Darr bu tandav - 8 books and stories free download online pdf in Gujarati

ડરનું તાંડવ - ભાગ 8

ડરનું તાંડવ

ભાગ-8

સંપત્તિનું તાંડવ



બીજા દિવસે દિનેશભાઇ પટેલ પોતાની રિવોલ્વર લઇ પોલીસ સ્ટેશને આવ્યા. બરાબર એ જ વખતે એમનો ભાઇ જગદીશ પટેલ વેઇટીંગ રૂમમાં બેઠો હતો. બંન્ને ભાઇઓએ એકબીજાને જોયા અને પોલીસ સ્ટેશનમાં જ ઝઘડી પડ્યા હતાં. ઝઘડાનો દેકારો સાંભળી હરમન, ઇન્સ્પેક્ટર પટેલ અને જમાલ કેબીનમાંથી બહાર આવ્યા.

ઇન્સ્પેક્ટર પટેલે બૂમ પાડી બંન્ને ભાઇઓને ઝઘડતા રોક્યા હતાં.

"દિનેશભાઇ, જગદીશભાઇ, આ તમારું ઘર નથી." ઇન્સ્પેક્ટર પટેલે લાલચોળ થઇ ગુસ્સામાં બંન્ને ભાઇઓને કહ્યું હતું અને દિનેશભાઇને પોતાની કેબીનમાં બોલાવ્યા હતાં.

દિનેશભાઇએ ઇન્સ્પેક્ટર પટેલની સામે બેસી પોતાની રિવોલ્વર આપી. રિવોલ્વર જોઇને જ ઇન્સ્પેક્ટર પટેલ બોલ્યા હતાં.

"તેજપાલ રાજવંશની બોડીમાંથી મળેલી ગોળીઓ આ પ્રકારની રિવોલ્વરની ના હોઇ શકે. તમારી રિવોલ્વર પોલીસ સ્ટેશનમાં હમણાં જમા રહેશે. આ કેસ પત્યા બાદ તમને આપવામાં આવશે. બહાર હવાલદાર રિવોલ્વર તમે પોલીસ સ્ટેશનમાં જમા કરી છે એની લેખિત કાર્યવાહી કરી આપશે. એ કાર્યવાહી પતાવી તમે જોઇ શકો છો." ઇન્સ્પેક્ટર પટેલે દિનેશભાઇ સામે જોઇ કહ્યું હતું.

દિનેશભાઇના ગયા બાદ ઇન્સ્પેક્ટર પટેલે જગદીશભાઇને કેબીનમાં બોલાવ્યા હતાં.

જગદીશભાઇ અંદર આવ્યા અને પોલીસ સ્ટેશનમાં પોતે કરેલા વર્તન બદલ ઇન્સ્પેક્ટર પટેલની માફી માંગી હતી. હજી ઇન્સ્પેક્ટર પટેલ એમની વાતનો જવાબ આપે એ પહેલા હરમને જગદીશભાઇને સવાલ પૂછ્યો હતો.

"મિસ્ટર જગદીશ, તેજપાલ રાજવંશ જોડે તમારે કેવા સંબંધો હતાં? તમે પણ એવું માનો છો કે તમારા પિતાને ગાયબ એણે જ કર્યા હતાં?" આટલું પૂછ્યા પછી હરમને પોતાની ઓળખાણ આપી હતી.

