Chakravyuh - 14 in Gujarati Detective stories by Rupesh Gokani books and stories PDF | ચક્રવ્યુહ... - 14

Featured Books
Categories
Share

ચક્રવ્યુહ... - 14

પ્રકરણ-૧૪ 

“પુષ્પ કુંજ”

શ્રીમાન સુરેશ ખન્નાના દિલ્લી સ્થિત મહેલનું નામ અને નામ પ્રમાણે જ ગુણોથી સભર હતુ પુષ્પકુંજ. ભવ્ય ઘુમ્મટાકાર પ્રવેશદ્વારથી અંદર પ્રવેશતા જ જાણે કોઇ ફૂલવાડીમાં આવી પહોંચ્યાનો અહેસાસ આવનાર કોઇને પણ સહેજે થઇ આવતો. ભાતભાતના અને અવનવા રંગના ગુલાબના છોડ બન્ને બાજુએ પોતાની સુગંધને પાથરી અને આવનારનું સ્વાગત કરી રહ્યા હતા. તેની બન્ને બાજુ મોગરાની મીઠી સોડમ આવનારનું મન મોહી લેતી હતી. દૂર ફરતે દિવાલને લગોલગ આસોપાલવ, નાળીયેરી,કેળના વૃક્ષો તો એવા શોભી રહ્યા હતા જાણે મહેલને ફરતે આ વૃક્ષોરૂપી દિવાલ જ ન હોય! જરા આગળ જ આવતા વૃદાનુ વન એવા તુલસીજીના વનમાં પહોંચી ગયા હોય તેવી મહેક તન મનને ટાઢક પહોંચાડતી હતી. સૂર્યમુખી, કરેણ જાસુદ રાતરાણી ગલગોટા અને અમૂક તો એવા રંગબેરંગી ફૂલોના નાના નાના છોડ હતા કે જેને કોઇ સામાન્ય વ્યક્તિએ ક્યારેય જોયા પણ ન હોય.

આગળ જતા મોટો હોજ જેમા નાના નાના બતક અને માછલીઓ તરી રહી હતી અને જેની વચ્ચે ઊંચો ફુવારો હવામાં ઉછળી રહ્યો હતો મેઇન પ્રવેશ દ્વારથી લઇને મહેલના દરવાજા સુધી ધૂળ તો દૂરની વાત ટાઇલ્સ પણ જોવા ન મળે, ચોતરફ હરીયાળી હરીયાળી જ જોવા મળી રહી હતી. આગંતુકો બધાની આંખોમાં આશ્ચર્ય સિવાય બીજુ કશુ જ ન હતુ. તેમાનો એક હતો રોહન ઉપાધ્યાય અને તેનો પરિવાર કે જેઓ પણ સુરેશ ખન્નાના આમંત્રણથી તેના એકમાત્ર પૂત્રના જન્મદિવસની ભવ્ય પાર્ટીમાં આવ્યા હતા.   “રોહનના પપ્પા, તમે આ લગ્ન માટે ના જ કહી દો એ જ સારૂ છે, આ લોકો તો અતિ ધનાઢ્ય લાગે છે. ઘરની બહારથી જ તેમનો વૈભવ દેખાય છે તો વિચારો અંદર તો શું નું શું હશે?” કૌશલ્યાબેને પોતાની ચિંતા ઠાલવતા કહ્યુ.   “રોહનની મા, પૈસા કરતા માણસોનો સ્વભાવ વધુ મહત્વ ધરાવે છે. માણસ પાસે ગમે તેટલો પૈસો હોય પણ જો તેની વાણીમાં નમ્રતા અને દિલમાં ચોખ્ખાઇ હોય ત્યારે આપણે ડરવાની કોઇ જરૂર જ નથી.”   “મમ્મી, તુ અકારણ આટલી બધી ચિંતા કરે છે, તારા આ છ ફૂટના ગબરૂ જવાન દિકરાને કોઇ કાંઇ કરી નહી શકે, તેના માટે છત્રીસની છાતીની જરૂર પડે મમ્મી.” રોહનના શબ્દોમાં ભરપૂર આત્મવિશ્વાસ છલકી રહ્યો હતો.

“જોયુ તારા દિકરાની વાતોમાં કેટલો વિશ્વાસ છલકે છે? તુ પણ બધી ચિંતા ઉપરવાળા પર છોડી દે અને ચહેરા પર થોડી મુશ્કાન રાખ.” પ્રકાશભાઇ વાત કરતા અંદર પ્રવેશ્યા.   અતિ ભવ્ય હોલ કે જેની છત તો જાણે આભને આંબતી હોય તેટલી ઊંચી હતી, સુરેશ ખન્નાનો મહેલ ચાર માળનો હતો પણ ખાસિયત એ હતી કે મુખ્ય છત એક જ હતી. ચોથા માળનો રૂમ હોય કે બીજા માળનો રૂમ, રવેશમાં ઊભા રહો એટલે નીચેનો આખો હોલ નજરે ચડે. આખા હોલમાં ફરતે રૂમ હતા નીચે એકમાત્ર હોલ અને કીચન અને પૂજાનો રૂમ દેખાતો હતો. એન્ટૃન્સ પર બે બોડીગાર્ડ જેવા મજબૂત અને કદાવર યુવાનો ઊભા હતા.

“શર્મા, તે લોકોને અંદર આવી જવા દે, ઉપાધ્યાય પરિવારનું ચેકીંગ કરવુ તે તેમના ભારોભાર અપમાન સમુ છે.” બોલતા સુરેશ ખન્ના અન્ય મહેમાનો પાસેથી પ્રકાશભાઇ અને તેના પરિવારને આવકારવા આગળ આવ્યા.

