યાં સુધી એ પોતે આવીને ફરિયાદ ના કરે અને ઘરમાં બેસીને ડરે, રમે, જમે કે ગમે તે કરે એની સાથે પોલીસને કે કાયદાને જ્યાં સુધી એ પોતે ફરિયાદ ના લખાવે ત્યાં સુધી કોઈ લેવાદેવા નથી.” ઇન્સ્પેકટર પટેલે ફરી ખડખડાટ હસતાં કહ્યું હતું.

“જુઓ ઇન્સ્પેકટર પટેલ, મામલો ખૂબ પેચીદો છે અને હું તમારી કામ કરવાની પદ્ધતિથી વાકેફ પણ છું, પરંતુ કશુંક અઘટિત થઇ જાય તો એની તપાસ પણ તમારા સીરે જ આવશે. માટે આ કેસ ઉકેલવામાં પોલીસ અમારી મદદ કરે અને તેજપાલ રાજવંશને બોલાવી એકવાર ધમકાવે એવી અમારી વિનંતી છે. હવે રહી વાત તેજપાલ રાજવંશની પત્નીના આત્મહત્યા કે ખૂન કેસની, તો એમાં હું અને હરમન પડવા માંગતા નથી.” જાસૂસ સંજયે ઇન્સ્પેકટર પટેલને સમજાવતા કહ્યું હતું.

સંજય જયારે ઇન્સ્પેકટર પટેલને સમજાવી રહ્યો હતો ત્યારે એમના વર્તનથી હરમનના ગુસ્સાનો પારો આસમાને જઈ રહ્યો હતો.

“યાર સંજય, તમે લોકો તો પોલીસ સ્ટેશનને તમારા બાપનો બગીચો સમજો છો. ગમે ત્યારે તમારા પ્રાઇવેટ કેસ લઈ અમારી પાસે આવી જાવ છો અને અમારા કામમાં વધારો કરો છો.” ઇન્સ્પેકટર પટેલે પાન ચાવતાં-ચાવતાં હરમન અને સંજય સામે જોઈ ગુસ્સાથી કહ્યું હતું.

“સારું તો ઇન્સ્પેક્ટર પટેલ, તમે અમને સહકાર ના આપતા પરંતુ મેં તમને આખો કેસ સમજાવ્યો એમાંથી કોઇનું પણ ખૂન થયું છે તો એની જવાબદારી તમારા શિરે રહેશે અને આ બાબતની જાણ કરતો એક ઈમેલ હું હમણાં જ પોલીસ કમિશ્નર ની કચેરીએ કરી દઉં છું. બાકી તમે જાણો અને તમારું કામ જાણો. પરંતુ હું તમને મારી ખાતરી પૂર્વક કરું છું કે કાલે મને કોઈએ જાન થી મારવાની કોશિષ કરી હતી. મારા પર હુમલો કરનાર કોઈનું પણ ખૂન કરી શકે એમ છે.” આટલું બોલી હરમન પોલીસ સ્ટેશનમાં મુકાયેલા કેમેરા સામે જોઈ ઉભો થયો હતો.

“તારા ઉપર હુમલો થયો હતો? આ વાત તે મને પહેલા કેમ ના કરી અને હરમન આવી નાની-નાની બાબતમાં પોલીસ કમિશનર ની કચેરી સુધી ના જવાય. અહીં તમારી ફરિયાદ સાંભળવા હું બેઠો છુંને? તો મગજ શાંત કરી લે. હું ચા માંગવું છું. કાલે સવારે જ હું તેજપાલ રાજવંશને બોલાવી એને ચેતવણી આપી દઈશ. તું અને સંજય પણ આવી જજો અને સુરેન્દ્ર મજમુદારને પણ બોલાવી દેજે, જેથી એમની હાજરીમાં જ હું તેજપાલને ખખડાવીશ, એટલે એમનો ભય પણ દૂર થઇ જશે. તારું કામ પણ થઇ જશે અને મને તમે મૌખિક જે ફરિયાદ કરી એનું સમાધાન પણ થઇ જશે. પરંતુ તારા ઉપર હુમલો કરનાર કોણ છે એની શોધખોળ કરવી પડશે. માટે તું અહીં પોલીસ સ્ટેશનમાં તારા ઉપર હુમલો થયો છે એ બાબતની પોલીસ ફરિયાદ નોંધાવી દે.” ઇન્સ્પેકટર પટેલે બાજી સંભાળતા કહ્યું હતું.

હરમનને ઇન્સ્પેક્ટર પટેલની વાત યોગ્ય લાગી અને એ પ્રમાણે કરવા માટે એણે પોતાની સંમતિ આપી હતી.

ચા પીને બધાં પોલીસ સ્ટેશનેથી છૂટા પડ્યા હતા. હરમન અને જમાલને બીજા દિવસે અગિયાર વાગે પોલીસ સ્ટેશને પહોંચવાનું હતું. ઇન્સ્પેકટર પટેલ તેજપાલ રાજવંશને પોલીસ સ્ટેશને બોલાવી લેવાના હતાં.

હરમને પણ સુરેન્દ્ર મજમુદાર અને પુષ્પા મજમુદારને પોલીસ સ્ટેશને આવવા માટે કહી દીધું હતું. જેથી ઇન્સ્પેકટર પટેલ અને તેજપાલ રાજવંશની હાજરીમાં જ એમના મનમાં રહેલા ભયનું સમાધાન થઇ જાય.