"મિસ્ટર હરમન, પહેલા તમે સવાલ પૂછો છો અને પછી તમારી ઓળખાણ આપો છો. ખૂબ હોંશિયાર છો. પહેલા તમારા સવાલના જવાબ આપી દઉં. મારા અને તેજપાલ વચ્ચે ખૂબ સારા સંબંધો હતાં. એ મારો અંગત મિત્ર તો હતો જ, પરંતુ હું અને મારો ભાઇ દિનેશ ધંધામાંથી છૂટા પડ્યા પછી એ મારી સાથે જ ધંધો કરતો હતો. મારા પિતા અને દિનેશનો ધંધો ભેગો હતો. તેજપાલે ઓર્ડર આપ્યા પ્રમાણે દિનેશે માલ બનાવ્યો ન હતો માટે એણે માલ લઇ લીધા પછી પણ પૈસા આપ્યા ન હતાં, જે એણે ખોટું કર્યું હતું. પરંતુ મારા પિતાને ગાયબ કરવામાં એનો હાથ નથી. મારી સાથેના ધંધાના વ્યવહારમાં તેજપાલે ક્યારેય મારા પૈસા દબાવ્યા નથી કે મને છેતર્યો નથી. મારા માટે તો એ ઘણો સારો માણસ હતો અને સારો વેપારી હતો." જગદીશભાઇએ હરમનના સવાલોના જવાબ આપતા કહ્યું હતું.

"તમારા પિતાને ગાયબ કરવા પાછળ કોનો હાથ હશે? તમને કોઇના પર શંકા છે?" હરમને જગદીશભાઇ સામે જોઇ પૂછ્યું હતું.

"મને નવાઇ લાગે છે કે તમે આટલા મોટા જાસૂસ છો અને પટેલ સાહેબ એક કાબિલ ઓફિસર છે. તમને બંન્નેને એટલું સમજાતું નથી કે તેજપાલને મારવાથી અને મારા પિતા રમણીકભાઇને ગાયબ કરવાથી એક જ વ્યક્તિને સીધો ફાયદો મળી શકે એમ છે અને એ મારો ભાઇ દિનેશ પટેલ છે. આટલું સીધું અને સરળ સત્ય સમજતા તમને વાર કેમ લાગી રહી છે? એ મને સમજાતું નથી." જગદીશભાઇએ આશ્ચર્યચકિત મુદ્રામાં બંન્ને તરફ હાથ કર્યો હતો.

જગદીશભાઇનું ધ્યાન ટેબલ પર પડેલી રિવોલ્વર તરફ ગયું.

"આ રિવોલ્વર લગભગ દિનેશની લાગે છે. તમે એવું માનો છો કે એ જે રિવોલ્વરથી તેજપાલનું ખૂન કરે એ જ રિવોલ્વર પોલીસ સ્ટેશનમાં જમા કરાવે!!! એટલો એ મૂરખ નથી." જગદીશભાઇએ ઇન્સ્પેક્ટર પટેલ સામે જોઇ કહ્યું હતું.

"તેજપાલને મારવાથી અને પોતાના પિતાને ગાયબ કરવાથી દિનેશને ફાયદો શું?" ઇન્સ્પેક્ટર પટેલે આંખ ઝીણી કરીને જગદીશભાઇને સવાલ પૂછ્યો હતો.

"દિનેશે તેજપાલ રાજવંશ ઉપર રૂપિયા ન આપવા માટે મુકદમો કર્યો હતો. તેમજ માલ આપતી વખતે એના સસરા દીપકભાઇની જવાબદારી ઉપર આપ્યો હતો. એ વખતે દીપકભાઇ અને તેજપાલના સંબંધો થોડાક સારા હતાં. દિનેશ અને દીપકભાઇ વચ્ચે પણ મિત્રતાના સંબંધો છે. જો તેજપાલ મરી જાય તો એની બધી સંપત્તિ એની પત્નીને મળે. હવે એની પત્ની પણ મૃત્યુ પામી છે અને તેજપાલને દૂર દૂર સુધી કોઇ સગાં-સંબંધી નથી. માટે તેજપાલની બધી જ મિલકત જે આશરે સાંઇઠ કરોડ રૂપિયા ઉપર થતી હશે જે કાયદાની દૃષ્ટિએ એના સસરા દીપકભાઇ પાસે જશે અને દીપકભાઇ એમાંથી દિનેશના રૂપિયા સરળતાથી આપી દેશે. બીજું, મારા પિતા જેની પોતાની માલિકીની પચાસ કરોડની સંપત્તિ એ મારા પિતા મયુરીકા દલાલ નામની એમની પાંત્રીસ વર્ષની સખીને આપી ના દે એ માટે દિનેશે એમને ગાયબ કર્યા હશે. જેથી બધી જ સંપત્તિ પાવર ઓફ ઓથોરિટીથી પોતાના નામે કરી શકે. જે મારા પિતાએ એને ધંધો ચલાવવા માટે આપેલી છે." જગદીશભાઇએ ખુલાસો કરતા કહ્યું હતું.