“આવો આવો પ્રકાશભાઇ, આપનુ હાર્દીક સ્વાગત છે.” સુરેશ ખન્નાએ તેમની પત્ની જયવંતીબેનની ઓળખાણ પ્રકાશભાઇના પરિવાર સાથે કરાવી ત્યારે જયવંતીબેને પણ બધાને આવકાર્યા.   રીઅલ ડાઇમન્ડની જ્વેલરીથી સજ્જ થયેલા અને હેવી વર્કડ સારીમાં સુસજ્જ થયેલા જયવંતીબેનની આભા તદ્દન નિરાળી હતી. આ બાજુ સુરેશ ખન્ના પણ કાંઇ ઓછા ઉતરે એમ ન હતા, બન્નેના ચહેરા પર રહેલુ સ્મિત પ્રકાશભાઇ જોઇ રહ્યા હતા.

આજની બર્થડે પાર્ટીમાં શહેરના નામાંકિત ઉદ્યોગપતિઓ, બોલીવુડની હસ્તીઓ, શહેરના અગ્રણીઓ, રાજકારણીઓ, અધિકારીઓથી પ્રેસ અને મીડીયાના રિપોર્ટર્સથી માંડી પોતાની કંપનીના નાનામાં નાનો કર્મચારી આમંત્રીતો હતા અને જ્યારે બીઝનેશમાં અગ્રણી ગણાતા સુરેશ ખન્ના પોતાના ઘરે બર્થડેમાં આમંત્રણ આપતા હોય ત્યારે આ સોનેરી મોકો કોણ છોડવાનુ હતુ?

અને આ બાજુ જ્યારે આવડી ભવ્ય શાનદાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હોય ત્યારે સિક્યોરીટી પણ એટલી જ કડક રાખવામાં આવી હતી, આખરે બીઝનેશમાં ટોપ મોસ્ટ ગણાતા સુરેશ ખન્નાના ઘરે પાર્ટી હતી.   ઘરનું આંગણું તો કહી ન શકાય પણ બગીચાની સજાવટ આટલી ચિવટથી કરવામાં આવી હતી તો ઘરની સજાવટ કેવી અદભુત હશે! એવી વાતો હરકોઇ અંદરોઅંદર કરી રહ્યા હતા.

“આ બધા આવનારા મહેમાનો સામે નજર તો કરો, આપણે જ ગામડીયા જેવા દેખાઇએ છીએ, બાકીના બધા તો ઠાઠમાઠમાં સજ્જ થઇને આવ્યા છે.” કૌશલ્યાબેને પ્રકાશભાઇને કાનમાં કહ્યુ.

“રોહનની મા, બહારી ઠાઠ તો સૌ કોઇ કરી જાણે, ભીતરનો ઠાઠ વધુ મહત્વનો છે, આપણો પહેરવેશ ભલે ગામડીયા જેવો લાગે પણ આપણે જેવા છીએ તેવા જ અહી આવ્યા છીએ બાકી અહી આવનાર બધા તો બસ આ પાર્ટી માટે સુસજ્જ થઇને આવ્યા છે. તુ નાહક ઉપાધી કરે છે.”

“હાય રોહન, હાઉ આર યુ?” રોહન તેના મમ્મી પપ્પા સાથે હતો ત્યાં પાછળથી કોઇએ તેને પુછ્યુ.   “ઓહ, વ્હોટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ રોશની મેડમ, આજે તમે મને સામેથી હાલચાલ પુછ્યા? આ કોઇ સ્વપ્ન છે કે પછી આંખો દેખી હકિકત?” રોહન એક એક શબ્દ પર જરૂર કરતા વધુ વજન આપી બોલ્યો.   “પ્લીઝ રોહન, તુ આમ કેમ કહે છે? અહી ઓફિસ તો નથી જે હું તારા હાલચાલ પૂછી ન શકુ.”

“રોશની, મે પણ એવુ જ વિચાર્યુ હતુ પણ તે તારા ઓફિસીયલ વર્કને આપણી દોસ્તી કરતા વધુ અહેમીયત આપી જ્યારે હું બાવરો તો એમ સમજી બેઠો હતો કે યુ આર માય બેસ્ટીઝ.”

“તને કેમ સમજાવુ???”

“એક્સક્યુઝ મી મીસ્ટર ઉપાધ્યાય, પ્લીઝ કમ હીઅર.” બન્ને વાત કરતા હતા ત્યાં સુબ્રતો રોયે રોહનને બોલાવી લીધો.

“તુ ક્યારેય મને સમજી નહી શકે રોહન, તને ક્યાં બધી બાબતની ખબર છે બધી? મને જ બધી ખબર છે કે સુરેશ ખન્ના શું છે???? ઠીક છે ભલે આજે તુ મને નથી સમજી શકતો કે સમજવા ઇચ્છતો નથી પણ એક દિવસ હું બધુ તને કહીશ ત્યારે તને મારી ઇમાનદારીનો અહેસાસ થશે, હું તો તને દોસ્તથી પણ એક કદમ વધુ ઇચ્છવા લાગી હતી પણ સાયદ મારા કિસ્મતમાં તારો સાથ લખેલો જ નથી.” બોલતા બોલતા રોશનીની આંખનો ખૂણો ભીનો થઇ ગયો... 

TO BE CONTINUED……