હરમન અને જમાલ સાડા દસ વાગે પોલીસ સ્ટેશન જવા માટે નીકળ્યા ત્યારે હરમનના મોબાઈલ ઉપર સંજયનો ફોન આવ્યો હતો.

“હરમન, એક કાંડ થઇ ગયો. તેજપાલ રાજવંશનું આજે સવારે ખૂન થઇ ગયું. હું અને ઇન્સ્પેકટર પટેલ એના બંગલા ઉપર જ છીએ. તું સીધો અહીંયા જ આવી જા. મને પણ હમણાં અડધો કલાક પહેલા જ માહિતી મળી અને એટલે જ હું ઘટના સ્થળે તરત આવી ગયો અને આવીને સીધો તને ફોન કરું છું.” સંજયે ફોન મુકતા કહ્યું હતું.

હરમને સુરેન્દ્ર મજમુદારને ફોન કરીને પોલીસ સ્ટેશને આવવાની ના પાડી, પરંતુ તેજપાલના ખૂન વિશે કોઇ માહિતી આપી નહિ અને ગાડી એણે ઘટનાસ્થળ તરફ લઇ લીધી હતી.

“જમાલ, મેં તને કહ્યું હતું ને કે આ કેસ બહુ ગરમ છે. શિકારી જ પોતે શિકાર થઇ ગયો.” હરમને જમાલ સામે જોઈ કહ્યું હતું.

“બોસ, આ તો કેસ જ ઉકલી ગયો. હવે સુરેન્દ્ર મજમુદારનો ભય જ જતો રહ્યો. આપણે તેજપાલનાં ઘરે જઈને શું કરીશું?” જમાલે ભોળા ભાવે હરમનને કહ્યું હતું.

હરમને તીક્ષ્ણ આંખો વડે જમાલ સામે જોયું હતું.

“બોસ, હું સમજી ગયો તમે શું કહેવા માંગો છો. ભગવાન જયારે બુદ્ધિ વહેંચતા હતા ત્યારે હું ક્યાં હતો એવું જ પૂછવા માંગો છોને? તો મને યાદ આવી ગયું કે હું ત્યારે તેજપાલ રાજવંશ જોડે હતો, કારણ કે એ મૂર્ખાને પણ ખબર ના પડી કે કોઈ એનું પણ ખૂન કરી શકે એમ છે અને એણે તો દુશ્મન પણ ડઝનના ભાવે બનાવ્યા હતાં. છતાં પણ એ બેખબર રહ્યો.” હરમન કશું બોલે એ પહેલા જમાલ બોલવા લાગ્યો હતો.

જમાલની વાત સાંભળી હરમન હસવા લાગ્યો હતો.

હરમને ગાડી તેજપાલના ઘરની બહાર ઊભી રાખી હતી.

પોલીસ અને ફોરેન્સિકની ટીમ પહેલેથી જ ઘટના સ્થળે આવી પહોંચી હતી.

હરમનને ગાડીમાંથી ઉતરતો જોઈ સંજય ઝડપથી એની પાસે આવ્યો હતો.

“હરમન, કોઈએ તેજપાલ ની છાતી માં બે ગોળી મારી એની હત્યા કરી નાખી છે. સવારના સાડા આઠ વાગે તેજપાલનાં નોકરનો ફોન આવ્યો હતો અને ઇન્સ્પેકટર પટેલે મને દસ વાગે ફોન કરી તેજપાલનાં ખૂનની માહિતી આપી હતી. એમની સાથે વાત પતાવી હું ઘટના સ્થળે આવ્યા બાદ મેં તને ફોન કર્યો. ખરેખર કહું તો આ બહુ મોટો કાંડ થઇ ગયો છે, કારણકે અમદાવાદના ચાર-પાંચ મોટા માથા તો શંકાના ઘેરામાં આવી ગયા છે. તેજપાલે રજીસ્ટર એ.ડી થી પોલીસ કમિશ્નરને એક કાગળ લખ્યો હતો. એમાં એને જેના પર શક હતો કે એ લોકો એનું ખૂન કરી શકે એમ છે એ બધાંનાં નામ લખી અને વકીલ મારફતે એ કાગળ રજીસ્ટર એ.ડી થી પોલીસ કમિશ્નરની કચેરીએ મોકલ્યો હતો અને રૂબરૂમાં જઇને પણ આપ્યો હતો. આ બાબતની જાણ હમણાં પંદર મિનીટ પહેલા જ થઇ છે અને જ્યારથી પોલીસ કમિશ્નરે ફોન કરી ઇન્સ્પેકટર પટેલને આ માહિતી આપી છે ત્યારથી એમને પરસેવો વળી ગયો છે.” સંજયે હરમનને તેજપાલ રાજવંશના ખૂન વિશેની ઘટના વિગતવાર કહી હતી.

હરમન, સંજય અને જમાલ તેજપાલ રાજવંશના મૃતદેહ પાસે પહોંચ્યા હતા. હાથમાં ગ્લોવ્સ પહેરીને હરમન ઘટના સ્થળનું નિરીક્ષણ કરવા લાગ્યો હતો.

સંજય, જમાલ અને ઇન્સ્પેકટર પટેલ ત્રણેય હત્યા કેવી રીતે થઇ હશે એની ચર્ચા કરવા લાગ્યા હતાં.

ક્રમશઃ...

(વાચકમિત્રો, ડરનું તાંડવ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું. - ૐ ગુરુ)