"આ મયુરીકા દલાલ કોણ છે?" હરમને પૂછ્યું હતું.

"તમે આ કેસની છાનબીન કરી રહ્યા છો અને હજુ મયુરીકા દલાલ વિશે જાણતા નથી!!! મારી માતાના મૃત્યુના બે વર્ષ બાદ મારા પિતા ફેક્ટરીમાં કામ કરતી મયુરીકા દલાલ નામની એકાઉન્ટન્ટના પ્રેમમાં પડ્યા હતાં અને છ મહિના પછી તો એમના બંગલામાં મયુરીકા એમની જોડે જ રહેતી હતી. આમ જોવા જાઓ તો મયુરીકા એમની બિનકાયદેસર પત્ની છે. દિનેશ નહોતો ઇચ્છતો કે પિતાની સંપત્તિમાંથી એક રૂપિયો પણ કોઇને મળે. પરંતુ મારા પિતાના મયુરીકા સાથેના સંબંધને કારણે પચાસ કરોડની પ્રોપર્ટી એને જતી દેખાઇ હશે એટલે જ એણે મારા પિતાને ગાયબ કર્યા અને મયુરીકાને એમના બંગલામાંથી કાઢી મુકી હતી." જગદીશે મયુરીકા વિશે માહિતી આપતા કહ્યું હતું.

"તેજપાલ રાજવંશનું ખૂન થયું એ વખતે તમે ક્યાં હતાં?" ઇન્સ્પેક્ટર પટેલે શંકા સાથે જગદીશભાઇને સવાલ પૂછ્યો હતો.

"મારા પર શંકા કરવાનું કોઇ કારણ નથી, ઇન્સ્પેક્ટર. તેજપાલ મારા ધંધામાં સોનાના ઇંડા આપતી મરઘી હતો. એના ખૂનથી સૌથી મોટું નુકસાન મારું જ થયું છે, એટલે એવી ભૂલ તો હું ક્યારેય કરું નહિ. તેજપાલના મરવાથી મને મોટું નુકસાન થયું છે અને દિનેશને મોટો ફાયદો થયો છે. હવે તેજપાલના બધાં કસ્ટમરો દિનેશ પાસેથી જ માલ લેશે. માટે મારા પર શંકા કરવી નકામી છે." જગદીશભાઇએ ઇન્સ્પેક્ટર પટેલની શંકા દૂર કરતા કહ્યું હતું.

"સારું મિસ્ટર જગદીશભાઇ, અત્યારે તમે જઇ શકો છો. પરંતુ આ કેસ પતે નહીં ત્યાં સુધી આ શહેર છોડીને તમે જતાં નહિ." ઇન્સ્પેક્ટર પટલે સૂચના આપતા કહ્યું હતું.

"સુરેન્દ્ર મજમુદાર અને પુષ્પા મજમુદાર આવ્યા છે." હવાલદારે ઇન્સ્પેક્ટર પટેલને કહ્યું હતું.

બંન્નેને ઇન્સ્પેક્ટર પટેલે કેબીનમાં બોલાવ્યા અને ખુરશીમાં બેસવા માટે કહ્યું હતું.

"તેજપાલ રાજવંશના ખૂન બાબતે મારી પાસેથી પોલીસ શું જાણવા માંગે છે? હું તો એ મને મારી નાંખશે એ ડરથી મારા ઘરમાં પુરાયેલો રહેતો હતો. આ વાતના તો મિસ્ટર હરમન પણ સાક્ષી છે." સુરેન્દ્ર મજમુદારે ખુરશીમાં બેસતા કહ્યું હતું.

"હા સુરેન્દ્રભાઇ, આપની વાત સાચી છે. તમે તેજપાલથી ડરેલા હતાં એ વાતનો હું સાક્ષી છું, પરંતુ તેજપાલે એના જીવતાજીવત પોલીસ કમિશ્નરની કચેરીમાં એવું લેખિતમાં આપ્યું હતું કે આ પાંચ લોકો એનું ખૂન કરી શકે એમ છે. બદકિસ્મતીથી તમારું નામ પણ એમાં છે અને માટે ઔપચારિક પૂછપરછ માટે પણ તમને બોલાવવા જરૂરી હતાં." હરમને સુરેન્દ્ર મજમુદારને આશ્વાસન આપતા કહ્યું હતું.

"તેજપાલ રાજવંશનું ખૂન થયું ત્યારે તમે ક્યાં હતાં?" ઇન્સ્પેક્ટર પટેલે ખૂબ શાંતિથી સવાલ પૂછ્યો હતો.

"જે દિવસે તેજપાલ રાજવંશનું ખૂન થયું એ દિવસે હું મારા ઘરે જ હતો. હું કેટલાય સમયથી મારા ઘરમાંથી તો શું, હું મારા રૂમમાંથી પણ બહાર નીકળ્યો નથી." સુરેન્દ્ર મજમુદારે કહ્યું હતું.

"પુષ્પાબેન, તમે ક્યાં હતાં?" ઇન્સ્પેક્ટર પટેલે સવાલ પુષ્પા મજમુદારને પૂછ્યો જેનાથી એ એક ક્ષણ માટે ચોંકી ગયા હતાં.

"સાહેબ, હું તો ઘરમાં જ હતી, પરંતુ આ સવાલ તમે મને શું કામ પૂછો છો?" પુષ્પાએ આશ્ચર્યચકિત થઇ ઇન્સ્પેક્ટર પટેલને પૂછ્યું હતું.

"ના બસ, એમ જ પૂછ્યો હતો." મોંમાં પાન મુકી અટ્ટહાસ્ય સાથે ઇન્સ્પેક્ટર પટેલે પૂછ્યું હતું.

ઇન્સ્પેક્ટર પટેલના અટ્ટહાસ્યથી પતિ-પત્ની બંન્ને ડરી ગયા હતાં.

"સારું, તો તમે જઇ શકો છો. તમારી જરૂર હશે તો ફરીવાર તમને તકલીફ આપીશ." ઇન્સ્પેક્ટર પટેલે સુરેન્દ્ર મજમુદારને આટલું કહીને જવાનું કહ્યું હતું.

"એ લોકો ડરેલા છે ને તમે એમને વધારે ડરાવો છો." હરમને ઇન્સ્પેક્ટર પટેલને કહ્યું હતું.

"અરે ભાઇ, તારા ક્લાયન્ટ છે એટલે એમના ઉપર શંકા ના કરવી એવું તો ના કરી શકાયને? સુરેન્દ્રભાઇ કરતા એમની પત્ની વધારે ચાલાક છે અને મારો સવાલ સાંભળી ચોંકી પણ ગયા હતાં. ચાલો, હવે દીપકભાઇના ઘરે જઇને એમનું બયાન લઇ આવીએ. લકવાના કારણે એ પોલીસ સ્ટેશન તો આવી નહીં શકે." ઇન્સ્પેક્ટર પટેલે ખુરશીમાંથી ઊભા થતાં કહ્યું હતું.

ક્રમશઃ....

(વાચકમિત્રો, ડરનું તાંડવ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું. - ૐ ગુરુ)